કવિતા આસ્વાદ -01 અવિનાશ વ્યાસ, આસ્વાદક ; મેધાવિની રાવલ ‘હેલી’

વ્હાલા મિત્રો,

શુભ સવાર, કંકુવર્ણી સવાર.

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ;
છડી રે પોકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો..
— અવિનાશ વ્યાસ

કેટલું સરસ કલ્પન! સ્વયં શક્તિના ભાલ પરથી જે કંકુ ખરે તેમાંથી ઊગે સૂર્ય! કેટલી પાવન અનુભૂતિ! શ્રી અવિનાશ વ્યાસનું આ ગીત તો જગદંબાની અલભ્ય પ્રશસ્તિ છે. જ્યારે પણ સાંભળીએ ભીતરની ચેતના નખશીખ દિવ્યતાથી ભરી દે.

સૂર્ય એટલે જ જીવન. કણકણ માટે અને દરેક જીવ માટે અખૂટ શક્તિનો સ્ત્રોત. અજવાશનો પર્યાય. અંધકારને દૂર હડસેલી ધરતીનો ખૂણે ખૂણો ભરી દે ઉજાશથી. વહેલી સવારે આકાશનું પૂર્વ ક્ષિતિજનું બારણું ખખડાવતો આદિત્ય અનેક રંગછટાઓનું ઘોડાપૂર લઈ આવી પહોંચે ને આખીય પ્રકૃતિ તેનું સ્વાગત કરવાં બને ઉત્સુક. પંખીઓનો મંજુલ સ્વર ઝીણી ઝીણી ઘંટડી જાણે ને પર્ણો પર થીંજેલી ઝાકળ એ સુગંધી અમીમય ગંગાજળ સમાં છાંટણાં. આખુંય ગગન લાલ, કેસરી, સોનેરી, પીળા રંગોની રંગોળી વડે સજેલું દીસે અને આંખોમાં અવનવી ઈચ્છાઓના – શ્રદ્ધાના દીપ પ્રગટાવી મનુષ્ય પણ તેની આરતી ઉતારવાને હોય આતુર. વૃક્ષ ને વેલીનાં લીલાછમ્મ પર્ણોને નવાંગતુક એવી કૂંપળો હરખ ઘેલી થઈ વીંઝણો નાંખી આવકારે આદિત્યને. અને કોઈ આંગણના ખૂણાના તુલસીકયારે ટમટમતો દીવડો અંધકારને ખાળવાં સાથ પૂરાવતો હોય ઝળહળતો. કોઈ નરવા સાદે ઘૂંટાય આસવ આસ્થાનો. ચારે દિશાઓમાંથી ખીલેલાં પુષ્પો તેમની સુગંધના કંકુ અક્ષત વડે વધાવે ભાસ્કરને. ઓવારણાં લે લીલો રેજો પહેરી જાજરમાન નવોઢા શી દીસતી ધરા.

પછી ઝળહળ ઝળહળ અજવાળું. ચોતરફ તાજગી, લીલાશ, કુમાશ, ચૈતન્ય સઘળું એકસાથે ઠાલવે મુક્ત મનથી રવિ કિરણો ને અક્ષરશઃ આળસ મરડી જાગે જન-વન ચેતના. ખુલ્લી સીમનું એકાંત ભરાઈ ઊઠે કલશોરથી. ઘર, ઉંબર, ફળિયું ને રસ્તા સુધ્ધાં પરથી અંધકારને વાળીચોળીને ભરી દે ઉજાશથી ભાનું. દૂર બેઠેલું ગગન પણ જરા ઝૂકીને જુએ ધરાનું આ દમકતું સૌંદર્ય ને ધરા પણ ક્ષિતિજે જઈ સ્પર્શી આવે ચમકતાં નભની વિશાળતા અને સપનાનો ગઢ સંકેલી લે. તેની દીવાલો ને શીતળ હવાનો વાયરો લઈ સૂર્ય હળવેથી કાનમાં ફૂંકે કર્મનો સિદ્ધાંત. ખીંટી પર ટાંગેલી જવાબદારીઓનું પહેરણ ફરી પહેરીને સજ્જ બને સૌ હકીકતનાં સમરાંગણ કાજે. વાતાવરણમાં સંચાર થાય સ્તબ્ધતા ચીરતા શોરબકોરનો. લાલચટક ચણીબોર જેવું રક્ત ઉછાળા મારે રગેરગમાં ને હથેળીઓમાં સફળતાનો નકશો ચિતરતી મહેનતકશ પ્રસ્વેદની બુંદોનો થનગનાટ હોય ઉફાન પર. દૂરથી સંભળાતી કોઈ મંદિરની ઝાલર જાણે કહેતી હોય ‘તથાસ્તુ’. અનેરી હામ હૈયે ભરી લીલોછમ્મ થયેલો જીવ ઊગતાં સૂર્યની ચમક આંખમાં આંજી નીકળી પડે તેનાં સ્વપ્નો સાકાર કરવા. કવિતા, કલ્પના ને હકીકત વચ્ચે જીવતાં મનેખને સ્થિતપ્રજ્ઞ થઈ જોયાં કરે આદિત્ય ઝળહળતો.

સૌ મિત્રોના જીવનની કંકુવર્ણી સવાર દિવાળી પર્વ જેવી દૈદીપ્યમાન હોય તેવી શુભકામનાઓ.

— મેધાવિની રાવલ ‘હેલી’ના જય શ્રીકૃષ્ણ (૦૯/૦૪/૨૦૨)

2 thoughts on “કવિતા આસ્વાદ -01 અવિનાશ વ્યાસ, આસ્વાદક ; મેધાવિની રાવલ ‘હેલી’

  1. 🙏સુંદર આસ્વાદ…

    આપના વિશે સાંભળ્યું તો આનંદ થયો..
    અવિનાશ વ્સાસના બીજી પેઢીના ભાઈ ભાંડુના સંતાનો ને ભણાવ્યા ત્યારે જે આનંદ મળ્યો તે જઆપના માટે આનંદ થાય છે..🙏

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.