મારા મન ગમતા લેખો-ગમતા નો કરીએ ગુલાલ

અમારા એક મિત્રે મને આ લેખ મોકલેલ છે જે મને ખુબ ગમ્યો માટે અહી વાંચવા મુકું છું..

ગમતા નો કરીએ ગુલાલ..

યોગ્ય સમયે નિવૃત્તિ – મહેન્દ્ર પુનાતર

શરીરથી પડછાયો મોટો થવા લાગે ત્યારે સૂર્યાસ્ત નજીક

વૃદ્ધજનો હારે નહીં, થાકે નહીં ત્યાં સુધી લગામ છોડતા નથી. યોગ્ય સમયે નિવૃત્ત થવું એ એક કલા છે. દીકરો બાપથી મોટો થવા લાગે અને ઘરમાં નવી વહુ આવે ત્યારે માત-પિતાએ સમજવું જોઈએ કે તેમનો સમય પૂરો થઈ ગયો છે 

જીવન દર્શન – મહેન્દ્ર પુનાતર

વૃદ્ધાવસ્થા એ જીવનનો કપરો તબક્કો છે. ઉંમરનો તકાજો કોઈને છોડતો નથી. ઉંમરની સાથે ખોરાક અને ઊંઘ ઓછી થઈ જાય છે. શરીર અને મન ભાંગી પડે છે અને અજ્ઞાત ભયો સતાવ્યા કરે છે. આવા સમયે વૃદ્ધોને ટકાવી રાખે એવું જો કોઈ બળ હોય તો તે છે કૌટુંબિક શાંતિ, પ્રેમ, સ્નેહ અને આદર. સંતાનો તરફથી જેમને સુખ મળતું નથી એવા વૃદ્ધોનું જીવન સમુદ્રના તોફાનમાં છૂટી મુકાયેલી હાલકડોલક નૌકા જેવું બની જાય છે. વૃદ્ધોને માટે પારિવારિક શાંતિ અને સંતોષનું અતિ મહત્ત્વ છે. જીવન જીવવા માટેનું આ ટોનિક છે.

સૌથી મહત્ત્વનો પ્રશ્ર્ન છે કે વડીલોને આ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? વૃદ્ધત્વને ડિગ્નિફાઈડ અને આનંદમય કેવી રીતે બનાવવું એ પણ એક કલા છે. સંતાનો મા-બાપ સાથે જે રીતે વર્તન અને વ્યવહાર કરતા હોય છે તે જોઈને કેટલીક વખત હૃદય ધબકારો ચૂકી જાય છે. મા-બાપનું અપમાન તેમને હડધૂત કરવા તેમની જરૂરતનો ખ્યાલ કરવો નહીં, તેમની સંભાળ રાખવી નહીં. તેમની પાસેનું બધું ઝુંટવી લેવું, તેમને ઘરમાંથી કાઢી મૂકવા આ બધું અત્યારના યુગમાં બની રહ્યું છે. જીવનસંગ્રામમાં જીવનભર ઝઝૂમેલા આ વૃદ્ધો પોતાના સંતાનો સામે હારેલા યોદ્ધા જેવા નજરે પડે છે. આજના યુગની આ બલિહારી છે.

વર્તમાન જીવનમાં આર્થિક, સામાજિક અને રાજકીય પરિબળોના કારણે કુટુંબ જીવન અસ્થિર બનતું જાય છે. બે પેઢીઓ વચ્ચેનું અંતર આનું કારણ છે. પ્રેમ સહાનુભૂતિ, વ્યક્તિગત સ્વભાવ તેમજ રુચિ અને ગમા-અણગમાના કારણે મોટી ખાઈ ઊભી થઈ છે.

આ બધામાં માત્ર સંતાનો જવાબદાર નથી. વડીલો પણ એટલા જ દોષિત છે. તેઓ સમયની સાથે પરિવર્તન ઊભુ કરી શક્યા નથી. તેઓ નવી પેઢીને સમજી શક્યા નથી. વૃદ્ધો પોતાના ભૂતકાળને ભૂલતાં નથી એટલે વધુ દુ:ખી થાય છે. સમય બદલાય એમ માણસે બદલવું પડે છે અને એડ્જસ્ટ કરવું પડે છે.

