શુભેચ્છા સહ-(6) કલ્પના રઘુ

શુભેચ્છા સહ એટલે સારી ભાવના સાથે કોઇના માટે સારું ઇચ્છવું તે. જે હંમેશા સકારાત્મક હોય છે અને અંતરથી અપાય છે. આપણે સામાન્ય દ્રષ્ટિકોણથી વિચારીએ કે કયારેક શુભેચ્છા આપનાર શણગારેલી ભાષામાં કે મોંઘી ભેટ કે કાર્ડ આપીને શુભેચ્છા વ્યક્ત કરે છે. પરંતુ જો અંદરથી તે વ્યક્તિ માટેની ખરાબ ભાવના હોય તો તે આપેલી શુભેચ્છા ફળતી નથી. તેવી રીતે સામેની વ્યક્તિ શુભેચ્છા સ્વેચ્છાએ સ્વીકારે નહીં તો તે વ્યક્તિ પોતાની જાતે એક દિવાલ ઉભી કરે છે. તેથી સામેની વ્યક્તિએ આપેલી શુભેચ્છા ફળતી નથી. આ એક હકીકત છે. મતલબ કે, શુભેચ્છા માત્ર ઔપચારિકતા પૂરતી અપાય તો તે કહેવાતી શુભેચ્છા જ રહી જાય છે. તે ફળીભૂત થતી નથી.

શુભેચ્છાનું એક વિજ્ઞાન છે. જે હું આપને વેદોની ભાષામાં સમજાવવા માંગું છું. બ્રહ્માંડ સ્પંદનોનું બનેલું છે. અને સ્પંદનો મનુષ્ય ઉત્પન્ન કરે છે. ભગવાને આપણને લાગણીઓ આપી છે. આ લાગણીઓ સાથે સ્પંદનો જોડાય છે ત્યારે વસ્તુ કે પરિસ્થિતિ ફલીભૂત થાય છે. તમે જે વિચારો તેને કોઇ ભાષા નથી હોતી. વેદોમાં કહ્યાં પ્રમાણે વાણી ૪ પ્રકારની હોય છે. પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી વાણી. પરા વાણી મૌનની, સિધ્ધોની, ઇશ્વરની વાણી છે. તે ચારેયમાં સૂક્ષ્મતમ છે. આપણે કોઇના માટે શુભેચ્છા કોઇ પણ રીતે વ્યક્ત કરીએ તો તે વ્યક્ત કરવામાં આવતી ભાષા ગમે તેટલી વરખ લગાડેલી હોય પરંતુ અંદરની ભાવના ખરાબ હોય તો તે ભાવની ભાષા માત્ર ઇશ્વર જાણે છે. અને તેજ ફલિભૂત થાય છે. આમ લાગણીથી જે સ્પંદનો ઉભા થાય છે એ બ્રહ્માંડમાં જાય છે અને તે ફલિભૂત થાય છે. પછી ભલે સામેની વ્યક્તિ હજારો માઇલ દૂર હોય. ભગવાન માત્ર સ્પંદન અને લાગણી સમજે છે. મનુષ્યની ભાષા નહીં. ટેલીપથીનો અનુભવ તો દરેકે કર્યોજ હશે. તમે જે દિલથી વિચારો તે બનીને  જ રહે છે.

આજકાલ શુભેચ્છાઓ આપવામાં નીત નવી વિવિધતાઓએ પ્રવેશ કર્યો છે. બે હાથ જોડીને શુભેચ્છા પાઠવવાથી માંડીને ફેઇસ બુક, વોટસ્‍ એપ કે ઇ-મેઇલ દ્વારા શુભેચ્છા પાઠાવવામાં આવે છે. જેટલી નવિનતા અને સરપ્રાઇઝ શુભેચ્છામાં વધુ તેટલો આનંદ વધુ. શુભેચ્છા જેટલી દિલથી આપશો કે સ્વીકારશો , તેટલો તમારો અહમ્‍ ઘટશે, તેટલું તમારું અનાહત ચક્ર ખૂલશે, તમારી ઑરા વિસ્તરશે અને સામેની વ્યક્તિ સુધી સફળતાથી પહોંચશે. આમ શુભેચ્છા એક દિલથી બીજા દિલ સુધી સરળતાથી પહોંચવાનો માર્ગ છે. સામેની વ્યક્તિનાં દિલનાં દ્વારને ખોલવાની ઘંટડી છે. અને માટે હું કહીશ કે શુભેચ્છા એ વિશ્વનો શ્વાસ છે. જેનાં પર વિશ્વ નભે છે. શુભેચ્છાને એક જીવંત વહેવાર કહી શકાય. વહેવાર એટલે એક હાથે આપો અને બીજા હાથે લો. બ્રહ્માંડનો સિધ્ધાંત છે કે જેવું તમે આપો તેનાંથી બમણું પાછું આવીને મળે છે. વડીલો, ગુરૂજનો કે સંત તરફથી મળતી શુભેચ્છાને આશીર્વાદ કહેવામાં આવે છે.

શુભેચ્છા સહ કોઇ વાણી, વિચાર કે વસ્તુની આપ-લે થાય તો તમારૂં હ્રદય લીલુંછમ બની જાય છે. ચારે બાજુ પ્રકાશ નજરે પડે છે. તમે પોઝીટીવ વાઇબ્રેશન અનુભવો છો. બધું જ સારું થઇ રહ્યું છે તેવો અહેસાસ થાય છે. અને જો તેનાથી વિરુધ્ધ હોય તો તમે ઉદાસીનતાથી ઘેરાયેલા લાગો છો. કંઇક અમંગળ થવાનું હોય તેવો ભાસ થાય છે.

