પ્રભુ જ્ઞાની જીવન દે (૫) કલ્પના રઘુ શાહ

sarasvati
મનુષ્ય આજીવન જ્ઞાનની અપેક્ષાથી જીવતો રહે છે. માટે તો જીવનને એક પાઠશાળા સાથે સરખાવવામાં આવી છે. અનેક ગુરૂ તેના જીવનમાં આવે છે. જીવનના દરેક તબક્કે જુદા જુદા પ્રકારના જ્ઞાનની ભૂખ અને તરસ મનુષ્યને લાગે છે. અને એક પછી એક મેળવવાં તે પ્રયત્ન કરે છે. પરંતુ એક ભૂખ સંતોષાતાં બીજી ઉભી થાય છે. અને ઇચ્છાઓનો કોઇ અંત આવતો નથી. આ પ્રકારનાં મેળવેલાં જ્ઞાન દ્વારા માનવ અલગ અલગ વસ્તુઓની પ્રાપ્તિ આજીવનકાળ દરમ્યાન કરે છે. છતાં તેને સંતોષ થતો નથી. જ્ઞાનથી તે ઘર, વાહન, સંપત્તિ, મિલ્કત, પ્રતિષ્ઠા, સગા-સંબંધી બધુંજ મેળવે છે. પરંતુ સુખ-સંતોષનો અભાવ તેને સતાવ્યાજ કરે છે. હજુ જીવનમાં કંઇક ખૂટે છે તેવું તેને સતત લાગે છે.ઘણું બધું મેળવ્યાં પછી પણ અધૂરપથી માનવ વામણો બને છે.


માનવ જીવન એક પતંગિયાનાં જીવન સમાન છે. અંધારામાં પ્રકાશની જ્યોત પાછળ પોતાનું જીવન સમાપ્ત કરે છે. સામાન્ય માનવની આ સામાન્ય જ્ઞાનની ભૂખ અને જીવનનો અંત, આ છે માનવ-જીવન.
પરંતુ, જ્યારે ‘પ્રભુ જ્ઞાની જીવન દે … ’ આમ એક માનવ બોલે ત્યારે તેના જીવનમાં આધ્યાત્મિકતા પ્રવેશી છે તેમ સમજવું. માનવીની ચેતના શક્તિ જયારે ઉપર ઉઠે છે ત્યારે તેની આધ્યાત્મિક જ્ઞાનની ભૂખ ઉઘડે છે. એક જાણીતી વાર્તા છે. ‘એક ફકીર રાજા પાસે માંગવા જાય છે. દરવાન બહાર રોકે છે. ફકીરને પૂછતાં માલુમ પડે છે કે રાજા ઇશ્વરની બંદગી કરી રહ્યાં છે … , ઇશ્વર પાસે કંઇક માંગી રહ્યાં છે … ફકીર ચાલતાં થાય છે. ત્યાં રાજા આવીને પૂછે છે, શું જોઇએ છે?ત્યારે ફકીર જવાબ આપે છેઃ’ હું તારી પાસે માંગું એનાં કરતાં શહેનશાહનો પણ શહેનશાહ … જેની પાસે તું માંગી રહ્યો હતો, એની પાસેજ હવે હું કેમ ના માંગું?!!!’ આમ ફકીરને જ્ઞાન થાય છે કે કોની પાસે માંગવું જોઇએ તો તેની માંગણી સંતોષાશે.

જ્ઞાનનાં આધિપતિ દેવ ગણેશજી અને અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતિ છે. અને પછી આવે ગુરૂજી. ‘પ્રભુ જ્ઞાની જીવન દે’માં જ્ઞાનની માંગણીનો ભાવ છે અને આ માત્ર પ્રભુજ પુરી કરી શકે. પ્રભુ સદેહે આવીને આ માંગણી પૂરી કરે એ આ કલિયુગમાં શક્ય નથી. માટે તે ગુરૂ બનીને જીવનમાં પ્રવેશે છે.ઇશ્વરકૃપા હોય તોજ સિધ્ધ ગુરૂનો ભેટો થઇ શકે છે. સિધ્ધ ગુરૂ પુલ બનીને તમને ઇશ્વર સાથે હમેશા જોડેલા રાખે છે. અને જે ઇશ્વરતત્વ સાથે જોડાયેલો રહે તે હમેશ માટે ઉપર ઉઠી જાય છે. અને એક સમય એવો આવે છે કે તે સિધ્ધત્વને પ્રાપ્ત કરીને સ્વયં સિધ્ધ બની જાય છે. અને આ ગુરૂ વગર શકય નથી. ગુરૂ અનંતા … ગુરૂકૃપા અનંતા …
ગુરૂકૃપા અને જ્ઞાન મેળવવા માટે પાત્ર છિદ્ર વગરનું અને ખાલી હોવું જરૂરી છે. જ્ઞાનનાં યાચકને ગુરૂમાં વિશ્વાસ હોવો જરૂરી છે. શ્રધ્ધાની હોડીમાં બેસીને ગુરૂ નાવિક બનીને યાચકને ભવસાગર પાર ઉતારે છે. શરણાગતિ અને સ્વીકારની ભાવનાથી ગુરૂ થકી ગોવિંદ અને જ્ઞાનની પ્રાપ્તિ શકય બને છે. અને સમાજમાં રહીને પણ જળકમળવત્‍ રીતે સાક્ષી ભાવ કેળવીને પ્રભુ સાથેનું સંધાન સતત ચાલુ રાખવાનો અભ્યાસ કેળવવામાં સફળ થવાય છે.

