કયા સંબંધે -(4) દર્શના વારિયા નાડકર્ણી

                                                          સબંધ

ક્યાંક સબંધ તૂટે છે, સબંધ ક્યાંક બંધાય છે
ક્યાંક લાગણીના રેલા ફૂટે છે, ક્યાંક રૂંધાય છે

ત્યાં દીકરી દેશું? છોરી ત્યાં સુખી થશે.
ક્યાંક સબંધ સવાલ છે, ક્યાંક ઉપાય છે

ક્યારેક સબંધ દોષિત ઠરે, બાળકો અવળા થાય
કૃત્યો એવા કરતા, સબંધ ક્યાંક ટોકાય છે

શિખામણ એજ દીકરી, ખુબ પસ્તાવાય છે
સંભાળજે, જો ઉતાવળે નાતા ક્યાંક જોડાય છે

ખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન
છતાં બીકથી સબંધ ક્યાંક રોકાય છે

ક્યાંક નીકટના છરો ભોંકે ને અજાણ્યા
દેહ પર ઝીલે, સબંધ ક્યાંક એવાય છે

મોલ કરવા અઘરા કૈંક અનમોલ સબંધે
તારી માનવજાત, એવા સબંધ ક્યાંક પરખાય છે

આપજે વધુ, માગજે ઓછું, આશા થોડી
પ્રેમ જાજો, દર્શના એમ સબંધ ક્યાંક સજાય છે

                                                           દર્શના વારિયા નાડકર્ણી

બેઠક” નો આ મહિનાનો વિષય છે “ક્યાં સબંધે”.  સબંધ ના સ્વરૂપ ઘણા અને આ વિષયને તો કોઈપણ રીતે આવરી ન શકાય. માઈક્રોફિક્શન અને ગઝલ રૂપી કડીઓના આધારે વાચો નીચેની વાર્તાઓમાં સબંધ ની વૈવીદ્યતા વિષે.

            સંબંધ ની ચંચળતા

હજી તો કોલેજમાંથી આવીને ચોપડી નીચે મુકે તે પહેલા। અમી તેની જોડકી બહેન નિમ્મીને ખેંચી ને રૂમમાં લઇ ગયી અને બથ ભરીને ગોળ ફરવા લાગી. નિમ્મી ક્યે બસ બહુ થયું। મને મળાવ્યા વગર ખાલી વાતો સંભળાવે છે, નથી સાંભળવી હવે તારા સ્વપ્નીલની વાતો. અમ્મી બોલી એજ તો તને કહેવા માગું છું. આજેજ તે તેના મમ્મી, પપ્પા જોડે ઘરે આવવાનો છે. નિમ્મી: મને મળાવ્યા પહેલા તે બીજા બધાને મળાવવાનું  નક્કી કરી લીધું? અમી: અરે ગઈકાલે સ્વપ્નીલની મમ્મી તેને કોઈ છોકરીની વાત કરવા લાગી તો સ્વપ્નીલે તેને કહી દીધું કે મને તો અમી જોડે પ્રેમ છે અને તુરંતજ તેની મમ્મી મને મળવા માગતી હતી. સ્વપ્નીલે મને વાત કરી અને મેં મમ્મીને કીધું અને મમ્મીએ તો તુરંત તેની મમ્મીનો ફોન નંબર માંગ્યો, ફોન ઘુમાવ્યો અને બંને મમ્મીઓએ આજેજ મળવાનું નક્કી પણ કરી લીધું।  પપ્પા થોડો બહાર સમાન લેવા ગયા છે.  નિમ્મી: બસ ખર્ચો શરુ. મારા લગન માટે આ લોકો કઈ પૈસા બચાવશે કે નહિ”.

