સભા ગુર્જરી
મિત્રો, હું કલ્પના રઘુ, સૌ પ્રથમ તો અહીં સભા ગુર્જરીમાં બેઠેલાં તમામ ગુર્જરોને મારા પ્રણામ કરું છું.
સભા ગુર્જરીનો વડલો વિશાળકાય બનતો જાય એ માટે શુભેચ્છા સાથે કહીશ ‘ વટસ્ય પત્રસ્ય પુટે શયાનં, બાલં મુકુન્દં મનસા સ્મરામી’. અને આ સાથે મારું વક્તવ્ય રજુ કરું છું. વડલાનાં વડીલ સમા મુ. મીરાબેન અને મહેન્દ્રભાઇને મારા વંદન.
ગુજરાતી વ્યક્તિત્વને જીવંત રાખવા માટે તેના પાયામાં છે ગુજરાતી ભાષા. ભાષાની વાત આવે ત્યારે રસકવિ શ્રી પ્રેમાનંદને કેમ વિસરાય?
સોળમાં સૈકાનો એ જમાનો હતો, જ્યારે ગુજરાતી ભાષા બાપડી, બિચારી કહેવાતી. એનું ચાર પૈસાનું મૂલ્ય અંકાતું અને લોકો કહેતા, “ અબે ટકે કે સોલાહ આને, અઠે કઠે કે બાર, આઠ હી આને ઇકડં તિકડં, શું શા પૈસા ચાર ”.
એ જમાનામાં પ્રેમાનંદ આવ્યાં અને પ્રતિજ્ઞા કરીકે, જ્યાં સુધી માતૃભાષા ગુજરાતીને બીજી ભાષાની તોલે નહીં મૂકુ, ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરુ. આજીવીકા માટે તેઓ કથા, વાર્તા, આખ્યાનો કહેતાં. તેઓ માણભટ્ટ કહેવાયા. સુદામા ચરિત્ર, નળાખ્યાન, કુંવરબાઇનું મામેરું, દશમસ્કંધ પ્રેમાનંદની ઉત્તમ કૃતિઓ મનાઇ છે.પ્રેમાનંદની લોકપ્રિયતાં તેના સમગ્ર આખ્યાનોમાં ગૂંજતું ગુજરાતી વાતાવરણ છે. નન્દ કે જસોદા, ઓખા અને અભિમન્યુ, કૃષ્ણ કે રામ, સુદામા કે નળ – બધાં જ પાત્રોને તેમણે સમકાલીન ગુજરાતી પાત્રોમાં રમતાં મૂકી દીધાં. ગુજરાતી સમાજનાં વહેવારવટ, ઘરવખરી, વહેમરિવાજ – સૌનું હૂબહૂ નિરૂપણ પ્રેમાનંદે કર્યુ છે.પ્રેમાનંદ, અખો અને શામળે ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરી.પ્રેમાનંદનાં આખ્યાનોમાં કુંવરબાઇનું મામેરુ હું આપને વાંચી સભળાવીશ.
કુંવરબાઈનું મામેરું – પ્રેમાનં
દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;
અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.
મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત :
‘કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ ? સાસરિયાં કાંઈ રાખે પ્રેમ ?’
જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ,
કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી.
નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.
નિર્ધનનું કહ્યું કો મન નવ ધરે, નિર્ધનનું સહુ કૌતુક કરે,
નિર્ધનને સહુ ઘેલો ગણે, નવ રાખે ઊભો આંગણે.
લોક બોલાવે દુર્બલ કહી, એથી માઠું કાંઈ બીજું નહિ;
તાત, કાંઈ ન કરો ઉદ્યમ તો આ અવસર સચવાશે ક્યમ ?
નથી લાવ્યા તમે નાડાછડી, નથી મોડ ને કુંકુમપડી;
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ ?
કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મૂઈ મરતે માત ?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ?
જે બાળકની માતા ગઈ મરી, બાપસગાઈ સાથે ઊતરી;
જ્યમ આથમતા રવિનું તેજ, મા વિના ત્યમ બાપનું હેજ.
સુરભિ મરતે જેવું વચ્છ, જલ વિના જેમ તલફે મચ્છ;
ટોળાવછોઈ જ્યમ મૃગલી, મા વિના પુત્રી એકલી.
