હેમંતભાઈ ઉપાધ્યાય

મિત્રો
આજે હેમંતભાઈ  નો લખેલી  એક વાર્તા લાવી છું.હેમંત ભાઈ ની કવિતા હોય કે લખાણ કે વાર્તા તેમને એમનો વતન પ્રત્યેનો પ્રેમ જરૂર દેખાશે . અને સાથે સાથે પ્રભુ પરની શ્રધા છતી થયા વગર નહિ રહે .. હા આજ  એમનો  પરિચય . લોકો પોતાના અનુભવ લખી શકે  પરંતુ બીજાના અહેસાસ શબ્દોમાં  એવી રીતે વણી લેવાના  કે લોકો વાર્તા અંત સુથી વાંચે જ આવી એક ખૂબી તમને એમના લખાણમાં જોવા મળશે .
( હવે તેણે સંકલ્પ કર્યો કે આ ગામની દરેક   ‘મા’  માં તે પોતાની માનાં દર્શન કરશે)વાર્તાની આ  લીટી વાંચ્યા પછી  હું નિ:સંકોચભાવે એટલું તો જરૂર કહીશ કે … હું મારા વતન  થી ઘણી દુર છું  મારી માં , મારા સાસુ  મુબઈમાં છે પણ અમરિકામાં   આવી અને જયારે  પણ કોઇ ની વડીલ માં ને  જોવ છું  તો તેમાં મારી માં દેખાય છે .હેમંત ભાઈની વાર્તાનું આ  વાક્ય એની સાર્થકતા પુરવાર કરે છે .આપણે આપણાં વતન ને ભલે છોડી ને આવ્યા હોય  પરંતુ  આપણે હજી આપણાં  સંસ્કાર  છોડી નથી દીધા એ જ વાત  તમને હેમંતભાઈ ના લેખો અને કવિતામાં નજરે ચડ્યા વગર નહી રહે .

બસ હવે તમે ઘરમાંથી નીકળો..
પણ હું ક્યાં જાઉં? આ જમીનમાં મારા વરનો પણ ભાગ છે.
આટલા વર્ષે તમે ભાગ લેવા નીકળ્યાં છો ભાભી? હવે તમને ભાગ બતાવું છુ….રામજીભાઈ ગર્જયા..
રામજી અને હરજીવન બે સગા ભાઈ…જન્મે બ્રાહ્મણ હોવા છતા બાપદાદાની જમીનમાં બેઉ જણા સંપીને ખેતી કરે અને બેય કુટુંબ આનંદથી રહે.
આમ તો એમના પિતા પ્રાણજીવને ખેતરમાં જ બેય દીકરા નાં ઝૂંપડાં અલગ બનાવેલા પણ માતાપિતાના મૃત્યુ પછી ય બંને ભાઈઓ એક જ ઝૂંપડાં માં રહે …
હરજીવન ના પત્નીનું નામ પરસન…પણ બધા એમને લાડથી પસીબા કહે..અને તેમને એક જ પુત્ર નામે રાવજી….
રાવજી ભણવામાં હોંશિયાર અને માતા પરસન બા ભલે અભણ હતાં છતાંય તીવ્ર યાદશક્તિ વાળા  એટલે રાવજીને રોજ રામાયણ, ભાગવત, મહાભારતની વાતો કરે….જુદા જુદા શ્લોકો શીખવાડે અને ધાર્મિક જ્ઞાનથી સમૃદ્ધ કરે …
રામજી ભાઈ નાં પત્નીનું નામ જસોદા, ભગવાને તેમને કોઈ સંતાન આપ્યું નથી..એકવાર ખેતરમાં પાણી વાળતાં હરજીવન ભાઈને સાપ કરડ્યો. બૂમાબૂમ અને દોડાદોડી કરી..નાનકડું ગામ….આ રામપુર ગામમાં ડોક્ટર મળે નહિ..
