જૂની આંખે નવા તમાશા – 1-ડો.લલિત પરીખ

‘જૂની આંખે નવા તમાશા’ લોકોક્તિ જૂની હોવા છતાય આજના  કોમ્પ્યુટર યુગમાં ય  એટલી જ સાંપ્રત તેમ જ સમીચીન છે, તેમાં તો લવલેશ સંદેહ નથી.અલબત્ત મોતિયાના ઓપરેશન પછી નવો લેન્સ બેસાડી દીધા બાદ તો હકીકતમાં નવી આંખે જ નવા તમાશા જોતા રહેવાના હોય છે એટલો સુધારો કરવો હોય તો કરી શકાય.બાકી આ કહેવત આપણા  દાદા દાદી પણ તેમના જમાનામાં કહ્યા કરતા હશે,આપણા માબાપ પણ કહેતા રહેતા અને આપણે પણ મનોમન કહ્યા કરતા હોઈએ છીએ.પરંપરા વિરુદ્ધની નવી રહેણી કરણી,રીતરિવાજ, ફેશન,જીવનશૈલી વી.જોઈ આપણે બોલી ઊઠીએ છીએ કે “જુઓ જૂની આંખે નવા તમાશા”.

એક સુપ્રસિદ્ધ જૈન પ્રવચનકાર શ્રી હુકમચંદ ભારિલને મેં એક વાર  સાંભળેલા જેમણે  બહુ સરસ પણ રમૂજી રીતે આ બાબતમાં કૈંક આવું કહેલું,જેનો લક્ષ્યાર્થ ”જૂની આંખે નવા તમાશા’ જ અભિપ્રેત હતો.તેમણે કહેલું કે એક જમાનામાં લોકો મોટી પાઘડી બાંધતા,પછી નાની પાઘડી બાંધવા લાગ્યા,તેમાંથી તૈયાર પાઘડી માથે મૂકતા થયા,આગળ જતા પાઘડી છોડી, કાળી અને કાશ્મીરી ટોપી પહેરતા થયા,આવી ટોપીઓ પણ ત્યાગી ગાંધી ટોપી પહેરતા થયા અને હવે  ઉઘાડે માથે બાબરી પાડીને ફરતા થઇ ગયા.સ્ત્રીઓ પણ લાંબા ઘૂમટામાંથી નાના ઘૂમટા કાઢતી થઇ જવા લાગી,પછી માથે માત્ર કપાળ ઓઢતી થવા લાગી,તેના પછી કેવળ માત્ર માથું જ ઢાંકવા લાગી અને છેલ્લે ઉઘાડે માથે ફક્ત ખભો જ ઢાંકતી થઇ ગઈ.પાની  ઢાંકીને ચાલતી સ્ત્રીઓ શોર્ટ્સ પણ પહેરતી  થવા લાગી.ચશ્મામાંથી લેન્સ પહેરતા  થઇ ગયા લોકો અને હવે તો ઇનબિલ્ટ લેન્સ પહેરતાપણ  થઇ ગયા.શરીર ઢાંકવા કરતા  વધુ ઊઘાડું રાખવું એ ફેશન તો મલિકા શેરાવત જેવી અભિનેત્રીએ પૂરી પરાકાષ્ટાએ પહોંચાડી દીધી.

બાળકો વડીલોને  સ્ટુપિડ કહેતા થઇ ગયા અને ક્યાંક ક્યાંક તો વડીલો બાળકોને આતંકવાદી કહેતા થઇ ગયા. વિદ્યાર્થીઓ શિક્ષકથી ડરતા તેના બદલે હવે શિક્ષકો વિદ્યાર્થીઓથી ડરતા થઇ ગયા, તેનાથી વધુ તો જૂની આંખે જોવાતો મોટો તમાશો બીજો શો હોઈ શકે? યુનિયનો બનતા હવે બેન્કના સ્ટાફથી મેનેજરો ડરતા દેખાય અને ઘરેથી પ્રાર્થના કરીને નીકળે કે “આજે સ્ટાફ હેરાન ન કરે’ તેનાથી વધુ  તમાશા કયા અને કેવા હોઈ શકે? કોલેજના પ્રિન્સિપાલો,યુનિવર્સીટીના  રજીસ્ટ્રારો  અને વાઈસ ચાન્સલરો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓથી વાતે વાતે ગભરાય એ તમાશો તો જૂની આંખ જોઇને આશ્ચર્ય અને આઘાતનો જ અનુભવ થઇ શકે. પરદેશમાં વડીલો કરતા  કૂતરા-બિલાડાઓનું માન – સન્માન વધારે થતું જોવાય, એ પણ જૂની આંખે નવા તમાશા જેવું જ કે બીજું કાંઈ ? વડીલોને પાછળથી ‘ગાર્બેજ’ કે ‘ડસ્ટબિન’નું ટાઈટલ અપાય એ તો જૂની આંખે જ નહિ, જુના કાને પણ નવા તમાશા જેવું જ દુખદ અને આઘાતજનક  કહેવાય.નાનપણમાં જેમની હાકથી,હાજરીથી,ધાકથી જે ડરતા અને ગભરાતા તે બાળકો હવે વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂકેલા માતાપિતાને ટડકાવતા રહે એ તો જૂની આંખે જોવાતો, ન ભૂતો ન ભવિષ્યતે  જેવો તમાશો તો અત્યારે ઘરે ઘરે જોવાતોભજવાતો જોવા મળે છે.

