‘મા’-જગથી જુદેરી એની જાત રે …-કલ્પના રઘુ

મિત્રો,

આજે મારા માટેનો એક ખાસ દિવસ છે. આજે જ્યારે હું મારા વર્તમાન અને ભૂતકાળને ભેગો કરું છું, ત્યારે મારા હ્રદયમાંથી સ્ફ્રુરે છે ‘મા’ … ૧૦મા ધોરણમાં શીખેલી એ કવિતા … ‘જનનીની જોડ સખી નહિં જડે રે લોલ’ ….. હું પહેલાં તમને તેનાં વિષે થોડું કહેવા માંગુ છું.

કવિશ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર. તેમનું જીવન ભાવનગર પાસેનાં બોટાદ ગામમાં સામાન્ય શિક્ષક તરીકે કામ કરવામાં વિત્યું હતું. અસહ્ય ગરીબી અને પાર વિનાની તકલીફો વચ્ચે તેમણે પોતાનાં સાહિત્ય રસને જાળવી રાખ્યો હતો. તેમની કવિતામાં ગ્રામજીવન અને ગૃહજીવનનાં સૌંદર્યનો ભાસ થાય છે. તેમની કવિતામાં અંગ્રેજી સાહિત્યનો સીધો પરિચય નહોતો. તેમની કવિતાઓમાં વિષયોનાં ભાવોની નવિનતા ઠીક પ્રમાણમાં જોવા મળે છે. કોઇકવાર વધારે સંસ્કૃતમાં તેમનું કથન સરળ, મધુર, પ્રાસાદિક પદાવલી વાળું, શુધ્ધ છંદોવાળું હોય છે. ૧૮૭૦થી ૧૯૨૪ સુધી તેમની જીવનયાત્રા રહી તે દરમ્યાન તેમનાં કાવ્યસંગ્રહમાં કલ્લોલીની, શ્રોતસ્વીની, નિર્ઝરીની, રાસતરંગીની અને કાવ્ય ઉર્મિલા પ્રચલીત છે. શ્રી બોટાદકર પ્રાચીન કવિ હતાં. યુગોનાં યુગો સુધી ચર્ચા થાય તેવું ધારદાર તેમનું લખાણ હતું. અને તેમની એક આ કવિતા ‘મા’ ઉપરની તમામ કવિતાઓમાં સર્વશ્રેષ્ઠ છે. આ લોકગીત તરીકે પણ પ્રખ્યાત છે. આ કવિતા આપને હું ટૂંકમાં સંભળાવીશ.

આ કવિતાનાં શબ્દો દરેક માતા માટે શ્રધ્ધાંજલી બની રહે તેવાં હ્રદયદ્રાવક છે …

મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે …

જનનીની જોડ સખી! નહિં જડે રે લોલ.

પ્રભુનાં એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે …

જનનીની જોડ સખી! નહિં જડે રે લોલ.

અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે …

જનનીની જોડ સખી! નહિં જડે રે લોલ.

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ …

ગંગાના નીર તો વધે ને ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે …

જનનીની જોડ સખી! નહિં જડે રે લોલ.

‘મા’ … ‘મા’નું વર્ણન કરી શકે તેવો વિરલો હજુ પાક્યો નથી. તેના માટે ‘મા’ બનવું પડે.

મિત્રો, મારી ‘મા’ને દેહ ત્યાગ કરે આજે ૩ દિવસ થયાં. ૨ વર્ષથી પથારીવશ અને છેલ્લાં ૧૫ દિવસથી પરમ સમીપે જવાની કોશીશ કરતી મારી ‘મા’ આંખ સામેથી ખસતી નથી. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમતી મારી ‘મા’ હું તેને મળીને મારા ઘરે જવા નિકળું ત્યારે હંમેશા કહેતી બસ જાય છે? … અને આજે એ હંમેશ માટે જતી રહી … જરૂરી હતું એના માટે જવું … જરૂરી હતું એનાં માટે એના શરીરને છોડવાનું … પરંતુ ‘મા’નું મૃત્યુ દિકરી માટે અસહ્ય હોય છે. કહેવાય છે ને કે ઇશ્વર ધરતી પર સદેહે આવી નથી શકતો માટે એને ‘મા’નું સર્જન કર્યું છે. સ્ત્રી શક્તિની ઉત્કૃષ્ટતા ‘મા’માં જોવા મળે છે. ‘મા’ ગમે તેવી ગાંડી, ઘેલી, અપંગ હોય, મૃત્યુનાં બિછાનેથી પણ તેની આંખો હમેશા સંતાનને આશીર્વાદ જ આપતી હોય છે, ‘મા’ની મમતાને મમળાવ્યા જ કરીએ અને તેની મધુરપનાં વારિ … બસ … પીધાં જ કરીએ. ‘મા’ તેનાં સંતાન માટે તો ઇશ્વરથી પણ શ્રેષ્ઠ હોય છે. ઇશ્વરને પણ ‘મા’ના દૂધનું અમૃત પીવા માનવ જન્મ લેવો પડયો હતો.

