કલ્પના રઘુ

25-કલિકાલમાં ઇશ્વર બોલ્યાં અરર!(૧૧) કલ્પના રઘુ શાહ

2010- KRS - Copy

અરર! આખી જીન્દગી આજનો માનવ આ ભાગદોડની અને સતત બદલાતી રહેતી જીન્દગીમાં બોલી બોલીને થાકી ગયો. તેને સાંભળીને ઇશ્વરથી બોલાઇ ગયું અરર!

નારદજી આકાશ માર્ગે જ્‍ઇ રહ્યા છે. નીચે જોઇને બોલે છે, અરર! શું ભીડ છે, રસ્તા ઉપર! હકડેઠઠ માનવ -મેદની અને ટ્રાફીક જામ! ત્યાં તો પંચદેવનું મંદિર નજરે પડે છે. અરે! અહીં તો કોઇ ઉત્સવ લાગે છે! મંદિરનાં પ્રાંગણમાં ભાગવત્‍ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોની ભીડ હતી. મંદિરમાં પંચદેવ હતાં. નારદજી, નારાયણ! નારાયણ! કરતાં નીચે ઉતર્યાં. દ્રશ્ય નિહાળી રહ્યા.

અરર! આ શું? બાળ ગણેશ દોડતાં દોડતાં આવ્યાં. મા … મા … બીજી બાજુ અરર! મહાદેવજીને ગુસ્સાથી લાલ-પીળાં થતાં જોઇને પાર્વતીજી ગણેશજીને બોલાવે છે. અને કહે છે, ગણેશ, તેં પિતાજીનું ત્રિશૂળ જોયું? અરે મા, હું જ પિતાજીનું ત્રિશૂળ લઇ ગયો હતો. પરંતુ શા માટે? અરર! મા, શું કલિયુગ છે. આ ભક્તો પણ … આજે ગણેશ ચોથ છે ને? તો મોદકની સાથે મને મેગીનો ભોગ ધરાવે છે. મા, હું કેવી રીતે આરોગું? અને મને વિચાર આવ્યો. લાવને, પિતાજીનું ત્રિશૂળ લઇ જાઉં. અને મા, મને તો મજા આવી ગઇ. અરર! બેટા, તે મહાદેવજીનાં ત્રીશૂળથી મેગી આરોગી? પણ કાંઇ નહીં, તુ ખુશ છે ને?

નારદજી બોલ્યાઃ અરર ….. ! નારાયણ ….. ! નારાયણ ….. !

ત્યાંતો હનુમાનજી પાસે ભક્તોની ભીડ હતી. નારદજી હનુમાનજીને કહે, અરે! આજકાલ રામજી કરતાં આપની પાસે ભીડ કેમ વધારે હોય છે? તો હનુમાનજી કહે, નારદજી, જુઓને … છે આજની પેઢીમાં સહનશક્તિ, સમતા, સંસ્કાર? જાણે લગ્ન એટલે કોઇ ઢીંગલા-ઢીંગલીનાં ખેલ સમજી બેઠા છે. તમને ખબર છે, નાની નાની બાબતમાં પત્નિ, પતિને છોડીને ચાલી જાય છે. અરર! શું કહેવું? દુઃખી પતિઓ શ્રી રામજી પાસે જાય છે. હાથ જોડીને કહે છે, મારી પત્નિને, પ્રભુ, ગમે તેમ કરીને પાછી મેળવી આપો. અને મારા પ્રભુ, ઉંડા નિસાસા સાથે તમામ ભક્તોને મારી પાસે મોકલે છે. અને કહે છે, સીતા મૈયાને શોધવા હનુમાનજીજ ગયાં હતાં. અરર … માટે, અહીં લાઇન લાગે છે.

નારદજી વિસ્મય સાથે બોલ્યાં, અરર … ! નારાયણ … ! નારાયણ … !

ત્યાં તો સિંહવાહની માતાજીએ નારદજીને જોયા. મા બોલ્યા, અરર! શું કહું? હવે નવલા નોરતાનાં દિવસો આવે છે. અને ગરબે રમવા હું થનગની રહી છું. પરંતુ શું થાય? અરર! આ કળિયુગમાં મારે પણ ટેવાવું પડયું છે. ગરબે રમનારમાંથી ગણ્યાં ગાંઠયા ભક્તોજ મને યાદ કરીને, બોલાવીને રમે છે. બાકી તો કોઇનું ધ્યાન મારામાં નથી હોતું. અને એથી વિશેષ તો … પીકચરનાં ગીતોનાં ઢાળે મારાં ગરબા ગવાય છે અરર! શું કરૂં? બીચારા ભક્તો માટે પણ મારે ગરબે ઘુમવું પડે છે.

નારદજી બોલ્યા અરર … ! નારાયણ … ! નારાયણ … !

મા લક્ષ્મીજી સાંભળી રહ્યાં હતાં … લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન સાથે પ્રગટ થયાં. હવે તો ઉત્સવોની હારમાળા શરૂ થઇ છે. અરર! શું ભવ્ય શણગાર કરે છે ભક્તો! આધુનિક વેશભૂષા અમારે પણ અપનાવવી પડે છે. શું થાય? ક્યારેક ભક્તો પંજાબી ડ્રેસમાં સજાવે તો ક્યારેક નારાયણને સૂટ, પેન્ટ-શર્ટ પહેરાવે. અલગ અલગ પ્રાંતનાં કપડાં પહેરાવે. અરર … !

લક્ષ્મીજી તો કહે, દિવાળીનાં દિવસો નજીક આવી રહ્યાં છે. કરન્સીનાં બદલે ક્રેડીટ કાર્ડનું પૂજન … અરર! મારાં ભક્તોએ તો મને સિક્કાઓમાંથી પેપરમાં અને પેપરમાંથી પ્લાસ્ટીકમાં ફેરવી કાઢી છે.

મયૂરવાહિની મા સરસ્વતી આ અરર! સાંભળી રહ્યાં હતાં. તેઓ બોલૉ ઉઠયા, દિવાળીમાં ચોપડા-પૂજનમાં પણ ચોપડાને બદલે કોમ્પ્યુટરની પૂજા … ! અરર … ! મારે તો શું કહેવું.

વિષ્ણુ ભગવાન કહે, મારાં ભક્તો જાણે છે કે ભોગમાં તુલસી હોય તોજ હું આરોગું છું. અહીં તો ઠીક, પરદેશમાં બધે તુલસી નથી હોતી, તો ભક્તો સૂકી તુલસીનો પાવડર બનાવીને ભોગ પર પધરાવે છે. અરર … ! આ તો હદ થઇ ગઇને … પરંતુ હું તેનો પણ સ્વીકાર કરી લઉં છું. અને હવે તો આરતીમાં પણ ઇલેક્ટ્રીકલ દીવા અને વાજિંત્રોનો ઉપયોગ થઇ રહ્યો છે. પ્લાસ્ટીકનાં ફૂલોનો ઉપયોગ થાય છે. સુગંધનો તો સવાલ જ નથી. અરર … ! હજુ તો સાંભળો … ભક્તજન આપણને સૌને મૂર્તિમાંથી ફોટામાં અને ફોટામાંથી કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરે છે. અને આરતી પણ કોમ્પ્યુટરમાં કરે છે.

અરર … ! જરા ધીમે બોલો, શિવજી ધ્યાનમાં બેઠા છે … હમણાં તેમનું ત્રીજુ નેત્ર ખૂલશે તો … ત્યાં તો શિવજી ગુસ્સામાં બોલી ઉઠયાં … અરર! હવે તો હદ થાય છે, કલિયુગનો માનવ, બીલ્ડીંગની સીડીમાં ચઢતાં ઉતરતાં આપણાં ફોટાવાળા ટાઇલ્સ ઉપર પાનની પીચકારીઓ મારી રહ્યો છે … તમામ દેવી-દેવતાં બોલી ઉઠયાં … અરર … !!!

વિષ્ણુ ભગવાનથી રહેવાયું નહીં … બોલી ઉઠયાં, આ જીવતો માનવ તો મરેલાને પણ છોડે એવો નથી. તમને ખબર છે? અરર! કેટલાંક ઘરોમાં ટીનેજર મૃત્યુ પામે તેમને મેં વિષ્ણુલોકમાં સ્થાન આપ્યું હોય તો તેમનાં મા-બાપ પીઝા, પાસ્તા, પાઉં-ભાજી તેમનાં ફોટાને ધરાવીને રોક્કળ કરીને તેમનાં આત્માને શાંતિથી રહેવા દેતાં નથી. નીચે બોલાવે છે .. હું શું કરું? યમલોકનાં યમરાજાની પણ એજ ફરિયાદ છે. અરર! મૃત્યુ બાદ પણ માનવ માનવને છોડતો નથી.

અને … ત્યાંજ આરતીનો સમય થયો … ઘંટનાદ થયો … અને આરતી બાદ નારદજી ચાલી નિકળ્યાં, આકાશ માર્ગે … અરર ! નારાયણ … નારાયણ …

લક્ષ્મીજી-વિષ્ણુ ભગવાન પરસ્પર વાત કરે છે. જુઓને, નારદજી પણ અરર! બોલતાં થઇ ગયાં.

કલ્પના રઘુ

************************************

23-વરિષ્ઠ નાગરિકનું સુખ – હકારાત્મક અભિગમ-કલ્પના રઘુ

2010- KRS - Copyવરિષ્ઠ નાગરિકનું સુખ – હકારાત્મક અભિગમ

વરિષ્ઠ નાગરિક એટલે વડલો. વડલો આપે વિસામો. એ આપ્યાજ કરે. એને કોઇની પાસે કોઇ અપેક્ષા ના હોય. તેના પર પત્થર ફેંકો તો પણ શીળી છાયા આપે. આ એક હકારાત્મક અભિગમ કહેવાય. અને માટે એ પૂજનીય બને છે. આ તો થઇ વડલાની વાત. પરંતુ આધુનિક સમયમાં માનવ માટે જરૂરી નથી કે તે હંમેશાં પૂજનીય હોય. અને છતાં હકારાત્મક અભિગમ સેવવો એ એક કપરી કસોટી બની જાય છે.

