સંબંધોના સમીકરણો-કલ્પના રઘુ

મિત્રો,
 
કલ્પનાબેન એક ખુબ વાસ્તવિક વિષય સાથે આવ્યા છે જે આપણને વિચાર કરતા મુકે છે ,જન્મતાની સાથે સંબંધોમાં અજાણતા જ બંધાઈ જતો માનવી, અને કયારેક અજાણતા તોડી નાખતો માનવી આખી જંદગી વણઉકેલી ગુંચમાં એવો અટવાય છે કે ખબરજ પડતી નથી કે હું સાચો કે સંબધો?……..કયારેક થોડી ગુંચ ઉકેલાય તો એમ સમજે છે કે હું ડાહ્યો પરંતુ નિરાંતે વિચારે તો ખબર પડે છે કે આપણે સહુ માત્ર નિમ્મિત !…….કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે છે અને સંબંધો રચાય છે અને વ્યવસ્થિતને આધારે અચાનક જિંદગીમાંથી દુર પણ ચાલ્યા જાય છે આપણે એને તૂટેલા સંબધોનું નામ આપીએ  છે, નિમ્મિત ને દોષિત ઠરાવવાથી શું ફાયદો?……. ,દોષ માત્ર અપેક્ષા નો છે,…તો પછી દરેકમાં  શુદ્ધ આત્મા કેમ ન જોવો ?
કલ્પનાબેને ખુબ સરસ વાત કરી છે,”સંબંધોનાં સમીકરણો અઘરાં છે. સંબંધોના સરવાળા હોય, ગુણાકાર હોય, બાદબાકી નહીં. જેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેનું નામ બંધન, પરંતુ જે આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ … !!!   

સંબંધોના સમીકરણો

 

એક અબોધ બાળકનો જન્મ થાય છે. પોતાની આસપાસનાં જગતને સમજે એ પહેલાંજ મા-બાપ, પરિવાર, સગાસંબંધીઓ અને સંસ્કૃતિના રખેવાળ ગણાતાં લોકો દ્વારા ઉછીના વિચાર, ઉછીની ઓળખ અને ઉછીની સમજ આપી દેવામાં આવે છે. સૌથી પહેલાં એની આસપાસ સંબંધોની જાળ બિછાવવામાં આવે છે. ધીમે ધીમે એને પોતાના અને પરાયાનો અહેસાસ સ્પર્શની, લાગણીની અને આત્મીયતાની ભાષા દ્વારા થાય છે. કોઇકનો સંબંધ અને સ્પર્શ એને ગમે છે. કોઇકનો નથી ગમતો. પરિવારની સાંકળ એને બાંધવા લાગે છે. સ્વયંની સમજ કશુંક સમજે એ પહેલાંજ બાળકની આસપાસ મા-બાપ અને પરિવાર દ્વારા આરોપિત સમજ અને ઓળખનું એક અભેદ્ય કવચ રચાય છે. મારું-તારું-આપણું અને પોતીકા-પરાયાનું પરંપરાગત અને ઉછીનું જ્ઞાન એને જીવનભર એ માળખામાં પૂરી રાખે છે. બાળક મોટું થાય અને વિચારતું થાય એ પહેલાંજ તેનાં અબોધ મન પર નવાં આવરણ અને ઓળખ-સમજનાં અનેક મહોરા ચઢાવી દેવામાં આવે છે. જેથી તે પરંપરાગત સંબંધોની જાળમાંથી છટકી ના શકે.

સંબંધોનાં સમીકરણો અઘરાં છે. સંબંધોના સરવાળા હોય, ગુણાકાર હોય, બાદબાકી નહીં. જેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેનું નામ બંધન, પરંતુ જે આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ … !!! પછી તે લોહીના હોય, લાગણીના હોય કે પછી સ્વાર્થના … “મનુષ્ય એક સામાજીક પ્રાણી છે” એ નિયમે કોઇ વ્યક્તિ એકલો ચાલી શકે એવો રસ્તો હજુ સુધી બની શક્યો નથી. એ સંબંધોનાં મિનારાનાં પાયામાં કેટલાંક સુવર્ણ નિયમોનું પાલન જરૂરી છે જેમ કે Theory of Social Exchange – અરસ-પરસની આપલે, Theory of Give and Take, Forgive and Forget, હકારાત્મક અભિગમ અને બીજા ઘણાં બધાં … સંબંધોમાં creativity, સમારકામ અને માવજત પણ જરૂરી છે અને તોજ સંબંધની ઇમારત મજબૂત બની રહેશે.

