સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …

મિત્રો 

 
આજે આપણા  કલ્પનાબેન એક સુંદર ટુંકી વાર્તા લઈને આવ્યા છે,શબ્દોમાં સરળતા છતાં ખુબ મોટી વાત વાર્તામાં વર્ણવી છે, અંત સુધી જકડી રાખે છે , વાર્તા આપ જ વાંચી આપના અભિપ્રાય જણાવશો.

સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …..

આજથી ૫ વર્ષ પહેલાં સોમવારની સવારે વૃંદાવન સોસાયટીના મહાદેવમાં ચંપાબેન મળી ગયાં. ત્યારે તેમની ઉંમર ૬૫ વર્ષની હતી. મને કહે, “બહેન મેં સાંભળ્યું છે કે તમને બહુ બધાની જિંદગી વાંચવાનો અનુભવ છે. મારે પણ તમને કંઇક કહેવું છે.” આમ તો ઘણાં વર્ષોથી મહાદેવમાં અવારનવાર મળતાં. ક્યારેક સ્મિત તો ક્યારેક વેદના એમનાં ચહેરા પર જોવા મળતી અને મને પણ તેમનાં જીવનમાં ડોકિયું કરવાનો સળવળાટ જાગતો. આજે મને મળતી એ તક હું કેવી રીતે જવા દઉં? મેં કહ્યું, આજની બપોર તમારી સાથે.

અને હું પહોંચી ગઇ તેમનાં ઘરે ….. તેમની આંખોમાં મારા માટેની પ્રતિક્ષા હતી. મને કહે, બહેન, હવે તો મારી આંખોનાં આંસુ પણ સૂકાઇ ગયાં છે. હું થાકી ગઇ છું. મેં થોડું આશ્વાસન આપ્યું. અને, તેઓ જાણે ભૂતકાળમાં સરી પડ્યા.

બહેન, મારી જિંદગી એક બાળકી, દીકરી, બહેન, ભાભી, નણંદ, પ્રેયસી, પત્નિ, માતા, દાદીમા ….. કેટ કેટલાં સંબંધોનાં જાળામાં, એક રસ્તે રઝળતી વાર્તા બની ગઈ છે.

મારી મા પુષ્પાબેન, તેમની કોખે બાળકી અવતરી નામે ચંપા. દિકરો હોત તો પેંડા વહેચાત પરંતુ બાળકી સ્વરૂપે મને કમને સ્વીકારી – સમાજે, કુટુંબે …… અને મારો ઉછેર શરૂ થયો. તેમાં પણ સરખામણી મારા મોટા ભાઇ રમેશ સાથે. રમેશ કંઇ પણ કરી શકે. કોઇ રોકટોક નહીં કારણ કે એ દિકરો હતો, જ્યારે હું દિકરી. અમુક રીતે બેસવું, ઉઠવું, ચલાવી લેતા શીખવું જોઇએ. કારણ? તેને પરણીને સાસરે જવાનું છે.

પિતાના આંગણે ઉછરતી, પાંગરતી, એવી હું જ્યારે યુવાનીમાં પ્રવેશી ત્યારે મારા હૈયામાં ઢબુરાયેલો છાનો  અસંતોષ, એ પારકાપણાંની ભાવના આકૃતિ લે છે ….. યુવાનીનાં ઉમરે સોણલામાં રાચતી એવી આ ચંપાએ તેનું ઘર અને પતિનાં સ્વપ્ના જોવાનાં શરૂ કર્યા.

અને બહેન, જિંદગીનાં જંગલમાં અથડાય છે એક પ્રેમી નામે રમણલાલ. હું શું કહું બહેન, મને લાગ્યું કે મને મારી મંઝિલ મળી ગઇ. તેની સાથેનુ એ મિલન અદ્‍ભૂત, અકલ્પ્ય હતું. પગમાં કાંટો વાગે તો પ્રેમી પગ હાથમાં લઇ, સાચવીને કાંટો કાઢી લઇને પગ ચૂમી લે, અને એ દુઃખ ગાયબ થઇ જાય. પ્રેમમાં કેટલી તાકાત હોય છે? હું તે વખતે સુખનાં સર્વોત્તમ શિખર પર સ્વપ્નામાં રાચતી. ખરેખર બહેન, દુનિયાના તમામ સંબંધોની વ્યાખ્યાઓ તે સમયે મને નામશેષ લાગી. હું કેટલી ભોળી? મને હાશ થઇ અને મારું નસીબ કે એ પ્રેમી સાથે લગ્ન થયા ….. અને હું પ્રેયસીમાંથી પત્નિ બની.

