રાજુલ કૌશિક

સાવ જ નાનપણથી જ વાંચનનો શોખ તો ખુબ. વેકેશન શરૂ થાય અને લાયબ્રેરી તરફ મન અને પગ દોડવા માંડે.ઘર પણ વાંચનના  ખજાના એટલે કે ગુજરાત વિદ્યાપીઠની એકદમ નજીક એટલે મઝા જ મઝા..

ઘરમાં પણ વાંચનનો માહોલ. વાંચનનો શોખ  ક્યારે જરૂરિયાત બને ગયો એ તો ખબર નથી પણ  આજે  કોઇ એવી ફુરસદની ખાલી પળ કે ફુરસદના સમયનો એવો કોઇ ખાલી ટુકડો નહી હોય જે વાંચ્યા વગર અમસ્તો જ પસાર થતો હોય   ..

નાનપણથી જ પપ્પાએ કનૈયાલાલ મુનશી, 

શરદબાબુ ,ગોવર્ધનરામ ત્રીપાઠીની ઓળખ કરાવી દીધી અને આગળ જતા પન્નાલાલ પટેલ , ર.વ દેસાઇ પણ નજીક આવતા ગયા. સમય જતા એમાં કંઇ કેટલાય નામ ઉમેરાતા ગયા. સરસ સરસ વાંચતા એવો ય ક્યારેક વિચાર આવી જતો કે  પપ્પાની જેમ હું પણ કંઇક લખી શકીશ?  એમ તો કોઇને સરસ ગાતા જોઇએ -સાંભળીને એમાં પોતાની જાતને ગોઠવીને સરસ ગાતી હોઉ એવી કલ્પના કરી લેવાનુ મન થઈ જતુ. ક્યાંક જાહેર સમારંભ કે પબ્લીક પ્લેસમાં ડોક્ટરો તરફની લોકોની જે માન ભરી દ્ર્ષ્ટી જોઇ છે એ જોઇને મમ્મીની જેમ ડોક્ટર બનીશ એવી કલ્પના ય કરી લેવાનો મોહ થઈ જતો.

અરે! પપ્પાના જર્નાલીઝમના પ્રોફેશન અને મમ્મીની ડોક્ટર તરીકેની કારકીર્દીમાં એવી તો કેટલીય પ્રતિભાઓને જોવા મળવાનુ થયુ જેમને જોઇને એવા બનવાનુ મન થઈ જતુ. પણ એ બધી પરીકથાની કલ્પનાઓ જેવી. પરીકથાની કલ્પના જેવુ બાળપણ તો સડસડાટ વહી ગયુ. પણ એ બીજ ક્યાંક અંકુરિત થઈને આમ ઉગી નિકળશે એવુ તો એ સમયે પણ વિચાર્યુ નહોતુ. બસ ! એ તો આમ જ સાકાર થઈ ગયુ. સૌ પ્રથમ અમદાવાદના અગ્રગણ્ય અખબાર “દિવ્ય ભાસ્કર”માટે ફિલ્મ રિવ્યુ લખવાનુ શરૂ થયુ. એમાંથી “કળશ” અને “માધુરિમા” માટે આર્ટીકલ આપવાના  શરૂ થયા . ખુબ મઝા આવતી એ બધામાં. માધુરિમામાં વુમન એમ્પારવમેન્ટ પર અલગ અલગ નારી પ્રતિભાઓ વિશે તો ક્યારેક અવનવા વિષયો પર લેખ આપ્યા. કળશમાં પણ તે સમયના જાણીતી- માનિતી અને પોતાના ક્ષેત્રમાં નામના ધરાવતી માનુનીઓ વિષે ઇન્ટર્વ્યુ બેઝ લેખ આપ્યા. 

જેવો વાંચનનો શોખ એવો ફરવાનો પણ એટલો જ શોખ. જોવાતા પહાડો અને જોવીતી કંદરાઓ ……
એ પહાડો અને એ કંદરાઓ ને યાત્રા-પ્રવાસ વર્ણનની લેખમાળામાં મુકી શકાય એવા વિચારને સર્મથન આપ્યુ  સન્ડૅ ભાસ્કર સંભાળતા બેલા ઠાકરે. દિવ્ય ભાસ્કર બાદ યાત્રા પ્રવાસના લેખ ‘ નવગુજરાત સમય માટે પણ આપ્યા. આમ નિજાનંદને સૌની સાથે વહેંચતી ગઈ. મઝા આવતી ગઈ.‘ફર્સ્ટ ડૅ ફર્સ્ટ શૉ ‘ માં દર શનિવારે ફિલ્મ રિવ્યુ તો લખાતા જ ગયા જે આજે પણ કેનેડા ન્યૂઝ લાઇન માટે અવિરત આપુ છું.

આમ અનાયાસે શરૂ થયેલી દિવ્ય ભાસ્કર સાથેની સફરે એક ઓળખ આપી. મારા એ બધા લખાણોને બ્લોગ પર મુકવાનુ શરૂ થતા નેટ જગતમાં ફરી એક નવી ઓળખ ઉભી થઈ.

અનુવાદનું કામ પણ સાથે ચાલતું રહ્યું.  સહિયારા સર્જનમાં અનેક લેખકો દ્વારા લખાતી નવલકથામાં મારા પ્રકરણ ઉમેરાતા ગયા. આ પણ એક નવતર અનુભવ રહ્યો. કોઇના મનના વિચારો સાથે તાલમેલ જાળવીને કથાને અનુરૂપ ઘાટ આપવો એ એક અનોખો વિચાર હતો.  બે લેખકો દ્વારા લખાયેલી નવલકથા ‘ એષા ખુલ્લી કિતાબ” અને ‘ આન્યા મૃણાલ’ ની સાથે મારી આગવી નવલકથા ‘છિન્ન’નું સર્જન થયું.  સાન ફ્રાન્સિસ્કો ખાતે બૅ એરિયાના લેખકો એક સાથે બાર લેખકોના પુસ્તકોના વિમોચન પ્રસંગે  ‘ આન્યા મૃણાલ’ અને ‘ છિન્ન’ પણ સ્થાન પામી.આદર્શ અમદાવાદ માટે લેખ લખ્યા જે ચિંતન કણિકાના નામે મારી અન્ય રચનાઓ સાથે મહાગ્રંથ-‘ સંવર્ધન માતૃભાષાનું’ માં પ્રગટ થયા છે.

મનના વિચારોને શબ્દોનો વેગ મળતો ગયો અને આજે હું અહી આવીને અટકી….પણ ના અટકવુ નથી , આગળ વધવુ છે જો આપ સૌનો સાથ હશે તો…

આભાર

http://www.rajul54.wordpress.com

 

rajul54@yahoo.com

 

Advertisements