અમી: અરે  પપ્પાને તો તારી ઉપર પ્રેમનો ધોધ છે. કોઈપણ છોકરો જોવાનો હોય તો ક્યે પહેલા નિમ્મી જોઈ લ્યે, તે કવિયત્રી બહુ સંવેદનશીલ છે તેને ગમી જાય તો સારું. પણ તું તો જોવાજ નથી માગતી, 14 વર્ષે થયેલા પ્રેમની યાદી લઈને બેઠી છે. નિમ્મી: એવું નથી મારા પ્રથમ પ્રણય જેવોજ પ્રેમ પાછો થાય તેની રાહમાં છું અને તુરંતજ તેને તમારી પાસે લાવીશ।  પણ પપ્પાના કીધે મળવાથી થોડું તેવું પ્રેમ પાત્ર મળે? અમી: તે તને યાદ પણ નહિ કરતો હોય. નિમ્મી: પહેલા પ્યારને કોઈ ક્યારેય ન ભૂલે. Practical અમી બોલી: પણ કેવો પ્રેમ? છ મહિના એણે બોયસ સ્કૂલમાંથી અને તે ગર્લ્સ સ્કૂલમાંથી, ખાલી એમ બીજાને જોયા કર્યું અને પછી છ મહિના એક બીજાને કોઈના દ્વારા પત્રો મોકલ્યા તે પણ કવિતાઓ લખી લખી ને.  પણ ન કોઈ નામ, ન ઠેકાણું .  અરે તને ખબર છે સ્વપ્નીલ ને પણ કવિતા ખુબ ગમે છે અને ક્યારેક કાગળ ઉપર ટપકાવે પણ છે. નિમ્મી: આ તારો સવ્પ્નીલ મને મળવા લાયક છે.  પણ અમી તું મારા પ્યારને આમ ઘડી ઘડી નીચો ન પાડ. ખબર છે અમે કેવી કેવી પંક્તિઓ એક બીજા માટે લખેલી? અને અમે નિશાળના છેલા દિવસે મળવાના હતા અને પછી તો તે કોલેજમાં જવાનો હતો; કોણ જાણે ક્યાં હશે.  અરે નસીબનો સાથ ન મળ્યો કરીને નિમ્મીએ મોટો નિસાસો નાખ્યો. અમી: હા હા તમારા પ્રેમી પંખીડા ના પત્ર વય્વ્હારની મને ખબર છે. ભૂલી ગયી તે મને બધી પંક્તિઓ વંચાડી છે કેટલીયે વાર. ચાલ હવે તૈયાર થઈએ.

બંને કુટુંબ મળીને નવા સબંધની ઉજવણીમાં ખુશ હતા અને કોઈએ જોઈ નહિ નીમ્મીના મોઢા પર છવાયેલી ઉદાસી।  તેના હોઠ ઉપર આછું સ્મિત ફરકતું હતું પણ દિલમાં હૈયાફાટ રુદન ચાલતું હતું.  એકાદ વખત તેની નજર સ્વપ્નીલ તરફ ગયી તો તેના મુખ પર પણ ઉદાસીનો આભાસ જણાયો।

ક્યાંક સબંધ તૂટે છે, સબંધ ક્યાંક બંધાય છે
ક્યાંક લાગણીના રેલા ફૂટે છે, ક્યાંક રૂંધાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધનો સાદ

મીતાએ જયારે જન્મદિન ઉપર કુતરું જોઈએજ એવી જીદ કરી ત્યારે વહાલસોઈ દીકરી માટે સુરેશ અને નીતાએ ખુબ કુતરા વિષે વાચ્યું અને પછી અત્યંત તપાસ કરી.  ત્રણ થી ચાર કુતરાઓને મળ્યા પછી જયારે તેઓ મિષ્ટી ને મળ્યા ત્યારે તરતજ તેના પ્રેમમાં પડી ગયા. પણ જીમ અને મેરી એ તો બે વખત મળ્યા પછી પણ હા ન કહી. સુરેશે પૂછ્યું કે તમે બીજા કોઈને આપવાના હો તો અમને કહી દ્યો તેથી અમે બીજે તપાસ કરીએ.  મેરીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમારા કલ્ચરમાં તમે દીકરી ના લગન કરી બીજે ઘર મોકલતા પહેલા ખુબ વિચાર કરો છો.  મિષ્ટી અમારી દીકરી સમાન છે, અમારી મજબૂરી ને લીધે અમારે ઘર વહેચવું પડશે અને તેને રાખી શકીએ તેમ નથી. પણ દીકરી ને દેતા પહેલા ખુબ વિચાર તો જરૂર કરશું જ.

