અંતિમ પડાવ-૮-પી. કે. દાવડા

અંતિમ પડાવ-૮

ભેટનું એપ્રિસિએશન.

જ્યારે ગોરા અમેરિકનોની વાત આદરી છે તો બીજો એક પ્રસંગ પણ કહી દઉં. મિત્રોને ભેટ આપવા હું ભારતમાંથી ધાતુની બનેલી નટરાજની તથા ગણપતિબાપાની મૂર્તિઓ લઈ આવેલો. એક અમેરિકન પરિવારમાં મારે ચા માટે જવાનું થયું. પહેલીવાર એમને ત્યાં જતો હોવાથી હું નટરાજની મૂર્તિ “ગિફટ રેપ” કરીને લઈ ગયો. ઔપચારિક હલો-હાય થઈ ગયા પછી મેં તેમને ગિફ્ટ પેકેટ આપ્યું. એમણે થેંક્યુ અને આની કોઈ જરૂર ન હતી વગેરે બોલી, મને પૂછયું, “શુ હું આ ખોલી શકું છું?” મેં હા પાડી, એટલે એમણે સાચવીને પેકેટ ખોલ્યું, મૂર્તિને બે હાથથી પકડી અને એની સામે નજર માંડી રાખીને “વાવ, વાવ, વાવ” એમ ત્રણ વાર એક એક મિનીટના અંતરે કહ્યું. મૂર્તિના વખાણ કર્યા. પછી એમણે મૂર્તિ એમની પત્નીને હાથમા આપી, એમણે પણ વખાણ કર્યા. પછી એમણે એમના પતિને પૂછ્યું આપણે એને પિયાનો ઉપર રાખીશું? પતિએ સંમતિ દર્શાવી એટલે મૂર્તિને પિયાનો પર ગોઠવી. થોડીવાર મૂર્તિ સામે જોઈને પછી ફરી થેંકયુ કહ્યું. આમ ભેટની રસમ પૂરી થઈ.

આપણે ત્યાં, મોટાભાગે ભેટનું પેકેટ થેંક્યુ કહી લઈ લીધા પછી એક બાજુ મૂકી દઈ બીજી વાત શરૂ કરી દે છે. મને જાણવા મળ્યું કે અમેરિકનોમાં “એપ્રિસીએટ” કરવાનો રીવાજ છે.
ભેટ મોંઘી છે કે સસ્તી એનું મહત્વ નથી, ભેટ પાછળની ભાવનાની તેઓ કદર કરે છે.

આવા તો કઈક અમેરિકન રીત-રીવાજ જોવાના અને જાણવાના બાકી છે.

અંતિમ પડાવ -૯

અમેરિકા અંગે નાની મોટી વાતો

દેશી દેશી ભાઈ ભાઈ
અમેરિકામા રહેવા આવ્યા પછી થોડા સમય સુધી તો રસ્તે ચાલતા કે સ્ટોર્સમાં આપણી આંખો ભારતીય લોકોને ખોળતી હોય છે. જો કોઈ મળી જાય અને વાતચીત કરવા જેવા લાગે તો ત્રણ સ્ટાન્ડર્ડ સવાલ પૂછવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાંથી આવો છો? અહીં વિઝીટર છો, ગ્રીનકાર્ડવાળા છો કે સીટીજન છો? અહીં કોની સાથે રહો છો? અહીં ગમે છે કે ભારતમા રહેવું વધારે પસંદ છે? આ વાતચીત લંબાય તો સંબંધ બંધાય છે અને લાંબા સમય સુધી એક બીજા સાથે ટેલિફોન વ્યહવાર કે હળવા મળવાનું થાય છે.

ફ્રીમોન્ટમાં હું જ્યાં રહું છું ત્યાંથી દશ મિનીટમાં ચાલીને પહોંચાય એટલા અંતરે એક વિશાળ પાર્ક છે. સોમથી શુક્ર, રોજ સાંજે અહીં ભારતીય સિનીઅર સિટીજન ભેગા થઈ લાફટર કલ્બ ચલાવે છે. એક કલાક હલકી કસરત અને પછી પંદરેક મિનીટ હળવા મળવાનું ચાલે છે. આસરે ૩૦-૪૦ સ્ત્રી પુરૂષ આમા ભાગ લે છે. ભારતના લગભગ બધા પ્રદેશના લોકો આમા ભાગ લે છે. અહીં કોઈ ગુજરાતી નથી, મરાઠી નથી, નોર્થ ઇન્ડીઅન નથી કે સાઉથ ઈન્ડીઅન નથી. બસ બધા ભારતીય છે. ભાષા સંબંધોમાં વચ્ચે આવતી નથી, જેવું આવડે તેવા અંગ્રેજી કે હીન્દીથૈ કામ ચાલી જાય છે. અહીં થયેલી મૈત્રી ઘણાંખરા લોકો લાંબા સમય સુધી જાળવે છે. ભારતમાં આવું ઓછું જોવા મળે છે.