હરજીવન ભાઈને માતાના મંદિરે લઇ ગયા. ભુવાએ દાણા નાખ્યા અને સાપનું ઝેર ઉતારવાના પ્રયોગો કર્યા પણ પરસનબા ના નસીબમાં પતિસુખ નહિ લખ્યું હોય તે હરજીવન ભાઈ મૃત્યુ પામ્યા. માત્ર ૨૮ વર્ષની ઊંમરે પરસનબા પર આભ તૂટી પડ્યું. રાવજી હજી માત્ર ૧૦ વર્ષની છે અને પાંચમાં ધોરણમાં ભણે છે.
રામજીભાઈએ ભાઈના ક્રિયાકર્મ કર્યાં…..પાંચેક વર્ષતો બધું સમુસૂતરું ચાલ્યું. નાનાં મોટાં ઘણાંય અપમાન, તિરસ્કાર અને મહેણાં ટોણાંથી પરસનબા હવે ટેવાઈ ગયા હતાં પણ માત્ર છોકરા રાવજીને ભણાવી ગણાવી મોટો બનાવવા બધું જ સહન કરતાં હતાં.
હવે રાવજી પણ દસમાં ધોરણમાં છે. અભ્યાસમાં ધ્યાન આપીને સારા માર્ક્સ સાથે પાસ થવા માટે ખુબ મહેનત કરે છે.  આજે કાકા રામજીભાઈએ કહ્યું..ખેતરમાં રાત્રે પાણી વાળવા જતા પતિ ગુમાવનાર પરસનબા એ કહ્યું..ના રાવજી નહિ જાય.. અને એમના જેઠ રામજીભાઈ ગર્જયા…બસ, ભાભી આજે જ ઘરમાંથી નીકળો..
પરસન બા કહે..ક્યાં જાઉં?   રામજીભાઈ કહે સામેનું ઝૂંપડૂં તમારું જ છે ને? આજથી મારે અને તમારે  કોઈ સંબંધ નહિ….પરસનબા  એ કહ્યું..આ જમીનમાં મારા ધણીનો ભાગ છે. અને રામજીભાઈ નું પોત પ્રકાશ્યું..
આ જમીન તમારા ધણી અને મારા ભાઈ હરજીવને મને લખી દીધેલ છે…..આ તો છોકરો નાનો હતો એટલે મેં દયા રાખેલી ..જમીનમાં તમારો ભાગ છે જ નહિ….પરસનબા ના માથે  આભ તૂટી પડ્યું….પતિના અવસાનનો વજ્રઘાત તો પરાણે સહન કરેલો પણ આજે તો સાચા અર્થમાં નિરાધાર અને નિસહાય થઇ ગયાં….. પાસે પૈસો નથી. છોકરો દસમાં ધોરણમાં છે….હવે શું થાય? ચોધાર આંસુએ પોક મુકીને રડ્યાં છે. પિયરમાં પણ કોઈ નથી જે હાથ ઝાલે.
ગામમાં  સરપંચને  આજીજી કરી, પંચને  કાલાવાલા કાર્ય પણ બધાએ રામજીભાઈ ને સાથ આપ્યો…વિધવા સ્ત્રી, એક બાળકને લઈને સાવ એકલી પડી ગઈ. રાવજી કહે……માં, તું રડીશ નહિ, આપણા હાથનું લઇ ગયા..ભાગ્યનું તો નહિ લઇ જાયને? બસ, પુત્ર રવજીના સહારે અને હિંમતે ઘર છોડીને પોતાના ઝુંપડામાં નવી જિંદગી શરૂ કરી…..રાવજીએ ભણવાનું છોડી દઈ અને પશાકાકાની કરિયાણાની દુકાને મજૂરી શરૂ કરી….સવાર થી સાંજ કોથળા ઊંચકે અને દુકાને મહેનત કરે…સાંજ પડે પશાકાકા, પાવલું ગોળ અને શેર બાજરી આપે. જેમાં મા દીકરો ખાય. ધિક્કાર મળતો હોવા છતાંય રાવજી ખંતથી દુકાનમાં મહેનત કરે અને ક્યારેય બેઈમાની કરતો નહિ. પરસનબા બે ત્રણ ઘરનાં વાસીદાં કરે અને ચપટી કમાય..ક્યારેક એક ટંક અનાજના ફાંફાં પડતાં, ત્યારે પાણી નો એક ગ્લાસ પસીબાનું ભોજન બની રહેતો. બંને મા દિકરાને પ્રભુ પર અડગ શ્રદ્ધા …રણછોડજીના બંને પરમ-ભક્ત  રોજ સવાર સાંજ, મા-દિકરો બોલે
હે રણછોડ જી છે સાથે
હે રણછોડ જી રહેજે સાથે
હે રણછોડ જી ચાલ  સાથે
“હરિ કરે તે ખરી” “વહાલો રાખે તેમ રહેવું” એનાં મા-દિકરાનો મંત્ર….પશાકાકાની દુકાને રાવજી તનતોડ મહેનત કરે, પ્રામાણિકતાથી અને નીતિથી દુકાન ચલાવે…કયાંય કામચોરી નહિ કે પૈસાની ઘાલમેલ નહિ…..પશાકાકા દિલથી એ વખાણ કરે પણ જીભથી તો રોજ અપમાન જ….રાવજી આખો દિવસ કામ કરતાં કરતાં શ્લોકો બોલતો જાય….અને નવા નવા શ્લોકો શીખતો જાય.