ક્યારેક એમ કહેવાય છે કે લગ્ન એટલે પ્રેમનું પૂર્ણવિરામ અને પતિના અધિકારની ભાવનાની શરૂઆત. સપ્તપદીનાં ફેરામાં બન્ને પક્ષે કંઇક વચનોની આપલે થઇ. પરંતુ મને બિચારીને ખબર ન હતી કે તે વેદીમાં મંત્રોચ્ચાર વખતે ઘી હોમાય છે અને બોલાતાં વચનોનો તે સમયે જ ધૂમાડો થતો જાય છે. હું મારા પતિ અને તેના કુટુંબ સાથે બંધાઇ ગઇ. અને મારા ગૃહપ્રવેશ પછી કંઇ કેટલાંય સંબંધોના સ્વરૂપોથી મને આવકારી. આતો છે માત્ર સ્ત્રીના નસીબમાં મેળવવાનું – અને મારા જીવનમાં શરૂ થઇ જાય છે જવાબદારીઓની ઘટમાળ …..

હનીમુનની રાત્રિએ કંઇક વચનોની આપલે થાય છે. કલાકો, દિવસો, મહિનાઓ પસાર થાય છે. પિયરમાં જે નથી મળ્યું તે મેળવવા અને તેનાથી અનેકગણું ન્યોચ્છાવર કરવાનાં સ્વપ્ના સાથે આવેલી આ ચંપા, આ નવવધુ, પાછી શરૂ થઇ જાય છે સોણલા જોવા …..

હવે આ મારું ઘર છે, મારો વર છે, બધુંજ મારું છે. હવે હું મારું ધાર્યુ કરી શકીશ. બધાને પ્રેમ કરીશ. અને બધા મને પ્રેમ કરશે. એ ભ્રમણાનાં વમળમાં અટવાઇ જાય છે. સમય સરતો જાય છે. જીવનની આ ભાગદોડમાં ક્યારેક પતિ કહે છે આ મારું ઘર છે, હું જે કહીશ તે થશે. આ મારા પૈસા છે, તું કમાવા નથી જતી, તારા બાપાએ બાંધી આપ્યા નથી. સાસુ – સસરા, જેઠ – જેઠાણી, દિયર – દેરાણી, નણંદ – નણદોઇ અને ભત્રીજા – ભાણેજા ….. આ બધાં સંબંધોમાં ફંગોળાતી, ક્યાંક કોઇ મારું લાગે ત્યાં હારી, થાકીને વિસામો લેતી, અને રાત્રે પાછી પતિની સોડમાં હાશ અનુભવતી, નવા દિવસની સવારે તાજી-માજી થઇને મારી ફરજોમાં ફંગોળાતી હું, તમને બહેન પૂછી રહી છું કે આમાં મારું સ્થાન ક્યાં છે? મારું અસ્તિત્વ ક્યાં છે? અને ચંપાબેન ફીક્કા હાસ્ય અને સંતોષની લાગણી સાથે પાણીનો ઘૂંટડો ગળે છે અને ખોવાઇ જાય છે પાછા તેમના અતીતમાં …..

મારા જીવનમાં એક વળાંક આવે છે. મારી કોખે ગર્ભ આકાર લે છે. મારા રોમરોમમાં એક નવી ચમક ફૂટે છે. એ નવ મહીના મારી જિંદગીના સર્વોત્તમ હતાં કારણકે મારું બાળક, મારા પતિ અને આખું કુટુંબ મારી સાથે હતું. અને ….. એ  નવ મહિના ગર્ભાધાન અને પછી પ્રસૂતિની પીડા સહન કરી મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ઘરમાં બધાંનો વ્યવહાર મારા માટે બદલાયો. કારણકે મારા ઘર માટે હું વંશવેલો વધારવાનું સાધન બની ગઇ હતી. અને હું પણ બધાંનો દુર્વ્યવહાર ભૂલી જતી. એ તો ભગવાને મને ભૂલવાની બક્ષિસ આપી હતી.

પાછાં સ્વપ્નાની વણઝાર શરૂ ….. ભલે મારું કોઇ નથી, મારો પતિ પણ પહેલાં તેના કુટુંબનો , તેના મા-બાપનો છે. પણ મારો દિકરો હરેશ તો મારો જ છે ને? તેને ભણાવી – ગણાવી, સારા સંસ્કાર આપીને મોટો માણસ બનાવીશ અને મને હાશ થશે ….. એ દિવસની રાહ જોઇને આ ચંપા તડકા-છાંયડા, વાદળ-વંટોળ, ખાડા-ટેકરામાં અથડાતી, કૂટાતી, તેની જુવાનીને કુટુંબ પાછળ સમર્પિત કરીને, તેની ભાવનાઓને હોમી દઇને, સમયનાં વહેણના આવેગમાં ધસડાય છે.