વૃદ્ધોને માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે સંતાનોને. સલાહ આપવાથી અને ઘરની બાબતમાં માથું મારવાથી દૂર રહેવું. કોઈનું કશું વાકું બોલવું નહીં. કોઈની આડા ઊતરવું નહીં. કોઈની સાથે જીભાજોડી કરવી નહીં. ઘરમાં બધા પ્રત્યે પ્રેમ અને સ્નેહ રાખવો અને પ્રભુનું સ્મરણ કરવું. આટલું જો આવડે અને નિર્વાહ પૂરતી મૂડી હોય અને મનપસંદ પ્રવૃત્તિ હોય તો વૃદ્ધો પણ જિંદગીની મજા માણી શકે છે. સંતાનો પાસેથી વડીલોની વધુ પડતી અપેક્ષા અને તેઓ પોતાની રીતે ચાલે એવી મહેચ્છાએ પણ સંઘર્ષ સર્જ્યો છે.

જીવનમાં એ માણસ સુખી બની શકે છે, જેને યોગ્ય સમયે નિવૃત્ત થતા આવડે. નિવૃત્ત થવું એટલે તેનો અર્થ એ નથી કે કામ છોડી દેવું. અહીં તો પ્રવૃત્તિમાં નિવૃત્તિ ધારણ કરવાની વાત છે. જંજાળમાંથી મુક્ત થવાનું છે. હકીકતમાં તો વર્ષોથી જમાવેલી હકૂમત છોડવાની છે. વર્ચસ્વનો ત્યાગ કરવાનો છે. કુટુંબમાં જે પદ અને સત્તા ધારણ કરી હતી તે સંતાનોને સોંપવાની વાત છે. યોગ્ય સમયે આ સત્તાપલટો થઈ જાય તો સંઘર્ષને અવકાશ રહેતો નથી. સમાજની કે કુટુંબની હકૂમત તમારે છોડવાની જ છે. સ્વેચ્છાએ તમે ત્યાગ કરો કે કોઈ તમારી પાસેથી ઝૂંટવી લે એ બે વચ્ચે માત્ર પસંદગી કરવાની છે.

કોઈ પણ જગ્યાએ માણસ જલદીથી નિવૃત્ત થઈ શકતો નથી. જે સામ્રાજ્ય જમાવ્યું છે તે છોડવા જીવ ચાલતો નથી. કુટુંબમાં અને સંસ્થાઓમાં આવું બનતું હોય છે. જે સંસ્થા પોતે રચી, જે કુટુંબને પોતે સમૃદ્ધ બનાવ્યું તેને એમ મઝધારે કેમ મૂકી દેવાય એમ વડિલો માનતા હોય છે. પોતે આ બધું છોડી દેશે તો કોઈ સંભાળી નહી શકે, બધું કર્યુ કરાવ્યુ એળે જશે એવી તેમની માન્યતા હોય છે. તેઓ થાકે નહીં, હારે નહીં. ત્યાં સુધી આ બધું છોડતા નથી.

ઉંમર વધે, સંતાનો મોટા થાય, વિવાહિત બને, કામધંધે લાગે ત્યારે માતા-પિતાએ લગામ છોડી દેવી જોઈએ અને તેમના માર્ગે જવા દેવા જોઈએ. સલાહ માગે તો આપવી નહીંતર ડાહ્યા થવું નહીં. તેમના પર નિયંત્રણ મૂકવા નહીં. જરૂર પડે તો પ્રેમપૂર્વક સમજાવવાનો પ્રયાસ કરવો. આગ્રહ રાખવો નહીં. સંતાનો પર હાવી બનીને રહેવું નહીં. તેમનો વિકાસ તેમની રીતે કરવા દેવો. ઘરમાં સંસ્કારનું વાતાવરણ હશે તો તેની અસર તેમના પર પડવાની જ છે. એક બાબત સમજી લેવી જરૂરી છે કે સંતાનો તમારો પડછાયો બનીને રહે એ સમય ચાલ્યો ગયો છે. જે વડીલો પોતાના સંતાનોને વારંવાર ટોકતા હોય, કટકટ કરતા હોય, તેમની ભૂલોને રાઈના પર્વત જેવી મોટી કરતા હોય તે વડીલો સંતાનોનો આદર ગુમાવે છે.