ક્યારેક એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ ભ્રમણાઓમાંજ પાંગરે છે અને વિલાય છે. ભ્રમણાજ સંબંધોને મારે છે અને સંબંધોને શણગારે છે. ભરમનાં વમળમાં ફસાયેલો માનવીજ સંસાર-સાગરને સારી રીતે તરી શકે છે. સારી કુટુંબ વ્યવસ્થા, સારી સમાજ વ્યવસ્થાના પાયામાં એ જરૂરી છે કે માનવી ભ્રમણાનો આંચળો ઓઢીને ફરે. એક વ્યક્તિ બીજી વ્યક્તિનું મન વાંચી શક્તી હોત તો ? એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે શું વિચારી રહી છે તે જાણી શક્તી હોત તો ? તો ધરતી પર કોઇને કોઇની સાથે સંબંધજ ના રહે. માનવ, માનવ મટીને પશુતા પર ઉતરી આવે, ખરુંને? આમ જીવન ભ્રમણાઓની વચ્ચે પસાર થતું હોય છે અને સંબંધોના ટોળાની વચ્ચે ખોવાયેલું હોય છે.

 આ સંબંધો શું હંમેશા સાચા જ હોય છે? કોને સાચા કહેવા? હમેશા સાચા હોવાનો અહેસાસ કરાવવો પડે, એ સંબંધો સાચા છે? તો એ સંબંધોનો મતલબ શું? કોણ તમારૂં છે? મારું-તમારુંમાંજ આ જીવ ગોથા ખાઇ રહ્યો છે. લોલકની જેમ અહીંથી તહીં ફાંફા મારે છે. ક્યારેક પારકુ તો ક્યારેક પોતાનું. આ સંબંધ સાચવવા માટે અટવાયા કરવું, એ જ આ ભવનું ભવાટમણ ? ક્યારેક લાગે કે સંબંધોની ખેતીમાં જેવું વાવો તેવું લણો. ગુલાબ વાવો તો ગુલાબ, અને બાવળ વાવો તો કાંટા… શું આ સાચુ છે? આ ખેતી તમે ગમે તેટલી કાળજીથી કરો, સારા ખાતર-પાણી નાંખો, ખેડો, ટ્રીમીંગ કરો. તડકો હોય કે વરસાદ કે ઠંડી, દરેક અનુકૂળ, પ્રતિકૂળ સંજોગોમાં તમે જે સંબંધોની ખેતીની તમારી જાતની પરવા કર્યા વગર તન, મન, ધન અને લાગણીથી કાળજી લીધી હોય અને ફૂલનાં બદલે કાંટા મળે. વ્રુક્ષને મોટું કરો અને તમારી ઉપર જ પડે, તમને નામશેષ કરી નાંખે, તમારું અસ્તિત્વ જ મિટાવી દે… લોહી સીંચીને ઉભા કરેલાં સંબંધોના ખેતરો પણ ફળ વગર નકામા જાય…જીંદગીભરની મહેનત…એજ વલખા…એજ વલોપાત. દોષ કોને દેવો? કહેવાય છે કે સમયથી પહેલાં અને નસીબથી વધારે ઇશ્વર ક્યારેય કોઇને આપતો નથી. સંબંધો તૂટે છે અને સચવાય છે ૠણાનુબંધથી. સંબંધોની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે લોહીની સગાઇ હોય અને કુટુંબનાં પ્રસંગમાં મૃતાત્માનું આવાહન કરાય અને જીવતી વ્યક્તિને નામશેષ કરાય. કેટલીક સગાઇમાં મૃત્યુ પહેલાં સંબંધો મરી પરવારે છે. આ કરમની કઠિનાઇ નહીં તો બીજુ શું? સંબધોમાંથી પ્રેમની બાદબાકી થઇને પુર્ણવિરામ થાય છે ત્યારે તેનો ભાર અસહ્ય બની જાય છે.

તો ક્યારેક જીવનમાં એવાં સંબંધો પણ બંધાય છે અને સંધાય છે જે જીંદગીભર સંધાયેલા રહે છે. ન ધારેલી વ્યક્તિઓ જીવનમાં પ્રવેશીને તમારા અનેક સારા કાર્યોમાં નિમિત્ત બને છે તેમજ ખરાબ સમયે પડખે ઉભા રહીને પ્રેમ અને હૂંફ આપે છે. આ પણ એક ઋણાનુબંધ છે.

સંબંધો ખૂબ આંટીઘૂંટી વાળી બાબત છે. તે માણસના મન સાથે જોડયેલી છે અને મનને કોબી-કાંદાની જેમ કેટલાંય પડ હોય છે. આ દરેક પડ પોતાની જરૂરીયાત, માન્યતા, ભૂતકાળનાં અનુભવો અને પોતાની સગવડ અને સમજણ મળીને સંબંધની એક વ્યાખ્યા ઉભી કરે છે. મારી બારીમાંથી દેખાતું આકાશ, કદાચ તમારી બારીમાંથી દેખાતા આકાશ સાથે મેળ ખાતું ના હોય એમ બને પણ તેથી મને જે દેખાય છે એ અને એટલુંજ આકાશ અસ્તિત્વ ધરાવે છે એમ માનીને જીવ્યા કરવું એનાથી મોટી બેવકુફી અને અંધાપો બીજો કોઇ નથી.આ જગતમાં કોઇપણ પદ પર, કોઇ પણ વ્યક્તિની સાથે, કોઇપણ પરિસ્થિતિમાં ત્યાં સુધી રહેવું જોઇએ, જ્યાં સુધી આપણી જરૂરત હોય.