મારાં પતિ હંમેશાં કહે ‘ઉગતા સૂરજે નહીં, ઢળતા સૂરજે કોમ્પ્રોમાઇઝ કરવું પડે.’ કારણ કે ઢળતા સૂરજને કોઇ પૂજતું નથી. છતાં તે તેનું કાર્ય નિયમિત કરે છે. આમ જીવન પ્રત્યેની હકારાત્મકતા એ સુખી જીવનનું સુંદર ઘરેણું છે.

વરિષ્ઠ નાગરિકનાં સુખથી કુટુંબ સુખી બને છે. સુખી કુટુંબથી સમાજ સુખી બને છે. અને સુખી સમાજ ભેગા થઇને દેશ સુખી બને છે. આમ તંદુરસ્ત દેશનાં બંધારણ માટે વરિષ્ઠ નાગરિકનું સુખ પાયામાં રહેલું છે અને તેનાં માટેનું એક માત્ર પરિબળ હકારાત્મક અભિગમ છે.

દરેક નવી જીન્દગીએ જીવનનાં નવા પ્રશ્નો હોય છે. જીવનનાં દરેક ક્ષેત્રમાંથી પસાર થતી જીન્દગી તેના ‘અંતિમ પડાવ’ એટલે કે વૃધ્ધાવસ્થામાં પહોંચે છે. જીવનના દરેક ક્ષેત્રની સમયની મર્યાદા નક્કી હોય છે. એ સમય ગમે તે રીતે પસાર થઇ જાય છે પરંતુ કહેવાય છે, ‘જીવ્યાં જેમ તેમ, મરશું કેમ કેમ?’ જીન્દગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમયની વાત છે.પણ મૃત્યુ પછી કોઇના હ્રદયમાં જીવતા રહેવું એ જીન્દગીમાં કરેલાં કર્મની વાત છે. કહેવાય છેને? કે પ્રેમ બાળપણમાં સામેથી મળે, યુવાનીમાં ચોરવો પડે, અને ઘડપણમાં માંગવો પડે … બસ, ત્યાંજ છે અપેક્ષાઓનું મૂળ. અને દુઃખનું મૂળ છે અપેક્ષા.

વરિષ્ઠ નાગરિકે તેની વધતી જતી ઉંમર સાથે તેની માનસિક સ્થિતિને પણ બદલવી જોઇએ. જો તમે તમારી યુવાનીનાં સમયની માનસિક સ્થિતિ સાથે જ જીવવાનું પસંદ કરો તો તમને ઉંમરનો ભાર લાગશે. જીન્દગી એક વહેતી નદી સમાન છે. જીવનનાં પ્રવાહની સાથે વહેતાં શીખવું જોઇએ. નદીનું સતત વહેતું નીર એનાં બાહ્ય અને આંતરિક સ્વરૂપને સતત બદલતું રહે છે. જીવનને પણ એ દ્રષ્ટિએ જોવું જોઇએ.

વૃધ્ધાવસ્થાને ઉત્સવની જેમ માણો. ઉંમરની દરેક અવસ્થાનું પોતાનું એક આગવું, વિશિષ્ઠ રૂપ – સૌંદર્ય હોય છે. વૃધ્ધાવસ્થા વખતે જીન્દગી નામની નદી ઉછળકૂદ કરતી વહેતી નથી પણ સમથળ સપાટી ઉપર આવીને એક પ્રકારની ગરિમા સાથે વહેતી હોય છે. આ ગરિમામાં ભૂતકાળનાં અનુભવોનું ભાથું, તેનાં પડછાયાં અને પડઘાનાં સંસ્મરણો ભળેલાં હોય છે. આ ખજાનો એટલો અમૂલ્ય અને અગાધ હોય છે કે ‘જેને જરૂર હોય તેને’ વહેંચતા જવાથી તેનું વજન લાગતું નથી. વૃધ્ધાવસ્થા વહેંચવા માટે છે, વહેંચાવા માટે નથી. ઘડપણ એક એવી અવસ્થા છે જયારે દરેક વ્યક્તિ જીવનના નવરસનું પાન કરીને ઓડકાર ખાય છે. અને આ અનુભવોનાં ભંડારથી વ્યક્તિ વરિષ્ઠ નાગરિક બને છે. પરંતુ તેમની માનસ સ્થિતિમાં ભરતી અને ઓટ આવ્યાંજ કરે છે. કારણકે તેમને સાંભળનાર કોઇ નથી. નથી સમય કોઇની પાસે, અને શારીરિક અને માનસિક રીતે વૃધ્ધ અસલામતીનાં વમળોમાં ફસાય છે. એકલતા, અસહાયતા અને અસલામતીની નાગચૂડમાંથી છૂટવાની તેને જરૂર છે.

આ તબક્કે હું કહીશ કે દિશા બદલવાથી દશા જરૂર બદલાય છે. જયારે આજની પેઢી આવક અને આધુનિક ટેક્નોલોજીની ચકાચૌંધમાં ધર્મ અને વડીલોનાં આદર-સત્કાર અને લાગણીઓને ભૂલીને આંધળી દોટમાં જોડાય છે. ત્યારે જરા વિચારો, તેમની પાસે ક્યાં સમય છે, તેમનાં પોતાનાં બાળકોને સાચવવાનો? તેઓ તમને ઘરડા-ઘરમાં મૂકે છે, તો તેમનાં બાળકોને ડે-કેરમાં મૂકે છે, મૂકવા પડે છે … કે જેમને જીવનમાં હજુ કાંઇ જોયું નથી, અનુભવ્યું નથી. તો આ મા-બાપ તેમનાં વૃધ્ધ માતા-પિતા તરફ કયાંથી સમય ફાળવશે? આ વસ્તુ આજનાં વૃધ્ધો જો સમજે તો પોણાભાગની સમસ્યાઓનું સમાધાન મળી જશે.

હા, નિવૃત્ત વૃધ્ધ મા-બાપને જરૂર છે, તેમનાં બાળકો તેમની સાથે પ્રેમથી બે શબ્દો બોલે. અને જેવાં છે તેવાં પણ તેમનાં અસ્તિત્વનો સ્વીકાર કરે. અને તેમની હસ્તીનો આદર કરે. બાકીતો, આજનાં વૃધ્ધ, પોતાનાં બાળકોને કેમ મદદરૂપ થવું? તેનાં માટે પોતાની ઉંમર તરફ જોતાં નથી.

૬૦ વર્ષ સુધી બાહ્ય સુંદરતા પાછળ માણસ મંડ્યો રહે છે. ૬૦ વર્ષ પછી આંતરિક સુંદરતાને ઉજાગર કરવાની છે. એના માટે આંતરમનને જગાવો. અંતરના દીપને પ્રગટાવીને જીવન પ્રકાશમય બનાવો. સુંદરતા આપોઆપ નીખરશે. સાથેસાથે સુવાસ પણ પ્રસરશે.

કુટુંબમાં વરિષ્ઠ નાગરિક એટલે ચમડાનું તાળુ એમ કહેવાતું. અહીં હું બીજા અર્થમાં કહીશ કે આ તાળાને ઉપયોગી બનવા માટેની કેટલીક ચાવીઓ પણ સાથેજ હોવી જોઇએ … જેમકે કયારેય કોઇને નડો નહીં. તે માટે વડીશાહીનો ડગલો ખીંટીએ ટીંગાડી દેવો જોઇએ. કારણકે આજની પેઢીને તે જરાય પસંદ નથી. કોઇપણ પ્રકારનો ગમો-અણગમો રાખ્યા વગર ચાલશે, ભાવશે, ફાવશે, ગમશેનું સનાતન સત્ય અપનાવવું જોઇએ. શરીરને સ્વસ્થ રાખવા નિયમિત ચાલવું, કસરત, યોગ કરવો. શરીર સાથ આપે તેટલું શારીરિક કામ કરીને કુટુંબ કે સમાજને મદદરૂપ થવું. સેવકીય પ્રવૃત્તિમાં જોડાવું, જેથી માનસિક શાંતિ મળે. ઘરનાં બાળકો સાથે નિર્દોષ આનંદ માણવો, કુદરત સાથે મિત્રતા કરવી. અને ગમતાં શોખને પ્રવૃત્તિ બનાવીને એકલતાનો સહારો બનાવવો. ઇન્ટરનેટથી વાકેફ રહેવું જોઇએ. મનને કેળવવા માટે વાંચન, ચિંતન, મનન કરવું અને રમત-ગમતનાં કોયડા ઉકેલવા. જીવનને વાસણમાંના પ્રવાહીની જેમ જીવવું જોઇએ. જેવું વાસણ, તેવી પ્રવાહીની સ્થિતિ હોય, તો કયારેય જીવન ભારરૂપ નહીં લાગે અને એનેજ જીવન પ્રત્યેનો વાસ્તવિક અભિગમ કહેવાય. વૃધ્ધાવસ્થામાં હસતાં-હળવાફૂલ રહેવું એ મોટી ચેલેન્જ છે. પરંતુ જયારે જયારે નકારાત્મકતાથી જીન્દગીનું વહેણ ઠીંગરાઇ જાય, જીવન જીવવાનું બળ ઉત્પન્ન થતું અટકી જાય ત્યારે ત્યારે થોડું સમારકામ કરતાં શીખી લેવું જોઇએ.