શિષ્ટાચાર

હું રોજ સવારે ચાલવા માટે “વોકીંગ ટ્રેક” પર જાઉં છું. આવતાં જતાં અનેક ગોરા, કાળા અને અન્ય જાતના અમેરિકનો મળે છે. જો એમની અને તમારી નજર મળે તો Hi, Hello, Good Morning, How are you doing, આ ચારમાંથી કોઈપણ એક બોલે છે. તમે સામે હાથ ઉંચો કરો કે હાય-હલો કરો એટલે વાત પતી ગઈ! આ શિષ્ટાચાર માટે કોઈ ઊભું રહેતું નથી, બસ ચાલતાં ચાલતાં જ પતી જાય છે. આ માત્ર એક રીવાજ છે. આનો વધારે પડતો અર્થ લઈ, કોઈ પણ જાતની પહેલ કરવા જેવું નથી. હા, લાંબા સમય સુધી રોજ એક જ વ્યક્તિ સાથે આવું હલો હાય થતું હોય તો ક્યારેક થોડી વાતચીત, જેવીકે આજ મોસમ સારી છે, થવાનો સંભવ રહે છે.

અમેરિકાના કુતરા

આ સવારના વોક દરમ્યાન મને એક અનોખો અનુભવ એ થયો કે ગણી મોટી સંખ્યામા લોકો પોતાના કૂતરાને વોક કરાવવા લઈ આવે છે. આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તો જોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સો ટકા સમજે છે. એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડ એપોલોજાઇસ”. કુતરૂં મારી માસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તો અનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામે પ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છું ત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!!

અમેરિકન લોકોને કુતરા અને બિલાડીઓ પાળવાનો ખૂબ શોખ છે. આ એક ખર્ચાળ શોખ છે, છતાં અનેક અમેરિકનોને મેં કુતરા પાળતા જોયા છે. કુતરાને તેઓ પોતાના કુટુંબના એક સભ્ય તરીકે જ ગણે છે, એને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે. માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજ પાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે અને ભસીને એમને આવકાર આવે છે. ઘર ખુલતાં જ માલિકને વળગી પડે છે.

ભારતમાં ગરીબ માણસો કરતાં અમેરિકામાં કુતરાઓ સારી જીંદગી ગુજારે છે.

આખરી પડાવ – ૧૦

ઉપસંહાર
અમેરિકા આંગતુકોનો બનેલો દેશ છે. મોટા ભાગના લોકો યુરોપના જુદા જુદા દેશમાંથી આવેલા છે. શરૂઆતમા આ યુરોપિયનો આફ્રીકાના લોકોને ગુલામો તરીકે લઈ આવેલા, એટલે અહીં આફ્રીકનોના વંશજો પણ છે. આજે અમેરિકામાં ૮૦ % યુરોપમાંથી આવેલા ગોરા અમેરિકનો છે, ૧૩ % આફ્રીકી વંશના કાળા અમેરિકનો છે, ૪ % લોકો એશિયામાંથી આવેલા લોકો છે, જેમા ભારતીય લોકોનો પણ સમાવેશ થઈ જાય છે, ૧ % અમેરિકાના મૂળ વતનીઓ છે અને બાકીના ૨ % અન્ય દેશોમાંથી આવેલા લોકો છે.

આમ ૮૦ % યુરોપિયન લોકોના વંશજો હોવાથી અહીંની સંસ્કૃતિ ઉપર યુરોપની અસર વધારે હોય એ સ્વભાવિક છે, પણ અન્ય લોકો પોતાની સંસ્કૃતિ વગર રોકટોકે જાળવી શકે છે. હિન્દુ મંદિરો અને ગુરૂદ્વારાઓ આનો પુરાવો આપે છે.

અમેરિકનો અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરે છે પણ એમને શનિ-રવિનો બેસબૂરીથી ઈંતજાર હોય છે. આ રજાના બે દિવસો માટે તેઓ અગાઉથી કાર્યક્રમ ઘડી રાખે છે, જેમા કપડા ધોવાનો, ખરીદીનો, ફરવા જવાનો અને મિત્રોને અને સંબંધીઓને મળવા જવાના ફાર્યક્રમોનો સમાવેશ થાય છે. ટી.વી. માં રમત-ગમતના કાર્યક્રમોમાં એમની રૂચી વધારે હોય છે.

