‘ અંતિમ શુભેચ્છા ‘-તરુલતા મહેતા

   ટેકરીઓની હારમાળાની ટોચેથી વિદાય લેતા રવિએ ગુલાબી કિરણોની અંતિમ છાયાને રાત્રિની  શુભેચ્છા પાઠવતા સમેટી લીધી.ટેકરી પરના થોડી વાર પહેલાં લીલા દેખાતા વુક્ષો ધેરા અંધકારમાં

  ડૂબી ગયાં,’ગોલ્ડન રે ‘ એસ્ટેટના વૈભવી વિસ્તારનાં ઓક સ્ટ્રીટ પર આવેલા ધરની  બીજા માળની બાલ્કનીમાં ઊભેલા વિનેશે પોતાના હદયમાં  ઘટ્ટ થઈ જામેલી  ઉદાસીથી દૂરથી આવતી કારને કારને જોઈ.તે દિવસની જેમ અને એવા અનેક દિવસોની જેમ આજે પણ લાઈટો કરવાનું ભુલાઈ ગયું છે .એમ લાગે છેકે અંધારાના પૂરમાં જાણે ધર તણાઈ રહ્યું છે.એવી નીરવતા ધેરી વળી છે કે અવાજો ,વાતચીત ,હલચલ હાસ્ય સો કઈ થીજી ગયું છે. તેણે ગાડી પાર્ક થતાં જોઈ , બે આકૃતિઓ ઘરના પગથિયા તરફ આવી રહી હતી તે લાઈટ કરવા અંદર જાય તે પહેલાં તેની નજર એક વર્ષ પૂર્વે બનેલી ધટનાને  જોઈ રહી , એનામાંથી અલગ પડેલો એક વિનેશ.તે દિવસે મોબાઈલ ફોન પર વાત કરતા  આધાતની ઊડી   ..ખાઈમાં ગરકી ગયો ,ધરના પગથિયા ચઢતાં આથમેલા

સૂર્યને જોતા જોતા એની આખો ધેરા અન્ઘકારમાં ખોવાઈ ગઈ , એની ઇન્દ્રિયો બહેર મારી ગઈ,એ મૂગો ,બહેરો,પાંગળો પગથિયા પર તૂટી પડ્યો  .થોડી વારે બહારથી આવેલી એની પત્નીએ એની મર્સિડીઝ ,કાર પાર્ક કરી ,તે બાને લઈને દિવાળી માટેની વસ્તુઓ લેવા ગઈ હતી.રજામાં તેમનો સાનફ્રાન્સિસ્કો રહેતો દીકરોઅને શિકાગો ભણતી દીકરી ઘરે આવવાના હતા , ચારે તરફ અંધારું જોઈ એણે કારની લાઈટ ચાલુ રાખી બાને કહ્યું ,’સાચવજો , આજે કોઈએ ઘરની બહાર લાઈટ નથી કરી, શિયાળામાં પાચ વાગ્યામાં રાત થઈ જાય.’ એ ઘરની નજીક આવતા ચમકી ગઈ ,’બા ઉભા રહો ,પગથિયા પર કોઈ પડ્યું દેખાય છે.’

એટલામાં બા ચીસ પાડી ઉઠયા,’ ઓ ભગવાન ,આતો મારો  વિનેશ પડ્યો છે ‘ મીનાએ હાથમાંની ગ્રોસરી બેગોને ઝાટકા સાથે નીચે મૂકી દીધી ,એણે વિનેશને બેઠો કર્યો એના બરડા પર હાથ ફેરવ્યો.,ચાલો ,ધરમાં જઈએ ,શું થયું ? વિનેશે બેબાકળા થઈ બૂમો મારી ,’મીના ,મીના આપણો સૂર્ય આથમી ગયો ,સન સેટ ફોર અસ ,હવે આપણો  સન ક્યાંથી જોઈશું ?’

મીનાએ વિનેશને હમેશાં ગોરવભરી ચાલે  ચાલતાં જોયો હતો,ગોલ્ફ અને ટેનીસ રમતા  વિનેશનું કસાયેલુ શરીર આમ બેસહાય થઈ પડી જાય તે માની શકતી નહોતી ,તેણે રડતા અવાજે પૂછ્યું ,’શું થયું આપણા સનને ?એની કાર બગડી હોય તો હું  ફોન કરું ?