વૃધ્ધાવસ્થામાં સંસાર છોડ્યા વગર જળકમળવત્‍ રહેવું જોઇએ. આ એક પ્રકારનુ તપ છે. અને આ સત્સંગથી સાધ્ય બને છે. એક સંતનાં પ્રવચનમાં મેં સાંભળેલું હતું કે જ્યારે તમારાં સ્વજનો તમને પ્રેમથી રાખે ત્યારે સમજવું, એ સ્વજનો તમારાં પૂર્વજન્મનાં મોટામાં મોટાં દુઃશ્મન છે કારણકે સંસાર સાગરમાં તમે જેટલાં ડૂબેલાં હશો એટલાંજ તમે ઇશ્વરથી દૂર જશો. જ્યારે આપણે કોઇ સ્વજનથી દુઃખી થઇએ અને આખી જીન્દગી એમાંજ રહીએ … એનાં બદલે કોઇ આપણને હેરાન કરે, દુઃખ આપે તો એનો આભાર માનો … ઇશ્વર તરફ એટલું વધારે જવાશે. નરસિંહ મહેતા, સંત તુકારામ અને સોક્રેટિસ ભૂતકાળનાં જીવંત ઉદાહરણ છે.

દરેક વરિષ્ઠ નાગરિકે પોતાનાં મગજનાં કૉમ્પ્યુટરમાં એક ડેલીટ બટન રાખવું જોઇએ. જેમ ધર્મમાં ત્રિસંધ્યા કરવાનું કહે છે, તેવી રીતે દિવસમાં ત્રણ વખત ડીલીટ બટનનો ઉપયોગ કરીને દિવસ દરમ્યાન બનતી નકારાત્મકતાને મનમાંથી કાઢીને મનને સ્વચ્છ રાખવું જોઇએ.

જીવનની સત્યતા એ છે કે વ્યક્તિ જન્મે ત્યારે એકલી હોય છે અને મૃત્યુ પામે ત્યારે પણ … તે દરમ્યાનની સફરમાં જેનો જેનો સાથ મળે છે તે માત્ર ભ્રમણા હોય છે. અને મનુષ્યને આ ભ્રમણાની જાળ વધુ ગમે છે. તેમાંથી ટપકતાં રસનું પાન કરીને તે હમેશા પુષ્ટ રહેવા કોશીષ કરે છે. અને તે પણ એક ભ્રમણાજ છે. એક ભ્રમણા તૂટે અને બીજાનો સહારો માનવ પકડે છે. અને તે ક્ષણીક સુખનો ભોગ બને છે. પરંતુ જો તે જીવનનાં બીજા છેડાને પણ સરળતાથી જોઇ શકતા હોય તો જીવન જીવવું સરળ થઇ પડે છે.

શાયર બેફામે સુંદર પંક્તિ લખી છેઃ

“બેફામ તોયે કેટલું થાકી જવું પડયું,

નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”

નાનો અમથો માર્ગ સરળ છે કે કઠીન એ માણસની મનઃસ્થિતિ પર અવલંબે છે. જીન્દગીનો જામ જુસ્સાથી, આનંદ અને તરવરાટથી છલકાવી દેવો એ કઠીન છે. પરંતુ જો ‘હકારાત્મક અભિગમ’ની જડીબુટ્ટી તમારે હાથ લાગી જાય, તો જીવનની હરક્ષણ, હરપળ તમે ચેતનાસભર રહેશો. એ તમને જીવનની ઘરેડમાંથી, જેમાં તમે ફસાયેલા છો તેમાંથી બહાર કાઢશે. આ એક મોટી સિધ્ધિ છે.

અને અંતે હું કહીશ કે વૃધ્ધાવસ્થા એ હારી-થાકીને ભાગી છૂટવા કરતાં હકારાત્મક અભિગમ કેળવીને જ્ઞાન, કર્મ અને ભક્તિની પરીસમાપ્તીની, મૃત્યુનાં મહોત્સવની તૈયારીની અને નિજધામ પહોંચવા માટે હળવા અને શુધ્ધ થઇને પ્રાર્થનામય ચિત્તે ગાડીનો ડબ્બો છોડવાની અવસ્થા છે. અને અમાંજ એક વરિષ્ઠ નાગરિકનું સુખ રહેલું છે.

કલ્પના રઘુ

*****************************************************

22-જય શ્રી કૃષ્ણ’

‘જય શ્રી કૃષ્ણ’ નો ઉદ્‍ગાર એ વૈષ્ણવની લાક્ષણિકતા છે. શ્રીકૃષ્ણ ઠાકોરજી સ્વરૂપે હવેલીમાં બિરાજે છે. હવેલી એટલે નન્દાલય. નન્દબાવા વ્રજના રાજા હતાં. માટે નન્દકિશોરના દર્શન કરતાં કે ઠાકોરજીની સેવા કરતાં શ્રીકૃષ્ણની જય બોલવી એટલે કે ‘જય શ્રી કૃષ્ણ’ બોલવું સ્વાભાવિક બને છે.

ભક્તને બ્રહ્મ સાથે સંબંધ હોય છે. માત્ર આ જન્મનાં પતિ-પત્ની ‘આઇ લવ યુ’ અવારનવાર કહીને જીવતા હોય છે. જ્યારે બ્રહ્મ સાથેનો વૈષ્ણવનો સંબંધ જનમોજનમનો હોય છે. કૃષ્ણ એ બ્રહ્મ છે. અને કૃષ્ણ સાથેનું જોડાણ હર પળ, હર ક્ષણ રહે એ વૈષ્ણવ માટે જરૂરી છે. આમ ‘જય શ્રી કૃષ્ણ’, વૈષ્ણવ ભક્તના બ્રહ્મ એટલે કે કૃષ્ણ સાથેનાં સંબંધને જોડનાર એક મજબૂત પૂલનું કામ કરે છે. જેથી માત્ર ‘જય શ્રી કૃષ્ણ’બોલવાથી જીવનો ઠાકોરજીના ચરણોમાં ભરોસો દ્રઢ બને છે. સાચા અર્થમાં બ્રહ્મસંબંધ ફલીભૂત થાય છે.

‘જય શ્રી કૃષ્ણ’ બોલવામાં એટલી શક્તિ છે કે એનું રટણ કરવાથી તમામ નકારાત્મક વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો કે વ્યક્તિઓથી બચવા તમારી આસપાસ એક રક્ષા-કવચ ઉભુ થાય છે. જેનાથી સતત તમારું રક્ષણ થાય છે.

વળી એમ કહેવાય છે કે દરેક વૈષ્ણવ હ્રદયમાં ઠાકોરજી નિવાસ કરે છે. માટે જયારે વૈષ્ણવો મળે છે ત્યારે એકબીજાને ‘જય શ્રી કૃષ્ણ’ કહે છે.

તેના માટે ભક્તને કંઇજ ચૂકવવું પડતું નથી. માત્ર જરૂરી છે શ્વાસેશ્વાસે ‘જય શ્રી કૃષ્ણ’ … ‘જય શ્રીકૃષ્ણ’ …

કલ્પના રઘુ

********************************************************

21-કવિ કલાપી – એક આગિયાને

 

સૂરતાની વાડીનો મીઠો મોરલો એટલે કલાપી. કલાપીનો અર્થ મોરલો થાય છે. જેમ મોરલો તેના બહુરંગી મોરપિચ્છ સાથે કળા કરતો હોય છે, તેવું જ કવિ કલાપીનું ગુજરાતી સાહિત્યમાં કવિતા ક્ષેત્રે છે. શૈશવમાં ગિરિ કંદરાઓ અને કુદરતનો ખોળો ખૂંદવાનો શોખ, પંદર વર્ષે પોતાની રાણીની દાસીના પ્રેમમાં પડવું અને પ્રેમમાં નિષ્ફળતા મળવી, આ દરેક ઘટના કવિ-હ્રદયને ઉંડાણમાં સ્પર્શે છે અને સર્જાય છે … ‘કલાપીનો કેકારવ’ … પ્રકૃતિ સાથે ઓતપ્રોત બનીને તેને જીવન સાથે જોડીને આધ્યાત્મની ચરમસિમાએ પહોંચવું એ આ કવિ માટે સહજ હતું.

આમ કવિ કલાપીની કમનીય કલમની કળાનો બેનમૂન પૂરાવો છે તેમની કવિતા ‘એક આગિયાને’. પ્રારંભમાં કવિ આગિયાની સુંદરતાનું વર્ણન કરે છે. રાત્રિના અંધકારમાં આગિયો પોતાનાંજ પ્રકાશથી ચળકે છે. અને પર્ણોમાં ચળકાટથી ચક્રો રચાય છે.આ ચક્રોને કવિ બ્રહ્માંડનાં ચક્રો સાથે સરખાવે છે. તેને સ્પર્શતાં બીક લાગે છે, કે રખેને તેની રજ ખરી જાય!! પણ તેને ભાલ પર ચોંટાડવાનું પણ મન થાય છે. તેનું આ રૂપ તેનાં ઉદરપોષણ માટે અંધકારમાં ઉપયોગી નીવડે છે તેવું કવિનું માનવું છે. કવિ કહે છે જ્યારે રાત્રીએ બીજાં વૃક્ષો ઉંઘતાં હોય છે ત્યારે તું જાગે છે અને ખેલે છે. તને જોવા હું નિત્ય ઉપવનમાં જાઉં છું.

પરંતુ … કવિતાની મધ્યમાં કવિનું દ્રવિત હૈયું પોકારે છે … આગિયાને કહે છે, તને ખબર છે …

’તું જાગજે, તું ખેલજે, તું પત્રપત્રે મહાલજે,

ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે!

તું કેમ એ માની શકે? આધાર તારો એજ છે,

એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોઉં અરે!

રે! પક્ષી કોની દ્રષ્ટિએ તું એજ ચળકાટ પડે,

સંતાઇ જાતાં ન્હાસતાં એ કાર્ય વૈરીનું કરે;

ધ્યુતિ જે તને જીવાડતી, ધ્યુતિ તે તને સંહારતી,

જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી.’

