રસાસ્વાદ-અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં-વિનોદ પટેલ

   vinod patel         અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં …. નરસિંહ મહેતા

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક સર્વ શ્રેષ્ઠ ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ શબ્દોમાં વર્ણન ના થઇ શકે એવી ભવ્ય હતી. એમના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણનું નામ અને સંકીર્તન જ એમના જીવનનું જાણે કે એક ધ્યેય બની ગયું હતું. એમનું આખું જીવન કૃષ્ણમય બની ગયું હતું જેની ઝાંખી આપણને એમનાં અનેક પ્રભાતિયા, રાસ, રસિક પદો વિ.રચનાઓમાંથી  થાય છે .

આશરે ૬૦૦ વર્ષ પહેલાંના રૂઢીચુસ્ત સમાજમાં જ્યારે મરજાદી લોકો હરિજનોને અડવું એ એક પાપ ગણતા હતા એવા સમયે એમની ઉચ્ચ નાગર કોમના રોષની જરાયે પરવા કર્યા વિના હરીજનવાસમાં જઈને ભજન કીર્તન કરનાર નરસિંહ મહેતાની ભક્તિ,આંતરિક શક્તિ અને હિંમતને સલામ કરવાનું મન થાય છે..

નરસિંહ મહેતાની હૃદય પૂર્વકની આરાધનાથી પ્રસન્ન થઈને શ્રી હરીએ એમના આ પ્રિય ભક્તના સામાજિક પ્રસંગો જેવા કે પુત્ર શામળ શા ના વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરું , પિતાનું શ્રાધ એમ અણીના સમયે હજરાહજૂર થઈને એમની લાજ રાખી હતી એ આપણે  જાણીએ છીએ .

કાવ્ય તત્વની દ્રષ્ટીએ નરસિંહ મહેતાના પદો એ આપણા સાહિત્યની એક ઉત્તમ વિરાસત સમાં છે . કૃષ્ણને પામવા માટેની ગોપીઓની વિરહ વ્યાકુળતામાં ભક્તિ રસની સાથે શૃંગાર રસ પણ જોવા મળે છે . ઘણા પદોમાં આપણને સારું જીવન જીવવાની શીખ પણ જોવા મળે છે .જેમ કે વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે . ગાંઘીજીના આ પ્રિય ભજનમાં નરસિંહ મહેતાએ સારા માણસ બનવા માટે કયા લક્ષણો જરૂરી છે એનો સરસ માર્ગ ચીંધ્યો છે . સુખ દુખ મનમાં ના આણીએ જેવાં પદોમાં એમણે કેટલો સરસ બોધ આપ્યો છે !

નરસિંહ મહેતાના ઘણાં પદોમાના ઊંડા ચિંતનથી તેઓ એક તત્વજ્ઞાની તરીકે આપણને જોવા મળે છે . સાધુસંતોનો સંપર્ક અને ભાગવતના વેદાંતની અસર નરસિંહના સર્જનમાં જોવા મળે છે. નરસિંહ મહેતાના આવા પ્રકારના જે અનેક પદો છે એમાંથી મને પસંદ નરસિંહ મહેતાનું અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં નામનું એક બોધદાયક અને ભાવ અને અર્થથી સભર પદ નીચે રજુ કર્યું છે .મને આશા છે મને  ગમ્યું એવું તમને પણ એ જરૂર ગમશે . આ પદમાં તત્વજ્ઞાનની સાથે સાથે  શ્રી કૃષ્ણને પામવા માટે શી શી જરૂરીઆતો છે એનો હરીનો ભક્ત નરસૈયો આપણને માર્ગ ચીંધે છે. આ પદનો મને સુજ્યો એવો એનો રસાસ્વાદ કરાવવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે .

 …. નરસિંહ મહેતા

અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં,તો યે અંતર રહ્યું છે લગાર

પ્રભુજી છે રે પાસે રે, હરિ નથી વેગળા રે ,આડો પડ્યો છે એન્કાર .

દિનકર રૂંધ્યો રે જેમ વાદળે રે ,મત્યુ અજવાળું ને થયો અંધકાર ,

વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે ,ભાનું કાંઈ દેખાયો તે વાર .

લોકડિયાની લાજું રે બાઈ ,મેં તો ના’ણીઓ રે,મેલી કાંઈ કુળ તણી મરજાદ ,

જાદવાને માથે રે , છેડો લઈને નાખીયો રે ,ત્યારે પ્રભુવર પામી છઉં આજ .

નાવને સ્વરૂપે રે , બાઈ ,એનું નામ છે રે ,માલમી છે એના સર્જનહાર ,

નરસૈયાનો  સ્વામી રે, જે કોઈ અનુભવે રે ,તે તો  તરી ઉતારે ભવ પાર .