૫૦ જેટલા રાજ્યોનો બનેલો આ દેશ એટલો બધો વિશાળ છે અને ઉપર કેનેડા અને નીચે મેક્ષિકો સિવાય બીજા કોઈ દેશની સરહદ ન હોવાથી અમેરિકાની પોતાની જ એક આગવી દુનિયા છે. મોટાભાગના અમેરિકનો પોતાના જીવનકાળ દરમ્યાન આખો દેશ પણ જોઈ શકતા નથી.

મોટાભાગની રમત-ગમતની હરિફાઈઓ આંતર-રાજ્યો વચ્ચે હોય છે, દા.ત. એટલાંટાની ટીમ ન્યુયોર્કની ટીમ સામે રમે. જો કે ઓલંપિક, ટેનિસ વગેરે આંતરરાષ્ટ્રીય રમતોમાં પણ અમેરિકનો રસ ધરાવે છે.

મોટા ભાગના અમેરિકનો દેશાભિમાન ધરાવે છે અને “આઇ લવ માય કન્ટ્રી” આ વાત એમની જીભે સરળતાથી આવે છે. એમના દેશ-પ્રેમને ધ્યાનમાં લેતાં, અમેરિકા વિષે ટીકા કરવા પહેલા બે વાર વિચાર કરવાની મારી સલાહ છે.

આમ તો અમિરિકનો અન્ય લોકો સાથે સહેલાઈથી હળી-મળી જાય છે, પણ મારી આ વાતને સમજવામા ભૂલ ન કરતા અને બહુ સહેલાઈથી એ તમારા મિત્ર બની જશે એમ ધારી ન લેતા. અમેરિકનો એમની privacy ને ખૂબ જ મહ્ત્વ આપે છે. અગાઉથી નક્કી કર્યા વગર કોઈ અચાનક એમના ઘરે પહોંચી જાય એ એમને જરાપણ ન ગમે, ભલે એમને વાતચીતમા “ગમે ત્યારે આવો” કહ્યું હોય, અહીં “ગમે ત્યારે” નો અર્થ ગમે ત્યારે નક્કી કરીને આવો, એવો કરવો.

મોટા ભાગના અમેરિકનો “ફન લવીંગ” છે અને પોતાનો ફ્રી સમય પોતાને આનંદ આવે એવી પ્રવૃતિમાં ગાળવા માંગે છે. તેઓ અધિર જરૂર છે પણ અસિસ્ત નથી. લાઈનમાં ઉભા રહેવાનું ન ગમતું હોય તો પણ શિસ્તબધ્ધ રીતે લાઇનમાં ઉભા રહે છે. એમની સાથે વાતચીત કરતી વખતે હોંકારો આપજો, માથું હલાવજો, હા, હા, કરજો, નહિં તો એમને લાગસે કે તમે એમની વાત સાંભળતા નથી.

રસ્ત ચાલતા કોઈ સામા મળે તો ‘સ્માઈલ’ કરસે, હાય કહેસે કે ગુડમોર્નિંગ કહેસે; પણ બસ આટલું જ. આ એક શિષ્ટાચાર છે, એથી વધારે કશું નથી. વાત કરતી વખતે ભાષાનું ખાસ ધ્યાન રાખવું પડે, એમને માઠું તરત લાગી જાય.

અહીંની જીંદગીમાં ઝડપ છે, લોકો ઇમાનદારીથી કામ કરે છે. અઠવાડિયામાં પાંચ દિવસ પૈસા કમાવા ઉપર જ ધ્યાન કેંદ્રિત કરે છે. કામ હોય ત્યારે ખાવા-પીવાનું પણ અર્ધા કલાકમા પતાવી લે છે. કામ કરતી વખતે વસ્ત્રો તદ્દ્ન સાદા અને સામાન્ય હોય છે, ઘરેણાં તો દેખાતા જ નથી. તમે શું પહેરીને કામે આવ્યા છો એની કોઈને પડી નથી.

આખરી પડાવના એક વર્ષ દરમ્યાન મારા ધ્યાનમાં માત્ર આટલું આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિને અલગ અલગ અનુભવો થયા હશે, મેં તો માત્ર મારા અનુભવો અને નિરીક્ષણોની વાતો જ અહીં કરી છે.

અંતમાં આભાર દર્શન

૧૮ મી જાન્યઆરી, ૨૦૧૨ ના અમેરિકા પહોંચ્યાબાદ તરત જ મેં મારા મિત્રોને “અંતિમ પડાવ” નામે એક સંદેશ આપ્યો. ૨૪ થી ૪૮ કલાકમાં મને જે શુભેચ્છાના સંદેશા મળ્યા, કદાચ આ શુભ ભાવનાઓને લીધે જ મારૂં અમેરિકામાં એક વર્ષ સુખરૂપ પસાર થયું.

 

પી. કે. દાવડા

2 thoughts on “અંતિમ પડાવ-૮-પી. કે. દાવડા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.