શુભેચ્છા એવું જીવંત રસાયણ છે કે મરતાં માણસને બેઠો કરે છે. મડદાને બેઠાં કરવાની તાકાત તેનાંમાં છે. સવાર, બપોર કે રાત્રિ શુભેચ્છા વગરની હોઇ જ ના શકે. ગુડમોર્નિંગથી ગુડનાઇટ અને સ્વીટ ડ્રીમ્સની શુભેચ્છાથી મનુષ્ય તાજગી સભર રહે છે. શુભેચ્છાનાં વરસાદમાં છત્રી ના જોઇએ. તેમાં પલળવાનું, ભીંજાવાનું મન થાય. તો ચાલો, આપણે સૌ એકબીજા માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવીએ.

સર્વે ભવન્તુ સુખીન:, સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ્‍ દુ:ખમાપ્નુયાત્
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

કલ્પના રઘુ

“શુભેચ્છા સહ”-પ્રજ્ઞા દાદભાવાળા

દિવાળીના દીવડાની જેમ ઝગમગતા બધાજ લખનાર અને વાચનાર, પ્રોત્સાહના આપનાર અને લખવાનો ઉત્સાહ દેખાડનાર બધા જ અમારા મિત્રોને દિવાળીના શુભ અવસરે નવીન હર પળ મુબારક દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન .

Happy Diwali

દિવાળી આવી દિવાળી આવી, દીવડા સાથે શુભેચ્છા લાવી

શુભ: લાભ: ઘરના ઉંબરા ને કુમ કુમ પગલે વધાવતી આવી

નિર્મળ મનથી  સ્વચ્છ આંગણીયે દીપતી રંગોળી લાવી

સાથીયા ને તોરણ જ શુભેચ્છા બની, કલ્યાણની ભાવના લાવી    

સુંવાળી, મઠીયાં, ઘૂઘરા સાથે ફટકડા જેવી ઈચ્છાપૂર્તિ લાવી

વાઘ બારશ, ધન તેરસ, કાળી ચૌદશ, અમીની દ્રષ્ટિ લાવી

પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા ને શુભેચ્છા  સાથે લાવી

સ્વસ્તિવચન,તૃષ્ટિવચન શુભ ઈચ્છા અંતકરણ લાવી

આત્માની જ્યોત પ્રગટવાનો ઉત્તમ અવસર લાવી

 નૂતન  વરસના આ નવલુ મંગલકારી  પ્રભાત લાવી  

મનોકામના લાવી,ઉજળા ભવિષ્યનો આવાહન લાવી

દિવાળી શુભ શુભેચ્છા સુસ્વાગતમ ઝગમગ  લાવી

cropped-diwali1.jpgમિત્રો, સ્વજનો સાથે” શબ્દોનું સર્જન”  તથા “બેઠકના” પરિવારને નવા વર્ષની શુભકામનાઓ.

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

લીમ્કા બુક ઓફ રેકોર્ડ

લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં વિજય શાહની નોંધ લેવાઇ

રાજેશ શાહ

 photo 4

લીમ્કા બુક ઓફ રેકોર્ડ- ૨૦૧૫માં સહિયારા સર્જનના ૨૫ સર્જનો પુરા થયાં તેને સ્વિકૃતિ આપી અને આ રીતે સ્થાપિત થયેલાં રેકોર્ડની અને સાહિત્યકાર સર્જક શ્રી વિજયભાઈ શાહની સિધ્ધિઓની નોંધ લઈ લીમ્કા બુક ઓફ રેકોર્ડ- ૨૦૧૫ની જાહેરાત થઇ જેને સમગ્ર વિશ્વના સાહિત્યપ્રેમીઓ અને ગુજરાતી ભાષા રસિકોએ ગર્વપૂર્વક વધાવી લીધી છે.
‘સહિયારું સર્જન’ અન્વયે ૨૦૧૧ થી ૨૦૧૪ના વર્ષ દરમ્યાન ગુજરાતી ભાષા- સાહિત્યના ૨૫ સર્જનો પુરા થતાં નવા લેખકો ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રવેશ્યા અને ભાષા કસબ અજમાવી ચુકેલા લેખકો લેખનક્ષેત્રે વધુ સમૃધ્ધ થઈ. નવા સર્જનો કરી ઝળકયાં આ હકિકત સર્વે લેખક મિત્રોનો ગુજરાતી ભાષા પ્રત્યેનો સ્નેહ અને આદર વ્યકત કરે છે.લીમ્કા બુક ઓફ રેકોર્ડ- ૨૦૧૫માં ૨૫ પુસ્તકો અને તેના લેખકોની નોંધ લેવાઈ અને આવા ઉત્તમ સર્જનાત્મક કાર્યને બીરદાવી એવોર્ડ જાહેર થયો.સહિયારું સર્જનના પુસ્તકો અને તેના લેખકોનું કોલાજ પ્રજ્ઞાાબેન દાદભાવાલાએ તૈયાર કરી આપ્યું તેની પણ નોંધ લેવાઇ છે.
વ્યકિતગત આનંદ તે સહિયારો આનંદ બની જાય છે. અને ત્યારે જ સહિયારું સર્જન દ્વારા શબ્દ અને સર્જન બંને શોભી ઉઠે છે.