કવિ કહે છે તારા જ પ્રકાશથી રાત્રે જાગીને તું અન્ય જીવોનું ભક્ષણ કરે છે. અને અન્ય જીવો રાત્રે એજ પ્રકાશને કારણે સરળતાથી તને નિહાળીને તારું ભક્ષણ કરે છે. આમ जीवो जीवस्य भोजनम्‍!આ ઉક્તિની સચોટતા કવિએ વર્ણવી છે. આગિયો તેના આ જીવનથી અચેત, અજ્ઞાત હતો. પરંતુ કવિનું સંવેદનાસભર હૈયું એ જાણીને રડતું હતું. આગિયાના દુઃખને આટલા નજીકથી અનુભવવું … એ માત્ર કલાપી જ કરી શકે. કેટલું ગૂઢ અને ગહન છે આ કવિનું લખાણ!!! જીવનની આ તો છે સત્યતા જે કવિએ ખૂબજ નાની વયે એક આગિયામાં જોયું અને આપણને સૌને વિચારતાં કરી દીધાં … વિચારો …

પતંગીયુઃ એક દિવાની જ્યોતમાં પાગલ બનીને મૃત્યુને શરણ થાય છે.

કસ્તુરી મૃગઃ સુગંધ અંદર છે, પણ સુગંધ શોધવા દોડી, થાકીને મૃત્યુ પામે છે.

મૃગલાઃ રણમાં મૃગજળ પાછળ દોટ મૂકીને તરસ્યા મૃત્યુ પામે છે.

સાબરઃ તેના શિંગડા તેને અતિ પ્રિય છે પણ દોડતાં દોડતાં શીંગડા ઝાડમાં ભરાય છે અને શિકારીનો શિકાર બને છે.

મારીચઃ રાવણનો મામો … સીતાને લોભવવા સુવર્ણનું મૃગ બને છે. અને જીવ ગુમાવે છે.

સીતાજીઃ સ્ત્રી શિરોમણી કહેવાય. પરંતુ સુવર્ણલોભથી વંચીત નથી રહી શકતા. અને કાંડ સરજાય છે.

દ્રૌપદીઃ દુર્યોધનને કહે છે, આંધળાનો પુત્ર આંધળો … અને સર્જાય છે મહાભારત …

આમ જે પોષતુ તે મારતું એવો દીસે ક્રમ કુદરતી અને કવિનાં શબ્દો આગળ સરી પડે છે …

‘આ પ્રેમ સંસારી તણો, તુજ તેજ જેવો છે નકી

એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યા વિધિએ નથી?

અમ એ જ જીવિત, એ જ મૃત્યુ, એજ અશ્રુ ને અમી

જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?’

આમ કવિની સંવેદના આધ્યાત્મિકતા તરફ લઇ જાય છે. અને છેલ્લે આધ્યાત્મિકતામાં કહેવાય છે કે તમે જે દ્રશ્યમાન કરો તે જ ઘટના ઘટે છે. તેમનાં જીવનમાં દાસી પ્રત્યેનો પ્રેમ જ તેમનાં મૃત્યુનું કારણ બને છે. લોકવાયકા મુજબ રાણી પોતે ઝેર આપે છે અને કલાપીનું મૃત્યુ થાય છે. આમ કવિ કલાપી ખૂબજ ટૂંકુ અને યાદગાર જીવન જીવીને ગુજરાતી સાહિત્યમાં અમર બની ગયા.

વાચક મિત્રો, અંતમાં આપ સૌને એક પ્રશ્ન પૂછીને હું મારા લખાણને વિરામ આપીશ. શું આપણાં સૌનું જીવન પણ આગિયા જેવું નથી? ક્યારેક વિચારજો તો જવાબ મળશે … આપણા જીવનમાં પણ આપણી હોંશીયારી. આવડત, પ્રતિષ્ઠા અને સારા ગુણોજ આપણું પતનનું કારણ બનતું હોય છે … અનેક દુઃશ્મનો ઉભા કરતું હોય છે …

કલ્પના રઘુ

20-લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે …

આદ્યાત્મિકતામાં ડૂબેલો માનવી હરક્ષણ મૃત્યુ માટે તૈયાર હોય છે. પરંતુ, સંસારી જીવડો હરપળ કર્મો ફેડવામાં અને લેણાદેણી ચૂકવવામાં ડૂબેલો હોય છે. મૃત્યુનું જ્ઞાન હોવાં છતાં મૃત્યુ માટે તૈયાર હોતો નથી. તેને મૃત્યુનો ડર અને જીવવાની જીજીવિષા હોય છે.

જીવનનાં વિસર્જનનો સમય એટલે સન્યાસ. જીવનનાં દરેક આશ્રમ પસાર કરીને છેલ્લે સન્યાસાઆશ્રમમાં પ્રવેશ કરીએ, ત્યારનો સમય લીલીવાડી જોયા પછીનો છે એટલેકે લગભગ ૭૫ વર્ષ પછીનો, જ્યારે વ્યક્તિ સાંસારીક જવાબદારી નિભાવીને જીવનને બીજે કિનારે પહોંચી ગઇ હોય છે. સન્યાસઆશ્રમમાં એમ કહેવાય છે કે સમાજ કે નજીકની વ્યક્તિ તમને kick મારે એ પહેલાં તમે kick મારો એટલાં તમે સુખી થશો. જીવનને પેલે પારનું મૃત્યુ એ એક કડવું સત્ય છે. જેમ ઉગતા સૂર્યનું એક સૌંદર્ય હોય છે તેવીજ રીતે અસ્ત પામતો સૂર્ય પણ એક ગરિમા સાથે નિખરેલો હોય છે. જીવનની આ પરિસ્થિતિ એ જીવનની પરાકાષ્ઠા છે. મૃત્યુ જીવનનું પૂર્ણવિરામ છે.

जातस्य हि ध्रुवों मृत्युः। જે જન્મ્યો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. માનવનાં મૃત્યુ માટે કારણ જોઇએ છે. ઇશ્વરને થાય છે તેનું સર્વોત્કૃષ્ટ સર્જન (મરનાર વ્યક્તિ) પૃથ્વીના બદલે સ્વર્ગમાં હોવુ જોઇએ, એટલે તેને બોલાવી લે છે. પછી કારણ ગમે તે હોય. યમરાજાના ભાથામાં શસ્ત્રોની ખોટ નથી હોતી. જીવંત વ્યક્તિ એકાએક અતીત બની જાય છે … કેલેન્ડરનાં ફાટેલાં પાનાની જેમ … ૬ ફૂટની વ્યક્તિ અસ્થિની રાખ બનીને એક કુંભમાં સમાઇ જાય છે.

ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે: ‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

આત્મા કદી મરતો નથી, શસ્ત્રો તેને છેદી નથી શકતાં. અગ્નિ તેને બાળી નથી શકતો … તો પછી મૃત્યુ શેનું છે? શરીરનું મૃત્યુ એટલે … આત્માનું નામ સરનામુ બદલાય એટલે કહેવાતી વ્યક્તિનું મૃત્યુ થયુ તેમ કહેવાય. જેમ સાપ એક કાંચળી ઉતારી બીજી ધારણ કરે છે, તેમ મૃત્યુથી આત્મા એક કહેવાતું વ્યક્તિત્વ, ખોળીયું, શરીર રૂપી ઝભલું જે જૂનુ પુરાણું થયું હોય તે છોડીને નવું ધારણ કરે છે … એક નવા પંથે પ્રયાણ કરે છે.

જૂનું મકાન ત્યજીને, જૂનાં કર્મો ફેડીને, નવાં કર્મો કરવાં, નવું શરીર ધારણ કરે છે તો એ એક પ્રકારનો ઉત્સવ જ કહેવાયને!! A Grand celebration … જીવને શિવનું તેડુ આવે તેનાથી રૂડો ઉત્સવ શું હોઇ શકે? તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે એક માત્ર મૃત્યુજ નિશ્ચિત છે અને જે નિશ્ચિત છે તેને સ્વીકારે જ છૂટકો છે. માટે મોતનો માતમ ના હોય જશન જ હોય.

લીલીવાડી જોયા પછી મૃત્યુને ઉંબરે ઉભેલી વ્યક્તિ માટે જીવન અને મૃત્યુ બન્ને ઉત્સવ બને છે તે માટે લાઓત્સેનું આ એક ઉદાહરણ પૂરતું છે. લાઓત્સે એક ઝાડ નીચે વિશ્રામ કરતાં હતાં, એવામાં ઉપરથી એક પીળું-પાકું પાન ખર્યું. એ જ્યાં સુધી લીલુ હતું ત્યાં સુધી ઝાડની ડાળ સાથે જોડાયેલું હતું. ખેંચો તો પણ છૂટું પડવા તૈયાર ના હતું. અને જોર કરીને તોડીલો તો એમાંથી ક્ષીર નીકળે જે એક પ્રકારનો રક્તપાત કહેવાય. જ્યાં સુધી આસક્તિ હોય ત્યાં સુધી પીડા અને વેદના તેનો પીછો નથી છોડતી. પરાણે છોડવું પડે તો મૂળ સહિત ઝાડને ઉખેડવામાં આવે ત્યારે ભૂમીની જે હાલત થાય એજ હાલત સંસાર પ્રત્યે આસક્તિ રાખીને જીવતી વ્યક્તિની મૃત્યુ સમયે થાય છે. અને આ ઘટના એક ગુરૂમંત્ર બની જાય છે.

ક્ષણભર સ્મશાનમાં ઉભા ઉભા તમે કલ્પી લો કે તમે મરી ગયા છો, પતિ કે પત્ની, બાળકો, સગાં-સંબંધીઓ તમને જોઇ રડી રહ્યાં છે. હવે એમના જીવનમાં કોઇ આનંદ-ઉલ્લાસ નહીં આવે એવું ક્ષણભર તમને લાગશે. તમેજ તેમનું સર્વસ્વ હતાં, સુખનું કારણ કે ઉત્સવનું નિમિત્ત હતાં તેવું લાગશે. જીવતે જીવત તમને જે જોવા-અનુભવવા નહીં મળ્યું હોય તે તમને મૃત્યુ પછી જોવા અને જાણવા મળશે.

