“તસ્વીર બોલે છે”-(10) કુંતા શાહ

સહિયરુ સર્જન ટંતીય ખેંચ

 

શું સુંદર આ દ્રશ્ય છે! આ ઝાકળ ભીના દ્રશ્યની પાછળ વનરાજી જોઇને હું ખોવાઈ જાઉં છું. મારું મન આનંદવિભોર થઈ જાય છે. પગમાં સ્ફૂર્તિ આવે છે પણ ઘડીભર એ દ્રશ્યને તીવ્ર આંખો થી પી લેવા ઊભી રહું છું.  કુદરતે રચેલું અલૌકિક રંગો અને સુગંધ નું મિલન અને એનાથી રાજી થતી ઝાકળ ના ભીંજાશની ઉષ્મા!

વળી, એક દેડકાનો પગ પકડીને બીજો નાનો દેડકો,અને  ઉપર ચઢાવનો પ્રયત્ન,અથવા યુવાન દેડકો અને દેડકી હોય તો શું મંગળફેરા લેતાં હશે કે પ્રણયને નવાજતાં હશે?ઝાકળ ના ભીંજાશની ઉષ્મા! સાથે દેડકી દેડકાનો પ્રેમ ની ઉષ્મા વર્તાય છે,”મેં હુના”  

અથવા જો દોરનાર દેડકો નાના દેડકાનો વડિલ હોય તો નાના દેડકાને કેટલી શ્રધ્ધા!  અને એ વડીલને પણ કેટલો પ્રેમ? જીવનમાં કંઇ પણ પામવું હોય તો પ્રથમ પગલું છે આપણા ધ્યેયમાં શ્રદ્ધા અને વિશ્વાસ. દેડકાને ઉપરવાળા દેડકા પર વિશ્વાસ ,શ્રદ્ધા અને વિશ્વાસ  સાચો હશે તો દૂરના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નહીં પડે. સામાન્ય સંજોગોમાં આપણે જીવનમાં શું ખૂટે છે તેનો વધારે વિચાર કરતા હોઇએ છીએ, પણ જે મળ્યું છે તેના માટે કોઈનો આભાર નથી માનતા. જે નથી તેની ફરિયાદ કરતા રહેવા થી નકારાત્મક ઊર્જા સર્જાય છે અને આપણા માર્ગમાં અવરોધો ઊભાં થયા કરે છે. આપણને જે મળ્યું છે તેનો આભાર માની હકારાત્મક વાતાવરણ ઊભું કરીશું તો બીજા દ્વારા આપણી બીજી ઇરછાઓને પૂરી કરવામાં મદદ મળશે …

આ સંસારમાં એવું જ છે. દાદા, દાદી, મા, બાપ, કાકા, કાકી, મામા, મામી, ફૂઆ, ફોઈ, માસા માસી, ભાઇ, બહેન, ગુરુઓ અને માનેલાં સબંધિઓનો સહુ નો એક શિશુ ને ઉછેરવામાં ફાળો છે.  ખાસ તો ગુરુ, ભલે ઉંમરે નાના કે સમન્વય હોય પણ એ જો આપણો હાથ પકડી લે અને શ્રધ્ધાથી દોરાઇએ તો ઉન્નતિ પ્રાપ્ત થવા માં શંકા જ નથી.

આ કુદરત પણ કેવી છે ?ક્યાંક ને ક્યાંક સંકેત આપે છે

મિત્રો જે હોય તે આ તસવીરમાં મને વિશ્વાસ ,શ્રદ્ધા ,અને પ્રેમ  ઝાકળ ભીની ઉષ્મા ના પ્રતિબિંબ દેખાય છે.

આજે હું જીવું છું, આજ હું માણી લઉં કુદરત ની સમ્રુધ્ધિ, કાલની કોને ખબર છે?

ફોટામાં જીવિત દેડકાને જોતાં આનંદ સાથે કોલેજમાં મૃત દેડકાને ચીરતાં મન કચવાતું તે યાદ આવે છે.  આજે પણ કોઇ ઘા જોતાં મને શું વ્યથા થાય છે તે સમજાવી નથી શકતી,એવાં દ્ર્શ્યો મને અચૂક પૂના યુનિવર્સિટી યાદ અપાવે છે.  ક્લાસ માં જવાને બદલે એની વનરાજી માં ફર્યા કરતી.  મારે બોટ્ની વિષયમાં જ માસ્ટર્સ કરવું હતું પણ બાપુજી ની ઇચ્છા અનુસાર કૅમિસ્ટ્રી લીધું.  કૅમિસ્ટ્રી કરતાં આજે પણ મને બોટ્નીમાં જે શિખી હતી તે વધુ યાદ છે.  હવાઇનાં બોટનિકલ ગાર્ડન ની પણ વિશેષ યાદ છે.  મારા દિકરી, જમાઈ અને તેમનાં બે બાળકો સાથે ગઇ હતી. તેઓને ઘણા બધા છોડ, ઝાડનો પરિચય કરાવતી હતી.