બાળકનાં જન્મતાની સાથે તેનો umbilical cord કાપવામાં આવે છે પરંતુ spiritual cordથી બાળક ‘મા’ સાથે હંમેશા જોડાયેલું રહે છે અને એ સંધાન ‘મા’નાં મૃત્યુ પછી પણ ચાલુ રહે છે. સતત આશિર્વાદ વરસાવીને … માટે તો ‘મા’ને કરુણામૂર્તિ, વાત્સલ્યમૂર્તિ કહીને નવાજવામાં આવે છે. સંતાનની દુનિયામાં નીતનવી વ્યક્તિઓની આવન-જાવન ચલુ હોય છે પરંતુ ‘મા;ની દુનિયા, તેનો સંસાર તેનાં સંતાનની આસપાસ જ હોય છે. ‘મા’ના ખોળામાં માથુ મુકો અને દરેક દુઃખ ગાયબ. ‘મા’ની ઝપ્પીમાં એક નવી ચેતના, નવા જીવનનો અનુભવ થાય. હું તો કહીશ, દુનિયાનો ‘સર્વશ્રેષ્ઠ જાદુગર’ એટલે ‘મા’.

‘મા’, હું તારું આપેલું તને શબ્દો દ્વારા અર્પણ કરું છું. હું તારા માટેની શ્રધ્ધાંજલી વ્યક્ત કરું છું. મને આશા છે એ દરેક વ્યક્તિની ‘મા’ માટે હશે …

માતૃદેવો ભવઃ

હે મા! મારૂં સ્થાન હમેશા તારા ચરણોમાં છે. આજે તારી શ્વાસની લીલા સમેટાઇ ગઇ છે. તારાં લોહી થકી તેં સિંચેલા સંસ્કારોથી તારૂં આ સંતાન-વૃક્ષ ફૂલેલું-ફાલલું છે. તેં સિંચેલા સંસ્કારોનું પ્રતિબિંબ એ મારૂં વર્તમાન અને ભવિષ્યનું જીવન છે. અને તેનાંથી મારો જીવનબાગ ફળદ્રુપ છે. મારું જગ ઉજીયારું છે. પણ માંહ્યલામાં તારી મમતા એક છાને ખૂણે પોકારી પોકારીને તારી યાદો તાજી કરે છે. ક્યારેક મૂળ વગરનાં વૃક્ષ જેવી લાગણી અનુભવું છું. મા, હું જાણું છું સ્થુળ શરીર નાશવંત છે પરંતુ સૂક્ષ્મદેહે તુ હમેશા મારા દિલો-દિમાગમાં મારા શ્વાસમાં, સંસ્કારમાં અને આવનાર પેઢીમાં આશિર્વાદ વરસાવ્યાં જ કરીશ. તે મારામાં સહનશીલતા, સ્વચ્છતા, ચોકસાઇ, કરકસર, આધ્યાત્મિકતા, રસોઇકળા તેમજ અનેક સ્ત્રી સહજ કળાઓનું નિરૂપણ કર્યું છે તે માટે હું તારો આભાર માનું છું. તારા હૃદયની કુમાશ અને તારા સ્પર્શની હૂંફ આજેય હું ભૂલી નથી શકતી. તારી શક્તિનો અહેસાસ છે મારા જીવનનો રાસ. તારા વિષે હું જેટલું લખું, કલમ-કાગળ ખૂટી પડશે … હું અને મારો પરિવાર તારો આભારી છે. તારો પવિત્ર આત્મા, પરમાત્મામાં ભળી જાય એજ ઇશ્વરને પ્રાર્થના. ઓ મા તને મારા શત્‍ શત્‍ પ્રણામ.

કલ્પના રઘુ

4 thoughts on “‘મા’-જગથી જુદેરી એની જાત રે …-કલ્પના રઘુ

 1. You are a very good writer
  My mother used to sing that Bhajan.
  I am 71 I do remember.
  Please send me your artical.
  Thanks

  Like

 2. મા વિષે આનાથી વધુ સરસ કાવ્ય હજી વાંચવામાં નથી આવ્યું. આ કાવ્ય વાંચતા જ સમજાય છે કે; મા એટલે શું? એના ભાવ વિશ્વમાં બાળકનું કેટલું અનેરૂ સ્થાન હોય છે તે આ કાવ્ય દર્શાવે છે. એક હિન્દી ચલચિત્ર ‘તારે જમીન પર’માં પણ મા વિષે એક એવું ગીત છે કે તેને પણ કાવ્ય ગણી શકાય. જે દર્શાવે છે કે; મા-બાળક વચ્ચે એક કેવો અતુટ અદશ્ય સંબધ હોય છે કે; કહ્યા વિના સમજે એવી તો મા જ હોય. ખરેખર મા જેવું કોઈ મિત્ર નથી હોતું. દરેક જીવને ભગવાને આપેલા આ પ્રત્યક્ષ આશિષ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.