સુખ એટલે …

2010- KRS - Copy

સુખનું સરનામુ શોધવા માણસે ખૂબ પ્રયત્ન કર્યો. ગુગલ પર પણ સુખનું સરનામુ ના મળ્યું. છેવટે પાંચ ઘોડા પર સવાર થઇને પાંચેય ઇંદ્રિયોને કામે લગાડી. આ તમામ ઇંદ્રિયો બહિર્મુખ હતી. પરંતુ જ્યારે આ ઘોડાઓની લગામ મનને સોંપી અને મનને કેળવીને તેને અંદરની તરફ વાળ્યું કે તેની સુખની શોધ પૂરી થઇ. આ સફર કઠીન છે. પરંતુ જેવી જડીબુટ્ટી હાથ લાધે, સુખની શોધ ખુબ સરળ છે. કસ્તુરી મૃગની વાત ખૂબ જણીતી છે.

સ્વામી રામતીર્થે એક સુંદર ઉદાહરણ આપ્યું છે. ‘એક પિંજરું હતું. જેમાં ચારે તરફ અરીસા જડેલાં હતાં. પિંજરાંની વચ્ચોવચ એક ગુલાબનું ખીલેલું ફૂલ હતું. પિંજરાંમાં એક મેનાને મૂકવામાં આવી. એણે અરીસામાં ચારે તરફ ફૂલનું પ્રતિબિંબ જોયું. જ્યાં પણ એની નજર જતી ત્યાં એને ફૂલ જ દેખાતું. અને જેટલી વાર એ ફૂલને પકડવા ગઇ એટલી વાર એની ચાંચ અરીસા સાથે અથડાઇ. અંતે નિરાશ થઇ એણે અરીસા તરફથી મોઢું ફેરવ્યું. ત્યાં તો એને વચ્ચે પડેલું ગુલાબનું અસલ ફૂલ મળી ગયું. હે મનુષ્ય! સંસાર એ પણ એક પિંજરું છે. જે સુખને તું બહાર શોધે છે એ તારી અંદરજ છે’. પરમાંથી ખસીને સ્વમાં વસે તે સુખી.

મારા ગુરુ હમેશા કહે, ‘હર હાલમેં ખુશી’. તમારા બેડરૂમમાં તમારા બેડ પર ઘરનો કામવાળો બેસીને રીમોટથી ટી. વી. ચેનલ એઇન્જ કરતો તમને અચાનક નજરે પડે અને છતાંય તમે કોઇ પ્રતિભાવ ન આપો ત્યારે સમજવું, સુખ તમારાથી દૂર નથી.

માણસને આજે જે વસ્તુમાં સુખ લાગતું હોય એ કાલે આજુબાજુની પરિસ્થિતિ બદલાતાં તેજ વસ્તુ દુઃખમાં પલટાઇ જાય છે. અને માટેજ જે તે વસ્તુ કે પરિસ્થિતિને તે ક્ષણે તે જેવી છે તેવો તેનો સ્વીકાર કરો અને તેનો રીમોટ કંટ્રોલ માત્ર તમારી પાસે રાખો એ ખૂબ જરૂરી છે. કહેવાય છે ને કે ‘યે દિન ભી ચલા જાયેગા’.

ક્ષણનું આયુષ્ય પાણીના પરપોટા જેવું છે.પછી તે સુખની હોય કે દુઃખની. તો પછી શા માટે તેને મન પર હાવિ થવા દેવી? પુણ્યકર્મનાં ફળસ્વરૂપે મનુષ્યને સુખની પ્રાપ્તિ થાય છે. એ ચિરકાલ રહેતું નથી. આ એક મનની પરિસ્થિતિ છે. અને આત્મભાવ એ દુઃખને સુખમાં ફેરવવાની ગુરુચાવી છે. આ સમજનો પારસમણિ હાથ લાગે તો સ્થિતપ્રજ્ઞ બનવું સરળ બને છે.પોતાનાં અંતઃકરણને સમભાવવાળું રાખવાનો સ્વભાવ કેળવવા માટે સાધના જરૂરી છે. અને આ મોટામાં મોટો રાજયોગ કહેવાય. જેમ જ્ઞાનરૂપી દિવાસળી એક પળમાં અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે, તેવુંજ સુખનું છે. ક્યાં તો પાગલ અથવા જ્ઞાની સૌથી સુખી હોય છે કારણકે કોઇ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ તેને ચલિત કે ભ્રમીત કરી શકતી નથી.

આ સુખ એટલે શું? દુઃખનો અભાવ એટલે સુખ.સુખ તમારી આસપાસ વિખરાયેલું છે … આનંદ તમારી ચારે બાજુ પથરાયેલો છે … પ્રસન્નતા તમારી સામેજ નૃત્ય કરે છે … સ્વસ્થતા બિલકુલ તમારી પાસેજ ફરે છે … પણ જો તમને શોધતા, અનુભવતા આવડે તો! કારણ કે સુખ નથી કોઇ ચહેરામાં, નથી ફૂલોનાં સહેરામાં, સુખ તો સંતાયેલું છે તમારી બે માસુમ પાંપણનાં પહેરામાં. સતત બહાર વહેતી આપણી પ્રાણશક્તિ, ઉર્જાને સંયમમાં રહી અંદર તરફ વાળીશું તો આપણને સુખ અવશ્ય મળશે. જે જાતને અંદરથી સતત ઉલેચતો રહે એ જ આજીવન ઉર્જાવાન કે સુખી રહી શકે. કારણકે પરમાત્માએ તો જગતમાં માત્ર સુખનું જ સર્જન કર્યું છે. દુઃખ એ તો માણસની પોતાની પેદાશ છે.

