વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા …..લેખક- વિનોદ પટેલ

 

સુખ એટલે શું ?અને વરિષ્ઠ નાગરિકનું સુખ-તે જાતે નર્યા​-​

સપ્ટેમ્બર મહિના ​આ બન્ને ​વિષય છે ને આવરી લેતો લેખ

​-​

 

વૃધ્ધાવસ્થા યા ઘડપણ એ દરેક મનુષ્યના મરણ પહેલાંનો જીવનનો આખરી તબક્કો છે.જીવનની મુસાફરીનું એ આખરી સ્ટેશન છે . જુવાનીની વસંત ભોગવ્યા પછી આવતી વૃદ્ધાવસ્થા એટલે કે જીવનની પાનખરમાં જીવન વૃક્ષ ઉપરથી પાકેલાં પીળાં પાન એક પછી એક એમ ખરતાં જાય છે .એટલે તો આપણા આદ્ય કવિ નરસિંહ મેહતાએ દુખી હૃદયે ગાયું છે કે  –  “ઘડપણ કેણે મોકલ્યું ? ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ ! “

સો વરસનું આરોગ્યમય સાદું,સાત્વિક અને સેવામય જીવન ભોગવીને વિદાય થયેલ કર્મયોગી રવિશંકર મહારાજે સાચું કહ્યું છે કે “ જે ઘરડમાં ચાલે તે ઘરડો “. વૃદ્ધ શબ્દ વૃદ્ધિ ઉપરથી આવ્યો છે. ઘડપણ આવે એ પહેલાંથી જ માણસ સતત વિચારોની વૃદ્ધિથી સમૃદ્ધ થતો રહે છે એટલે એ વૃદ્ધ કહેવાય છે . શરીરથી એ ભલે વૃદ્ધ દેખાતો હોય પણ મનથી તો એ યુવાન હોય છે .

વૃધ્ધાવસ્થામાં આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. સાઠ વર્ષ કે એની આજુબાજુની ઉમરે બ્લડ–સુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ,હૃદય રોગ –બાયપાસ સર્જરી અને છેલ્લે તબક્કે સ્મૃતિ નાશ એટલે કે અલ્ઝાઈમર જેવા ડરામણા લાગે એવા રોગોના લીસ્ટમાંથી એક કે વધુ રોગો સામે ટકવાનું હોય છે . આવા વખતે વૃદ્ધ માણસ ઘણીવાર મનથી ભાંગી પડતો જોવામાં આવે છે અને ડીપ્રેશનનો ભોગ બનીને દુખી થતો અને બીજાંને પણ દુખી કરતો હોય છે. ઘડપણમાં દુખો ભોગવીને , રીબાઈને મૃત્યુ પામવાનો ભય ઘણાંને સતાવતો હોય છે.આવા બધા જીવનના અંતિમ સમયે મન ઉપર કાબુ રાખવા માટે વૃદ્ધોએ સકારાત્મક  વલણ અપનાવવાની ખાસ જરૂર ઉભી થાય છે.

જેનું શરીર અને મન છેક સુધી સાથ આપે છે એવા જુજ સદભાગી માણસો જીવનની બાજી જીતી લઈને વિદાય થાય છે .જે માણસો યુવાનીનો સમય ભવિષ્યના કોઈ પણ પ્રકારના આયોજન વિના વેડફી મારે છે , પુર આવવાનું છે એમ જાણ્યા છતાં વહેલાસર પાળ નથી બાંધતા ત્યારે પાઘડીનો વળ છેડે એમ વૃધાવાસ્થામાં દુખી થતા હોય છે .આપણે ત્યાં રવિશંકર મહારાજ , મોરારજીભાઈ દેસાઈ , વિદ્યા વાચસ્પતિ કે,કા .શાસ્ત્રી જેવાં અનેક ઉદાહરણો છે જેમાં આવા મહાનુભાવોએ જીવનની છેલ્લી પળ સુધી શારીરીક માનસિક અને આત્મિક સુખ ભોગવી, લોકો માટે કામ કરતાં કરતાં એમનું જીવન દીપાવીને વિદાય થયા છે અને અમર થઇ ગયા છે . પૂજ્ય મહાત્મા ગાંધીની જો કરુણ હત્યા થઇ ના હોત તો ૧૨૫ વર્ષ જીવવા માટેનું એમનું પૂરેપૂરું આયોજન હતું.

ઘડપણમાં જુની આંખે ઘણા નવા તમાશા જોવાના હોય છે. આજની દુનિયામાં બધું ઝડપભેર બદલાઈ રહ્યું છે.જે સરતો રહે છે તેનું જ નામ તો સંસાર છે .”આ દુનિયા હવે પહેલાં જેવી રહી નથી “ એવી ફરિયાદ ઘણા ઘરડાઓ કરતા હોય છે. પરંતુ પરિવર્તનને પચાવવાની અશક્તિ દુખો ઉત્પન્ન કરે છે .ઘડપણ જેટલી શરીરની છે એટલી જ મનની અવસ્થા છે .

યુવાન પેઢીની પૈસા ખર્ચવાની અને બીજી લાપરવાઈઓ વૃદ્ધ મા -બાપને ઘણીવાર અકળાવતી હોય છે. ઘણા વૃદ્ધો એમના પરિવારો સાથે રહે છે એ બધાં જ કઈ સુખી નથી હોતાં . આ અવસ્થામાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે .ગમશે, ચાલશે , ફાવશે અને ભાવશે એવી મનોવૃત્તિ જો રાખવામાં ના આવે તો દુખી થવાના દહાડા આવે છે .વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી જૂની માન્યતાઓ અને આગ્રહો છોડવાનો અને એની સાથે સમાધાન કરી લેવાનો આ સમય છે .