આજ રામપુર ગામમાં નવનીતભાઈ આવ્યા છે. આ ગામના જ વતની છે પણ વર્ષો થી અમેરિકા રહે છે અને મોટેલમાં સારું એવું કમાયા છે. પશાકાકા ના સગામાં હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી રોજ દુકાને આવે અને અમેરિકાની સમૃદ્ધિની વાતો કરે…..રાવજીને અમેરિકાની વાતોમાં ખુબ રસ પડે..ધ્યાનથી સાંભળે..ત્યાતો નવનીતભાઈએ પૂછ્યું…રાવજી, અમેરિકા આવવું છે? સામેથી  સ્વર્ગમાં આવવાનું નિમંત્રણ…..રાવજી શું બોલે? કહે….હું ભણેલ નથી અને મને અંગ્રેજી આવડે નહિ…..નવનીતભાઈ કહે…તારે અમારી સિટીના મંદિરમાં પૂજા કરવાની..રણછોડજી નું જ મંદિર છે ત્યાં જ રહેવાનું અને પૂજા પછી ગામમાં કોઈને કથા વગેરે કરવી હોય તો કરી આપવાની ..સારા એવા પૈસા મળશે…
રાવજી તો ખૂબ ખુશ થઇ ગયો..બસ હવે તે અમેરિકાનાં સ્વપ્નાં જોવા માંડ્યો. પરસનબા ને વાત કરી…બસ એક જ આધાર હતો તે ય જતો રહેશે  — દિલ પર  પથ્થર મૂકી, પરસનબા, રાવજીની વાતો સાંભળે છે. મનમાં ઘણી ઈચ્છા છે કે દિકરો મારી પાસે જ રહે…પણ મા જેનું નામ..પરાણે હસતું મ્હોં રાખીને વાતો સાંભળે…રાવજીએ માન્યું કે મા ની સંમતિ છે.
એણે નવનીતભાઈ ને કહ્યું..તમે મદદ કરતા હો અને મારો હાથ પકડતા હો તો હું આવવા તૈયાર છુ……પાસપોર્ટ અને બીજી બધી તૈયારીઓ શરૂ થઇ.  નવનીતભાઈ એ ત્યાંથી પૂજારી વિઝા માટેના કાગળો મોકલ્યા …આ બધી તૈયારીઓમાં પરસનબાના રહ્યાં સહ્યાં ઘરેણાં અને મૂડી બધું જ ખર્ચાઈ ગયું અને માથે પશાકાકાનું ત્રણ હજારનું દેવું થયું..