વિનેશ ટુકડા ટુકડામાં વહેચાઈ ગયો ,એણે બેજાન અવાજે કહ્યું ,’મીના પોલીસનો  ફોન હતો ,કેવલ વિનેશ પટેલ સાઇકલ પરથી પડી જતા બેભાન થઈ ગયો હતો ,મીના આપણો કેવલ સાન્ફ્રાસીસકોની હોસ્પિટલમાં બેભાન હાલતમાં છે.’ મીના રડતા બોલતી હતી ,’એવું બને જ નહી એ તો નાનપણથી સાઈકલની રેસમાં ભાગ લેતો ,એમ ફૂટપાથ પર ચલાવતા પડી ક્યાંથી જાય ?’

બા ધીરે ધીરે ઉપર ગયાં હતાં ,એમણે બારણું ખોલી ,પોતાની દીકરીને ફોન જોડી તાત્કાલિક આવવા કહ્યું ,એમને સમજાયું કે એમના પોત્રને અકસ્માત થયો હતો.તેમણે દીકરા ;વહુને કડડભૂસ થઈ તૂટી પડતાં જોયા ,બાને ભગવાનમાં પૂરી આસ્થા હતી ,એઓ મનોમન પ્રાર્થના કરતા હતા ,’ભગવાન સારાવાના કરજે ‘.

વિનેશની બહેન તોરલ અને મીનાનો ભાઇ રમેશ આવી પહોચ્યાં,પગથિયા પર ગ્રોસરી બેગમાંની વસ્તુઓ  પડી હતી ,બે દિવસ પછી આવનાર દિવાળી માટેના દીવાઓ ,રંગોળી માટેના રંગોના પડીકાં ,મીઠાઈ ;મઠિયાના બોક્ષ વેરણ છેરણ પડયા હતાં ,કોઈએ એ તરફ નજરસુધ્ધા કરી નહિ.સૌ તાબડતોડ હોસ્પિટલમાં જઈ પહોચ્યા। બા ભગવાનની સામે પત્થરની મૂર્તિ થઈ ગયાં  .ઘરમાં કોણ આવ્યું કે ગયું એમને જાણ નહોતી.

ડોર બેલ વાગતા અવાજની ધ્રૂજારીથી આજે પણ મૂર્તિ સમાન બેઠેલાં બા બોલી ઉઠ્યા ,’જો એ જ આવ્યો ‘.વિનેશે બારણું ખોલ્યું ,મેરી અને બારેક વર્ષના  ક્રિસ્ટોફરે  વિનય પૂર્વક બે હાથ જોડી નમસ્કાર કર્યા,મેરીએ કહ્યું ,’થેંક્યું વેરી મચ ,તમે અમને મળવાની રજા આપી ‘

‘મારી પત્ની મીના અમારા પુત્રના અકસ્માત પછી એ બાબતમાં કોઈને મળવા તેયાર નહોતી ‘ વિનેશે અશ્રુને રોકી રાખતાં કહ્યું ,‘હું તમારી ખોટને સમજી શકું છુ ,મેં ચારેક વાર ફોન કરી હેરાન કર્યા તેથી માફી માગું છુ ‘.મેરીએ કહ્યું

‘તમે ફોનમાં કહેતા હતા કે ક્રિસ્ટોફર માનતો નહોતો ,’ વિનેશ બોલ્યો,મીના આવી ,ક્રિસ્ટોફરની પાસે બેઠી તેથી ક્રિસ્ટોફર ઉત્સાહમાં આવી બોલ્યો ,’યુ આર ગ્રેટ પેરેન્ટ ‘ એણે ફરી બે હાથ જોડ્યા