ઘણી વાર એક પ્રશ્ન મનમાં જાગે છે.શું આપણી આવતી પેઢી આવા ફોટાઓ પોતાનાં કેમેરાથી લઇ શકશે? આ દેડકાની ગણત્રી હજુ સારી છે અને જાતે દિવસે લુપ્ત થવાનો ભય નથી પણ એમને રહેવાની કુદરતી વનરાજી ખૂબ ઝડપથી ઓછી થતી જાય છે અને તેથી તેમનાં આકર્ષક ફોટાઓ દુનિયા ના ઉપવનનો બચાવવા માટે વપરાય છે.

આજે ચાલો આ તસવીર ના હીરો દેડકાનું ઉદાહરણ લઈને કૈક શીખીએ।.. આપણી ધરતી મા પણ ઘણા ફેરેફારોની સાક્ષી છે.  માનવ જાતની ઉત્પત્તિ પહેલાં ડાઇનાસૌરની જાતીના પ્રાણી હતાં વિશાળ – કદમાં અને વજનમાં.  જો એ જાતી પ્રલય ને લીધે ભૂંસાઈ ના ગઇ હોત તો માનવ જાત જન્મી જ ન હોત. પણ માનવની ઉત્પત્તિ પછી, માનવીને હાથે કેટલાં પશુ, પક્ષી, જળચર અને વનસ્પતિ નાબૂદ થઇ ગયાં? આ આખું જગત એક બીજાને આધારે જ ચાલે છે. કુદરત નાં ક્રમ પ્રમાણે દરેક શિકારી કોઇક નો શિકાર હોય છે. ધરતી વનસ્પતીને ઉગાડે છે. મચ્છર, ગાય, ઘોડા, બકરા વગેરે એ વનસ્પતિ ખાઈને પોષણ મળવે છે.  મચ્છરનો ખોરાક દેડકા બનાવે છે, દેડકા સાપ, પક્ષી અને નાના સસ્તન પ્રાણીઓના ભોગ બને છે, નાના પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તા વગેરેનું પેટ ભરે છે અને માનવી કદાચ કશું છોડતો નથી પણ સહુ પ્રાણી વહેલે મોડે મરે છે ત્યારે એ જમીનમાં ભળી જાય છે અને ખાતર બને છે જે વનસ્પતિની વ્રુધ્ધી માટે ખૂબ જ અનિવાર્ય છે.  જ્યારે આ ખોરાક યંત્રનું સમતોલપણું જતું રહે ત્યારે કુદરત વિફરે છે.

માનવીએ તો કુદરત ના ક્રમ ઉપર રાજ કરવાનું બીડું ઝડપ્યું છે! બીજાં કોઇ જીવને પૈસા નું ભાન નથી.  આપણે પૈસા ખાતર દેશો પર આક્રમણો કર્યા,  ગામના ગામ ઉજાડ્યા,  ઘણી માનવ જાતીઓને પણ ભૂતકાળમાં નાખી દીધી. હાથી નાં દાંત ની, હરણ, વાઘ, સિંહ, રીંછ, વરુ, મગર, સાપ, વગેરે ની ચામડી ની કિંમત સમજતાં તેઓની વસ્તિ ઓછી કરવા માંડ્યા.  માણસો વધ્યા એટલે તેમને રહેવાના કાગળ, મકાન તથા રાચરચિલા માટે લાકડાની જરૂરત વધી તેથી આપણે વનો ઉજ્જડ કરવા માંડ્યા છીએ. અને તેથી કુદરતી રીતે જ વનસ્પતિ થી આચ્છાદિત ભૂમિ આજે ત્વરાથી રણમાં બદલવા માંડી છે.  જુઓ ને, કેલીફોર્નિઆમાં હવે એક જ વર્ષ ચાલે એટલું પાણી છે.  ક્યાં ગયો વરસાદ અને ક્યાં ગઇ નદીઓ?  વાદળો અને પવન પણ હારી ગયાં.  શું આપણી આવતી પેઢીઓ આવા ફોટા પોતાનાં કેમેરાથી લઇ શકશે?

જે ગતિ થી ઘણા પશુ, પક્ષી અને વનસ્પતિ કુદરતી રીતે લુપ્ત થઇ રહ્યાં છે તે ગતિ થી પશુ, પક્ષી અને વનસ્પતિ મનુષ્ય જાતને લીધે ૧,૦૦૦ થી ૧૧,૦૦૦ ગણા નાબૂદ થઇ રહ્યાં છે.  આપણે વ્રુક્ષો તો કાપીએ છીએ, અને હા, સાથે સાથે બીજા રોપવાનો પણ પ્રયાસ કરીએ છીએ. પણ આભ ફાટે ત્યાં થીગડું ક્યાં મારીએ? માણસની વસ્તિ વધી, જરૂરિયાત વધી, તેથી અને ટેકનોલોજીનો છેલ્લી બે સદીઓથી એટલો વિકાસ થયો છે કે ગંદકી, પ્લાસ્ટિક વિવિધ જાતનાં રસાયણ અને ગેસોલિનને લીધે વાતાવરણ પર ખરાબ અસર થઇ અને પહેલાં જે જીવો ત્યાં અનુકૂળ વાતાવરણમાં રહેતાં હતાં તે જુદી જુદી માંદગીમાં ભોગ બની મરી જાય છે.