ત્યાં દીકરી દેશું? છોરી ત્યાં સુખી થશે.
ક્યાંક સબંધ સવાલ છે, ક્યાંક ઉપાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધના સરનામે

એડમ લાન્ઝા કરીને યુવાને તાજેતરમાં 20 બાળકો અને 6 નિશાળના વડીલોને ક્રૂર રીતે રહેસી નાખ્યા ત્યારે દેખીતી રીતેજ ઘણા લોકો તેની માને ખુબ દોષિત ઠરતા હતા. ત્યારે એક બેને “હું એડમ લાન્ઝા ની માં છું” કરીને અખબારમાં એક પત્ર પ્રકાશિત કરેલ.  તેણે કહ્યું કે આપણે બદુકની ઉપલબ્ધતા, TV ઉપર આવા હિંસાના દ્રશ્યો, બીજા દેશોમાં ચાલતી લડાઈ, ધર્મ, રાજકારણ, અને બાળઉછેર વગેરે બાબતો ઉપર ચર્ચા કરીએ પણ ક્યારેક માનસિક બીમારી ઉપર પણ ચર્ચા અને તેના માટે રસ્તો કાઢવાની પણ ખુબ જરૂર છે.  તેણે તેના પોતાના બાળક ની વાત કરી કે મીઠો, દેખાવડો, હોશિયાર, ખુબ પ્રેમ થી ઉછરેલો તેનો લાલ, માનસિક બીમારી થી પણ પીડાય છે. જયારે બીમારી ઉથલો મારે ત્યારે તે પોતે પણ તેના દીકરાથી ઘબરાય જાય છે.  કદાચ બીમારી માં તેનો દીકરો કોઈ ખરાબ કૃત્ય કરે તો દોષિત તો તેજ ઠરવાની ને.  બલકે તેના બીજા બે બાળકો સરસ નાગરિક છે અને બધીજ પ્રગતિ કરી રહ્યા છે.

ક્યારેક સબંધ દોષિત ઠરે, બાળકો અવળા થાય
કૃત્યો એવા કરતા, સબંધ ક્યાંક ટોકાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધની ફરિયાદ

ચંપાબેને શિખામણ તો ખુબ આપેલી ઝરીનાને કે ઉતાવળે ક્યારેય સબંધ ન જોડાય.  પણ વહાલી દીકરી મિલીન ના પ્રેમ માં ગરકાવ હતી અને બને ને તુરંતજ લગ્ન કરવા હતા.  મિલીન ની મારપીટ મહેંદી આછી પડે તે પહેલા જ શરુ થયી ગયેલ.  પણ વડીલોએ થોડા આંખ આડા કાન કર્યાં, થોડી ઝરીનાને શિખામણ આપી, થોડા મિલીન ને વઢયા, થોડો સમય જતા બધું પાટે ચડી જશે તેમ વિચાર્યું. મિલીન અને ઝરીના વચ્ચે ઝઘડો થયો, મારામારી થયી અને પછીનું કોણ જાણે શું થયું.  પણ જયારે ચંપાબેનને ફોન આવ્યો કે તેમની એક ની એક દીકરી ને અસ્પતાલમાં લઇ જવામાં આવેલ છે અને તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે ત્યારે તો જાણે હૃદય ફાટીને રસ્તામાં પડ્યું હોય તેવું લાગ્યું. શું ઝીંદગી પસ્તાવામાં જશે?

શિખામણ એજ દીકરી, ખુબ પસ્તાવાય છે
સંભાળજે, જો ઉતાવળે નાતા ક્યાંક જોડાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધનું સાનિધ્ય