શુભેચ્છા સહ (5) વિજય શાહ

 

imagesC3FUN0ZT

નૂતન વર્ષ લાવે અકલ્પ્ય સુખો ઘણાં

ગત વર્ષનાં બધા દુઃખો બને સુખો ઘણાં

આવે સમજણ એટલી કે “મન” છે કારણ

જે કહે સુખોને કદીક દુઃખો; કદીક સુખો

બાકી પ્રભુએ સર્જ્યુ છે સુખ સુખ ને સુખ જ

મન મરકટને નાથો અને માનો હૈયાની વાતો

“મારા” ને ફેરવો “અમારા”માં કે “તમારા”માં

રહે “મન” તો જ કાબુમાં.

ધન વધે, તન સુદ્રઢ બને

જીવન બને કષાય મુક્ત

એવી સૌ શુભેચ્છાઓ સહ..

વિજય શાહ.

શુભેચ્છા સહ-(4)જયવંતી પટેલ

બહેન પ્રજ્ઞા,  આશા  રાખું છુ કે તને આ ગમે

આજે ઈન્ટરનેટ અને સોસીઅલ નેટવર્ક નો જમાનો ચાલે છે એક વખત એવો હતોકે એકબીજાનો સંપર્ક પત્ર દ્વારા થતો. અને એને માંટે પત્ર લખવાની કળા કેળવવી પડતી  મને હજુ પણ યાદ આવે છે એ દિવસો, જયારે મારી બા, પાસે બેસાડી, પત્ર કેમ લખવો તે શિખવાડતા  પહેલો પત્ર મારી દાદીમાંને લખેલો  અમે આફ્રિકામાં રહેતા દેશમાં ગામડા ગામમાં પત્ર પહોચતાં બે મહિના તો લાગી જતા અને વળતો જવાબ પણ બે મહીને જ મળતો  પત્રની શરૂઆત “પરમ પૂજય દાદીમાં”  થી થતી અને અંત “તમારી ​પૌત્રી ​ ના દંડવત પ્રણામ સ્વીકારશો “થી થતો   અને એના જવાબમાં દાદીમાંનો વહાલસોયો, ગામમાં કોઈ બીજાં પાસે લખાવેલો, પત્ર આવતો ત્યારે એમ થતું કે એ પત્રમાં શું નહતું ?  ભરપુર પ્રેમ હતો, શિખામણ હતી અને અઢળક શુભેચ્છાઓ હતી  – અને ક્યારે  મળીશું તેની અકલ્પીય ભાવના હતી.

​એ પત્ર ખૂબ વહાલસોયું સંભારણું બની જતું. જૂની પેટી ખોલતાં કઈ યાદગીરી ભર્યા અને શુભેચ્છાથી ભરપુર પત્રો ઠલવાતા.
​જીવનની ઉણપની પૂરતી શુભેચ્છાઓથી થાય છે દા. ત. અમે ભાડાના ઘરમાં રહેતાં હતાં  ઘણા સમય બાદ અમે ઘર લીધું નવા ઘરમાં રહેવાં આવ્યા ત્યારે આજુબાજુવાળા, જેની સાથે અમારી બિલકુલ પહેચાન ન હતી, તેમણે બધાએ,  એટલે કે જમણી બાજુએ રહેતાં પડોશીએ થોડાં ફૂલ આપ્યાં, સામે વાળાએ તેમનાં ગાર્ડેનમાં થતાં ફળ અને શાકભાજી આપ્યાં, ડાબી બાજું રહેતાં પડોશીએ તેના ગાર્ડેનરને  (બગીચામાં કામ કરવા આવવા વાળાને ) અમારા આગળના ગાર્ડેનની સંભાળ લેવાનું કહ્યું  જ્યારે ગાર્ડનર ઘાસ કાપી રહયો હતો ત્યારે અમે તેને પૂછ્યું કે “ભાઈ, અમે તો તને બોલાવ્યો નથી તો એ કહે આ અઠવાડિયાના તમારો બગીચો કરવાનાં પૈસા તમારા પાડોશીએ મને આપ્યા છે” – કેટલી શુભ ભાવના સહિત અમને આવકાર્યા ! અમારા અચમ્બોનો પાર ​ન હતો ,​વળતાં અમે તેમનો આભાર માનવા ગયાં ત્યારે અમને કહે કે અમને સારાં પાડોશી જોઈતા હતા તમોને જોઇને અને મળીને અમને ખૂબ આનંદ થાય છે એટલે શુભ ભાવના અનેક રીતે વ્યક્ત કરી શકાય છે.
​પરિક્ષા આપવા જનાર દરેક વિદ્યાર્થી વડીલોનાં આશીર્વાદ લઇને જ જશે એ ચોક્કસ છે એક વખત દેશમાં બા સાથે બેએક મહિના દિવાળીના દિવસોમાં રહેવાં ગયા બેસતાં વર્ષની તૈયારીમાં બા કહે, બેન્કમાંથી છુટા રૂપિયા લાવી રાખવા પડશે મેં કહ્યું કેમ, એટલા બધાની શું જરૂર છે?  બા કહે, બહેન, જોઈશેજ  પછી નવા વર્ષે, નાહી ધોઈ, પૂજા પાઠ કરી, બા હીંચકે બેઠાં – રૂપિયા અને છુટા પૈસાની થેલી બાજુમાં રાખી અને સવારના સાત વાગ્યાથી તે અગિયાર વાગ્યા સુધી અવિરત મોટા નાના સહું આશીર્વાદ લેવા આવતા રહયા મેં તેઓને પૂછ્યું તો કહે, બાના આશિર્વાદ મળે તો અમારું આખું વર્ષ સારું જાય – અને બા બધાને આશિર્વાદ સાથે રૂપિયો, બે રૂપિયા આપતા જાય કેવો સ્નેહભીનો સબંધ અને કેવી અંતરની શુભેચ્છાઓ, આવા સબંધો દેશમાં પોતાનાં આડોશી પાડોશી ઓ સાથે કેળવાયેલા હોય તો પછી તેઓ અમેરિકા આવે ત્યારે શાનું ગમે?દીકરીને સાસરે વળાવતી વખતે માંબાપ નમાલા  બની જાય છે જાણે પોતાનું હૈયું દૂર જતું હોય તેવી લાગણી અનુભવે છે.પણ માં-બાપની શુભેચ્છાઓ અવિરત દીકરી સાથે લઈને જાય છે એમાં શંકાને સ્થાન નથી.
​શુભેચ્છાઓ અનેક રૂપે , અનેક પ્રકારે પ્રદર્શિત કરી શકાય છે થોડાં ફૂલથી કે એક નાનું પોસ્ટકાર્ડ લખીને બગીચામાં બેસી કલાપીની જેમ પંખીઓ સાથે વાતો કરીને કે પવનની લહરીથી ઝુલતી વૃક્ષની ડાળી ઉપર બેઠેલાં પતંગિયાને ઊડી જતાં જોઈને જલદીથી તેની સાથે કોઈ સ્નેહીજનને  માટે શુભેચ્છાનો સંદેશો પાઠવીને
​.​