હવે પરસનબાની સંપતિમાં બે રોટલા, સાડલા અને દિકરો ખૂબ કમાશે એવા અરમાનો….એક દિવસ રાવજી મુંબઈ વિઝા લેવા ગયો..કુદરત તેની તરફેણમાં અને રણછોડજી ની કૃપા ….વિઝા ઓફિસરે હિન્દી માં પૂછ્યું…….”પૂજા કરના આતા હૈ?”   રાવજી કહે…. “હાંજી” .  તો કોઈ શ્લોક સુનાઈયે .. રાવજી એ “સ્વસ્તીન: ઇન્દ્ર” શ્લોક ગાયો અને તેને વિઝા મળી ગયા… રાવજી જયારે અમેરિકા જવા નીકળ્યો ત્યારે વિદાય આપવા આખું ગામ આવ્યું…….ન આવ્યા માત્ર રામજીકાકા અને જસોદાકાકી……
મા ની મમતા, આંખમાંથી વહેતાં સતત આંસુઓમાં વહી રહી છે…..હવે પરસનબા સાચા અર્થમાં અસહાય, અનાથ, નિરાધાર અને એકલાં પડી ગયાં….તેમનો સહારો માત્ર “રણછોડ” રહી ગયો..માંદે-સાજે કોઈ મદદ કરનાર કે પાસે બેસનાર પણ ન રહ્યું…
જ્યાં તેઓ ઘરકામ કરતાં હતાં તે એક જ ઘર રહ્યું, જ્યાં હૈયું ખોલીને વાત કરી શકે…..રાવજી અમેરિકા પહોંચી ગયો..નાનકડું ગામ એટલે ટેલીફોન પણ ના મળે. એક મહિના પછી સમાચાર મળ્યા કે રાવજી પહોંચી ગયો છે…નવનીતભાઈએ પશાકાકાને સમાચાર મોકલેલા જે તેમણે દસ દિવસ પછી કોઈકની સાથે પરસનબાને પહોંચાડ્યા.. અહીં રાવજી ખૂબ મૂંઝાય છે. અલગ દેશ, સવારે ૬:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૬:૦૦ થી ૯:૦૦ મંદિરમાં પૂજા કરવાની અને બપોરના ૧૦:૦૦ થી સાંજ ના ૬:૦૦ સુધી નવનીતભાઈ ની મોટેલ પર કામ કરવાનું.
નવનીતભાઈ પગાર આપે નહિ…કહે તને અહી લાવ્યા તેના બદલામાં મારી મોટેલ પર કામ કરવું પડશે. જે ભક્તો મંદિરમાં પૈસા મૂકે તે ટ્રસ્ટમાં જાય..ક્યારેક કોઈક રાવજીના હાથમાં બે-પાંચ ડોલર આપે તે જ તેની કમાણી….મંદિરમાં પણ પગાર નહિ….ભક્તોએ મૂકેલાં ફળ વગેરે ખાવાનાં….
રાવજીને ખુબ મન થાય કે ક્યારેક ભાખરી,દાળ-ભાત કે ખીચડી ખાવાની મળે…પણ મહિનાઓ સુધી તેને આવું નસીબ પ્રાપ્ત થતું નહિ…તેને ‘મા’ ખૂબ યાદ આવતી….ક્યારેક પૂજા કરતાં કરતાં રણછોડજી ના ચરણોમાં મસ્તક  મૂકીને ખૂબ રડતો…આટલાં દુઃખો છતાંય તે હમેશાં આનંદમાં રહેતો અને પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરતો…ધીમે ધીમે તે સિટીમાં તેનું માન થવા માંડ્યું..સત્યનારાયણ કથા અને બીજા કર્મકાંડ મળવા માંડ્યા અને દક્ષિણા રૂપે મળતી રકમથી તે બે પાંદડે થવા માંડ્યો…
તેને ઘણીવાર થતું કે મા ને પૈસા મોકલું …એક બે વાર, નવનીતભાઈ મારફત પૈસા મોકલવા ના પ્રયત્ન કર્યો ત્યારે તે રકમ નવનીતભાઈએ જ લઇ લીધી…કહે તને અહીં લાવવામાં મને ખર્ચ થયો છે.  અહીં પરસનબા ધીમે ધીમે સૂકાતાં ચાલ્યાં. દિકરાના વિરહની આગે તેમનું શરીર અશક્ત કરી દીધું.. વહેલું વૃધ્ધત્વ આવી ગયું અને કેન્સરની બિમારી લાગુ પડી ગઈ…ત્રણ ત્રણ વર્ષ થયાં….મા-દિકરાની વાત નથી થઇ કે કોઈ સમાચાર નથી. અનેક દુઃખો વચ્ચે પણ રાવજીએ રણછોડજી માંથી શ્રદ્ધા છોડી નથી…દુઃખો એ હજી રાવજીનો સંગાથ છોડ્યો નથી…
એક દિવસ સવારે ઊઠીને જોયુંતો રણછોડજી ના ગળામાં પહેરાવેલ સોનાનો હાર ગાયબ…રાવજી ખૂબ ગભરાયો…ટ્રસ્ટીઓને જાણ કરી ..મંદિરમાં ચોરી થયાની વાત વાયુવેગે પ્રસરી ગઈ..માત્ર રાવજી જ મંદિરમાં રહે છે એટલે શંકાની  સોય તેના તરફ જ રહી……ટ્રસ્ટીઓને રાવજીની પ્રામાણિકતા માટે શંકા નહોતી છતાંય લોકલાજે પોલીસને બોલાવીને ચોરીની ફરિયાદ લખાવી…..આખા મંદિરમાં ચોરી થયાનાં કોઈ નિશાન નથી..કયાંય કોઈના હાથ કે પગની છાપ મળતી નથી…પોલીસ પણ ખૂબ મુંઝાય છે અને ચોરીનો આરોપ રાવજીને માથે મુકીને તેને ગુનેગાર તરીકે પકડવામાં આવ્યો.