સલીમભાઇએ કહ્યું કે ભલે ગમે ત્યાં કોમી હુલ્લડો થાય પરંતુ પ્રતાપ કોલોની માં ક્યારેય તોફાન નહિ થાય. કોલોનીમાં રામ બરાત નીકળે ત્યારે સૈલેશભાઈ ના ખાસ મિત્ર સલીમભાઈ તો તેમની જોડે મોખરે હોય. તેમના પગનું ઓપરેશન થયું તે પહેલા સલીમભાઈ રામ લીલા માં પણ ભાગ લેતા.  આમ તો વર્ષો જૂની દોસ્તીઓ પાકી હતી પણ હમણાં થોડું વાતાવરણ બગડેલું.  કોલોની ની મિટિંગ માં ભાઈચારો જાળવી રાખવા માટે હજી તો સલીમભાઈ બે શબ્દો બોલ્યા કે હાક પડી. સોમનાથ અને રાજેશ રાજકારણ માં ખુબ સક્રિય હતા અને જ્યાં આ લોકો પહોચે ત્યાં વાતાવરણ ને ઉતેજીત થતા વાર નતી લાગતી। રાજેશે અને સોમનાથે બધાને ઉશ્કેરવાના ચાલુ કર્યા અને દસ મિનીટ ની અંદર આખો ભાવ બદલાય ગયો. બંને કોમના માણસોએ એક બીજા ઉપર આરોપ નાખવાના શરુ કર્યા।  ખુબ ઉશ્કેરાટ જોઇને 3-4 ભાઈઓ આગળ આવ્યા અને બધાને શાંત પડ્યા પછી એવું નક્કી થયું કે કોલોની ની જમણી તરફ મુસલમાન છોકરાઓ રમી શકે અને ડાબી તરફ હિંદુ ના છોકરાઓ.  બધાએ પોતાના બાળકોને સમજાવી લેવાના અને બીજી તરફ જવાનું નહિ.  સલીમભાઈ રાત્રે નિરાતે સૈલેશભાઈ ના ઘરે ગયા કે એ ચર્ચા કરવા કે આ રીતે વણસેલી વાત ને કઈ રીતે કાબુમાં લાવવી।  સૈલેશભાઈ એ બારોબારથી જ જવાબ આપ્યો, સલીમ હવે જમાનો બદલાઈ ગયો છે અને આપણે તે પ્રમાણે વર્તવું જોઈએ. હવેથી તું તારા લોકો સાથે રહે અને હું મારા લોકો સાથે રહું તો સારું રહેશે.

ખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન
છતાં બીકથી સબંધ ક્યાંક રોકાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધની અપેક્ષા

ઉસ્માન ભાઈને અહમદ અને અદિલા ઉપર એક સરખો અથાગ પ્રેમ. અદીલાના નિકાહ પછી થોડા સમયમાં તેના પતિનું અવસાન થયું અને તે ભાંગી પડેલ. અમીનો તો સહારો હતો પણ ખાસ તો અબ્બાના સહારાથી તે પગભર થઇ અને તેના એક ના એક બાળક ને ઉછેરતી હતી.  અબ્બાજાન ના ગુજરી ગયા પછી તેમના વિલ માં તપાસ કરવાથી ખબર પડી કે અબ્બાએ ઘણા સમય પહેલા લીધેલ એક ઘર અદિલા ના નામ ઉપર મૂકી દીધેલ.  અહમદ ના નામ ઉપર તો બે મકાન હતા અને આખરી દિવસોમાં અબ્બાજાને તેમનો ધંધો પણ અહમદના નામે જ કરી દીધેલો.  છતાં પણ એક મકાન અદિલા ના નામે કરેલ તે અહમદને રુચ્યું નહિ. દીકરો હોવાને લીધે તે માનતો હતો કે બધુજ અબ્બા તેના નામે મુકતા જશે.  ખુબ ગુસ્સાથી તે ગલીમાં રહેમાનને કહેતો હતો કે તે અદિલા ને છોડશે નહિ. અદીલાએ જ અબ્બાનું મગજ ફેરવી દીધું છે.  સુરેશ મિત્રો ની રાહ જોતો પાન ના ગલ્લા ઉપર ઉભો હતો અને અહમદની વાતો તેના કાને પડી.  બન્યું એવું કે બીજાજ દિવસે સુરેશ બસ ની રાહ જોતો હતો અને તેણે અહમદને આવતા જોયો.  અહમદના હાવ ભાવ ઉપરથી કૈક અજુગતું લાગ્યું.  અહમદના હાથ માં પ્યાલા જેવું કૈક હતું અને એકદમ ગુસ્સાથી તે આવી ને સુરેશને પાસે બસ માટે ઉભો રહ્યો.  અચાનક સુરેશને ખાતરી થઇ ગઈ કે કૈક ખરાબ બનવાનું છે.  તેટલામાં બસ આવી ને તેમાંથી અદિલા ઉતરી.  તે તો ભાઈ ને ઘરે મળવા આવતી હતી.  ગુસ્સામાં ઉભેલા અહમદે પ્યાલા વાળો હાથ ઉપર કર્યો અને સુરેશે તરતજ વચ્ચે જંપલાવ્યું।  અદિલા તો બચી ગયી પણ અહમદના પ્યાલા નું એસીડ સુરેશના હાથ પગ ઉપર ઉડ્યું.