બસ … થોડી સબૂરી … અને સમાજનો, જીવનનો અને સંબંધોનો એક નવો ચહેરો તમને જોવા મળશે. આજે જે મીઠાઇ મોંમાં નથી જતી તે ખડખડાટ હાસ્ય સાથે ખવાશે. માત્ર થોડા સમયનો જ સવાલ છે. આજે રંગીન કપડાં થોડા અજુગતા લાગે છે, થોડા સમય બાદ તમામ રંગો આવી જશે. થોડા સમય બાદ આજ ઘરમાં ઉત્સવનું વાતાવરણ આવી જશે. જીવનનું આ કાયમથી ચાલતું ચક્ર છે. અહીં કોઇના વીના કાંઇજ અટકતું નથી. કોઇના જવાથી કાયમ માટે ક્યાંય ખાલી જગ્યા જોવા મળતી નથી.

અહીં નીદા ફાજલીનું લખાણ યાદ આવે છે …

‘મારા પછી મારી યાદ એવી ભૂલાઇ ગઇ, પાણીમાંથી આંગળી કાઢી, જગ્યા પૂરાઇ ગઇ …’

દરેક વ્યક્તિ તેની રૂટીન જીન્દગીમાં ગોઠવાઇ જાય છે. આજે તમારા દ્વારા મળેલા સુખની જ વાતો થાય છે … થોડા સમય પછી તમારા દ્વારા મળેલા દુઃખની ફરિયાદ થશે. આજે તમે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ સ્મૃતિચિહ્ન જેવી લાગે છે … જતે દિવસે કોઇ ખૂણામાં ચાલી જશે, અથવા જગા રોકી રહી હોય તેવું લાગશે. આજે તમારા માટે બધું કરવાની લાગણી દેખાઇ રહી છે, તેનાં સ્થાને ક્યારેક બેંક-બેલેન્સ, વીમો, વસિયતનામું કે સંપત્તિની વહેંચણીની વાતો આવી જશે. કાયમથી જગતમાં આવુંજ થતું રહ્યું છે અને થતું રહેશે. કારણ? કારણકે ઇશ્વરે માનવને સ્મૃતિ સાથે વિસ્મૃતિની અણમોલ ભેટ આપેલી છે. અને બીજું, આગમન સાથે ગમન પણ ના હોય તો? પૃથ્વી પર ભાર વધી જાય અને દરેક કુટુંબમાં એક સાથે કેટલી પેઢી?!! માટે ઇશ્વરે બેલેન્સ કરવા માટે જીવન-મૃત્યુની ઘટમાળ સુંદર રીતે ઘડી છે. માટેજ મૃત્યુને સ્વીકારો.

તમે મરી ગયા છો એવી કલ્પના જો તીવ્રતાથી કરી શકો તો મગજમાં રહેલું ગુમાન ઘટી જશે. તમે વાસ્તવિક્તાની ધરતી પર જીવી શકશો. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશેની સમજ અપનાવીને શેષ જીવનને ઉત્સાહભર્યુ બનાવવાથીજ જીવન અને મૃત્યુ ઉત્સવ બની જશે. જીવનને વહેતુ રાખીને મૃત્યુને સાર્થક બનાવવાનો પ્રયત્ન એટલેજ આત્મજ્ઞાન, જાગરૂકતા. આ આત્મજ્ઞાન થકી સંસારમાં તમારે જે કર્મો કરવાનાં છે તે ઇશ્વરને સાક્ષી રાખીને કરવા જોઇએ. જેથી બીજા જન્મે તે લઇ જવા ના પડે. કારણકે કર્મ એજ જીવન છે. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે, કર્મ કરવામાં, કર્મ ભોગવવામાં ઇશ્વરને સાક્ષી રાખો. તમામ કાર્યો તેને અર્પણ કરો. પછી જીવન અને મૃત્યુમાં કોઇજ ભેદ નહીં રહે. હર પળ એક ઉત્સવ બની જશે.

આપણે આત્મા અને પુનર્જન્મમાં માનતા હોઇએ અને એક સામાન્ય દ્રષ્ટિકોણથી વિચારીએ તો લીલીવાડી જોઇને મરનાર પાછળ ઉત્સવ એટલેઃ લાડુ-મિઠાઇનું જમણ, પુણ્ય-દાન કરવું, મરનારને ગમતાં વિધિ-વહેવાર કરવા, મરનારને ગમતાં ભજન-ધાર્મિકવિધિ કરવી, મરનારને ગમતી વાતો વાગોળવી, મરનારે આપેલ સંસ્કાર-વારસો જાળવવા પ્રયત્નશીલ રહેવું, તેમણે ચીંધેલા રસ્તે ચાલવું, કુટુંબના વડીલનાં મૃત્યુ બાદ થનાર વડીલે કુટુંબનાં અન્ય સભ્યોની કાળજી રાખીને મૃતાત્માને શાંતિ મળે એ માટે પ્રયત્નો કરવા. મરનારને યાદ કરીને રોક્કળ ના કરવી. તેના આત્માને મુક્તિ મળે તે માટે તમે તેને છોડશો તો જ તે ઉર્ધ્વગતિને પામી શકશે અને મૃત્યુ મંગલમય બની શકશે. જો તમે માનતા હો કે મરણ બાદ મૃતાત્મા આજુબાજુ ફરતો હોય છે, તો લાગણીનાં બંધનમાં બાંધીને દુઃખી શા માટે કરવો? મૃત્યુનો સહજતાથી સ્વીકાર અને મરનારની ઇચ્છાઓની પૂર્તિ એટલેજ ઉત્સવ.

કલ્પના રઘુ

**********************************

19-ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકનાં ઓટલાં

ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકનાં ઓટલાં

કોઇ એક કહેવત” શું ખરેખર આમ હોય? જે વાત સમજાવતા જીભનાં કૂચા વળી જાય તે વાતને થોડા શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવત કરે છે. મારી પસંદ કરેલી કહેવત છે: “ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકનાં ઓટલાં”.

સાચું કહેજો, અહીં બેઠેલા કોઇને પણ ક્યાં ચોટલા છે? હવે તો શેરીઓ કે પોળજ નથી રહી તો પછી ઓટલાનો તો સવાલજ નથી. આતો ખાલી વાત કરી … બાકી આજની નારીને સમયજ ક્યાં છે? નીંદા કૂથલી કરવાનો … હા, ચાર ચોટલા એટલેકે ચાર સ્ત્રી ભેગી થાય છે પરંતુ નહીં કે કોઇના ઓટલા ભાંગવા, નહીં કે કોઇની ગોસીપ કરવા, નહીં કે કોઇના નકરાત્મક વિષય માટે.

હાલમાં જ એક જીવંત ઉદાહરણ આપણી સમક્ષ છે. રાજકીય ઇતિહાસમાં ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે સૌ પ્રથમવાર એક મહિલાએ સ્ત્રીનાં ગૌરવને ગૂંજતુ કર્યું છે અને એ છે અમદાવાદના શ્રીમતિ આનંદીબેન પટેલ-એક ચોટલાવાળા.

સ્ત્રી, શક્તિ સ્વરૂપ છે. શક્તિ સંહાર પણ કરે અને સર્જન પણ. સ્ત્રી જ્યારે ગ્લોબલ વુમન બની રહી છે, ત્યારે તેની હરણફાળ, જેટની ગતિ પકડી રહી છે. વિશ્વના ક્યાં ક્ષેત્રે સ્ત્રી મંડળ નથી? વિશ્વને નાનુ બનાવવા માટે અનેક સ્ત્રી સંગઠનો સક્રીય બની રહ્યા છે. જ્યાં સ્ત્રી ભેગી થાય છે, નવી રચનાત્મક, સર્જનાત્મક, નિર્ણયાત્મક ઘટનાઓ ઘટે છે. આજની સ્ત્રી માત્ર બાળકને જન્મ આપે છે એટલું પૂરતુ નથી. તેના હાથમાં માત્ર વેલણ નથી. સ્ત્રીની આંગળીઓ હવે લેપટોપનાં સ્ક્રીન પર ફરતી થઇ ગઇ છે. અનેક મલ્ટીનેશનલ કંપનીઓમાં CEO બનીને સ્ત્રી પુરુષ કરતાં જરાય પાછળ નથી. ઓટલા પરિષદમાંથી આંતરરાષ્ટ્રીય પરિષદ સંભાળતી થઇ ગઇ છે. જ્યારે ૨૪ કલાક પણ આજની સ્ત્રીને ઓછાં પડે છે ત્યારે કૈંકનાં ઓટલા ભાંગવાનો, અરે! ચોટલા બાંધવાનો પણ તેની પાસે સમય ક્યાંથી હોય? અને એટલે તો આજની સ્ત્રી મોટે ભાગે વાળ કપાવીને સમયની બચત કરી રહી છે.

ઘરનો ઉંમરો ઓળંગીને સ્ત્રીએ સ્ત્રીમંડળ અને કીટીપાર્ટીઓમાં પ્રવેશ કર્યો. અને ત્યાંથી આગળ નીકળીને અનેક સંસ્થાઓ, નારી સંગઠનો શરૂ કર્યાં. સ્ત્રીએ તેની રસોઇકળા અને હુન્નરને આવકનું સાધન બનાવવા ગૃહ ઉદ્યોગો શરૂ કર્યા.

જ્યાં પુરુષો જેટલા કામ માટે ઓવરટાઇમ કરે છે ત્યાં એક સ્ત્રી ઘરનું કામ કરવા ઉપરાંત ઓછા સમયમાં એટલું કામ પુરું કરે છે. એવું તારણ છે કે સ્ત્રી, પુરુષોની સરખામણીમાં ચોક્કસ હોય છે અને માટે સ્ત્રીને આગળ રાખીને જ્યાં કામ થાય છે ત્યાં સફળતા મળે છે.