દીકરાઓ મોટા થાય, ધંધો સંભાળે કે પગભર થાય એ પછી પિતાએ ઘર અને ધંધાનો કારોબાર તેમને સોંપી દેવો જોઈએ. માતાએ પણ ઘરમાં વહું આવે એટલે ઘરની ચાવી તેને સોંપી દેવી જોઈએ. જવાબદારી એક સમજણ અને સૌજન્ય ઊભું કરે છે. વિશ્ર્વાસ અને ભરોસાથી પ્રેમ અને સ્નેહ વધે છે. વડીલોએ સંતાનોને મોટા બનાવવા જોઈએ. અને મિત્ર જેવા ગણવા જોઈએ. સંતાનો પાસેથી વધારે પડતા માનની પણ અપેક્ષા રાખવી જોઈએ નહીં.

સંતાનો માત-પિતાની સર્જત છે. ખરા અર્થમાં કહીએ તો કાર્બન કોપી છે. સંતાનોમાં ગુણો-અવગુણો, ખૂબીઓ-ખામીઓ, આવડત-અણઆવડત આ બધામાં માતા-પિતાના થોડા ઘણા અંશો જરૂર દેખાવાના. માત-પિતા બચપણથી જ પોતાના બાળકોને પોતાની રીતે ઘડવા માગતી હોય છે. બાળકોએ શું કરવું, શું ન કરવું તેના પદાર્થપાઠ પોતાની માન્યતા અને ખ્યાલ મુજબ શીખવતા હોય છે. સંતાનો સાચા બને તેની નહીં, પરંતુ પાકા બને તેની મા-બાપની ખેવના હોય છે. બાળક નાનું હોય ત્યારે તેની ક્રિયાઓ સ્વભાવિક હોય છે, પરંતુ ધીરે ધીરે તે દુનિયાદારીના પાઠો શીખી જાય છે. માત-પિતા બાળકોને પોતાના ઢાંચામાં ઢાળવાનો પ્રયાસ કરતા હોય છે. ઈર્ષા, અદેખાઈ, કપટ, કાવાદાવા આ બધુ તેમને કૌટુંબિક જીવનમાંથી શીખવાનું મળે છે. ઘરમાં જેવું વાતાવરણ હોય એવું બાળક ઘડાય છે. જે કુટુંબમાં પ્રેમ, સ્નેહ અને ઉદારતા હોય ત્યાં બાળકોમાં તે પ્રકારના ગુણો ખીલે છે.

સંતાનો ગજું કાઢે. માત-પિતાની આજ્ઞામાં ન રહે ત્યારે ફરિયાદ થતી હોય છે કે ‘અમે તેમને માટે જાત ઘસી નાખી હવે તેમને અમારી પડી નથી.’ આજના સંતાનો કહે છે એમાં તમે શી ધાડ મારી. બધા માત-પિતા આમ કરે છે. તમે કર્યું તમારી ફરજ હતી. તમે તમારી રીતે કર્યું અમે

અમારી રીતે કરીએ છીએ તમને ઓછું લાગે તો અમે શું કરીએ. તમને અમારી કદર નથી.

મા-બાપ પોતે જે કાંઈ કર્યું છે તેના ગુણગાન ગાયા કરે તો તેમનું ગૌરવ હણાય. કૃતજ્ઞતા હક્ક કરીને માગવા જેવી ચીજ નથી. વડીલો જેવું વાવ્યું હોય તેવુ લણી શકે છે. તમે માતા-પિતા, ભાઈઓ-બહેનો, કુટુંબીજનો પ્રત્યે જેવું વર્તન દાખવ્યું છે તેવું સંતાનો તમારા પ્રત્યે દાખવશે. સંતાનો મા-બાપના વાણી, વહેવારો અને વર્તનનું બારીકાઈથી નિરીક્ષણ કરતા હોય છે અને મોટા થાય છે ત્યારે તેનું આબેહૂબ અનુકરણ કરતા હોય છે. સંતાનો વાંકા ચાલે તો મા-બાપે સમજવું જોઈએ કે તેમના ઉછેરમાં પોતાની જ ખામી રહી ગઈ છે. જેવું કરીએ તેવું ભોગવવું પડે છે.