જયવંતી પટેલ

 

સુખ એટલે…?’(૨૦) પ્રભુલલ ટાટારિ

સુખ આ સરળ લાગતા શબ્દનો અર્થ કહો કે,ભાવર્થ ઘણો જ ગહન છે.ભાવાર્થ એટલા માટે કે તમે સુખને ક્યા મનોભાવથી તપાસો છો જેવો કે,આંધળાઓએ જોયેલો હાથી.જેના હાથમાં સુઢ આવી તે હાથીને લાંબો કહે છે તો જેના હાથમાં દંતુશુળ આવ્યું તે હાથીને વજ્ર ઘણે છે જેના હાથમાં પગ આવ્યા એ હાથીને થાંભલા જેવો ઘણે છે જેણે પેટ પર હાથ ફેરવ્યો તે હાથીને પર્વત કહેછે તો જેના હાથમાં પુછડું આવ્યું તે દોરડું જેવું કહે છે.

સુખનો આધાર માણસના મનો જગત પર છે.રસાયણ શાસ્ત્ર મુજબ સુખની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી કે,આ થીયરી પ્રમાણે હોય તે સુખ.કોઇને સારા કપડા પહેરવામાં સુખ મળતું હોય,કોઇને આલિશાન બંગલામાં સુખ મળતું હોય,કોઇને સારી અને મનગમતી બાઇક કે કારમાં સુખ મળતું હોય,કોઇને સુશીલ ગૃહિણી મેળવીને સુખ મળતું હોય,કોઇને સંતાન સુખથી સુખ મળતું હોય,કોઇને સારું સારું ખાવામાં સુખ મળતું હોય તો કોઇને બે ઘુંટડા પીવા મળે…..આમ આ યાદી અનંત છે.ખુબીની વાત એ છે કે,એકને લાગતું સુખ બીજા માટે દુઃખ પણ હોઇ શકે.
અમે એક મૌનીબાબાને મળવા ગયા ત્યારે મારા મનમાં ઘોળાતો પ્રશ્ન પુછ્યો સુખ એટલે…? તેમણે હાથના ઇશારાથી દર્પણ દર્શાવ્યું એટલે મેં કહ્યું હું સ્મજ્યો નહીં બાજુમાં પડેલ સ્લેટ ઉપર તેમણે લખ્યું સ+ઉ+ખ મને આપ્યું અને હાથના ઇશારાથી સમજાવ્યું કે,ઉંધે થી વાંચ તો થયું ખ+ઉ+સ મતલબ જે ખુશ હોય તે સુખી હોય.આ એક સરળ થીયરી છે કે,માણસ ખુશ હોય તેના પાસે સુખ હોય.