અત્યારે હાઉસવાઇફ સ્ત્રીઓ, ઘરની વાત કરવાને બદલે પોતાનાં આનંદ માટે મળે છે. માનસિક વિકાસ માટે અને સમાજની ઉન્નતિ માટે, કુકીંગ, યોગા કે રમત-ગમત માટે ભેગી થાય છે. ઓટલા ભાંગવા નહીં પણ સામાજીક બોન્ડીંગ એ તેમનો હેતુ હોય છે. અને સમાજ સાથે કદમ મીલાવીને ચાલે છે. જેમ જેમ સ્ત્રી શિક્ષણ વેગવંતુ બનતું ગયું તેમ શિક્ષણ ક્ષેત્રે, વકીલ, એન્જીનીયર કે ડૉક્ટર તરીકે, તેમજ રીક્ષા, બસ, ટ્રેન, એરોપ્લેન અને હેલીકોપ્ટર ચલાવવામાં સ્ત્રી શક્તિ મોખરે છે. સ્ત્રી અવકાશયાત્રી બનીને સ્પેસમાં સફર કરે છે. અરે અનેક હરિફાઇઓમાં મેડલો મેળવવામાં સ્ત્રી અવ્વલ નંબરે છે.

સલામ છે પોળમાંથી નિકળેલી ઓટલેથી છલાંગ મારીને વિશ્વમાં ચારે બાજુ ફેલાયેલી સ્ત્રી શક્તિને. અને છેલ્લે હું કહીશ … આપણા RJ રેડીયો જીન્દગીના જાગૃતિબેન અને બેઠકનાં શિરોમણી પ્રજ્ઞાબેન જે ઘર સંભાળવા ઉપરાંત ઘણાં બધાની જીન્દગી સંભાળી રહ્યા છે. આ ઉદાહરણ શું પૂરતા નથી?

આભાર.

કલ્પના રઘુ

*****************************************

18-અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ-કલ્પના રઘુ

2010- KRS - Copyઅખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે 

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

૫વન તું, પાણી તું, ભૂમિ તું , ભૂધરા, વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે.

વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એજ આશે.

       વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનકકુંડળ વિશે ભેદ ન હોય,

 

બાળ નરસિંહ સાત દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને જંગલમાં અથડાતા-કૂટાતા દેહભાન ભૂલીને શિવને શરણે જાય છે. તેમનાં અંતરનો તાપ ચરમસીમાએ પહોચે છે ત્યારે તેઓ સમાધિસ્થ બને છે. તેમને શિવનો સાક્ષાત્કાર થાય છે. તેઓ આશીર્વાદ માંગે છે ત્યારે શિવ દુર્લભ અને વલ્લભ આશીર્વાદ ફલસ્વરૂપ દિવ્યશક્તિથી નરસિંહને રાસ-લીલાનાં દર્શન કરાવે છે. રાસ-લીલા એ જ જીવાત્મા અનેપરમાત્મા સાથેના સંબંધની સત્યતા.

કહેવાય છે કે, ગુરૂ જ્યારે શક્તિપાત કરે ત્યારે આપોઆપ જ્ઞાનની સરવાણી ફૂટે છે. અહીં તો જગદ્‍ગુરૂ પોતે શક્તિપાત કરીને નરસિંહના અંતરચક્ષુ ખોલે છે. અને તત્‍ક્ષણ એક અજ્ઞાન બાળક નરસિંહ, ભક્ત કવિ નરસૈંયો બની જાય છે, એક રાજયોગી. નરસિંહને અહમ્‍ બ્રહ્માસ્મિનો અનુભવ થાય છે. જીવ અને શિવ અલગ નથી તે પ્રત્યક્ષ થાય છે. ત્યારથી ભક્ત નરસિંહમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની સરવાણી ફૂટે છે. અનેક પોથીઓ, તમામ વેદ, ઉપનિષદ, શ્રૃતિ, સ્મૃતિનું જ્ઞાન સાદ્ય થાય છે. તમામ ગ્રંથો જાગૃત થાય છે. ‘મા સરસ્વતિ’ની કૃપાથી આવાં અનેક પદોની રચના કરે છે. નરસિંહ ખરા અર્થમાં જાગ્યા માટે એને પ્રભાતિયું કહી શકાય. ઉંઘમાંથી નહીં પરંતુ અજ્ઞાનતાના અંધકાર નીચે ઢંકાયેલું નરસિંહનું મન જાગ્યુ. તેમની ચેતનાશક્તિ ઉપર ઉઠી. તેમને ‘બ્રહ્મ સત્ય-જગત મિથ્યા’નું જ્ઞાન થયું.

પવન તું, પાણી તું, ભૂમિ તુ ભૂધરા … ’

 

હવે તેમને બધેજ હરિ દેખાય છે. નરસિંહને તત્વ-દર્શન થયું, બ્રહ્માંડમાં બધું અલગ અલગ દેખાય છે. પરંતુ બધુંજ એકજ તત્વમાંથી ઉત્પન્ન થાય છે. જેને ઉર્જા કહેવામાં આવે છે. બ્રહ્માંડમાંથી બધું ઉત્પન્ન થાય છે અને બ્રહ્માંડમાં ભળી જાય છે. પાંચેય તત્વો બ્રહ્માંડમાંથી ઉત્પન્ન થયા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશથી જીવાત્મા બનાવ્યો. જીવ થકી તેમાં વાસ કર્યો. આમ સમગ્ર બ્રહ્માંડના અણુએ અણુમાં અને શૂન્યમાં શબ્દ થઇને બ્રહ્માંડની રચના કરીને બ્રહ્મ રસ લઇ રહ્યો છે.‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય … ‘વૃક્ષમાં બીજ તુ, બીજમાં વૃક્ષ તું … ’જેમ સોનાનાં ઘાટ પ્રમાણે જુદા જુદા નામ અપાય છે, પરંતુ અંતે તો સોનુ જ છે. તેમ બ્રહ્મ એકજ છે. આમ બ્રહ્મનું જ્ઞાન થાય છે.એક વૃક્ષ પર હજારો ફળ હોય છે. અને દરેક ફળમાં બીજ હોય છે. અને દરેક બીજમાં એક વૃક્ષ હોય છે. એજ રીતે દરેક જીન્સમાં અબજો ડી. એન. એ. હોય છે. અને દરેક ડી. એન. એ.માં મૂળ તત્વ સમાયેલું હોય છે. માટે મનની ઇશ્વરની શોધમાં પટ-અતંરને ભૂલીને દરેકને બીન-શરતી પ્રેમ કરીએ. ગ્રંથ ગરબડ કરે પણ મન-વચન-કર્મથી ઇશ્વરમાં ઓતપ્રોત થઇને સંપૂર્ણ શરણાગતિથી માત્ર પ્રેમ કરવાથી જ પ્રગટ થશે બ્રહ્મ.… આપણે પણ જાગીએ આ પ્રભાતિયાથી, અને અનુભવ કરીએ …

નરસિંહ શામળની ભક્તિમાં ભીંજાઇ ગયો,

જીવ થકી શીવમાં સમાઇ ગયો,

અંતે એકોહમ્‍થી અનુભૂત થયો.

કલ્પના રઘુ                       

 

*********************************

મૌનનાં વાદળ-17

મેં શોધ્યું એક આકાશ,

તેમાં શબ્દોનો આવાસ,

મૌન છે એનું નામ,

આ તે કેવો વિરોધાભાસ?

મૌનનાં ટોળામાં કલ્પનાના ઝૂંડ,

ક્યાંક થાય સળવળાટ, શબ્દો રચાય.

મૌનનાં આવાસે જ્ઞાનની વીજળી,

ક્યાંક થાય ચમકાર ને શબ્દો વરસાય.

આ શબ્દોમાં છે સૂર ને તાલ,

તેમાં છે ‘મા સરસ્વતી’નો વાસ.

જે સમજે આ આભાસ,

તરી જાય એ દરિયો અગાધ.

સંભળાય છે મોજા અફાટ,

મોતી રત્નોનો ઉભરાટ.

‘હમ્‍’નાં સ્પંદને ખુલે વિશુધ્ધિ,

મૌન બને શબ્દો ને ગૂંજે આકાશ.

મૌનનાં આકાશે શબ્દો સરજાય,

અને પહોંચે હરિજન અંતર આવાસ.

મૌનની ભાષા છે તો અનેરી,

મૌનનાં આકાશે બ્રહ્મનાદ સંભળાય.

મેં શોધ્યું એક આકાશ,

તેમાં શબ્દોનો આવાસ.

કલ્પના રઘુ

મિત્રો ,

મેં કહું તેમ ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમ ની મોસમ ,જયાં જોવો ત્યાં પ્રેમ છલકાય …..તો આપણા કલ્પના બેન ને કુંપણ ની જેમ જે દિલ માંથી જે સ્ફૂરીયું …..તે શબ્દોમાં લેખી મોકલ્યું ,વાત પાલવની છે ,ઘણા કવિએ પાલવ પર કવિતા લખી છે ,,.-હરીન્દ્ર દવે—“.જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે”,આપ સહુ આ ગીતથી તો પરિચિત છો ,પત્નીનો પાલવ ,એક પ્રેમનું સાધન છે ,જેમ વેણી  લવાય તે પ્રેમ છે તેમ પુરુષ દાઢી કરતો હોય અને પત્નીના પાલવથી મોઢું લુછે તે પણ પ્રેમ જ છે ,હવે ભલભલા પાલવ થી પ્રેમમાં પડ્યા તો રઘુભાઈ(કલ્પનાબેન ના પતિ ) થોડા બાકાત રહે……

પાલવ ભીની પ્રીત-16

 

તેં પલવડે બાંધી મારી પ્રીત, અને રાત્યું ગઇ અનમીટ.