સંતાનોએ પણ માત-પિતાએ કરેલા ઉપકાર ભૂલવા જોઈએ નહીં. કેટલીક વસ્તુઓ સ્વભાવ અનુસાર હોય છે તે જલદીથી બદલી શકાતી નથી. થોડું ચલાવી લેવું પડે. પ્રેમ અને સ્નેહ હશે તો બધું બદલાઈ શકશે. જો આમ નહીં હોય તો બંને પક્ષે ગમે તેટલું સારું થશે તો પણ તેનું ધાર્યું પરિણામ નહીં આવે.

દુનિયામાં બધી વસ્તુઓ પસંદગીની મળે, પરંતુ માત-પિતા કે સંતાનો પસંદ કરી શકાતા નથી.ઋણાનુબંધન અને કર્મો અનુસાર આવો મેળાપ થાય છે અને તે મુજબ સુખ મળે છે. આ બધુ આપણા હાથની વાત નથી. બધુ નિયતિને આધીન છે.

દીકરો પરણે અને નવી વહુ ઘરમાં આવે ત્યારે માત-પિતાએ સમજવું જોઈએ કે નવી દુનિયા આવી છે તેને વધાવી લેવી જોઈએ. એક દુનિયા શરૂ થાય છે ત્યારે બીજી દુનિયા પૂરી થાય છે. દીકરો પત્નીમાં વધુ રત બની જાય છે ત્યારે મા-બાપને લાગે છે કે દીકરો હાથથી ગયો, પરંતુ એવું નથી આનાથી માત-પિતા પ્રત્યેનો પ્રેમ ઓછો થતો નથી. દીકરો વહુને વધુ મહત્ત્વ આપે તો તેમાં મુંઝાવા જેવું નથી. તેનાથી ઊલટું રાજી થવું જોઈએ. દીકરો જો તેની પત્નીને પ્રેમ ન કરે તો તેનુ દામ્પત્ય જીવન કેવી રીતે ટકી શકે? તેમનો સંસાર કેવી રીતે આગળ વધી શકે? ઘણા ઘરોમાં માત-પિતા અને પત્ની વચ્ચે દીકરો ભીંસાતો હોય છે, પરંતુ તે કોઈને નારાજ કરી શકતો નથી. માત-પિતાની તરફેણ કરે તો પત્નીને ખોટું લાગે અને પત્નીની તરફેણ કરે તો મા-બાપ નારાજ થાય. સૂડી વચ્ચે સોપારી જેવી તેની હાલત થાય છે. દિવસે દિવસે તે અંદરથી તૂટ્યા કરે છે અને છેલ્લે વિસ્ફોટ થાય છે. તેમાં કાં તો માત-પિતા અથવા પત્ની ભોગ બને છે. દીકરો ગમે તેટલો મોટો થાય, પોતાની દુનિયામાં ગમે તેટલો ડૂબે, પરંતુ મા-બાપને ન ભૂલે તેનો ખ્યાલ કરવો જોઈએ. માતા-પિતા સંતાનો માટે કિનારો છે. સમદ્રમાં ગયેલા સૌ કોઈને છેવટે કિનારે પાછા ફરવું પડે છે. સૌએ એકબીજાને સમજવાની અને અનુરૂપ થવાની કોશિશ કરવી જોઈએ. પારિવારિક શાંતિ સાચા સુખનો આધાર છે. વૃદ્ધાવસ્થામાં મા-બાપને સંતાનોની હૂંફની વધુ જરૂરત રહે છે. તેમની લાગણીને ઠેસ ન પહોંચે તેવા પ્રયાસો થવા જોઈએ.

