ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી-(10)…… વિનોદ પટેલ

જુના નાટકોમાં એક ગીત ગવાતું “એક સરીખા દિવસો બધાના સદા જાતા નથી “ .સમાજમાં પણ બધું એક સરખું હમેશાં રહેતું નથી .સમયે સમયે માણસોના પહેરવેશ ,જીવવાની રીતી નીતિ-ફેશન ,સોચ, સમજ  વિગેરેમાં ફેરફારો સદા થતા જ રહે છે.જે લોકો આજે વૃદ્ધ થયા છે એમને જૂની આંખે ઘણું નવું નવું જોવા મળતું હોય છે .નવી પેઢીને જે સામાન્ય જીવનનો એક ભાગ લાગે છે એ જૂની પેઢીને મન વરણાગીપણું લાગે છે.એમની જૂની સોચ સમજ પ્રમાણે એ નવી પેઢીના પોશાક ,રહેવાની રીત ભાત, નવી ફેશનો વિગેરેની ટીકા કરતા જોવામાં આવે છે .જેવું માનસ એવો જ માણસ.

આવી વિચારસરણી ધરાવતા ઘણા જૂની પેઢીના માણસોની સ્થિતિ કુવામાંના દેડકા જેવી હોય છે.જુના માણસો જો એમના જુના આગ્રહોને વળગી રહે અને સમય પ્રમાણે એમની વિચાર સરણીમાં જો ફેરફાર ના કરે તો તેઓ એકવીસમી સદીની નવી પેઢીના સભ્યોમાં માન ગુમાવે એ સ્વાભાવિક છે.સમયનો તકાજો છે કે વૃદ્ધ જનોએ હવે  સમય પારખી એમનું રૂઢીચુસ્ત વલણ અને જુના આગ્રહો છોડીને નવા જમાના પ્રમાણે થોડા નવા ફેરફારો પણ અપનાવી લેવામાં કોઈ વરણાગીપણું નથી.

આવી સોચ સમજ આજુબાજુના વાતાવરણ ઉપર પણ આધાર રાખે છે .અમેરિકામાં જે સામાન્ય લાગતું હોય એ ભારતના કોઈ ગામડાના લોકોને વરણાગીપણું લાગે.દાખલા તરીકે અમેરિકામાં ઘણી બહેનો ગરમ ઋતુ હોય તો પોશાકમાં બદલાવ લાવી હાફ પેન્ટ પહેરે છે. હવે જો તમે ભારતની મુલાકાત લો અને પુષ્કળ ગરમી પડતી હોવા છતાં ભારતના કોઈ ગામમાં હાફ પેન્ટ પહેરીને બહેનો ફરે તો એને લોકો ત્યાં વરણાગીપણામાં ખપાવે અને ટીકાઓ પણ થાય .

મારા એક અનુભવની એક વાત મારી એક સત્ય કથા ઉપર આધારિત વાર્તા બેકટેરીયામાં મેં કરી છે. અમારા પાટીદાર સમાજમાં ઘણા વર્ષો પહેલાં બાળ લગ્નોનો રીવાજ પ્રચલિત હતો.છોકરો ભણીને એન્જીનીયર થાય પણ એની પત્ની કન્યા કેળવણીના ફેલાવાના અભાવને લઇ વહેલો અભ્યાસ છોડી મા-બાપને ખેતી અને ઘરકામમાં મદદ કરતી હોય .આ વાર્તામાં એક ભાઈ ભારતમાં એન્જીનીયર થઈને અમેરિકા જઈ ત્યાં મહેનત કરી સ્ટોર ચલાવે છે. ત્યાં ગયા પછી એની અભણ પત્નીને અમેરિકા બોલાવે છે.

ગામથી એકાએક અમેરિકાના જુદા જ વાતાવરણમાં આવેલી ગામડાની આ ગોરી દસ વર્ષમાં તો અહીની રીત ભાત જોઈને પતિની મદદથી એની બોલી,પહેરવેશ અને રીત ભાતમાં અદભૂત બદલાવ અપનાવી લઈને “સંતુ રંગીલી” નાટકમાં આવે છે એમ જલ્દી  ઓળખાય નહી એવી “અમેરિકન મેડમ “બની જાય છે.

દસ વર્ષ પછી પતી-પત્ની-  દિલીપ અને રક્ષા એમનાં બે બાળકો,પાંચ વર્ષની બેબી અને દોઢ વર્ષના બાબાને લઈને એમનાં મા-બાપ અને સ્નેહીજનોને મળવા એમના ગામ જાય છે.સ્વાભાવિક રીતે ગામનાં સગાં અને ફળીયાનાં માણસો એમના ઘરે એમને મળવા આવે છે.અમેરિકા ગયા પહેલાં ગામમાં રક્ષાનું નામ રૂખી  હતું. ફળીયામાંથી એક ઘરડાં વિધવા ડોશી મંછી મા દિલીપના દોઢ વર્ષના બાબાને રમાડવા માટે એમના હાથમાં આપવા એને કહે છે. ત્યાં રક્ષા દોડતી આવી દિલીપને કહે છે “ હની, બાબાને મંછીમાને ના આપીશ , એમના ગંદા શરીરનાં બેક્ટેરિયા બાબાને લાગી જશે તો એ સીક થઇ જશે .”