નજર્યુંમાં મળી નજર્યું, અને બીડાઇ ગઇ આંખ્યું.

પ્રીત એકમેકમાં સમાણી અને સરજાઇ રંગોળી સપનાની …

આભ ને તારા, ચાંદ ને ચકોર, બન્યા સાક્ષી સહુ સપનાનાં …

કોયલ ટહુકી ને પાલવમાં થયો સળવળાટ … સૂરજનાં સોનેરી કીરણોથી તૂટયું એ સપનું.

રાત ગઇ ભોર ભઇ, હું જાગી તું જાગ્યો, એક નિઃશબ્દ તૃપ્તિનો આભાસ ભયો

બસ હું અને તુ, તુ અને હું … અને મારે પલવડે તારી પ્રીત્યુ સમાણી.

 

કલ્પના રઘુ

***************************************************

“તો સારું “–કલ્પના રઘુ-!15

મિત્રો
 હસવાને બિમાર ન પડવા માટેનો સૌથી જૂનો નુસખો માનવામાં આવે છે. ડૉક્ટર પણ લાફ્ટર થેરેપી (હાસ્ય દ્વારા લોકોનો ઈલાજ) દ્વારા અનેક બિમારી ઠીક થતી હોવાની વાત કરે છે. તમને હસાવવા માટે તો સારું બેઠકની સૌથી રમુજી  રજૂઆત કલ્પનાબેન ની રહી ,હસવું સૌને આવે પણ જાહેરમાં લોકોને હસાવવા માટે સૌથી પહેલા તમારો પોતાનો સ્વભાવ વિનોદી હોવો જોઈએ. અને રમૂજ કેવી રીતે કરવી તેની સમજ હોવી જોઈએ।….. પોતાની વાત કહી લોકોને હસાવવા માટે હિંમત અને રજુ કરવા માટે આવડત બન્ને જોઈએ।..લોકો સહુ  હસતા હતા કારણ એમના એક એક વાક્યમાં  લોકોને પોતાના જીવનનો પડઘો સંભળાતો હતો હવે વધુ શું કહું તમેજ વાંચીને કહો અથવા “તો સારું  ”બેઠક ની વિડીઓ જોઈ લેજો  ….

‘તો સારૂ’

મિત્રો,

મેં અને મારા પ્રેમી પતિ રઘુએ જ્યારે ૬૦ વર્ષનો ઉંબરો ઓળંગ્યો છે ….. કેટલો વિરોધાભાસ લાગે છે. નહીં? આ પ્રેમી અને પાછો પતિ ….. આમ તો કહેવાય છે કે લગ્ન એટલે પ્રેમનું પૂર્ણવિરામ અથવા બાદબાકી ….. પરંતુ અમને બન્નેને વિરોધાભાસ સદી ગયો છે. એમ કહેવાયને કે કોઠે પડી ગયો છે.

તો હા ….. અમે જ્યારે ૬૦ વર્ષનો ઉંબરો ઓળંગ્યા ત્યારે આ ‘તો સારૂ’નાં શિર્ષક હેઠળ મારા માટે આનાથી બીજુ કાંઇ લખવા જેવું યોગ્ય ના લાગ્યું અને મેં લખી નાખ્યું ….. જે હું સંભળાવી રહી છું અને આ રચના હું મારા પ્રેમી પતિ રઘુને અર્પણ કરૂં ….. ‘તો સારૂ’.

આવશો ‘તો સારૂં’ અને જાશો ‘તોય સારૂ’

આ આવન-જાવનમાં જીન્દગી જવાની ‘તો સારૂ’

જવાની તો જવાની અને ઘડપણ આવે ‘તો સારૂ’

કંઇક મેળવ્યું ‘તો સારૂં’, કંઇક ગુમાવ્યું ‘તો સારૂ’

ગુમાવેલું પાછું આવીને મળે ‘તો સારૂ’

આ આખાય આયખાને ખૂંદીને જીવતરમાં ‘રીવર્સ ગીયર’ પડે ‘તો સારૂ’

આ મારા-તારાનાં મેળામાં ભેળા થઇએ ‘તો સારૂ’

હવે તો તુ મારી રતન અને હું તારો રતનીયો બનું ‘તો સારૂ’

પરંતુ તુ હવે મને આયનો બતાવવાનું બંધ કરે ‘તો સારૂ’

રીસામણા મનામણામાં વર્ષો વિતાવ્યાં પણ આખરે હવે એકમેકનાં થઇને રહીએ ‘તો સારૂ’

હાલને, જીવનની પાનખરને પલટાવીએ ‘તો સારૂ’

તું હવે કંઇક વાતો કરે ‘તો સારૂ’

જીવનમાં કરેલી ભૂલોને સુધારીએ ‘તો સારૂ’

નથી ભોગવ્યું તે ભોગવી લઇએ ‘તો સારૂ’

ફરી એજ હારજીતનાં ચક્કરમાં પડીએ ‘તો સારૂ’

આજ જીતે તું અને હારુ હું ‘તો સારૂ’

અને ક્યારેક હું જીતુ અને તું હારે ‘તો સારૂ’

ફરી નવી ઘોડી નવો દાવ રમીએ ‘તો સારૂ’

ફરી એજ ઢીંગલા-ઢીંગલીનો ખેલ ખેલીએ ‘તો સારૂ’

ફરી એજ જીન્દગીની ચોપાટ રમીએ ‘તો સારૂ’

ચાલને, એકબીજામાં ખોવાઇ જઇએ ‘તો સારૂ’

અને હજારો-લાખોમાં ચર્ચાઇ જઇએ ‘તો સારૂ’

મારી આંખ મીચાય તે પહેલાં તુ મને દિલથી ‘I Love You’ કહે ‘તો સારૂ’

આ મારા-તારાનાં ખેલમાંથી આપણે બનીએ ‘તો સારૂ’

અને આવતા જન્મે મળવાનો વાયદો કરીને છૂટા પડીએ ‘તો સારૂ’

એકબીજાને ‘અલવીદા’ કહીએ ‘તો સારૂ’

અંતે એક બનીને શીવમાં ભળીએ ‘તો સારૂ’

અને તમે બધાં હવે થોડી તાળીઓ પાડો ‘તો સારૂ’

અને હું તમારો આભાર માનીને વિરામ લઉં ‘તો સારૂ’

હાલને રઘુ, તુ હવે આ કીકીઓથી મને કેમેરામાં કંડારવાને બદલે હમેશ માટે દિલમાં બેસાડે ‘તો સારૂ’

આભાર.

-કલ્પના રઘુ-

*******************************************************************************************************

 

Republic Day 2014

વંદે માતરમ્

સુજલામ્ સુફલામ્ મલયજશીતલામ્

સસ્યશ્યામલામ્ માતરમ્

મિત્રો ,

આજે છવ્વીસ મી જાન્યુઆરી હું બધાને શુભેચ્છા નહિ :વંદે માતરમ” કહીશ ,કારણ આજે આપણે સ્વતંત્ર ભારતની ખુલ્લી હવામાં જે શ્વાસ લઇ રહ્યા છે એની પાછળ અનેક લોકોના બલિદાન છે…ભારતવાસીઓ આજે  ૬૫માં ગણતંત્ર  દિન ઉજવી રહ્યા છે.ત્યારે કેમ ભૂલાય એ વ્યક્તિઓં? કેમ ભૂલાય એ કુરબાની ?જેના થકી ભારતદેશ  સ્વતંત્ર થયો….” વંદે માતરમ્” એ માત્ર ગીતના શબ્દો નથી.રાષ્ટ્રની જય ચેતનાનુ ગાન છે,રાષ્ટ્રભક્તી પ્રેરણાનુ ગાન  છે ,વીરોના બલિદાન નો સિંહનાદ  એટલે  “વંદે માતરમ્ “..વીર પુત્રોનો અમર લલકાર એટલે “વંદે માતરમ “…આ શબ્દો કાને અથડાતાની સાથે જ ગમે તેવા દેશવાસીના મનમાં રાષ્ટ્રભક્તિનો સાગર ઉછળી ઉઠે છે…”વંદે માતરમ્.” ઉચ્ચ કોટિના રાષ્ટ્રભક્તથી માંડીને સામાન્ય માનવી સુધીના તમામ લોકો આ બે શબ્દોથી જુદી જુદી માત્રામાં ઉત્તેજિત થયા વિના રહેતા નથી.બસ તો કલ્પનાબેન બાકાત કેમ રહી શકે! …. આજ ભાવનાને  કલ્પનાબેને   શબ્દસ્વરૂપ આપી આલેખી છે.

 

વંદે માતરમ્-14
વંદે માતરમ્namaste_india.JPG

વંદે માતરમ્

વંદે માતરમ્

                                                        એક છે જનની જનમ દેનારી,

એક છે જગદ્‍જનની અમારી,

એક છે ભારતમાતા સૌની એક છે ભારતમાતા.

આજે ૨૬મી જાન્યુઆરીએ,

વંદન કરીએ ભારત માને,

શતકોટિ પ્રણામ ભારત મા શતકોટિ પ્રણામ.

સલામ અમારા રાષ્ટ્રધ્વજને,

વિજયી બની લહેરાય તિરંગા,

બંદુકની સલામી સાથે સૌ ઉંચા મસ્તકે બોલે,

જ્ય હો ભારત મા, જય જ્ય હો ભારત મા.

વંદન કરીએ શહીદ બાંધવોને,

શહીદી વહોરી વતન કાજે,

કોઇની માંગ બની સુની તો કોઇની ઉજડી કોખ.

એ શહીદ અને તેમનાં સ્વજનને,

શતકોટિ પ્રણામ અમારા શતકોટિ પ્રણામ.

એક ધરા પર સૌ વસનારા,

હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ,

માતરે હિન્દનાં સંતાન છે માટે,

સૌ હિન્દુસ્તાની છે ભાઇ-ભાઇ.

