વ્હાલા મિત્રો, શુભ સવાર.
ઘરના ખૂણામાં ચારે દિશાઓ મળી મને.
— મરીઝ
કેટલી લાંબી છે જીવન સફર! અનેક વળાંક! ક્યારેક સીધો સપાટ રસ્તો તો વળી ક્યારેક હોય ઊબડખાબડ ડગર. મંઝિલ તરફ મીટ માંડીને જીવન રાહ પર ચાલવાનું શરૂ તો કરીએ પણ અનેક દિશાઓ હાથ લંબાવી બોલાવી રહી હોય આપણને. ક્યાંક પડઘા પડતાં હોય પ્રિયજનોના ને ક્યાંક હોય ધુમ્મસી અવઢવના અવસર. ક્યાંક બધી દિશાઓનો સંગમ હોય સુખમય સગપણમાં ને વળી કદીક ઘેરી વળે ખાલીખમ શૂન્યતા લઈ સઘળી દિશાઓ. અસમંજસમાં ઘેરાય આતમ કે કઈ દિશા તરફ વળવું?
જીવન સફરમાં હંમેશા ચારેતરફથી દસે દિશાઓ શુભત્વ ભાવ લઈ આવે ઓવારણાં લેતી. ભીતરના ભાવને અનુસરીને આપણે ચાલી નીકળીએ, રસ્તો નક્કી કરી એ દિશા તરફ. મંઝિલ તરફ મક્કમ ડગ માંડતા આગળ વધતાં રહીએ આપણે. એ દિશાઓના હુંફાળા આવકારે આપમેળે ખૂલતો અનુભવાય આગળનો માર્ગ. તમામ અવઢવનો અંત આવી મળે અંતરના એક સાદે ને અતૂટ આત્મવિશ્વાસ સાથે કદમ મિલાવી ચાલી નીકળે મન મંઝિલ તરફ.
જેમ દરેક અંધારી રાતને ચીરતું વહેલી સવારે સૂર્યોદયનું અજવાળું આવે છે તેમજ જીવનની વિકટ વિડંબનાઓ ખાળવાં ભીતર ટમટમતું કોઈ અજવાળું કોઈ એક ચોક્કસ દિશા સૂચન કરે જ છે. આપણી ભીતર રહેલ આ ભીનું સંવેદન આંગળી ઝાલી દોરે છે આપણને સાચી રાહ પર. કોઈ અગમની સતત સૂક્ષ્મ હાજરી અનુભવે છે હૈયું. લીલીછમ્મ લાગણીઓને ચારે દિશાઓમાંથી વહેતા વાયરા કોઈ શીળી ટાઢક આપે ને પ્રસન્ન ચિત્ત લઈ મન પંખી ચ્હેક્યા કરે.
મિત્રો,
ક્યારેક મન પેલા કસ્તુરી મૃગ જેવું દસે દિશાઓમાં દોડ્યા કરે છે નિરર્થક. બ્હાવરુ મન જાણતું જ નથી કે જે સોડમથી પુલકિત થઈને એ મૃગ અંધાધૂંધ ભટકે છે, એ સુગંધનો દરિયો તો તેની ભીતર જ છે. આપણે પણ એ શાશ્વત સુખની શોધ જગતમાં કરવાને બદલે વળવું જોઈએ ભીતર, ખરું ને?
જોકે ક્યારેક એવી કસોટી પણ કદમ મૂકે છે આપણા જીવન પથ પર, જ્યાં સાવ ક્ષુબ્ધ, દિશાશૂન્ય બની જાય છે મન. એક અજબ ખાલીપો, સુસવાતો સન્નાટો ને સ્તબ્ધતા ઘૂંટે છે ને હયાતીનું હોવાપણું પ્રશ્નો લઈ ઊભું હોય છે મ્હોં ફાડીને. પાનખરની ઋતુમાં પ્રકૃતિ પર્ણો ખેરવે તેમ અચાનક જ સઘળાં સંબંધ લાગણીઓનાં લીલા પાન ખેરવી સાવ શુષ્ક, ઠૂંઠા બની જાય છે. એવે વખતે અસીમ આકાશ ખાલીખમ ભાસે છે ને દિશાઓ ખંડેર. અચાનક જ માથેથી નિરાંતનું છાપરું ઊડી જાય છે ગેરસમજોના વંટોળને કારણે. સઘળી દિશાઓ ટગર ટગર તાકે છે આપણી એકલતાને. અને મન ચિત્કારી ઊઠે છે કોઈ હુંફાળા ખૂણાની શોધમાં.
સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.
— મરીઝ
સૌ મિત્રોનાં જીવનના દરેક વળાંકે સાચી દિશા નિર્દેશ કરતું આત્માનું અજવાળું રેલાતું રહે તેવી શુભેચ્છાઓ.
— મેધાવિની રાવલ ‘હેલી’નાં જય શ્રીકૃષ્ણ (૧૦/૦૪/૨૦૨૦)