જે આદ્યાત્મમાં પ્રવેશે છે તેના માટે કહેવાય છે કે જેમ ઇચ્છાઓ ઓછી થાય અને વ્યક્તિ સંતોષી બને તેમ સુખ વધતું જાય છે. ઇશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છેઃ तेन त्यक्तेन भूजीथाः! ત્યાગીને ભોગવો. જે ત્યાગીને ભોગવે છે તે સુખી છે. સુખ સાચી ફકીરીમાં છે. અને ફકીર વ્યક્તિ સાચી બાદશાહી ભોગવી શકે છે. કારણકે કહેવાતા બાદશાહનું સુખ ક્ષણિક હોય છે. ગરીબને રોટલામાં સુખ મળે છે. અને ધનિકને અધિકને અધિક ધન મળે તો પણ ધરાતો નથી. સુખ અને સંતોષ બન્ને સાથે જરૂરી છે.

સુખ એ અગાધ દરિયો છે. કોને એમા ડૂબવું ના ગમે? કહેવાય છે, માહી પડયા તે મહાસુખ માણે. દેખનારાં દાઝે જોને … દરિયામાં ડૂબકી મારનાર મરજીવાને જ કિમતી રત્નો, મોતી પ્રાપ્ત થાય છે. કિનારે બેસીને માત્ર જોનારને કાંઇ મળતું નથી. માટે ડૂબકી મારવી જરૂરી છે.

પરંતુ આપણે તો બીજાને પણ સુખી કરવાનાં છે. બીજાને સુખી કરવાનો વિચાર એ આપણા સુખી થવાનો રાજમાર્ગ છે. જેટલું દિલથી વહેંચશો એનાથી વધુ પામશો. સુખનાં બી વાવ્યાં હોય તો સુખ મળશે. સુખ એવો પાક છે કે મનની, દિલની ધરતી પર જેટલો વાવશો તેનાંથી વધુ લણશો. સુખી બનવા જીવનને વહેતુ કરો. બીજાને કરેલી નાનીશી મદદની પ્રભુ જરૂરથી નોંધ લેશે. સામેની વ્યક્તિનાં આત્માનાં સ્પંદનો તમને સ્પર્શશે અને તમારા જીવનનાં ખાલીપાને ભરશે અને જીવનમાં ભાર ઓછો થશે. તમે ખુદ સુખમય બની જશો.

ક્યારેય સમાધાનથી સુખ ન મેળવો. આ રીતે મેળવેલા સુખને દુઃખમાં પલટાતાં વાર નથી લાગતી અને પછી જીવન ઘડીયાળનાં લોલકની સમાન બની જાય છે. માટે સુખની એ ક્ષણનો દિલથી સ્વીકાર કરો. અને હસતાં હસતાં તેને વળગી રહો.કહેવાતાં સુખ કરતાં સ્વસ્થતા વધારે ચઢિયાતી છે. પોતાને જે મળ્યું છે તે માટે આભાર માનવાની વૃત્તિ કેળવો. અને બીજાઓને એમની વર્તણૂંક માટે માફ કરવાની શક્તિ મેળવો. તો સુખ તમારા ચરણોમાં આળોટશે.

સુખથી જીવનને શણગારવાનું હોય. મન ભરીને માણવાનું હોય. છકી જવાનું ના હોય. સારાં કર્મો કરીને સારાં માર્ગે ચાલનાર માણસ સુખ પ્રાપ્ત કરે છે. અને પ્રભુનાં સાનિધ્યમાં પહોંચે છે. ખરાં ભક્તો તો કહે છે કે પ્રભુ દુઃખજ આપજે. જેથી તું યાદ આવે. નહીંતો તને ભૂલીને અમે છકી જઇશું. સાચાં ભક્તો માટે સુખ શું અને દુઃખ શું? માત્ર પ્રભુની શરણાગતિમાં જ તેમનું સુખ સમાયેલું છે અને આ તબક્કે યાદ આવે છે, ‘હનુમાન ચાલીસા’ની એ પંક્તિઃ

‘સબ સુખ લહૈ તુમ્હારી શરના

તુમ રક્ષક કાહેકો ડરના’

અને આજ છે સુખનું સરનામું. સુખ એટલે પ્રભુની શરણાગતિ. પછી ભલે ને હોય પ્રતિકૂળ કે અનુકૂળ, વસ્તુ, વ્યક્તિ, કે સંજોગો … સુખ તમને શોધશે જો પ્રભુ નિજ પાસ હશે. જો પ્રભુનું શરણુ હશે તો તમારા સુખનું સરનામું તમે ખુદ હશો.

કલ્પના રઘુ

6 thoughts on “સુખ એટલે …

  1. પ્રભુ ભીતરમાં છે, સુખ પણ ભીતરમાં છે. ભાર એને મેળવવાનાં ફાંફાં નકામાં છે

    સુખ પણ ન માગે દોડતું આવે, માગે એ દુર ભાગે

    Like

  2. Kalpanaben, I enjoyed reading your article. You have a knack of putting the best ideas in a very best way, in a literary Gujarati language. Good luck and congratulations.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.