મંછીમા અભણ જરૂર હતાં પણ જમાનાને પચાવી ગયેલાં કોઠા ડાહ્યાં હતાં.તેઓ રક્ષાના ભાવ સમજી જાય છે અને એમનાથી કહ્યા વિના રહેવાતું નથી: “અલી,રુખલી,અમેરકા જઈને આવી એમાં તો બહુ બદલી જઈ ! ગાંમમાં હતી તારે માંથે ભેંસોનાં છાંણ ઉપાડી કાદેવ ખૂંદતી ખૂંદતી  ભાગોળે આવેલા ઉકરડે નાંખવા જતી’તી એ ભૂલી જઈ ! એ ટાણે તારાં આ બેક્ટેરિયાં ચ્યાં જ્યાં તાં !આંમ તમારું મૂળ ભૂલી જઈ પરદેશનાં મડમ ના બની જઈએ મારી બઈ !” આ પ્રસંગે રક્ષાએ જે વર્તાવ કર્યો એને ગામ લોકો એનું વરણાગીપણું માને તો એમાં નવાઈ નથી .

નવી પેઢીએ જૂની પેઢીની સંવેદનાઓને ઠેસ ના પહોંચે એની કાળજી અને સમજ રાખી સમય ,સંજોગ અને સ્થળ પ્રમાણે વર્તાવ કરવો જઈએ.આધુનિકતા કોઈવાર આછકલાઈ બની ના જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બધું પ્રમાણસર અને મર્યાદામાં હોય તો જ શોભે છે. કોઈ પણ વાતનો અતિરેક વર્જ્ય છે.

ભાઈ સાક્ષર ઠક્કરએ કાકાને વરણાગી બનાવી દીધા તો બિચારાં કાકીએ શું ગુનો કર્યો ! કાકીને પણ ન્યાય મળે એટલે “ ઓ કાકી તમે,થોડાં થોડાં થાઓ વરણાગી “ કાવ્ય રચવાની મને પ્રેરણા થઇ.

સુ.શ્રી પ્રજ્ઞાબેનના ફોન ઉપરના આગ્રહથી આ રચના મોકલવાનું શક્ય બનાવ્યું એટલે એમનો આભારી છું.

મૂળ ગીત- ઓ ભાભી તમે થોડા થોડા, ચિત્રપટ ગણસુંદરી(૧૯૪૮)

 

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં, થાવ વરણાગી,

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

નવી ફેશનોની ધૂન જુઓ કેવી બધે લાગી !

તમે પણ અપનાવો ફેશન , બહુ નહી તો થોડી,

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

કાકા થયા વરણાગી, શું કામ તમે ના થાઓ વરણાગી,

સ્ત્રી સમાનતાનો આ યુગ છે એ ના જાઓ તમે ભૂલી,

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

કિચનમાં બહુ રાંધ્યું , ખુબ ખવડાવ્યું બધાંને હેતથી,

કોઈક વાર રેસ્ટોરંટ જવાનું પણ રાખો, કાકાને તાણી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

સાડીનો એક ધારો પોશાક છોડો, પેન્ટ લો પહેરી,

નવી પેઢી સાથે ચાલો હવે કદમ સે કદમ મિલાવી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

ભગવાને આપ્યું છે,વાપરો ગમતી ખરીદી કરી,

કરકસર બહુ કરી, હવે દાન પણ કરો મન ખોલી ,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

ઘરકૂકડી ના બનો ,જુઓ દુનિયા છે કેવી નિરાળી,

કોમ્પ્યુટર શીખી લો, દુનિયાની ઉઘડી જશે બારી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

લખો,વાંચો,સભાઓ ગજાવો,છોડો ચાડી કે ચુગલી,

વિશ્વમાં આજે નારી શક્તિ જુઓ કેવી ગઈ છે જાગી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

ચંપલ છોડો,કદીક ઉંચી એડીના શુઝ લો પહેરી,

ધ્યાન રાખજો ,પડીને દાંત નાંખો ના તોડી,

ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.

 

જગત બદલાયું ,માટે સદી પુરાણા આગ્રહો દો છોડી,

ખોટી શરમ છોડો,કાકા થયા વરણાગી ઓલરેડી,

ઓ વ્હાલાં કાકી, તમે પણ થાઓ થોડાં વરણાગી.

 

વિનોદ પટેલ , સાન ડીયેગો, કેલીફોર્નીયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.