ક્યાંક નીકટના છરો ભોંકે ને અજાણ્યા
દેહ પર ઝીલે, સબંધ ક્યાંક એવાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધ ની ઉદારતા

એપ્રિલ ની 1994 ની સાલમાં પૂરી માનવજાત ઉપર ધબ્બો લાગે તેવી અતિ ખરાબ ઘટના બની.  આફ્રિકાના નાના દેશ રવાન્ડામાં હુટુ અને ટુટ્સી કોમ વચ્ચે લડાઈ શરુ થયી.  આમ આ બંને કોમ વચ્ચે બહુ તફાવત નથી; ભાષા અને ઘણાખરા રીત રીવાજ સરખા છે અને બધા એક સાથે જ રહેતા હતા. પણ એવું ગાંડપણ સવાર થયી ગયું કે લગભગ 30 દિવસની અંદર જ રવાન્ડા જેવા નાના દેશમાં દસ લાખ થી ઉપર માણસોને ક્રુરતાથી રહેંસી નાખવામાં આવ્યા, લોહીની નદીઓ વહેવા લાગી, અને રસ્તા ઉપર શબના ઢગલા થવા લાગ્યા.  બે, ત્રણ મહિનામાં લડાઈ તો બંધ થયી પણ આટલા ઊંડા ઘાવ કેમ ભરાય અને ન ભરાય તો બધા દેશીજનો દેશપ્રેમી તરીકે સાથે સાથે કેમ રહી શકે?

લડાઈ પછી ઘરે પાછી ફરેલી જેન ને તેનો પાડોશી ઇન્શા રસ્તા ઉપર ભટકાઈ ગયો.  જેને તેને તુરંત કહ્યું કે મને લોકો કહે છે તે મારા બે દીકરાઓને રહેંસી નાખ્યા છે.  ઇન્શા એ કહ્યું કે વાત સાચી છે કે મેજ તારા કુટુંબ ને મારી નાખ્યું અને મને તેનો ખુબ પસ્તાવો છે અને હું માફી માગું છું.  થોડા મહિના વિચાર્યા પછી જેને માફી આપી અને હવે બને દોસ્ત છે.  રવાન્ડા નો “ક્ષમા” પ્રોજેક્ટ ફાધર રુરીરારંગોગા એ શરુ કર્યો તે પછી હજારો લોકો તેમાં ભાગ લઇ ચુક્યા છે.  છ મહિના નો પ્રોજેક્ટ છે અને તેમાં ઘણી વખત મરેલાના કુટુંબીજનો અને તેમને મારનારા સાથે પણ ભાગ લઇ ચુક્યા છે. મરેલાના કુટુંબીજનો ગુનેગારોને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ઘણા ગુનેગારો મરેલાના કુટુંબીજનોને પૈસા અને ખેતી ની મદદ અને પશુ ભેટ રૂપે પણ આપે છે.  ક્ષમા પ્રોજેક્ટમાં છ મહિના સુધી બધાને ખુબ સલાહ અને ટેકો આપાય છે. ઘણા ગુનેગારો અત્યારે જેલ માં છે તે પણ આ પ્રોજેક્ટમાં ભાગ લઇ ચુક્યા છે.  ક્ષમા આપ્યા પછી જેલ માં હોવા છતાં ગુનેગાર અને ગુનાના ભોગ બનેલો કેટલા લોકો વચ્ચે ક્યારેક ગાઢ દોસ્તી બધાયેલી છે.  ક્ષમા પ્રોજેક્ટને લીધે આખો દેશ તેના ઇતિહાસમાં બનેલી ક્રૂર માં ક્રૂર ઘટના ને ધીમે ધીમે ભૂતકાળમાં મૂકી ને આગળ પગલા લઇ રહ્યો છે અને આખી દુનિયા રવાન્ડા ના ક્ષમા પ્રોજેક્ટને અદભુત નજરે નિહાળી રહી છે.

