કવિઓએ કરેલું સર્જન સાહિત્ય રસિકો સુધી પહોંચાડવા માટેનો ‘બેઠક’નો નમ્ર પ્રયત્ન.
મિત્રો,
ચાલો માણીએ કવિની અલગારી દુનિયા. જમાનાની આ ભારે તેજ રફતારમાં લોકોને સમજાય તેવી ભાષામાં કવિઓ રજૂ કરવાં છે. કવિ ભાષા નથી ઘડતો પણ વ્યહવારની ભાષામાંથી સત્વ ખેંચી પ્રગટ કરે છે. કવિતા અહેસાસ છે. આ અહેસાસના સંકેતો મેળવી રસાસ્વાદ દ્વારા તેના શાબ્દિક સૌન્દર્યને પીરસીને કવિ અને કવિતાનો પરિચય આપવો છે. કવિતાથી કે ભાષાથી વિમુખ થતી પ્રજાને રસાસ્વાદ દ્વારા રસ કરતાં કરવાનો આપણો હેતુ છે. સાથે સાથે કવિ અને કવિતાની ભાવકને વિશિષ્ટ અનુભૂતિ કરાવીને માણવા દેવાં છે.
દરેક સર્જક કે કલાકાર, તેની અનુભૂતિને શબ્દોમાં ઢાળીને મૂકે છે ત્યારે તેમાં આંતરિક ઊર્મિઓ ને લાગણી વણાયેલી હોય છે. પોતાની કલમની તાકાતથી અને વિચારોના બળે કવિતાને આકાર આપે છે. એથી, આપણે તેને અસામન્યની હરોળમાં બેસાડીએ છીએ. આપણે શબ્દોની ગૂંચવણમાં નથી પડવું. આપણે તો ભાષા અને કવિતાને માણવી છે. નિર્મળ નિજાનંદ માણવો છે. સર્જકનાં સ્વ-સ્વરૂપને પામવું છે. હવેથી આ પેજ ઉપર કવિતાના રસાસ્વાદનો આનંદ લઈ આપણી મનની મોસમને ખીલવશું.
કવિતાનો રસાસ્વાદ કરાવવો એ કવિતા લખવાં જેવું જ મોટું સર્જનકર્મ છે. આપણે કવિનાં અલગારીપણાને અનુભવવો છે. અહી પસંદ કરેલાં કાવ્યોનો રસાસ્વાદ હશે એને કવિની શ્રેષ્ઠ કૃતિ છે એવું ન માનશો! ભાવકની પણ એક અલગ કલ્પનાસૃષ્ટિ હોય છે. દરેક વ્યક્તિની પોતાની એક અલગ દૃષ્ટિ છે. જોકે, રસાસ્વાદ કરાવવામાં કવિ અને રચનાને ક્યાંય અન્યાય ન થાય તે માટે સજાગ રહીશું. કોઈને માપથી મૂલવવાનો આ પ્રયત્ન નથી, પણ એમાં આપણી ભાષાની ગુંજાઈશ કેવી રીતે વધે તે જોવાનો ‘બેઠક’નો આ એક માત્ર હેતુ છે.
કવિતાઓ અને આ બ્લોગ વિષે આપના અભિપ્રાય-કોમેન્ટ્સ સદા આવકાર્ય છે.