બધા જ અણગમતા સંજોગોમાં મનનું સંતોલન રાખીને સકારાત્મક અભિગમ રાખવો એ જ સુખી થવાની ચાવી છે .આજે ઘણા વૃધ્ધો ભારતમાં તેમ જ વિદેશોમાં રહીને ત્યાંના જુદા પ્રકારના માહોલમાં પણ મન સાથે સમાધાન –સુમેળ સાધીને બ્લોગો અને અનેક પ્રકાશનોમાં લેખન વિગેરે સર્જન પ્રવૃતિઓ દ્વારા ઉમદા સાહિત્ય સેવા કરી રહ્યા છે તેમ જ એમની અન્ય મનગમતી પ્રવૃતિમાં પ્રવૃત્ત રહીને એમની જીવન સંધ્યામાં રંગો ભરી રહ્યા છે , ઘડપણના દિવસોને દીપાવી રહ્યા છે એ કેટલું શુભગ દ્રશ્ય છે ! એટલા માટે તો વૃદ્ધાવસ્થાને જીવનનો સોનેરી સમય કહેવામાં આવે છે .

જીવનના વિપરીત સંજોગોમાં પણ મળે ત્યાંથી હાસ્ય શોધી મનને રંજીત રાખવાની કળા જે વૃદ્ધ જાણે છે અને મનને પ્રફુલ્લિત રાખે છે એને સુખની પ્રાપ્તિથી બહુ છેટું પડતું નથી . તનનું બહુ સુખ ના હોય ત્યારે મનની સુખ સમૃદ્ધી જીવનને નવો આયામ આપવા માટે ખુબ કામ લાગે છે . નિયમિત ચાલવું, શરીરને માફક આવે કસરત કરવી, આધ્યાત્મિક ગ્રંથોનું વાચન , સત્સંગ અને મેડીટેશન વિગેરે વૃદ્ધાવસ્થામાં તન.મન અને આત્મા માટેનો પૌષ્ટિક ખોરાક બની શકે છે.

આના સંદર્ભમાં જાણીતા સાહિત્યકાર અને વિચારક ડો- ગુણવંત શાહ ના પુસ્તક  ‘વૃક્ષમંદિરની છાયામાં’ પુસ્તકમાંના એક પ્રેરક લેખ “ઘડપણ સડવા માટે નથી” માંથી કેટલાક અંશો એમના આભાર સાથે નીચે આપવાનું મન કરે છે .તેઓ લખે છે –

“ જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. .પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી.શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે.

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછી પાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે.

આવીને ઉભો રહ્યો દ્વારે, અડીયલ આ બુઢાપો !

આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી ,

ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .

એક વણનોતર્યા મહેમાન સરીખો,

આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો.

હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા

વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,

એક  દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા .

શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો

કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,

જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.

જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,

પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.

વીતેલ કાળની  ખેતીમાં વાવેલ સૌ પાકોને,

હોંશથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા.

જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે

હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,

મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,

મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .

મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,

તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,

સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !

—- વિનોદ પટેલ, સાન ડીયેગો, કેલીફોર્નીયા

 

7 thoughts on “વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા …..લેખક- વિનોદ પટેલ

  1. You are an absolute right , Instead of worrying just adopt the life style simple with a spiritual growth , healthy life style , limit on tasty food instead divert in a Vegan life style , Meditation and accept the change instead compliment nature will be a key for the happy retire life . Thank you .

    Like

  2. Excellent and positive write up on old age! A few definition you gave for old age are also excellent
    At 76 years of age, I go to India and do voluntary work as professor, guide students and colleagues for their research and fly to NJ to enjoy Gujarati Literature Annual Meeting. I write this about my activities only to encourage others to do similar things and to support the thoughts expressed in your article. Wonderful article on old age !!!

    Like

  3. ભાઈ શ્રી વિનોદભાઈ,
    આપનો લેખ દરેક વૃદ્ધ માટે ખુબ જ માર્ગ દર્શન આપે તેવો છે. ઈશ્વર નું નામ અને એના પર નો ભરોસો સાચે જ ટ્રાન્ક્વિલાઈઝર નું કામ કરે છે.
    ફૂલવતી શાહ

    Like

  4. એક ગીતની પંક્તિ સાંભળેલી “કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે.” આજે એ અનુભવી મળી ગયા અને વગર પૂછે જ એમણે સમજાવી દીધું કે કોણ જીવી જાણે છે. રવિશંકર મહારાજ અને મોરારજીભાઈને તો મેં જોયા અને સન્મુખ બેસી સાંભળેલા છે. એમનું ઓજસ સામાન્ય માણસમાં નથી એ ત્યારે જ સમજાઈ ગયેલું.

    Like

  5. ખૂબજ માહિતી સભર લેખ છે તમારો.

    આપનો લેખ દરેક વૃદ્ધ માટે ખુબ જ માર્ગ દર્શન આપે તેવો છે. ઈશ્વર નું નામ અને એના પર નો ભરોસો સાચે જ શાંતિ અને સહનશક્તિનું નું કામ કરે છે

    Like

  6. ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછી પાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે…waah sundar rite samjaavat

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.