મોલ કરવા અઘરા કૈંક અનમોલ સબંધે
તારી માનવજાત, એવા સબંધ ક્યાંક પરખાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધ ના સેતુ

wpid-20140820_125612.jpgવર્ષો પહેલા ની વાત છે.  મેં મારી સહેલી મેરી ને કહ્યું કે મારા છૂટાછેડા થઇ રહ્યા છે અને અમે મકાન વેચવા મુકવાના છીએ તેથી હું સાફ સફાઈ માં વ્યસ્ત છું.  બીજે દિવસે ઘંટડી વાગી અને મેં દરવાજો ખોલ્યો તો મેરી હાથમાં ટ્રે લઇ ને ઉભી હતી.  તે ક્યે હું બધો સમાન લાવી છું અને મને તારા બાથરૂમ અને રસોડું સોંપી દે અને હું પૂરી સફાઈ કરી નાખું છું.  આટલી મોટી કોલેજ ની પ્રોફેસર અને આવું કામ તેને કરવા દેવાય? પણ હું વિચારું તે પહેલા તો તે ઘર માં અંદર આવી ગ્લોવ્સ પહેરી ને કામે લાગી ગયી.  પછી તો મહિનાઓ સુધી તે મારી પડખે જ રહી. કેટલાય કાર્ટન ગુડવિલ માં આપવા લઇ ગઈ, ચોપડીઓ ના કાર્ટન જુના બુકસ્ટોર માં આપવા લઇ ગયી, છોકરાઓને સંભાળ્યા અને બધાજ કામમાં મદદ કરી.  મેં કહ્યું કે ફેંસ ઉપર થોડો કલર કરવાની જરૂર છે પણ મેં આવું કામ કરેલ નથી.  મેરી બીજે દિવસે આવી અને અમે કલર અને સમાન લઇ આવ્યા અને પૂરી ફેંસ ઉપર નવો કલર લગાડ્યો.  અમારી દોસ્તી એટલી ગાઢ બની ગયી કે મને કઈ પણ જરૂર હોય તો હું બેધડક મેરી ને બોલાવી શકું.  હું મારી મમ્મીને મુકવા ભારત ગયી ત્યારે તે મારી સાથે ભારત પણ ગયી.  ન કોઈ સવાલ, ન સલાહ, ન રોક, ન ટોક.  બસ મેરીએ માત્ર સહેલી સબંધ ને સજાવ્યો, સ્નેહ સંભાળ અને સખી રૂપે સાથ આપ્યો, અને ધીમે ધીમે તે સહેલીમાંથી મારી બહેન બની ગયી.

આ ઘટનામાં થી મને જીવવાનો એક મહત્વો પાઠ શીખવા મળ્યો.   જીવનમાં હમેશા જે સાથી ભટકાય તેને આપવા માટે તૈયાર રહેવું. કોને ખબર ક્યારે, કેવી રીતે, કેમને લીધે, ક્યાં સબંધે કોણ આપણો હાથ જાલીને કિનારે પહોચાડશે।  આપણે આશા વગર ટેકો આપવા તૈયાર જ રહેવું. અને હું તો નક્કી કહીશ કે મેં આપ્યું છે તે કરતા મને જીંદગી માં બમણું, ત્રણ ને ચાર ગણું મળ્યું છે.  આ બધું ક્યાં સબંધે?

આપજે વધુ, માગજે ઓછું, આશા થોડી
પ્રેમ જાજો, દર્શના એમ સબંધ ક્યાંક સજાય છે

 

 Darshana V. Nadkarni, Ph.D.Cell: 408-898-0000Updates on Twitter @DarshanaNBlog – http://darshanavnadkarni.wordpress.com/
“Success is the ability to go from one failure to another, with no loss of enthusiasm” – Sir Winston Churchill
Darshana

4 thoughts on “કયા સંબંધે -(4) દર્શના વારિયા નાડકર્ણી

 1. આપજે વધુ, માગજે ઓછું, આશા થોડી
  પ્રેમ જાજો, દર્શના એમ સબંધ ક્યાંક સજાય છે

  તદ્દન સાચી વાત છે.

  Like

 2. વેધક સત્ય ધરાવતી પંક્તિઓ:
  ખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન
  છતાં બીકથી સબંધ ક્યાંક રોકાય છે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.