પરંતુ દરેક સૈકામાં જૂની આંખે નવા તમાશા જોવાની,તેના વિષે ફરિયાદ કરવાની પરંપરા તો ચાલતી જ આવી છે.ફક્ત મારા પરિવારની જ વાત કરું તો મારા લગ્ન સમયે મારી વાગ્દત્તા લાજ નહિ કાઢે તે માટે મારે મારા મોટા સસરાને પત્ર લખવો પડેલો અને એ લાજ કાઢ્યા વગરના અમારા લગ્ન  મારા માતા પિતા તેમ  જ મારા શ્વસુર પક્ષના લોકો માટે જૂની આંખે નવા તમાશા જેવું જ ગણાયેલું.મારી પત્ની માથે ઓઢતી અને મારા બાળકો પણ નાના હતા ત્યારે મારા પિતા ઘરમાં આવતા દેખાય કે તરત મારી પત્નીના માથે સાડલાનો છેડો ઓઢાડી દેતા તે મને હજી યાદ છે.આગળ જતા એ માથે ઓઢવાનું પણ નીકળી  ગયું,જયારે મારા પિતાના દૂરના ભત્રીજાની પ્રૌઢ પત્ની છેક સુધી લાજ કાઢતી રહી,અને લાજમાંથી જ તેમની સાથે વાતચીત કરતી રહેતી, તે પણ યાદ છે.એ કદાચ સંધિકાળ હશે; પણ તે સમયના વડીલો માટે એવું બધું જૂની આંખે નવા તમાશા જેવું જ હશેને?

પછી તો મારા ચારમાંથી ત્રણ પુત્રોએ પ્રેમલગ્ન કર્યા ત્યારે હું અને મારી પત્ની તો સહમત થયા જ ;પણ સાથે સાથે મારા માતા પિતા પણ ખુશી ખુશી સહમત થયા, એ ગામલોકો માટે જૂની આંખે નવો તમાશો બની ગયેલ.અમારા વૈષ્ણવ ગુજરાતી પરિવારમાં એક ગુજરાતી જૈન પુત્રવધૂ,બે મહારાષ્ટ્રીયન પુત્રવધૂઓ  અને એક ઉત્તર પ્રદેશની વાર્શ્નેનેય પુત્રવધૂ સ્વીકારાઈ તે મારા મિત્રો માટે ય જૂની આંખે નવા તમાશા જેવું બનેલું.

હવે મારા પૌત્રો અને પૌત્રીઓ તો પોતાની પસંદગીના પાત્રો સાથે પરણી રહ્યા છે અને માનવજાતિ એક જ છે તે સિદ્ધાંતના આધારે કોઈ પણ દેશના ,રંગના પાત્રને પરણે તો તે અમારા માટે તો સર્વસંમત વાસ્તવિકતા છે; પણ ભારતના અમારા સગા વહાલાઓ  માટે તો જૂની આંખે નવા તમાશા જેવું જ કહેવાય કે બીજું કાંઈ ? દેશ કાળ સાથે વર્તન પરિવર્તન સ્વીકારતા જવું એ જ સાચી પ્રગતિ છે,સાચો વિકાસ છે એવું સમજનાર માટે જૂની આંખે નવા તમાશા જેવું બહુ રહ્યું નથી. વડીલો પણ સમજ વધતા બધું સ્વીકારતા જાય , એ આનંદની વાત છે.મારા પિતરાઈ ભત્રીજાએ માસીની દીકરી સાથે લગ્ન કર્યા,  તે પણ બેઉ પક્ષોએ સ્વીકારી ધામધૂમથી લગ્ન કરેલા અને મેં તેમાં હાજરી આપેલી તે મને યાદ છે.

મારા એકસો છ વર્ષના કાકી તો પ્રસન્ન પ્રસન્ન ભાવે  ‘રામ રાખે તેમ રહીએ’ ભજન ગાયા કરે છે વર્તન- પરિવર્તન જ જીવનનું  પરમ સત્ય છે એ સમજાય  તો ‘જૂની આંખે નવા તમાશા’ની ફરિયાદ ઓછી થઇ જાય.

3 thoughts on “જૂની આંખે નવા તમાશા – 1-ડો.લલિત પરીખ

  1. ખુબ સુંદર લેખ છે.અંગત ઉદાહરણ આપીને વિષયને સમજાવવો,તેના માટે હિંમત જોઈએ.

    Like

  2. રામ રાખે તેમ રહિયે, પણ રામને વિનંતી કે એ સારી રીતે રાખે!!!

    Like

  3. You have covered a lot in your article “Juni akhe nava chasma” Very well written. Enjoyed reading it. Our best behavior is to change according to time and wind.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.