અમારા ગામમાં એક જણ સરસ ફાફડા બનાવે છે અહીં દિલ્હીમાં તમને જલેબી મળે પણ ફાફડા ન મળે મેં કહ્યું તું દિલ્હી ચાલ તારો ધંધો ત્યાં સારો ચાલશે તો તેણે હસીને કહ્યું અહીં બાંધેલા સમયમાં હું ફાફડા બનાવું છું પછી હું મારી રીતે જીવું છું મિત્રોને મળુ છું ફેમિલી સાથે સમય વિતાવું છું ત્યાં મારું કોણ અને અહીં જેવી મજા મને દિલ્હીમાં ક્યાંથી મળે?આ હતી તેના સુખની વ્યાખ્યા.
એક વખત હું બસમાંથી ઉતર્યો મારા પહેલા ઉતરેલા ઉતારૂઓ જેમને જરૂર હતી એ ફટાફટ રીક્ષા ભાડે કરીને વહેતા થયા બધી રીક્ષા જતી રહી હું આમતેમ જોતો હતો તો દૂર એક રીક્ષા ઊભેલી દેખાઇ.મેં તેમાં બેસી મારા ઘરનું સરનામું આપ્યું અને એ મોજથી સીટી વગાડતા રીક્ષા ચલાવવા લાગ્યો.રસ્તામાં મેં એને પુછ્યું
‘બધા રીક્ષાવાળા બસને ઘેરીને ઊભા હતા તું કેમ ન આવ્યો તો એણે કહ્યું મને છેલ્લા ફેરો જ કરવો હતો અને જેને જરૂર હશે એ પોતે મારી પાસે આવશે જેમ સાહેબ તમે આવ્યા.’
‘છેલ્લો ફેરો મતલબ હવે તું રીક્ષા નહીં ચલાવે?’
‘ના મારી આજની તમારા ભાડાથી કમાણી પુરી થઇ ગઇ.હવે હું સિધ્ધો ઘેર જઇશ જમીશ મારી દીકરીને રમાડતા ઊંઘી જઇશ સાંજે મારી ઘરવાળી અને દીકરીને રિક્ષામાં બેસાડીને દરિયા કિનારે લઇ જઇશ મારી દીકરી ધુળમાં રમશે અને અમે ચિપ્સ ચાવતા વાતો કરતા તેની રમત જોઇશું’
આ હતી એક સામન્ય એક રીક્ષા વાળાના સુખની વ્યાખ્યા.
એક પાર્કમાં સાંજે સિનિયર સિટીઝન્સ ભેગા થઇને હાસ્ય કલ્બ ચલાવતા હતા.બધા સાથે મળીને બેસે ટૂચકાઓ સંભળાવે ગીતો ગાય અને મોટેથી ખડખડાટ હસે.હું પાર્કના દરવાજા પાસે ઊભો મારા મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે એક સિનીયર સિટીઝન બીજા ને કહેતા હતા આ અહીંથી ગયા બાદ રાત્રે સરસ ઊંઘ આવે છે અને મન ફ્રેશ થઇ જાય છે.આ હતી એ સિનીયર સિટીજનના સુખની વ્યાખ્યા.
છેલ્લે આપણા કોઇ આદ્યકવિએ લખ્યું છે કે,
‘સુખે સુવે સંસારમાં એક જ નર કુંભાર ચિંતા બાંધી ચાકડે ધન તેનો અવતાર’
ભાગોડેથી માટી લઇ આવે કોઇ પણ જાતના રોકાણ વગર અને માટલા ઘડી વેંચે ને રોટલા ખાય કશું ચોરાઇ જવાની બીક તો હોય નહીં એક ચિંતા એના ગધેડાની હોય એ ચાકડા સાથે બાંધી દે જેથી ભાગી ન જાય આ એ કુંભારના સુખની વ્યાખ્યા.
જો ચારે તરફ નજર ફેરવશો તો આવા ઘણા દાખલા જોવા મળશે ફકત આપણને જોવાની ફુરસદ અને સમય હોય તો….

સુખ એટલે……(19)રાજુલબેન શાહ

સુખ-સ્વાનુભૂતિ ”’

” સુખ-સ્વાનુભૂતિ ”

6669_1

સુખ અંતરની અનુભૂતિ છે.

ખલિલ જિબ્રાને લખેલી એક સાવ નાનક્ડી વાત-એક બાદશાહ એકવાર બિમાર પડયો એનો રોગ કોઇ રીતે મટતો નહોતો.એ વખતે એક ફકિરે આવીને કહ્યું કે,બાદશાહના રોગનો ઇલાજ એક જ છે.જો કોઇ સુખી માણસ્ નું પહેરણ લાવીને બાદશાહને પહેરાવવામાં આવે તો રોગ તરત મટી જાય.

ઇલાજ સાંભળવામાં તો સાવ સરળ લાગ્યો હતો.દેખીતી રીતે એમાં કોઇ મોટો ખર્ચ કે મોટી મુશ્કેલી નહોતી.પરંતુ બાદશાહના સેવકોએ સુખી માણસના પહેરણની શોધ કરીત્યારે ખબર પડી કે કોઇ વ્યક્તિ પોતાની જાતે સુખી માનતી જ નહોતી.આખરે બહુ  શોધખોળના અંતે એક સુખી માણસ મળી આવ્યો. એ માછીમાર હતો.મસ્તીથી જીવતો હતો અને પોતાની જાતને સુખી માનતો હતો.પણ જોવાની ખુબી એ હતી કે એની પાસે પહેરવા કોઇ પહેરણ જ નહોતું.

અનાદિ કાળથી માણસ  સુખની શોધમાં અટવાયેલો જ છે.દરેક ના મનમાં સુખનું એક કાલ્પનિક ચિત્રાલેખાયેલુ હોય છે જે ક્યારેય સુરેખ તો હોતું જ નથી.

ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા.એક મિત્રે આવીને પુછયું આટલા બધા તલ્લીન થઇને શા વિચારમાં પડ્યા છો? રસેલે જવાબ આપ્યો ”મેં એક વિચિત્ર શોધ કરી છે. જ્યારે જ્યારે હું કોઇ જ્ઞાની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતિતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી જ નથી,અને જ્યારે મારા માળી સાથે વાત કરતી વેળાએથી ઉલટી જ વાતની ખાતરી મને થાય છે”.

મતલબ સુખનીસતત શોધ અથવા સુખ વિશેના સતત વિચારોથી સુખ પ્રાપ્ત થવાની શક્યતા  નહિવત છે. પણ જ્યારે જે સમયે સંજોગો જે કામમાં પુરેપુરા વ્યસ્ત થઈ જવાથી અને વિચાર શૂન્યતાની સ્થિતિમાં કદાચ વધુ આનંદ રહેલો છે. જ્યારે જે મળ્યું છે તે માણી લેવાની સ્થિતિ કદાચ સુખ પ્રાપ્ત થવાનો રસ્તો તો હોઇ જ શકે.સુખની અનુભૂતિના મૂળ સંતોષવ્રુત્તિ  મહત્વની છે.