“જર્જરીત સંબંધોની યાદોનું પાનું ફાડવું સહેલું નથી. આપણું હોવાપણું ઓગાળવું સહેલું નથી.

મન ભલેને કહે હિમાલય જઇને તું કર સાધના. પણ સ્વજનને છોડીને ભાગવું સહેલું નથી.”

જીંદગીની સફર લાંબી હોય છે અને સફર(પ્રવાસ)નો સોનેરી નિયમ છે “Travel Light” ભાર ઓછો રાખો. એમ કહેવાય છે કે સૂટકેસમાં જેમ ઓછો સામાન તેમ મુસાફરી આસાન. જીવન-યાત્રા દરમ્યાન કંઇક નવા સંબંધો ઉભા થવાનાં, માટે આપણે બાંધેલાં અનેક પ્રકારનાં સંબંધો જે ખોટા વજનદાર અને છોડવા જેવા છે, તેને છોડી દેવાનું, ભૂલી જવાનું શીખવું જોઇએ તો મન ઉપર કોઇ બીનજરૂરી વજન રહેશે નહી. અને આપણે હળવાફૂલ રહીને આપણી જીવનયાત્રા નિર્વિઘ્ને પૂરી કરી શકીશું.

સંબંધોનાં આ તાણાવાણા ઇશ્વરે વણકર બનીને તેની કઇ હાથશાળામાં વણ્યાં હશે તે તો ઇશ્વરજ જાણે. સંબંધો બાંધતાં વર્ષો વીતી જાય છે અને તૂટી જાય છે એકજ ક્ષણમાં. માટે નવા સંબંધો બાંધતા વિચારો કારણકે લોહીનો સંબંધ ઇશ્વરીય દેન છે. પરંતુ અન્ય સંબંધો તમારા સર્જેલા હોય છે અને તે સંબંધો યોગ્યજ હોય તો તેને નિભાવી જાણો. એમાંજ સંબંધની સાર્થકતા હોય છે. આપણી જીંદગીમાં થયેલાં સારા-મીઠાં  બનાવો આપણે ભૂલવા માંગીએ નહીં, તો કદાચ ચાલે. કારણકે તેનું વજન હોતુ નથી. પણ કડવા સંબંધો અને ઘટનાઓની સ્મૃતિ એકદમ વજનદાર હોય છે. એનો બોજ ઉપાડીને જીવતા રહેવાથી પીઠ ઉપર કાપા પડી જાય છે. મતલબ કે શરીર અનેક રોગોનો શિકાર બને છે.

અને છેલ્લે, ઇશ્વર નિર્મિત્ત તમારી દરેક જવાબદારી નિભાવીને તમે જ્યારે જીવન સંધ્યામાં પ્રવેશ કરો છો ત્યારે દરેક વ્યક્તિએ વિચારવુ રહ્યું કે સાચો સંબંધ ક્યો? આ માયાવી સંસારનાં માયાનાં પડળો વટાવીને આત્માને સાધવાનો સમય આવી ચૂક્યો છે. જ્યાં પારકાને પોતાનાં અને પોતાનાંને પારકા બનતાં પળની પણ વાર નથી લાગતી, ત્યાં માત્ર ઇશ્વર સત્ય છે, કહેવાતા સ્વજનો મિથ્યા છે, એ ભૂલવું ના જોઇએ જેની સાથે સંબંધ તૂટે છે તેનો આભાર માનવોજ રહ્યો. તો જ તમે આત્મા સાથે સંબંધ બાંધી, પરમાત્મા તરફ પ્રયાણ કરી શકશો અને બાકીની જીંદગીમાં ક્ષણોને નહીં જીવનને ઉમેરીને જીવન સાર્થક કરી શકશો.

નમઃ શિવાય.

કલ્પના રઘુ

 

 

 

2 thoughts on “સંબંધોના સમીકરણો-કલ્પના રઘુ

  1. કલ્પનાબહેને ખૂબ જ સંવેદનશીલ વિષયની છણાવટ કરી છે. આજે જ્યારે સંબંધોમાં સચ્ચાઈ ઓછી થતી જાય છે ત્યારે આ વિષય પર મુક્ત ચર્ચા કરી લેવી એ સર્વથા યોગ્ય છે. મેં એક જગ્યાએ લખ્યું છે કે સંબંધો ધંધાદારી બનતા જાય છે. એ સિવાય નવા પ્રકારના સંબંધો, જેવા કે અર્ધા ભાઈ-બહેન, ઉમેરાતા જાય છે. આ વધા વિષય વિચાર માગી લે છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.