મેરી બોલી ,’ તમને તમારા દીકરાની અંતિમ ધડીઓના અસહ્ય શોકમાં કેવું ઉત્તમ દાન કરવાનું યાદ આવ્યું ‘ મેરીનું કહેવું પૂરું થાય તે પહેલાં વિનેશ અને મીનાના મને કાબૂમાં  રાખેલી વેદના છટકીને પોતાનાં એકનાએક દીકરાની છેલ્લી ક્ષણોને વળગી પડી.બન્ને નિરાધારની જેમ એકબીજાના હાથને પકડી  રહ્યા,તે દિવસે સાનફ્રાન્સિસ્કોની .હોસ્પિટલ પહોંચતા થયેલી પીસ્તાલીશ મિનીટમાં તેમની ઉમર અનેકધણી વધી ગઈ હતી ,એઓ સાવ વુદ્ધ અને અશક્ત થઈ ગયાં હોય તેમ તેમને હાથ ઝાલીને કારમાંથી બહાર લાવ્યાં હતા.

મેરી વિનેશ અને મીનાના ચહેરાની વેદના જોઈ બોલી ,’સોરી , હું તમારો આભાર માનવા જ આવી છુ ,’વિનેશ ધીરેથી’ ઇટ્સ ઓ.કે ‘કહી શાંત બેસી રહ્યો ,મીના પાણી લેવા અંદર ગઈ ,એની પાછળ ક્રિસ્ટોફર પણ ગયો, વિનેશને ઇમરજન્સી રૂમમાં વેન્ટીલેશન પર રાખેલો કેવલ દેખાય છે.કોઈ દવા ,સર્જરી કે ચમત્કારની આશાથી એણે ડોક્ટરને રાતભર કાકલુદી કરી જોઈ ,એમને એમ સવાર પડવા આવી ડોકટરે એના ખભે હાથ મૂકી કહ્યું ,મિ.પટેલ તમારા દીકરાને મુત્યુ પછી જીવતો રાખવો છે? એ અને મીના કેવલ ન હોવાના કારમા સત્યને પોતાના હદયમાં ઉતારી રહ્યાં ,એક ક્ષણ પોતાના દીકરા વગરની  પોતાની હયાતીને કાતિલ છરો ભોકી છિન્ન કરી નાખવાનું મન થયું ,તેમની દીકરી રીટા દોડતી આવી ભાઈના મુત શરીર પર તૂટી પડી.મીનાએ રીટાને છાતીએ વળગાડી દીધી ,ડોક્ટર કહેતા હતા ,’મિ.પટેલ તમારો દીકરો યુવાન છે,વચ્ચે વિનેશ ચીખી ઉઠ્યો ‘સત્તાવીશ,વર્ષ બે મહિના ‘  તેણે દુઃખના આક્રોશમાં આવી કહ્યું ,’મારા દીકરાના બધા અંગો તંદુરસ્ત અને યુવાન છે,એનું દાન કરું છું ,ડોક્ટર હું ય હેલ્થી છું મને તમારા દર્દીઓ માટે લઈ લો ,કેવલના નામ પાછળનો વિનેશ પટેલ  આ દુનીયામાંથી ગયેલો જ માની લો ,’ ડોકટરે સગા ભાઈની જેમ વિનેશને બરડા પર હાથ ફેરવી શાંત કર્યો ‘ગોડની ઇચ્છા માન્ય રાખવી પડે ‘ તેઓ બોલ્યા   આજે એક વર્ષ પછી મેરી અને ક્રિસ્ટોફરને જોઈ તેને થયું દીકરો ગુમાવ્યા પછી તેના અંગદાન માટે લીધેલો નિર્ણય સાચા અર્થમાં અંતિમ શુભેચ્છા છે.બીજા કેટલાયને જીવતદાન મળ્યું હશે.

વિનેશ સ્વસ્થ થતાં બોલ્યો ,ક્રિસ્ટોફરને કેમ ખબર પડી કે અમે પેરેન્ટ છીએ ,આમતો બધું ખાનગી રાખવામાં આવે છે.’મેરી કહે ,’એને હાર્ટનો વાલ્વ મળ્યો ,એને નવું જીવન મળ્યું ,એણે  તમને મળવાની જીદ કરી ,મારે એને સહાય કરવી પડી ,ડોક્ટરને વિનંતી કરી ,તમારો ફોન મેળવ્યો ,તમારો આભાર માનું છું ‘