કુટુંબ અને સમાજ માટે વડીલોનું બહુ મોટું તર્પણ હોય છે. તેમણે મહેનત અને પરિશ્રમથી ઊભી કરેલી મહેલાત પર નવી પેઢી આવીને ઊભી છે. તેમનું ઉચિત સન્માન જળવાય એ અત્યંત જરૂરી છે. જમાના પ્રમાણે પરિવર્તન અને બદલાવ જરૂરી બની રહે છે.

કોઈ પણ કુટુંબની સભ્યતા અને તેનું ગૌરવ ઘરમાં વૃદ્ધોનો-વડીલોનો કેવો આદર થાય છે તેના પરથી અંકાય છે. કુટુંબની સુખ અને શાંતિ પ્રેમ, સ્નેહ અને પરસ્પરના સહકાર પર નિર્ભર છે. સંસ્કારી કુટુંબનો આ માપદંડ છે. દીકરો બાપથી મોટો થવા લાગે ત્યારે બાપે સમજવું જોઈએ કે તેની દુનિયા હવે પૂરી થઈ ગઈ છે. શરીરથી પડછાયો મોટો થવા લાગે ત્યારે સૂર્યાસ્ત નજીક હોય છે

3 thoughts on “મારા મન ગમતા લેખો-ગમતા નો કરીએ ગુલાલ

 1. છેલ્લા બે-ત્રણ દાયકાથી આ જ સલાહ આપવામાં આવે છે. સલાહ પણ તદ્દન સાચી છે, માત્ર મુશ્કેલી સલાહના અમલની શરુઆત કરવામાં છે. જો મન મક્કમ કરીને અમલ કરો તો ટુંકા સમયમાં જ એના ફાયદા જણાઈ આવે છે, અને ત્યાર બાદ એનો અમલ કરવામાં જરા પણ મુશ્કેલી નડતી નથી. બસ મન મજબૂત રાખીને શરૂઆત કરો…

  Like

 2. Ghadpan ne bachpan jode sarkhavyu che pan hakk chutato nthi karnke aaskti kem chute eni samaj kone? jem karoliyo fasay evuj vartan mans kre che, e pan jiva che, jo shiv tatav aave to mherbani thay, pan ek divas to chodvuj pade che. Tamara balkone khurshi male emato khushi male. Jo jivta aa badhu dekhie to bhavishyni pedhi pan ej aachran karshe, aaj sudhre to 100 taka bhavishya sudhre ema doubt j nthi.

  Like

 3. બહુ સુંદર સલાહ છે, પરંતુ ખાટલે મોટી ખોડ કે, ભારતમાં અમેરીકા જેવી SS કે SSI જેવી સગવડ નથી અને પોતાની ટુંકી મુડીમાંથી જો કાઈ બચાવ્યું ન હોય તો પછી સંતાનોને ભરોસેજ રહેવું અને જીવવું પડે છે. લગભગ ૫૦-૬૦ વરસથી ઘરમાં રાજ કરેલું હોય તેવામાંથી બહુ થોડા વડીલો તમે લખ્યા મુજબની જંજાળમાંથી મુક્ત થઈ શકે છે, તમે લખો છો તેમ “ઉંમર વધે, સંતાનો મોટા થાય, વિવાહિત બને, કામધંધે લાગે ત્યારે માતા-પિતાએ લગામ છોડી દેવી જોઈએ અને તેમના માર્ગે જવા દેવા જોઈએ. સલાહ માગે તો આપવી નહીંતર ડાહ્યા થવું નહીં. તેમના પર નિયંત્રણ મૂકવા નહીં.” પણ પાસે પૈસા હોય અને સ્વમાનભેર એકલા જીવી શકતા-રહી શકતા હોય તો આ વડીલોએ જરૂરથી આ સલાહનો અમલ કરવો જોઈએ, જેથી પોતાના અને સંતાનોના કુટુંબો વચ્ચે શાંતિપુર્વકનું, સુગંધિત-માનભર્યું સ્વરુપ જળવાઈ રહે….
  બહુ સુદર લેખ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.