ચાલો , હવે નરસિંહ મહેતાની આ એક સરસ રચનાનો દરેક ચાર કંડિકાઓ વાર રસાસ્વાદ કરીએ .

અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં,તો યે અંતર રહ્યું છે લગાર

પ્રભુજી છે રે પાસે રે, હરિ નથી વેગળા રે ,આડો પડ્યો છે એન્કાર .

શ્રી હરિને મેળવવા માટેના માર્ગમાં મનુષ્યે જેનો કોઈ અંત ન આવે એમ જુગો જુગ સુધી જન્મો જન્મ ફેરા કર્યાં પણ એનું કોઈ પરિણામ ના મળ્યું .હરિ અને એનું છેટું પડી ગયું . હરિ ના મળી શકયા . બધા જન્મો જન્મના ફેરા વ્યર્થ ગયા . આનું શુ કારણ એ અંગે આ આદ્ય કવી ખુલાસો કરે છે કે  પ્રભુને મેળવવા માટે દુર જવાની કોઈ જરૂર નથી  , એ કઈ આપણાથી છેટા નથી પણ આપણી નજીક જ એનો વાસ છે .આમ હોવા છતાં હરિને પામી શકાતું નથી એનું કારણ એ છે કે આપણામાં હું પદ , એન્કાર એટલે કે અહંકાર ઠાંસી ઠાંસીને ભર્યો છે . પ્રભુને મેળવવાના માર્ગમાં આ અહંકાર જ એક મોટું નડતર છે . ‘હું કરુ હું કરું એ જ અજ્ઞાનતા , શકટનો ભાર જ્યમ સ્વાન તાણે ‘’ માં પણ આ જ ભાવ છે . એટલે અહંકારને દુર કરવો એ જ એક માત્ર ઉપાય છે . ભક્ત કબીરે પણ એની એક સાખીમાં આવા જ  મતલબની જ વાત કહી  છે કે  જબ મૈ થા ,તબ હરિ નહી , …..પ્રેમ ગલી અતિ સાંકરી , તામે દો ન સમાહી .   એટલે કે જો મનમાં હું પદ હોય તો હરિ નથી , ભગવાનને પામવાની સાંકડી ગલીમાં હું અને હરિ નો સાથે સમાવેશ થવો મુશ્કેલ છે .

દિનકર રૂંધ્યો રે જેમ વાદળે રે ,મત્યુ અજવાળું ને થયો અંધકાર ,

વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે ,ભાનું કાંઈ દેખાયો તે વાર .

આકાશમાં જયારે વાદળોનો ઢગ છવાઈ ગયો  હોય છે ત્યારે થોડા સમય માટે દિનકર એટલેકે સૂર્ય વાદળાંના આવરણને લીધે જોઈ શકાતો નથી ,અંધારું છવાઈ જાય છે . જેવું વાદળોનું આવરણ હટી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ બધે જ ફેલાઈ જાય છે .કંઇક આવી જ રીતે મનુષ્યોમાં પડેલું મોહ,માયા , અહંકાર વી.નું જે આવરણ પડેલું છે એનાથી સૂર્ય રૂપી પરમાત્મા જોઈ શકાતા નથી. સૂર્યની જેમ માધવ તો યુગોથી હજરાહજૂર છે એને શોધવા જવું પડે એમ નથી .

કવિ કાલીદાસ એમની ઉપમાઓ માટે જાણીતા હતા. નરસિંહ મહેતા પણ ઉપમાઓનો સુંદર ઉપયોગ કરી જાણે છે . એમના આરાધ્યદેવ શ્રી કૃષ્ણને એમણે સ્વયં પ્રકાશિત દિનકર-સૂર્યની અને મોહ માયાના આવરણને વાદળોના આવરણો સાથે સરખાવીને કેવી કમાલ કરી છે ! શ્રી કૃષ્ણ એમની કૃપા રૂપી પ્રકાશ યુગો યુગોથી  જગત ઉપર સૂર્યની જેમ પાથરી રહ્યા છે . જો આ સ્વયમ પ્રકાશિત સૂર્ય જેવા માધવની ઝાંખી કરવી હોય તો એની આડે મોહ, માયા , અહંકાર રૂપી વાદળોનું આવરણ જે આ ઝાંખી કરવામાં નડતર રૂપ છે એને  દુર કરીએ ત્યારેજ એ  શક્ય બને અન્યથા નહિ .

લોકડિયાની લાજું રે બાઈ ,મેં તો ના’ણીઓ રે,મેલી કાંઈ કુળ તણી મરજાદ ,

જાદવાને માથે રે , છેડો લઈને નાખીયો રે ,ત્યારે પ્રભુવર પામી છઉં આજ .