નરસીંહ મહેતાએ ગાયું છે તેમ ”ભલુ થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ” જોકે નરસીંહ મહેતા જેવી તટસ્થતા તો કદાચ ભાગ્યેજ કોઇના મનમાં ઉદ્દભવે.પરંતુ જે આપણું છે તે જ સાચું છે તેમ માની લેવાથી સુખના સીમાડાની સરહદે તો ચોક્કસ પહોંચી શકાશે.

હજુ સુધી દુનિયામાં સુખી થવા માટે ની કોઇ પ્રિસ્ક્રીપ્શન લખાયુ કયારેક જોયું? નહીંતો આટ્લા પ્રગતિશીલ વિજ્ઞાન તેમજ મેડીકલ સાયન્સમાં સુખી થવા માટે ની પેટન્ટ તો કોઇએ ચોક્ક્સ પોતાના નામે કરી જ હોત. સુખ નામનો ગુણ માત્ર આત્મામાં જ છે.આત્માના અનંતા ગુણો છે. અને આ અનંત ગુણોમાંના પ્રત્યેક ગુણમાં સુખ્નો અનુભવ કરી શ્કાય.કોઇપણ ભાર વગર જ્યારે આત્મા નિજાનંદમાં મસ્ત બને ત્યારે સુખની શરુઆત થઇ કહેવાય.એક નાનકડું પણ સુંદર વાક્ય-

”happyness is a perfume,you cannot pour on other without getting a few drops on yourself”.

માણસ જો પોતે અંદરથી ખુશ હશે સુખી હશે તો બીજાનો આનંદ-સુખ સમજી કે સહી

શકે.બાકી તો કોઇના સુખે સુખી તો માત્ર ફકીરો કે સાધુ સંતો હોઇ શકે.

દુનિયાનો એક ક્રમ છે માણસ હંમેશા પોતાના જીવનમાં જો સૌથી વધુ જેની ઝંખના કરતો હોય તો તેને સુખ,સમ્રુધ્ધિ, સ્વતંત્રતા અને મનની

શાંતિ આ તમામ જો કોઇને આપી શકતા હોઇએ તો તે આપણને પણ એટલીજ  માત્રામાં સામા મળી જ રહેતા હોય છે.

સુખ નામનું પતંગિયુ,જેટલું તેને પકડવા મથો એટલું તમારાથી દુર ઉડતું જાય.પણ જો તમે શાંતિથી મનના ઉધમાતોથી દૂર રહી શકો તો કદાચ શક્ય છે એ આવીને ગુપચુપ તમારામાં ગોઠવાઇ જાય.

સુખી થવાના સો કિમીયા હશે પણ કોને ખબર ક્યારે કોને તે અનુરુપ આવે તે જાતે નક્કી કરવાનું છે.ક્યારેક નાના નાના આયાસો પણ સુખની અનુભૂતિ કરાવી જાય. પાંચ પકવાન ખાઇને જે સંતોષ ન થઇ હોય તેના કરતા વધુ સંતોષ કયારેક કોઇ જરુરતમંદ બાળકને બ્રેડ કે બિસ્કીટ આપીને એના ચહેરા પરના આનંદને જોઇને પણ મળી જાય.

ક્યારેક કલાકો ઇશ્વર ભકિતમાં ગાળ્યા હોય પણ ધરવ ન થાય અને અચાનક થોકબંધ માણસો વચ્ચે અલપ ઝલપ થઇ જતા દર્શન પણ અવર્ણનિય સુખ આપી જાય.

સુખનો સમય  નિશ્ચિત નથી.ક્યારે કોને ક્યા સ્વરુપે પ્રાપ્ત થશે તે  નિશ્ચિત નથી પણ એટલું તો   નિશ્ચિત છે કે સુખ અંદરની સ્થિતિ છે. સુખ અંતરની અનુભૂતિ છે.

રાજુલબેન શાહ

http://rajul54.wordpress.com/

“આ લેખ/આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને પ્રગટ થયો.

બેઠકનો અહેવાલ -રાજેશ શાહ

 