લવણ વિના જ્યમ ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન,
કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન.
શું કરવા આવ્યા ઉપહાસ ? સાથે વેરાગી લાવ્યા પચાસ;
શંખ તાલ ને માળા ચંગ : એ મોસાળું કરવાના ઢંગ ?
નહીં તો પિતાજી, જાઓ ફરી,’ એમ કહી રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ, ‘મોસાળું કરશે વૈકુંઠનાથ !’
મિત્રો, આજે આપણે જ્યારે આ સભા ગુર્જરીના સાગરમાં હિલોળા લઇ રહ્યાં છીએ ત્યારે સાહિત્ય જગતનાં કેટલાંક સારસ્વતોના સર્જનને યાદ કરી લઇએ અને તેમની કૃતિઓનાં અમીછાંટણા લઇને પવિત્ર યાદોને તાજી કરીએ તે આશય સાથે હું આ યાત્રા આરંભુ છું. તેમાં આપ સૌ જોડાઓ – મજા આવશે…..
– ફાધર વાલેસ થી જે યાત્રા પ્રારંભી- અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા. ત્યાં તો દલપતરા મે ઋતુઓનું વર્ણન કર્યુ.- ‘ગની’ દહીંવાલા એ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.- અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.- દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશી એ પરિચય આપ્યો.- મરીઝ એ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.- ‘શૂન્ય’ પાલનપુરી એ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.- ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.- ઝવેરચંદ મેઘાણી એ લગાડ્યો કસુંબીનો રંગ. – હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ.- સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠી એ ધન્ય કર્યા.- રમણલાલ દેસાઈ એ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએકઆજ્ઞાધારી વિમાન બની ગયું!- ખબરદાર એ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.- બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ! – મીઠાં મધુને મીઠાં —- છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.- બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તેસહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”- રાવજી પટેલ એ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ- ઈન્દુલાલ ગાંધી એ આંધળી માનો પત્ર પ્હોચાડયો.- અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. અખાના પ્રખ્યાત છપ્પામાંનો એક – “એક મૂરખનેએવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ અખાવડુ ઉતપાત ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?”- સુંદરજી બેટાઈ એ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”- રાજેન્દ્ર શુકલ ના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?- નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.- હેમન્ત દેસાઇને મનગમતું ગમયું -“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાંકોઇ પણ મને ગમે.”- માણસમાં રાખ્યા જયંત પાઠક એ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”- બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં- કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસરૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછોજા !- “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ” પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રા….મ.- પ્રીતમ નો હરીનો મારગ શૂરાનો છે.- મકરન્દ દવે નો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે નભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”- ચંદ્રકાન્ત બક્ષી નું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવીજોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”- સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે- “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.- ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબરસુધી.”- જયંતિ દલાલ નું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકરલાગતું જ નથી. “- કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.- “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.- પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,” પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”- કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,- કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘ “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”- કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું- મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડો કલમને, ને હાથ આખેઆખો બળે છે?- ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય- નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “- દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!- ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?- “માથું અરીસામાં જ રહ્યું.ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.- તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”- અશોક દવે, તમારે તો “લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”- “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે. ઉલટા ચશ્મા- ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” અને લોકો સુધી પ્હોચાડે છે બ્લોગ દ્વારા.
તો મિત્રો અહીં હું મારા વક્તવ્યને વિરામ આપુ છું.
ધન્યવાદ, સૌ ગુર્જરોનો.
તાઃ Nov 30, 2013 સંકલનઃ કલ્પના રઘુ
આ પોસ્ટની ગુજરાતી સાહિત્યની જાણવા જેવી વાતો અને કલ્પનાબેને જે અભિવ્યક્તિ રજુ કરી એ ખુબ ગમી .
LikeLike
Pingback: મીલીપીટાસ કેલીફોર્નીયા ખાતે શરુ થઇ “સભા ગુર્જરી “-વિજય શાહ | વિજયનું ચિંતન જગત-
Pingback: મીલીપીટાસ કેલીફોર્નીયા ખાતે શરુ થઇ “સભા ગુર્જરી “-વિજય શાહ | USA News line