હું થાકી ગઇતી બહેન, પણ મને માત્ર આશા હતી મારા દિકરાની અને હરેશ મોટો થાય છે. ભણીને સ્થિર થાય છે, ત્યારે તેનાં લગ્નની વાત ચાલે છે. મને હતું કે એવી વહુ લાવીશ કે જે મને હુંફ આપશે. પરંતુ બહેન, આ કંઇ થોડું કોઇના કપાળ પર લખેલું હોય છે? અને વાજા વાગે છે …..

દીકરાની સાથે રહીએ છીએ. કંઇક આશાઓ બંધાય છે પરંતુ દીકરો પણ તેની પત્નિ હિરલ, જે તેના મા-બાપના ઘરેથી આવી છે તેને સાચવવા માને હડધૂત કરે છે. મા જૂના વિચારોની છે. તે તેનું મન, વિચારો બદલી નથી શકતી. અને શરુ થાય છે સંઘર્ષ ….. આ મારું ઘર છે, ફાવે તો રહો નહીં તો જાઓ     “ ઘરડા-ઘર “ માં. આ આઘાત મારા માટે અસહ્ય હતો. વર્ષો જાય છે. હવે તો મારા માટે કોઇ રસ્તો જ નહતો. પત્નિ અને માનું મ્હોરું પહેરીને હું હંમેશા ફંગોળાતી. કોઇ મને સમજવા તૈયાર ન હતું. રમણલાલ સાથે નિરાંતની પળોમાં હું ક્યારેક બનતી ઘટનાઓની આપ-લે કરીને વિસામો લેતી. હવે તો એ માત્ર એકજ મારા ઘડપણનાં વડલાનો વિસામો હતાં. બન્ને એક બીજાને હુંફ આપી ને દાં’ડા કાઢતા. એવામાં એમને વિચાર આવ્યો, ચાલને આપણે જાત્રાએ જઇએ. ઇશ્વરનાં સાનિધ્યમાં જીવને હાશ થશે – અને જાત્રાએ જવાનું નક્કી કર્યુ. વહુને હાશ થઇ.

જાત્રાએથી પાછા આવીને જોયું તો ઘરમાં બધું બદલાઇ ગયું હતું. મારી અને એમની તસ્વીર જે દિવાનખાનામાં લટકાવેલી તે ઉતારી લીધી હતી. આમ પુત્રે પહેલાં દિલમાંથી અને પછી દિવાલો ઉપરથી મા-બાપને જાકારો આપ્યો. અહીં રહેવું હોય તો અમારી પધ્ધતિથી, અમે કહીએ તેમ અને અમને ગમે તેવી રીતે તમારે રહેવું પડશે ….. મેં મારા દિકરાને જન્મ આપ્યો, દિકરો માને શિખવાડે છે કે મારે કેવી રીતે રહેવું, ખાવું, ઉઠવું, બેસવું ….. મારું હ્રદય નંદવાય છે ….. ચિત્કાર કરી ઉઠે છે ….. વલોવાય છે. શું મારું, મારું કોઇ નથી?

હે ભગવાન, હું એટલી બધી ખરાબ છું કે તને પણ મારી જરૂર નથી? તો મને પેદાજ શા માટે કરી? મને શા માટે કોઇ પણ જેવી છું તેવી સ્વીકારવા માટે તૈયાર નથી? શા માટે? આનો જવાબ છે કોઇની પાસે? બહેન, કોઇ સમજી શકશે મને? કે જે તેના અસ્તિત્તવની શોધમાં અહીં તહીં ઘડીયાળના લોલક્ની જેમ, સંબંધોનાં ગૂંચવાળામાં ગૂંચવાતી, પોતાનાંજ અસ્તિત્વને સમજી નથી શકતી, તેને કોણ સમજશે?

મને પણ થયું, “हाय! अबला नारी तेरी यही कहनी, होठोंपे मुसकान, आंखोमें पानी.” અને હું ઘરે આવી …..

બીજા દિવસની સવારે ચંપાબેનની પડોશનો છોકરો દોડતો મને બોલાવવા આવ્યો. હું તેમના ઘરે ગઇ. જોયુ તો ….. ચંપાબેન પ્રભુપ્યારા થઇ ગયા હતા.છેવટે ચંપાબેનની પ્રાર્થના પ્રભુએ સાંભળી ખરી. તેમના ચહેરા પર ચિર શાંતિ મેં મહેસુસ કરી. ઘરમાં રૂદનનું વાતવરણ હતુ – સ્વાભાવિક છે. તેમની પુત્રવધૂ હિરલે મને એક પત્ર આપ્યો અને કહ્યું, “રાત્રે માની તબિયત અચાનક બગડી. ઉપરાઉપરી બે એટેક આવ્યા તે પહેલાં આ પત્ર મને તમને આપવા માટે કહ્યું હતું અને પછી તરતજ તેમની આંખો બંધ થઇ ગઇ.”