Gujarat Samacharબે એરિયાના સાહિત્યકારોએ સુખની શોધ માટે મંથન કર્યું

– અંતે સૌ સુખને સાથે લઇ છૂટા પડયા

– સૌએ પોત-પોતાના સુખને શોધ્યું સર્વત્ર સુખ વર્તાયું; સુખ છલકાણું

(રાજેશ શાહ દ્વારા)    બે એરિયા, તા. ૧૩
બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતને પ્રોત્સાહન આપી આપણા સૌની ગૌરવવંતી ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને નવી પેઢીને તેનો અમૂલ્ય વારસો આપવા ‘બેઠક’ બેનર હેઠળ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ જાન્યુઆરી, ૨૦૧૪થી શરૃ કરીને દર મહિને છેલ્લા શુક્રવારે ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થાય છે.
દર મહિને ગુજરાતી ભાષા – સાહિત્યને લગતો એક નવો જ વિચાર વિષય રૃપે નક્કી કરાય છે અને સૌ તેની બેઠકના કાર્યક્રમ વખતે રજૂઆત કરવા તૈયારીઓ શરૃ કરે છે.
બેઠકના સંનિષ્ઠ કાર્યકરો પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન રઘુભાઇ તથા સહગુજરાતી ભાષાપ્રેમીઓએ લેખક, વાંચક, પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો એક નૂતન સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. બેઠકના સપ્ટેમ્બર મહિનાનો વિષય સુખ ઉપર સૌએ પોતપોતાના મૌલિક વિચારોની રજૂઆત કરવા ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં એકત્ર થયા હતા. આજના સુખના વિષયને સૌ ભાષા રસિકોએ ખૂબ પ્રેમથી વધાવી લીધો હતો અને અનોખી રજૂઆત કરવા સૌ તત્પર થયા હતા. આજની બેઠકનું ખાસ આકર્ષણ બે એરિયાના સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટ, પુસ્તક પરબના પ્રતાપભાઇ પંડયા, સંગીત અને સાહિત્યપ્રેમી મહેન્દ્રભાઇ મહેતા અને જાગૃતિબેન શાહ હતા.
બેઠકની શરૃઆતમાં કલ્પનાબેને સરસ્વતી વંદનાથી કરી હતી. ટેક્સાસથી ગુજરાતી સાહિત્ય સરિતા અને સહિયારું સર્જનના શ્રી વિજયભાઇ શાહે ફોન ઉપર કોન્ફરન્સ કોલ કરી સર્વે સાથે વાતો કરી. જયશ્રીબેન મરચન્ટે પોતાના સુખ ઉપર આગવા વિચારો રજૂ કરી ેબેઠકના સર્વે ભાષાપ્રેમીઓને આવા સુંદર કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા.
બે એરિયાના બેઠકના ભાષાપ્રેમીઓ કલ્પનાબેન રઘુભાઇએ, ૮૨ વર્ષે પણ સતત કાર્યશીલ રહેતા પ્રજ્ઞાાબેન, પી.કે. દાવડા, રાજેશ શાહ, કુન્તાબેન દિલીપભાઇએ, જયવંતીબેને, વસુબેન, સુબોધ ત્રિવેદી, દિનેશ પટેલ, પિનાકભાઇ દલાલે સુખ વિષય ઉપર સચોટ રજૂઆત કરી હતી.
આજની બેઠકમાં સૌ ભાષાપ્રેમીઓ ઉત્સાહ સાથે આવ્યા, સમગ્ર કાર્યક્રમનો અને સૌની રજૂઆતને પ્રેમપૂર્વક માણી સુખને સાથે લઇને છૂટા પડયા. અહીં સુખ વાંચન બનીને આવ્યું અને શુક્રવારની સાંજે બેઠકમાં સૌએ પોતપોતાના સુખને શોધ્યું અને મેળવ્યું. બધે સુખ અને સુખ વર્તાયું એમ કહો કે સુખ છલકાણું.

શુભેચ્છા સહ….(3)ડૉ. ઇન્દુબહેન શાહ

 “શુભેચ્છા સહ” જ્યારે પણ, આપણે, સગા, સંબંધી , મિત્ર કે કોઇ પણ વ્યક્તિ ને ભેટ આપીયે કે ફક્ત કાર્ડ આપીયે ત્યારે હંમેશા લખિયે શુભેચ્છા સહ, આ પ્રમાણે લખવાનો રિવાજ, કે સિરસ્તો વર્ષોથી કુંટુંબમાં ચાલતો હોય, અને ઘરના નાના મોટા બધામાં એ સંસ્કાર વણાઈ જાય અને પછી તો યંત્રવત આપણે બીજુ કંઇ પણ લખતા પહેલા શુભેચ્છા સહ લખીએ જ, આ શુભ ઈચ્છા અંતકરણના ઊંડાણમાંથી પ્રેમ નીતરતી હોય તો જ આશીર્વાદ રૂપે વ્યક્તિ પર વર્ષે અને તેનો છંટકાવ આપણા અંતકરણને શુધ્ધ બનાવે. બાકી રોબોટની જેમ મિકેનિકલ લખવા ખાતર લખેલ શુભેચ્છાનો કોઇ અર્થ નથી.

આ થઇ આપણે આપવાની વાત, ઘણા લોકો તો આમંત્રણ પત્રિકા શુભેચ્છા સાથે પાઠવે છે. મને આવું આમંત્રણ પાઠવવામાં આવેલું આપને જણાવું,ઇશ્ટદેવની કૃપાથી અમારી પુત્રવધુના સિમંત પ્રસંગમાં, આપ સહ કુટુંબ “શુભેચ્છા સહ” પધારશો, સરસ આપણે આપીએ કે ન આપીએ આપણે આવ્યા, તેની સાથે શુભેચ્છા આવી ગઇ.

                             શુભનો અર્થ મંગળપ્રદ, કલ્યાણકારી, ભલું; શુભ શબ્દનો શબ્દ પ્રયોગ ઘણા શબ્દ આગળ જોવા મળે છે, શુભ ચિંતક, શુભતિથિ, શુભદર્શી  અર્થ થાય શુભ દર્શાવનારું; શુભાશયી, અર્થ શુભ આશય વાળું, શુભાશિષ,  અર્થ આશીર્વાદ; શુભોપમાલાયક અર્થ શુભ ઉપમાઓને લાયક, આવા તો અનેક શબ્દો છે જેના આગળ શુભ શબ્દ વપરાય, ઘણા પરિવારોના બારણે શુભ, લાભ ના સ્ટીકરો સારા પ્રસંગે જોવા મળે છે.

                              ઘણી વાર, અણગમતી વ્યક્તિ સામે મળે આપણે શુભ પ્રભાત(good morning) કહેવા ખાતર કહીએ, મનમાં તો, સવારના પહોરમાં આનું મોઢું ક્યાં જોયું, મારી સવાર બગડી ગઇ. દીવાળી પર બધા સગા, સંબંધીઓ એક બીજાને શુભ  દિપાવલીના સંદેશ પાઠવે, આવા સંદેશા લખતી વખતે અથવા બોલતી વખતે અંતકરણનો ઉમળકો પ્રગટ થયો હોય, તો આપણને પણ  તેવા  જ  ભાવવાળા સદેશા મળશે,કહેવાય છે ને “જેવું વાવો તેવું લણૉ.