અમેરિકાની કોર્ટે પણ આ કેસમાં લાંબી તપાસ કરી નહિ અને રાવજીને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં આવી. રાવજી ખૂબ પસ્તાયો છે. અમેરિકા દેશ માટે તેને નફરત થઇ છે. જે ગુનો કર્યો જ નથી તેની સજા ભોગવી રહેલો રાવજી વારંવાર રણછોડજી ને પૂછે છે..પ્રભુ, આ ક્યાં કર્મો ની સજા? આમ ને આમ બે વર્ષ વીતી ગયાં છે. રાવજીએ પ્રભુમાં શ્રદ્ધા ગુમાવી નથી…આ બાજુ મંદિરના નવનિર્માણનું કાર્ય શરૂ થયું છે. મંદિરમાં મૂર્તિની આસપાસની દીવાલો પરથી ટાઈલ્સ કાઢીને આરસપહાણ  લગાવવાના છે. દીવાલોમાં કેટલેય ઠેકાણે પડેલાં કાંણાને પહેલાં પૂર્યાં હતાં તે પણ આ મરામત વખતે ફરીથી ખુલ્યાં છે.  ટ્રસ્ટીઓની હાજરીમાં જયારે દીવાલોમાંથી ટાઈલ્સ કાઢવામાં આવી અને કાંણા ફરી ખુલ્યાં ત્યારે સહુના આશ્ચર્ય વચ્ચે એક મરેલા ઉંદરના મુખમાં રણછોડજી ના ચોરાયેલા હારની દોરી હતી અને આખો હાર બાજુ માં પડેલો….જે હારની ચોરીના આરોપમાં રાવજી જેલની સજા ભોગવતો હતો તે હારનો ચોર તો ઉંદર હતો…ટ્રસ્ટીઓને ખૂબ દુઃખ થયું..ફરીથી પોલીસને બોલાવી અને સાચી વસ્તુ બતાવી. પોલીસે ફરીથી કોર્ટમાં અરજી કરીને રાવજી નિર્દોષ હોવાના પુરાવા રજૂ કર્યા.
અમેરિકાની કોર્ટના જજે રાવજીને નિર્દોષ જાહેર કરીને જેલમાંથી છોડી મુક્યો સાથે ચુકાદો આપ્યો કે પોલીસે ખોટી રીતે તેને ગુનેગાર ઠરાવ્યો હતો માટે રાવજીને દર મહિનાના $૫૦૦૦ વળતર આપવું, સાથે જ મંદિરના ટ્રસ્ટીઓએ રાવજીને મહીને $૩૦૦૦ ચુકવવા. આમ રાવજી જેલમાંથી છુટ્યો ત્યારે તેની પાસે બે લાખ ડોલર મળ્યા. આટલી રકમ મળી છતાંય તેને હવે અમેરિકા રહેવું નથી. તેને તો બસ રામપુર જઇને ‘મા’ ને મળવું છે. તે કહેતો..