મેં તેજ વખતે પત્ર વાંચ્યો. તેમા લખ્યુ હતુ, બહેન, મારી માએ મને શિખમણ આપી હતી, “भोज्येषु माता, कार्येषु मंत्री, शयेनेषु रंभा બનીને સાસરીમાં રહેજે. હવે તો તારુ સાસરુજ તારુ અંતિમધામ છે. જ્યાં ડોલી જાય છે ત્યાંથી અર્થી નિકળવી જોઇએ. ઘેર આવે તો તારા વર સાથે આવજે અને પિયરમાં મહેમાનની જેમ રહેજે.” બહેન, મેં મારી માની શિખમણ માની. હવે હું થોડા સમયની મહેમાન છું. મારા પ્રાણ આ ખોળીયું છોડીને ઉડી જશે. અને મારા પતિ જીવે છે માટે આ સુહાગણને સજાવી – શણગારીને સ્મશાનમાં લઇ જશે – અગ્નિદાહ આપવા. બળી જશે આ શબ, ચિતા અને અનેક ચિંતાઓનાં રાફડામાંથી મુક્ત થઇને આખરે રાખ બનીને હાશ અનુભવશે, સ્મશાનમાં …… બહેન, મેં તમને મારી આપવીતી કહીને દુઃખી કર્યા. પણ મારી વાર્તા વાંચીને ઘણી બહેનોને સાંત્વન મળશે ….. કે ભારતીય આર્ય સ્ત્રી આજ હોઇ શકે – અને સાચું કહું બહેન, આજે મને મારું જીવન જીવ્યાનો સંતોષ છે. મેં મારા તમામ સંબંધોનું જતન, પાલન, પોષણ અને સિંચન તન, મન અને ધનથી, મારી તમામ લાગણીઓને પોષીને કર્યુ છે. ફળ ના મળે તેમાં અન્યને હું દોષિત ગણતી નથી. એ તો મારા કર્મનો વાંક છે. હું તમામને માફ કરું છું બહેન, તમે પણ મને માફ કરજો. નમઃ શિવાય.

અને હું મારી આંખોમાં આંસુઓને રોકી ના શકી. મારું મન તેમને નતમસ્તક પ્રણામ કરી રહ્યું. આ ચંપાબેનની કહાણી મને હચમચાવી ગઇ. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.

== કલ્પના રઘુ ==

 

 

 

 

3 thoughts on “સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …

 1. ખબર પડતી નથી કે શું કોમેન્ટ આપી શકાય. મારા ખ્યાલથી આવા કુટુંબો બહુ ગણ્યા ગાંઠ્યા હોય છે. પણ આ ટાળવાના ઉપાયો હોય છે. જેમાંનો મૂખ્ય કેળવણી. ભણતર નહીં પણ કેળવણી છે. બીજો ઉપાય એ કે વૃદ્ધાશ્રમમાં જ રહેવું. પણ એ માટે જ્યારે નોકરી કરતા હોઈએ ત્યારે જ ભવિષ્યની જરુરીયાતોની ગોઠવણ કરી રાખવી જોઇએ.

  Like

 2. બેનશ્રી કલ્પનાબેન,
  તમારી સુંદર ટુંકી વાર્તા જેમાં અંતરના ધબકાર, અને સ્ત્રીના હૃદયની વેદનાભરેલ અવાજ વર્તાય છે. આજથી ત્રીશેકવર્ષ પહેલા
  સમાજમાં દીકરા અને દિકરીના ઉછેરમાં અસમાનતાને લીધે સ્ત્રી વર્ગને ઘણું સહન કરવું પડતું હતું. નાનપણથી તેઓના પર ઘરકામનો બોજ લાદવામાં આવતો હતો. અભ્યાસ પણ પૂરો થાય તે પહેલા પરણાવી દેતા જેથી તેઓનો વિકાસ થતો અટકી જતો. સંસારિક જવાબદારીનો ભાર તેઓને શીરે પડતા માનસિક તાણ અને ચિંતામાં જીવન અસહ્ય બનતું. આ બધુ કેળવણીના
  અભાવે થતું.
  આનો એકજ માર્ગ છે – દરેક પરિવારે દિકરીઓને પણ પુરતો અભ્યાસ -કેળવણી education આપવુ જ જોઈએ
  સ્ત્રીની વેદનાને વાચા આપવા માટે, ધન્યવાદ

  પદ્માબેન અને કનુભાઈ શાહ

  Like

 3. aapne kala mathana manvina man pramne banvel bandhan ane kayda, ema shu stri ane purush, tmej tamara bandhanne valgo ane thav dukhi ane bijane doshit tharavo, ema vak kono? jo dharmana chakra jya hoy tya dhukh takej nhi. tema stri ke purush banne ekbijana purak rahevanaj, pan samaj ane vivek ave tya koi dukhi na thay. e kudratno niyam che.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.