                 કોઇ પણ ધાર્મિક પુષ્તકની શરૂઆત હંમેશા મંગલા ચરણ સ્લોકથી કરવામાં આવે છે. તેમાં શાંતિ પાઠ શ્લોક પણ હોય શકૅ.જ્યારે દીકરીને મંડપમાં તેના મામા લાવે છે, ત્યારે બેનો દીકરીના મંડપ પ્રવેશના પગલે મંગલાષ્ટકમ્ ગાઇ છે, ત્યારે પણ મંગળ ભાવના પ્રગટ કરાય છે.આપણે સૃષ્ટિના સર્વ પ્રાણી માત્રનું  મંગળ  ઈચ્છિએ,  આખી પૃથ્વી મંગળમય  બને.

 ॐ सहना भवतु सहनौ भुनक्तु, सह विरम्य करवा वहैः

                                    तेजस्वीना वदि तमस्तु, मा विदविसा वहैः

                                           ॐ शान्ति शान्ति शान्तिः

                            વક્તા અને શ્રોતાના આધ્યાત્મિક સતસંગ દરમ્યાન કોઇ જાતની અડચણ ના નડે, કોઇ પણ જાતના અનર્થિય વાદ વિવાદમાં ન પડે, ભૌતિક, દૈવિક, અને આંતરિક શાન્તિ પ્રાપ્ત કરે.અને છેલ્લે મૃત્યું બાદ પ્રાર્થના સભામાં પણ પ્રાર્થના ગવાઇ છે

                              ” મંગળ મંદિર ખોલો, દયામય મંગળ મંદિર ખોલો

                           દ્વારે ઊભો શીશુ ભોળો દયામય મંગળ મંદિર ખોલો’

આમા પણ મૃત્યું પામેલ વ્યક્તિ માટે મંગળ ભાવ પ્રગટ કરીએ છીએ, પરમ કૃપાળુ મંગળ મંદિર દ્વાર ખોલી તેનો સ્વીકાર કરે.

    સર્વનું સદા મંગળ થાવ એજ “શુભેચ્છા સહ વિરમું છું.

જય હો….news

તા. ૧૧ ઓક્‍ટોબર ૨૦૧૪ વિક્રમ સવંત ૨૦૭૦ આસો વદ – ૩ શનિવાર

Registration | Login
‘‘સહિયારુ સર્જન” : US માં હયુસ્‍ટન ખાતેની ગુજરાતી સાહિત્‍ય સરિતામાં શરૂ થયેલ પ્રયોગાત્‍મક સર્જનમાં ૨૫ સર્જનોનો રેકોર્ડ : ‘‘લીમ્‍કા બુક ઓફ રેકોર્ડ ૨૦૧૫” માટે શ્રી વિજય શાહના નામે અંકે થયો : ૩૫ જેટલા નવોદિત તથા સિધ્‍ધહસ્‍ત લેખકોના નવતર સર્જન પ્રકારને લીમ્‍કા બુકમાં સ્‍થાન મળ્‍યાની સિધ્‍ધિ : જય હો….

‘‘સહિયારુ સર્જન'' : US માં હયુસ્‍ટન ખાતેની ગુજરાતી સાહિત્‍ય સરિતામાં શરૂ થયેલ પ્રયોગાત્‍મક સર્જનમાં ૨૫ સર્જનોનો રેકોર્ડ : ‘‘લીમ્‍કા બુક ઓફ રેકોર્ડ ૨૦૧૫'' માટે શ્રી વિજય શાહના નામે અંકે થયો : ૩૫ જેટલા નવોદિત તથા સિધ્‍ધહસ્‍ત લેખકોના નવતર સર્જન પ્રકારને લીમ્‍કા બુકમાં સ્‍થાન મળ્‍યાની સિધ્‍ધિ : જય હો....

 

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : અમેરિકામાં હ્યુસ્‍ટન ખાતેની ગુજરાતી સાહિત્‍ય સરિતામાં શરૂ થયેલ પ્રયોગાત્‍મ સહિયારુ સર્જનમાં ૨૫ સર્જનોનો રેકોર્ડ (નવકથા, કાવ્‍ય, સંગ્ર, તથા નિબંધો) લીમ્‍કા બુક ઓફ રેકોર્ડ ૨૦૧૫ માટે શ્રી વિજય શાહના નામે નોંધાયો.

         કુલ ૩૫ જેટલા નવોદિતો તથા સિધ્‍ધહસ્‍ત લેખકો દ્વારા થયેલ આ નવતર સર્જન પ્રકારને ‘‘લીમ્‍કા બુક ઓફ રોકોર્ડ” માં સ્‍થાન તે માનનીય સિધ્‍ધી છે.

         લીમ્‍કા બુક ઓફ રેકોર્ડમાં શ્રી વિજયભાઈ શાહનું નામ જે કાર્યમાં જાહેર થયુ તે સહિયારુ સર્જનના પુસ્‍તકો તથા લેખકોનું કોલાજ સુશ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાલાએ બનાવી આપ્‍યુ હોવાથી તેમનો આભાર માનવામાં આવ્‍યો છે. તેવું શ્રી વિજયભાઈ શાહની યાદીમાં જણાવાયુ છે.

         ભારતમાં પુસ્‍તક પ્રકાશકોની પૂછપરછ આવકાર્ય હોવાનું જણાવાયુ છે.