મીના રસોડામાં પાણીના ગ્લાસ ભરતી હતી ,ક્રિસ્ટોફર એની પાસે આવી બોલ્યો ,કેન યુ ફિલ ઈટ ?’  મીનાએ પૂછ્યું ,’તું શું કહે છે ? ક્રીસ્ટોફરે હ્ળવેથી મીનાનો હાથ પોતાના હાર્ટ ઉપર મુક્યો ,’તમારા સનના હાર્ટનો વાલ્વ મારામાં ધબકે છે.’ તેની આંખોમાં ચમક હતી.તે બોલ્યો ‘મને તમારા દીકરાના હાર્ટના વાલ્વનું દાન મળ્યું તે પૂર્વે મને શ્વાસ લેવાની ખૂબ તકલીફ હતી.મારે બેડમાં રહેવું પડતું હતું ,આજે હવે હું સ્કુલમાં ટેનીસ રમી શકું છુ ,મને જીવવાનો ઉત્સાહ મળ્યો છે.તમે મારાં મમ્મી જેવા છો ‘.મીના ક્રિસ્ટોફરને ભેટી પડી ,’યા ,યા યુ આર માય સન ‘ એનો રોકી રાખેલો અશ્રુબંધ આંખમાંથી ધોધમાર વહેતો ક્રિસ્ટોફરના માથાને ભીજવી રહ્યો ,મીનાનું હેયું હળવું થયું ,તેણે કહ્યું ,’મને પ્રોમીસ આપ કે તું બાઈક નહી ફેરવે.’ ક્રિસ્ટોફરે  હકારમાં માથું હલાવ્યુ  .’

‘મીના શું થયું?,બહારના રૂમમાંથી વિનેશે કહ્યું

મીના પાણીના ગ્લાસની ટ્રે લાવી ,

મેરીએ પૂછ્યું ,’ક્રિસ્ટોફર ક્યાં ગયો ?’   ક્રિસ્ટોફર ફેમીલી રૂમમાં મૂકેલો ફોટો જોતો હતો.વચ્ચે ગ્રાન્ડ મધર અને ડાબી બાજુ રીટા અને જમણી બાજુ કેવલ બન્ને ગ્રાન્ડ માને હગ કરતા હતા.ફોટામાથી જાણે હાસ્યના પડધા આખા ફેમીલી રૂમમાં પડતા હતા.બહારના રૂમમાંથી બધાં આવી ક્રિસ્ટોફરની પાછળ ઊભા રહ્યા  .એણે મીનાને કહ્યું ,’મને પ્રોમીસ આપો કે મને ફરી મળવાની રજા આપશો ‘ મીનાને થયું ,આ ય કેવલ જેવો જીદ્દી છે.,

મેરી કહે ,’ક્રિસ્ટોફર આપણે જવું જોઈએ ,’

‘મને ગ્રાન્ડ માને મળી લેવા દો ,પ્લીઝ ‘ ક્રિસ્ટોફરે વિનંતી કરી.મીના બાના રૂમમાં તેને લઈ ગઈ ,હજી સુધી ભગવાનના ફોટા સામે બેઠેલા બાને ક્રિસ્ટોફરે  બે હાથ જોડી વંદન કર્યા ,બાને સમજાયું નહિ ,તેમણે પૂછ્યું ,તું કોણ ભાઈ? ,ભગવાન તારી રક્ષા કરે.’ 

મેરી અને ક્રીસ્ટ્રોફરે વિદાય લીધી.વિનેશ અને મીનાને તેમનો દીકરો કેવલ આવીને મળી ગયો હોય તેવો એહસાસ થયો.તેમણે ધરની અને બહારની બધી લાઈટ કરી.

તરુલતા મહેતા

પાંચમી નવે.બે હજાર ચૌદ

તા.ક.સૌ મિત્રોને નવા વર્ષની શુભેચ્છા ‘મૂલવો જો જિદગીને પ્રેમ સાથે ,બધું હારી ગયા છતાં જીત લાગે.’
                              

6 thoughts on “‘ અંતિમ શુભેચ્છા ‘-તરુલતા મહેતા

  1. તમારા લખાણમાં અદ્ભુત બળ છે.સંવેદનાના તાર ઝણઝણી ઉઠ્યા.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.