આ પંક્તિઓમાં હરિભક્ત નરસૈયાના ગોપી હૃદયની ઓળખ મળે છે .એક ગોપી બનીને ગોપીઓને ઉદ્દેશીને તેઓ  ‘બાઈ ‘ નું સંબોધન કરતા કહે  છે લોકો શું કહેશે , કેવા મહેણાં મારશે એવી લોકલાજની બીકને લીધે મેં મારા પ્રીતમની મારા પ્રત્યેની પ્રીતની પરીક્ષા ના કરી , એને બરાબર નાણી ના જોયો . લોક્લાજનો પડદો આડે આવ્યો .ગોપીઓના હૃદયમાં  મિલનની તીવ્ર ઝંખના પડેલી છે એને આ લોક્લાજનો પડદો ક્યાં સુધી રોકી શકે ! તેઓ કહે છે મારા જીવતરનો છેડો મારા માથેથી મેં તો હરિને માથે જ નાખી દીધો અને એટલે જ મારા વ્હાલાએ એને અપનાવી લીધો અને એટલે જ હું આજે મારા પ્રભુવરને પામી છું.

નાવને સ્વરૂપે રે , બાઈ ,એનું નામ છે રે ,માલમી છે એના સર્જનહાર ,

નરસૈયાનો  સ્વામી રે, જે કોઈ અનુભવે રે ,તે તો  તરી ઉતારે ભવ પાર .

નરસિંહ વધુમાં ગોપી બનીને બીજી ગોપીને કહે છે કે હે બાઈ, મારા વ્હાલા હરિનું નામ જ ભવસાગર તરવા માટેની એક નાવને સ્વરૂપે હાજર છે . આ નાવનો માલમી એટલે કે એનો સુકાની આ જગતનો સર્જનહાર હરી છે એવો અનુભવ સૌ કોઈએ કરવાનો છે . એના નામ સ્મરણ વિના બીજો કોઈ આરો નથી .નરસૈયાના સ્વામી હરિનું નામ જ તમને આ ભવસાગર પાર કરાવશે. પ્રભુ  જાતે તરીને પણ આપણને તારશે .જે નાવનું સુકાન સર્જનહારના હાથમાં હોય તો પછી ચિંતા રાખવાની શી જરૂર છે . જીવન નૌકાને મારો સ્વામી પેલે પાર જરૂર લઇ જશે એવી મારા મનમાં અડગ શ્રધા છે .

વિનોદ પટેલ….સાન ડીયેગો, કેલીફોર્નીયા

4 thoughts on “રસાસ્વાદ-અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં-વિનોદ પટેલ

 1. “મારા વ્હાલા હરિનું નામ જ ભવસાગર તરવા માટેની એક નાવને સ્વરૂપે હાજર છે . આ નાવનો માલમી એટલે કે એનો સુકાની આ જગતનો સર્જનહાર હરી છે એવો અનુભવ સૌ કોઈએ કરવાનો છે . એના નામ સ્મરણ વિના બીજો કોઈ આરો નથી .નરસૈયાના સ્વામી હરિનું નામ જ તમને આ ભવસાગર પાર કરાવશે. પ્રભુ જાતે તરીને પણ આપણને તારશે .જે નાવનું સુકાન સર્જનહારના હાથમાં હોય તો પછી ચિંતા રાખવાની શી જરૂર છે . જીવન નૌકાને મારો સ્વામી પેલે પાર જરૂર લઇ જશે એવી મારા મનમાં અડગ શ્રધા છે .” આવી અડગ શ્રધ્ધા હોય તેનો બેડો પાર

  Like

 2. ખુબ સરસ પ્રતિભાવ જે પ્રતિભાવ આવા સરસ આપે એ નરસિંહની એક કવિતા કે રચના નો આસ્વાદ કરાવે તો આનંદ સાથે જ્ઞાન જરૂર મળે પ્રજ્ઞા બેન આપ અમારી “બેઠક”માં આપના વિચાર સાથે નરસિંહ ની રચનાનો આસ્વાદ મોકલાવો તો આનંદ સાથે અમારા કાર્યને પ્રોત્સાહન મળશે …

  Like

 3. સરળ હૃદયી સંત કવિની ઉપાસના ખૂબ જ ભક્તિભરી હતી ને ભક્તના પ્રેમપાશમાં શામળિયો બંધાઈ ગયો હતો. પરમ દર્શનનું આત્મજ્ઞાન તેમના ભક્તિપદોમાં ઝબકે છે.સરસ રસદર્શનથી મન પ્રસન્ન થઈ ગયું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.