વસવાટ ની જગ્યા જ નથી રહી અથવા એ જગ્યા દૂષિત થઇ ગઇ છે તેથી લગભગ ૮૬% પક્ષી ઓ, ૮૬% સસ્તન પ્રાણી ઓ અને ૮૮% ઉભય જીવી દેડકાનાં કુટુંબી પ્રાણી ઓ નાબૂદ થવા ની તૈયારીમાં છે

બીજું શું ભૂંસાઈ ચાલ્યું છે? આપણી માતૃભાષા  એક જમાનામાં બ્રિટિશ અમ્પાયર પરથી સૂરજ કદી આથમતો નહીં તેથી લગભગ બધા દેશોની પ્રજા અંગ્રેજી ભાષા બોલાતી  થઇ ગઇ.  આદિવાસી, ગામડાના અને અભણ લોકો હજુ પોતાની માત્રુભાષાને વળગી રહ્યાં છે.  મારો જ દાખલો લઇએ.  હું પૂના ગઇ ત્યારે અમારા પડોશના બધાં ઇંગ્લિશ મિડિયમ ની સ્કૂલમાં જતાં અને જ ઇંગ્લિશ મા વાતો કરતાં.  તે જમાનામાં ઘણા અંગ્રેજ પણ સાનુકૂળ વાતાવરણને લીધે પૂનામાં રહેતા.  મને પણ આદત પડી ગઇ.  અહીં આવ્યા બાદ મિત્રમંડળ માં ગુજરાતીમાં વાત થાય, એ જ.  દિકરી ને રસ હતો એટલે એ ગુજરાતીમાં લખી વાંચી અને બોલી શકે છે, દિકરો સમજે છે.  દિકરી ના બે સંતાનો સમજે છે, બોલતાં નથી. મારા પછીની પેઢી પછી ખોવાઈ જવાની મારી માત્રુભાષા!  

  મને “બેઠક” યાદ આવે છે આજે “બેઠક”નો મને સહારો મળ્યો છે. એની દોરવણીને માનથી વધાવી ઉન્નતિ પામીશ.

  

દેડકા વિષે જાણવા જેવું -આ ઉભય જીવી દેડકા દક્ષિણ મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ઉત્તર પ્રદેશનાં ઉષ્ણકટિબંધનિય વનમાં રહે છે.  દિવસે સુએ અને રાતે જાગે. તેઓ માંસાહારી છે. એ ઝાડના પાંદડામાં લપાઈને બેસે અને તીડ, મચ્છર, પતંગિયા વગેરેનો ચીકણી જીભ દ્વારા શિકાર કરે.

લાલ આંખ વાળા આ દેડકા, વધુ વખત ઝાડ ઉપર રહે છે. ઘણા વૈજ્ઞાનિક એમ માને છે કે લાલ આંખ વાળા દેડકાની આંખ એટલે લાલ હોય છે કે એનો શિકાર કરવા આવતા પક્ષી કે સર્પને ઘડી ભર વિચાર આવે કે આ પ્રાણી ખરેખર ખાવા જેવું છે કે નહીં!!!  અને એ પળ માં દેડકાને ભાગી જવાનો મોકો મળે છે.  દિવસ દરમ્યાન પાંદડાની નીચે ચોંટી ને, આંખ મીંચીને અને શરીર પરનાં ભુરા રંગની ભાત સંતાડી ને સુએ છે. પણ જો ભંગ પડે તો પોતાની આંખો ફુલાવી, મોટાં કેસરી પગ અને ભુરી ભાત વાળી પીળી જાંઘ બતાવે છે જેથી એના શિકારી ચમકી જાય છે. એ પળ માં દેડકા પોતાના જીવને બચાવવા ભાગી જઈ સંતાઇ જાય છે.  એમનાં તેજસ્વી લીલા રંગનું શરીર પણ શિકારીને ગૂંચવણમાં નાખવા માટે વપરાય છે.  મોટા ભાગનાં નિશાચર પ્રાણી ઓ જે આ દેડકાઓનો શિકાર કરે છે તે તીવ્ર દ્રષ્ટિ થી શિકાર શોધે છે.  આ તેજસ્વી રંગ થી શિકારીની આંખો અંજાઈ જાય છે અને દેડકો કૂદીને જતો રહ્યો હોય તો પણ તેની ભ્રાંતિ આપતી છબી રહી જાય છે.

કુંતા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.