કદી પરદેશ માં ભૂલા પડ્યા છો?
પોતે જ પોતાની સાથે લડ્યા છો?
વતન અને મા શું છે, શું સમજાવું તમને?
કદી કોઈ વાર ‘મા’ માટે રડ્યા છો? 

અને ગમે તેમ કરીને રાવજી અમદાવાદ આવી પહોંચ્યો. ગાડી કરીને રામપુર પહોંચ્યો છે. મા ને મળવાના ખૂબ કોડ છે. બસ દિવસોના દિવસો મા ના ખોળામાં માથું મૂકીને સૂઈ રહેવું છે. રાવજી ની ગાડી પોતાની ઝૂંપડી પાસે ઉભી રહી. સામેથી ડાધુઓ ને આવતા જોયા..એક ધ્રાસકો પડ્યો. તેની જ મા ના અંતિમ સંસ્કાર કરીને ગામના લોકો આવી રહ્યા હતા. ચોધાર આંસુએ એક નાના બાળક ની જેમ રાવજી રડે છે. એને ખૂબ પસ્તાવો થયો છે. નસીબમાં સતત આવી રહેલાં દુઃખો સહન કર્યા પણ આજના દુઃખે તેને કંગાળ કરી મૂક્યો છે. અનહદ આક્રંદ સિવાય તે કશુ જ કરી ના શક્યો.. હવે તેણે સંકલ્પ કર્યો કે આ ગામની દરેક   ‘મા’  માં તે પોતાની માનાં દર્શન કરશે અને તેને સુખી કરવા પ્રયત્ન કરશે..
તેણે ગામમાં નિશાળ બંધાવી, ગામમાં પાણીની ટાંકી કરાવી, ઘરે ઘરે નળ મૂકાવ્યા જેથી કોઈ સ્ત્રીને પાણી ભરવા જવું ના પડે….ગામમાં એક ડોક્ટરની વ્યવસ્થા કરી જેથી દરેકને તાત્કાલિક સારવાર મળે. દરેક ઘરને આધુનિક સગવડોથી ભરી દીધું તથા દરેક સ્ત્રી અને કન્યાને શિક્ષણ માટે પ્રેરણા આપી. અને તેથી જ લોકો રામપુર ને રાવજીનગર કહેવા માંડ્યા ત્યારે તે પ્રેમથી કહેતો આને તો મા ની મમતાનું નગર એટલે મમતાનગર કહેવું જોઈએ.
તેણે એક સુંદર કામ કર્યું. ગામમાં એક મંદિર બંધાવ્યું. જેમાં કોઈ દેવી દેવતા નહિ, કોઈ મૂર્તિ નહિ, કોઈ છબી નહિ….મંદિર ની આગળ તેણે લખ્યું…. જે પુત્ર ની પાસે મા છે તે  સૌથી નસીબદાર..જે પુત્ર માથી દૂર છે તે પણ ભાગ્યશાળી છે અને જેમણે ‘મા’ ગુમાવી છે તે આ મંદિરમાં પોતાની ‘મા’ નાં દર્શન કરે… આ મંદિર “મા નું મંદિર” કહેવાયું……દરેકને પોતાની માને પ્રભુના સ્વરૂપે જોવાની ટેવ પડી ગઈ જેથી આસપાસના કેટલાંય ગામોમાં વૃદ્ધાશ્રમ થતા અટકી ગયા….મંદિર ની બહાર સુંદર લખાણ છે……
“મા ને વહાલ, મા ના ચરણો માં પ્રણામ,
મા તારા સ્વરૂપ ને નમે છે આખું ગામ”
ગામ લોકો ના આગ્રહ ને વશ થઇ ને તેણે એક ગરીબ કન્યા સાથે લગ્ન કર્યાં અને જીવ્યો ત્યાં સુધી આ મમતાનગર ની સેવા કરી….કદાચ પરસનબા ની સેવા નહિ કરી શક્યાનું આ જ સાચું પ્રાયશ્ચિત હતું……પત્નીનો તેને આ કાર્ય માં પ્રશંશનીય સહકાર રહ્યો…

ઓમ મા ઓમ

1 thought on “હેમંતભાઈ ઉપાધ્યાય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.