અહેવાલ-રાજેશ શાહ દ્વારા

જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થાય છે…

– કૃષ્ણ દવે અને અદમ ટંકારવી અમેરિકાની મુલાકાતે

– બે એરિયાના સાહિત્ય રસીકોએ ગીત-સંગીત મહેફિલનું આયોજન કર્યું

(રાજેશ શાહ દ્વારા) બેએરિયા, તા. ૨૪

ગુજરાતી ભાષાના જાણીતા કવિઓ શ્રી કૃષ્ણ દવે અને શ્રી અદમ ટંકારવી અમેરિકાની મુલાકાતે છે તે જાણ થતાં જ બે એરિયાના ગુજરાતી સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરવામાં સદાય અગ્રસર એવા શ્રી મહેન્દ્રભાઈ મહેતા, જાગૃતિ શાહ, બેઠક ગુ્રપના પ્રગ્નાબેન દાદભાવાલા, સિનિયર ગુ્રપના રમેશભાઈ પટેલના સહયોગથી જાણીતા કવિઓ સાથે મહેફિલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહેફિલના અનેક રંગોને અને ગુજરાતી ભાષા-સાહિત્યની બેઠકમાં ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યની આગવી રજૂઆતને જાણવા અને માણવા ગુજરાતી ભાષા રસિકો રવિવારે ૧૬ નવેમ્બર, ૨૦૧૪ના રોજ મિલપિટાસ નગરના ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા. યુવાન વર્ગના ભાઈઓ-બહેનોની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી. આજની યુવા પેઢીના યુવક-યુવતીઓ હવે ગુજરાતી ભાષાના આવા વિશિષ્ટ કાર્યક્રમોમાં હાજરી આપવા પ્રેરાયા છે તે માટે વડીલો અને સિનિયર ભાઈઓને તેનો શ્રેય જાય છે અને અભિનંદનને પાત્ર છે. ગુજરાતી ભાષાનું માધુર્ય અને લાલિત્ય હજુ જળવાઈ રહે તેવા સક્રિય પ્રયાસો હજુય થતા રહે છે જે આવકારદાયક છે.
કાર્યક્રમની શરૃઆતમાં ઈન્ડિયાથી આવેલ જાણીતા કવિ કૃષ્ણ દવે અને બ્રિટનથી આવેલા જાણીતા કવિ ગઝલકાર શ્રી અદમ ટંકારવી અને ફલોરિડા, અમેરિકાના જાણીતા કવિ, સાહિત્યકાર દિનેશભાઈ શાહનું સન્માન કરી પરિચય આપવામાં આવ્યો. જીવનની પાનખરમાં વસંતના વાયરા લઈને આવેલા યુવાનોને પણ શરમાવે તેવા તરવરાટ ભર્યા હસમુખા કવિઓને સાંભળવા અને માણવા ગુજરાતી ભાષા પ્રેમીઓ ખૂબ ઉત્સુક લાગતાં જ કૃષ્ણ દવેએ મહેફિલનો આરંભ કર્યો હતો.
કૃષ્ણ દવેની સુંદર રજૂઆતને સૌ ભાષાપ્રેમીઓએ પ્રેમપૂર્વક માણી હતી. તેમની સુંદર રજૂઆતની લાક્ષણિક વિશિષ્ટતા તેમનો બુલંદ અવાજ, મસ્તીભરી છટા અને મુક્ત અદા સૌને સ્પર્શી ગઈ.
ત્યારબાદ અમેરિકાના કવિ શ્રી દિનેશભાઈ શાહે તેમની તત્ત્વચિંતન યુક્ત કવિતાઓની રમુજી રીતે રજૂઆત કરી હતી. તેમણે સર્જેલા ‘આગિયાના તેજ’ પર આ આગિયો ઝબકીને ખરતો, અને અન્ય લાગણી સભર કાવ્યો રજૂ કરી તેમના જીવનના અનુભવો તેઓએ કેવી રીતે કાવ્યમાં આવરી લીધા છે તે જુના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. જીંદગી જીવતા જીવતા નાના નાના પ્રસંગોમાં અને નાની વાતોમાંથી પ્રેરણા લઈ માનવજીવનને કંઈક બોધ આપી જાય તેવા સંદેશાસભર નાના કાવ્યો સૌના મનને સ્પર્શી ગયા.
કાવ્ય અને ગઝલની મહેફિલનો દોર જેવો જાણીતા કવિ અદમ ટંકારવીના હાથમાં આવ્યો કે સૌ રસિક ભાષાપ્રેમીઓએ તાલીઓથી તેમને વધાવી લીધા હતા.
ગુજલીસ ગઝલોના રાજા તરીકે જાણીતા શ્રી અદમભાઈએ તેઓની રમુજી કવિતાઓથી ભાષાપ્રેમીઓને બરાબર ભીંઝવી દીધા.
તેઓની ગુજરાતની સનમ, બ્રિટનની સનમ અને અમેરિકાની સનમ વાળી ગઝલ, પટેલ અને મોટેલ વાળી હાસ્યસભર ગઝલ, ‘જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થાય છે.’ ‘તું નથી તેનો આ અંજામ સનમ-ગામ પણ લાગતું પરગામ સનમ’, ‘હૈયાને વિંધતી વાતકે બાઈબલ ખોલું ને સીતા નિકળે રામાયણમાંથી ફરિશ્તા નીકળે’, ‘ઝેર તો બીજું કોઈ જ પી ગયું ને ખાલી પ્યાલામાંથી મીરા નીકળે.’ એવા હાસ્યસભર માર્મિક કાવ્યોની તેમની સુરતી ભાષાના રંગે રંગાયેલી વિશિષ્ટ શૈલીમાં રજૂઆત કરતાં સૌએ તાલીઓથી વધાવી લીધા હતાં.
સરોવર કાંઠે રાજહંસની હાજરીથી આખું સરોવર દીપી ઊઠે તેમ ગુજરાતી ભાષાના રસિક અને કદરદાન પ્રેક્ષકોની દાદથી ત્રણેક કવિઓ ગદ્ગદ્ થઈ ગયા હતા અને કાર્યક્રમના આયોજકો, પ્રજ્ઞાાબેન દાદભાવાળાના કાર્યક્રમ સંચાલનની સ્વયંસેવકો અને પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહેફિલ કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળે તે રીતે બે એરિયાના જાણીતા કવિ અને ગાયીકા નેહલ દવેએ તેમની ગઝલની સુંદર રજૂઆત કરી મહેફિલની બેઠક પુરી કરી હતી.
મહેફિલ કાર્યક્રમના સમાપનમાં આભારવિધિ કરતાં પ્રજ્ઞાાબેન દાદભાવાલાએ ત્રણેય કવિઓનો તેમની મધુર અને રમુજી રજૂઆત બદલ આભાર માન્યો હતો. ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરે આ કાર્યક્રમના આયોજન માટે સુંદર ઓડિટોરિયમની સગવડ કરી આપી તે બદલ શરદભાઈ દાદભાવાલાનો આભાર માન્યો હતો. અને ઉપસ્થિત રહેલ ભાષા પ્રેમીઓ અને ચાહકો જેમના થકી ગુજરાતી ભાષા-સાહિત્યનો વારસો જળવાઈ રહે છે અને ગુજરાતી ભાષા જીવતી રહે છે તેમને ખૂબ અભિનંદન આપ્યા હતા.

(ગુજરાત સમાચાર ડિસેમ્બર 04 2014)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.