કૃષ્ણકાંત ઉનડકટ,

 

આજે તારીખિયું બદલી ગયું. કેલેડન્ડરના ડટ્ટા હવે આઉટ ઓફ ડેઇટ થઇ ગયા છે. સમય ડિઝિટલ બની ગયો છે. મોબાઇલ, ટેબલેટ,લેપટોપ અને કમ્પ્યૂટરમાં સમય ચૂપચાપ આંકડા બદલતો રહે છે અને આગળ વધતો રહે છે. સતત પરિવર્તન એ સમયની પ્રકૃતિ છે. ઘડિયાળની ફિતરત આગળને આગળ વધવાની છે, પણ આપણી ? આ વર્ષમાં આપણી લાઇફમાં કેટલી જિંદગી ઉમેરાઇ ?

સમયને આપણે પકડી નથી શકતા પણ આપણે જો ધારીએ તો સમયની સાથે વહી જરૂર શકીએ છીએ. એક વર્ષ પૂરું થયું, જતું વર્ષ એ જ શીખવે છે કે ગયું એ ગયું. જરાક પાછળ વળીને જોયું તો કેટકેટલીય ઘટનાઓ સામે આવી જશે. કેટલું બધુ બનતું હોય છે આપણા સહુની જિંદગીમાં ? થોડુંક સારું અને થોડુંક ખરાબ, થોડાક અપ્સ અને થોડાક ડાઉન્સ, થોડુંક રેડ અને થોડુંક ગ્રીન,થોડીક યાદો અને થોડાક વિવાદો, થોડોક ગમ અને થોડીક ખુશી… સરવાળા-બાદબાકી કરવાનો કોઇ મતલબ નથી. સવાલ એ છે કે આજે નવા વર્ષના પહેલા પ્રભાતે આપણે કેટલા હળવા છીએ ? નવું વર્ષ એ જ કહેતું હોય છે કે જૂનું ખંખેરી નાંખો. જો તમે ભાર ઉતારી નહીં નાખો તો એની જ નીચે દબાઇ જશો.

નવા વર્ષના દિવસે રિઝોલ્યુશન પાસ કરવાની એક વણલખી પરંપરા છે. રિઝોલ્યુશન સાથે એક એ વાત પણ કહેવાતી આવી છે કે રિઝોલ્યુશન ટકતા નથી. નવા વર્ષે કરેલો સંકલ્પ લાભપાંચમ આવે ત્યાં સુધીમાં તો લડખડાવવા મંડે છે. રિઝોલ્યુશન ટકતા નથી કે પછી આપણે તેને ટકવા દેતા નથી ? ગમે તે હોય પણ લોકોને રિઝોલ્યુશન પ્રત્યે લગાવ તો હોય જ છે, કારણ કે કંઇ નવું શરૂ થાય ત્યારે આપણને પણ કંઇક નવું કરવાની તમન્ના જાગે છે.

જિંદગીમાં કરવા જેવા સંકલ્પો ઘણા હોય છે. કરવા જેવો એક સંકલ્પ એ છે કે, હું કરમાઇશ નહીં, હું ખીલેલો રહીશ અને હું જીવતો રહીશ. માત્ર શ્વાસ ચાલતો હોય એ જીવવું નથી, સતત ધબકતા રહેવું એ જીવવું છે. આપણા ચહેરા ઉપરથી હાસ્ય ક્યાંય ગુમ થઇ ગયું છે. તમે ક્યારેય અરીસા સામે ઊભા રહી તમારી સામે જ સ્મિત કર્યું છે ? કરી જોજો, તમને પોતાને જ એવું લાગશે કે હસતો ચહેરો કેટલો સુંદર લાગે છે ! તો પછી તમે હસવાનું પ્રમાણ શા માટે વધારી નથી દેતા? ચાલો આજે એક સંકલ્પ કરીએ કે આગામી વર્ષમા હું થોડુંક વધારે હસવાનું રાખીશ.

કરવું હોય તો બીજુ પણ ઘણું બધું કરવા જેવું છે. એક વ્યક્તિનો ચહેરો તમારી આંખમાં ઉપસાવો અને નક્કી કરો કે હું તેને આખી જિદંગી સતત પ્રેમ કરીશ. આખી દુનિયામાંથી એક વ્યક્તિ તો અપવાદ હોવી જ જોઇએ એવું તમને નથી લાગતું ? સાથોસાથ એક વ્યક્તિને નફરત ન કરવાનું પણ નક્કી કરવા જેવું છે. ઘણી વખત આપણો વાંધો એ હોય છે કે આપણે માફ નથી કરી શકતા. થોડુંક જતું કરીને આપણે ઘણુ બધુ મેળવતા હોઇએ છીએ. એકાદ જૂના સંબંધને પણ જીવતો કરવો જોઇએ. સ્મરણોને થોડાક ઢંઢોળો તો એકાદ એવો ચહેરો સામે આવી જશે જેની સાથે તમે ખડખડાટ હસ્યા હતા. જેને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી નહોતી પડતી. તમારાથી ડિસ્ટર્બ ન થતી હોય એવી કોઇ વ્યક્તિ જો તમારી પાસે હોય તો એને જતનપૂર્વક સાચવી રાખો.

આપણા બધાની લાઇફ બહુ રુટીન થઇ ગઇ છે. રોજ એક જ શેડયુલ. હોલિડેના દિવસે પણ આપણે દર હોલિડે જેવું જ કરતાં હોઇએ છીએ. કંઇ જ નવું હોતું નથી એટલે બધુ બોરિંગ અને કંટાળાજનક લાગવા માંડે છે. અરે આપણે તો ઓફિસે કે દુકાને જવાના રસ્તા પણ બદલાતા હોતા નથી. તમે માર્ક કરજો, ઘણા રસ્તા હશે તો પણ તમને એકના એક રસ્તે જ જતાં હશો. નવા વર્ષમાં થોડોક રસ્તો તો બદલી જુઓ. જિંદગી તો દરેક ક્ષણે બદલવાની તક આપતી હોય છે, આપણે જ જડ થઇ ગયા હોઇએ છીએ.

સંવેદનાને પણ જો સજીવન ન રાખીએ તો એ ચીમળાઇ જાય છે. આપણને બધાને જિંદગીનો અહેસાસ જોતો હોય છે પણ એ અનુભૂતિની આવડત આપણે ગુમાવી દેતા હોઇએ છેએ. નવું વર્ષ આપણને જિંદગીની થોડીક નજીક લઇ જાય તો એનાથી રૂડી વાત બીજી કોઇ ન હોય શકે.

દુનિયા ચાલવાની જ છે. રાજકારણ ખેલાવાનું જ છે. કૌભાંડો થવાના જ છે, મોંઘવારી વધવાની જ છે અને ન ગમતું હોય એવું થતું જ રહેવાનું છે. આપણને ગમતું હોય એવું આપણે શોધવું પડે છે અને મળી જાય તો એને જાળવી રાખવું પડે છે. ગમતી ક્ષણોને જીવતી રાખો તો જિંદગી જીવવા જેવી લાગશે. કોઇ અફસોસ નહીં, કોઇ અણગમો નહીં, કોઇ ઉશ્કેરાટ નહીં… બસ જિંદગી. તમે અને તમારો સમય, તમે અને તમારી ક્ષણો, તમે અને તમારી ખુશી, તમે અને તમારી શક્તિ, તમે અને તમારી વ્યક્તિ… ઔર જિને કો ક્યા ચાહિયે ? નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

1 thought on “કૃષ્ણકાંત ઉનડકટ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.