‘પ્રભુ જ્ઞાની જીવન દે … ’ આ માંગણી મૂર્તિ સામે કે મંદિરમાં કરવાથી સાધ્ય થતી નથી. તેના માટે સાધના જરૂરી છે. ધ્યાન જરૂરી છે. ધ્યાન માર્ગ એ અમૂલ્ય અને અસરકારક છે. જેમાં તમે ઇશ્વર સાથે વાત કરી શકો છો, ફરિયાદ કરી શકો છો અને તમારા પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો.

જ્ઞાન લાધે પછી સ્થિતપ્રજ્ઞતા આવે છે. સુખ-દુઃખ સમાન લાગે છે. નામધારી શરીરનાં વળગણ આત્માને કોઇ અસર કરી શકતાં નથી, અને આ જ્ઞાન મૃત્યુ પછી આગલા જન્મમાં ઉચ્ચ કક્ષાએ લઇ જાય છે. આ જ્ઞાન ભૂત, વર્તમાન, ભવિષ્ય અને આગલા જન્મનો પણ ઉધ્ધાર કરે છે. આ મોક્ષની સ્થિતિ છે. જીવનના અંત સમયે ગુરૂ, શિવજીનું એક સ્વરૂપ રૂદ્ર બનીને માનવમાં રહેલાં આસુરી તત્વોનો નાશ કરીને શિષ્યને મોક્ષની સ્થિતિમાં લાવે છે. મારા ગુરૂ હમેશા કહે, ‘જ્ઞાનીકો મોક્ષ’. અને ત્યારે ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા’નું, જીવનની સત્યતાનું પરમ જ્ઞાન થાય છે.

કામનાનો ત્યાગ જ્ઞાનને વધુ પ્રકાશમય બનાવે છે. જ્ઞાનની દિવાસળીથી આંતર જીવનમાં આંતર પ્રકાશ ઝળહળી ઉઠે છે. તમામ પ્રશ્નોનું સમાધાન આપોઆપ મળે છે. નિત્યોહમ્, બુધ્ધોહમ્‍, શુધ્ધોહમ્‍, મુકતોહમ્‍ … અને જેમ જેમ સાધના દ્વારા ધ્યાનમાર્ગ પર આગળ જઇએ તેમતેમ જ્ઞાનની સરવાણી આપોઆપ ફૂટે છે. અને કર્મો કપાવાથી શુધ્ધતા આવે છે. અને મુક્તિમાર્ગ સરળ બને છે. મન જંપી જાય છે. માન-અપમાન, રાગ-દ્વેષ, સુખ-દુઃખ, કોઇ ફરિયાદ ના રહેતાં બસ પરમ આનંદ, પરમ શાંતિનો અનુભવ થાય છે.
જ્ઞાન એક અગાધ દરિયો છે. આ દરિયો ઉલેચવાની આદત પડી જાય તેને જ્ઞાનરૂપી હિરા, મોતી, માણેક જેવાં રત્નોનો ખજાનો લાધે છે. જ્ઞાની વ્યક્તિ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ હોય છે. પછી તેને દુન્યવી અન્ય ચીજોની ખેવના રહેતી નથી. કિમતી વસ્તુ પણ તેના માટે તુચ્છ હોય છે. તુષ્ટિગુણની પરમસીમાએ આ વ્યક્તિ પહોંચી શકે છે. માટે ‘પ્રભુ જ્ઞાની જીવન દે’, એ સર્વોત્કૃષ્ટ માંગણી છે. પછી ઇશ્વર પાસે કંઇજ માંગવાનું રહેતું નથી. શિવોહમ્‍ અને અહમ્‍ બ્રહ્માસ્મિનો અનુભવ જ્ઞાની વ્યક્તિને થાય અને એજ જીવનની સર્વોત્તમ સંતુષ્ટ અવસ્થા છે. અને જેને આ જ્ઞાન હોય તે જ પ્રભુ પાસે માંગી શકે, ‘પ્રભુ જ્ઞાની જીવન દે’.

કલ્પના રઘુ

3 thoughts on “પ્રભુ જ્ઞાની જીવન દે (૫) કલ્પના રઘુ શાહ

 1. Kalpanaben, Very nice way to put your ideas about gnani and gnan, and what to ask to paramatma. You have written it with deep thinking and I liked it.

  Like

 2. બેન કલ્પનાબેન
  આપનું લખાણ અનુભવ કરેલું જ્ઞાન જ લખો છો એવુ સમજાય છે, તમારી વાણી ઉપરથી પણ તરી આવે કે તમે લેખિકા છો કે સાહિત્ય નો લેખન વાંચન નો શોખ છે? આપના આર્ટિકલ વાંચવા મને ઘણા ગમે છે જેમા થી જ્ઞાન મળે તેવુ સમજાય છે

  પદમાબેન કનુભાઈ શાહ. સનીવેલ.

  Like

 3. ગુરુ કૃપા અને જ્ઞાન મેળવવા માટે પાત્ર છિદ્ર વગરનું અને ખાલી હોવું ખુબ જરૂરી છે,જ્ઞાનના યાચકને ગુરુમાં વિશ્વાસ હોવો જરૂરી છે.ખુબ જ મહત્વની વાત કીધી ,કલ્પનાબેન સરસ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.