સૌ ભરતીય કરે પોકાર…..

વંદે માતરમ્‍… વંદે માતરમ્‍

—-કલ્પના રઘુ—–

 

 

૨૦૧૪ – નવો સંકલ્પ જીવનની સવાર – પ્રભાત…-કલ્પના રઘુ-13

૨૦૧૪ – નવો સંકલ્પ

જીવનની સવાર – પ્રભાત…

જીવન ગાડી ૨૦૧૩નું સ્ટેશન વટાવી ચૂકી છે. ૨૦૧૪માં પ્રવેશ નક્કી છે. તો થઇ જાઓ તૈયાર.

વધારાનાં સમાનનો ભાર દૂર કરો. હતાશા, નકારાત્મક ભાવ, લાચારી અને અશુભ ભાવોને દૂર કરો. ૨૦૧૪નું સ્ટેશન નજીક છે. જોજો, જે તમારું નથી તેને ત્યાંજ છોડી દો. જાગૃતિ, સભાનતા અને સ્વમાન સાથે ભીતરની ભાતને પ્રગટાવો.

૨૦૧૪ની સવાર… સ્ટેશન આવ્યું. જુઓ, નવી દિશાઓ દઇ રહી છે તમને સાદ… નથી અશુભ તત્વની કોઇ વિસાત! આંખો ખોલો… દિલ ખોલો… નવા સંક્લપના સંદર્ભમાં બોલોઃ “હવેથી મારી ક્ષણેક્ષણને પલટાવી નાંખીશ સત્કર્મમાં, વાસ્તવિકતામાં. ખોખલા સંબંધો, સંજોગો અને ક્ષણોને આપીશ હ્રદયવટો.”

અને પ્રાર્થના કરીશ,

“દિવો રે પ્રગટાવો આજ, કેડીને અજવાળો…

દિવો રે પ્રગટાવો”

વાત સાચી છે.. ઉજાસનાં ઉદઘાટનની છે, જાતને પ્રગટાવવાની છે, આંતરિક સમૃધ્ધિને છલકાવવાની છે.

શરુ થઇ છે સફળતાની બારાત… તમને છે ઇશ્વરનાં આશિર્વાદ.

સૌને ૨૦૧૪નું સાલમુબારક.

નમઃ શિવાય.

કલ્પના રઘુ

Share this:

સંબંધોના સમીકરણો-કલ્પના રઘુ-12

મિત્રો,
કલ્પનાબેન એક ખુબ વાસ્તવિક વિષય સાથે આવ્યા છે જે આપણને વિચાર કરતા મુકે છે ,જન્મતાની સાથે સંબંધોમાં અજાણતા જ બંધાઈ જતો માનવી, અને કયારેક અજાણતા તોડી નાખતો માનવી આખી જંદગી વણઉકેલી ગુંચમાં એવો અટવાય છે કે ખબરજ પડતી નથી કે હું સાચો કે સંબધો?……..કયારેક થોડી ગુંચ ઉકેલાય તો એમ સમજે છે કે હું ડાહ્યો પરંતુ નિરાંતે વિચારે તો ખબર પડે છે કે આપણે સહુ માત્ર નિમ્મિત !…….કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે છે અને સંબંધો રચાય છે અને વ્યવસ્થિતને આધારે અચાનક જિંદગીમાંથી દુર પણ ચાલ્યા જાય છે આપણે એને તૂટેલા સંબધોનું નામ આપીએ  છે, નિમ્મિત ને દોષિત ઠરાવવાથી શું ફાયદો?……. ,દોષ માત્ર અપેક્ષા નો છે,…તો પછી દરેકમાં  શુદ્ધ આત્મા કેમ ન જોવો ?
કલ્પનાબેને ખુબ સરસ વાત કરી છે,”સંબંધોનાં સમીકરણો અઘરાં છે. સંબંધોના સરવાળા હોય, ગુણાકાર હોય, બાદબાકી નહીં. જેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેનું નામ બંધન, પરંતુ જે આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ … !!!

સંબંધોના સમીકરણો

એક અબોધ બાળકનો જન્મ થાય છે. પોતાની આસપાસનાં જગતને સમજે એ પહેલાંજ મા-બાપ, પરિવાર, સગાસંબંધીઓ અને સંસ્કૃતિના રખેવાળ ગણાતાં લોકો દ્વારા ઉછીના વિચાર, ઉછીની ઓળખ અને ઉછીની સમજ આપી દેવામાં આવે છે. સૌથી પહેલાં એની આસપાસ સંબંધોની જાળ બિછાવવામાં આવે છે. ધીમે ધીમે એને પોતાના અને પરાયાનો અહેસાસ સ્પર્શની, લાગણીની અને આત્મીયતાની ભાષા દ્વારા થાય છે. કોઇકનો સંબંધ અને સ્પર્શ એને ગમે છે. કોઇકનો નથી ગમતો. પરિવારની સાંકળ એને બાંધવા લાગે છે. સ્વયંની સમજ કશુંક સમજે એ પહેલાંજ બાળકની આસપાસ મા-બાપ અને પરિવાર દ્વારા આરોપિત સમજ અને ઓળખનું એક અભેદ્ય કવચ રચાય છે. મારું-તારું-આપણું અને પોતીકા-પરાયાનું પરંપરાગત અને ઉછીનું જ્ઞાન એને જીવનભર એ માળખામાં પૂરી રાખે છે. બાળક મોટું થાય અને વિચારતું થાય એ પહેલાંજ તેનાં અબોધ મન પર નવાં આવરણ અને ઓળખ-સમજનાં અનેક મહોરા ચઢાવી દેવામાં આવે છે. જેથી તે પરંપરાગત સંબંધોની જાળમાંથી છટકી ના શકે.

સંબંધોનાં સમીકરણો અઘરાં છે. સંબંધોના સરવાળા હોય, ગુણાકાર હોય, બાદબાકી નહીં. જેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેનું નામ બંધન, પરંતુ જે આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ … !!! પછી તે લોહીના હોય, લાગણીના હોય કે પછી સ્વાર્થના … “મનુષ્ય એક સામાજીક પ્રાણી છે” એ નિયમે કોઇ વ્યક્તિ એકલો ચાલી શકે એવો રસ્તો હજુ સુધી બની શક્યો નથી. એ સંબંધોનાં મિનારાનાં પાયામાં કેટલાંક સુવર્ણ નિયમોનું પાલન જરૂરી છે જેમ કે Theory of Social Exchange – અરસ-પરસની આપલે, Theory of Give and Take, Forgive and Forget, હકારાત્મક અભિગમ અને બીજા ઘણાં બધાં … સંબંધોમાં creativity, સમારકામ અને માવજત પણ જરૂરી છે અને તોજ સંબંધની ઇમારત મજબૂત બની રહેશે.

ક્યારેક એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ ભ્રમણાઓમાંજ પાંગરે છે અને વિલાય છે. ભ્રમણાજ સંબંધોને મારે છે અને સંબંધોને શણગારે છે. ભરમનાં વમળમાં ફસાયેલો માનવીજ સંસાર-સાગરને સારી રીતે તરી શકે છે. સારી કુટુંબ વ્યવસ્થા, સારી સમાજ વ્યવસ્થાના પાયામાં એ જરૂરી છે કે માનવી ભ્રમણાનો આંચળો ઓઢીને ફરે. એક વ્યક્તિ બીજી વ્યક્તિનું મન વાંચી શક્તી હોત તો ? એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે શું વિચારી રહી છે તે જાણી શક્તી હોત તો ? તો ધરતી પર કોઇને કોઇની સાથે સંબંધજ ના રહે. માનવ, માનવ મટીને પશુતા પર ઉતરી આવે, ખરુંને? આમ જીવન ભ્રમણાઓની વચ્ચે પસાર થતું હોય છે અને સંબંધોના ટોળાની વચ્ચે ખોવાયેલું હોય છે.

આ સંબંધો શું હંમેશા સાચા જ હોય છે? કોને સાચા કહેવા? હમેશા સાચા હોવાનો અહેસાસ કરાવવો પડે, એ સંબંધો સાચા છે? તો એ સંબંધોનો મતલબ શું? કોણ તમારૂં છે? મારું-તમારુંમાંજ આ જીવ ગોથા ખાઇ રહ્યો છે. લોલકની જેમ અહીંથી તહીં ફાંફા મારે છે. ક્યારેક પારકુ તો ક્યારેક પોતાનું. આ સંબંધ સાચવવા માટે અટવાયા કરવું, એ જ આ ભવનું ભવાટમણ ? ક્યારેક લાગે કે સંબંધોની ખેતીમાં જેવું વાવો તેવું લણો. ગુલાબ વાવો તો ગુલાબ, અને બાવળ વાવો તો કાંટા… શું આ સાચુ છે? આ ખેતી તમે ગમે તેટલી કાળજીથી કરો, સારા ખાતર-પાણી નાંખો, ખેડો, ટ્રીમીંગ કરો. તડકો હોય કે વરસાદ કે ઠંડી, દરેક અનુકૂળ, પ્રતિકૂળ સંજોગોમાં તમે જે સંબંધોની ખેતીની તમારી જાતની પરવા કર્યા વગર તન, મન, ધન અને લાગણીથી કાળજી લીધી હોય અને ફૂલનાં બદલે કાંટા મળે. વ્રુક્ષને મોટું કરો અને તમારી ઉપર જ પડે, તમને નામશેષ કરી નાંખે, તમારું અસ્તિત્વ જ મિટાવી દે… લોહી સીંચીને ઉભા કરેલાં સંબંધોના ખેતરો પણ ફળ વગર નકામા જાય…જીંદગીભરની મહેનત…એજ વલખા…એજ વલોપાત. દોષ કોને દેવો? કહેવાય છે કે સમયથી પહેલાં અને નસીબથી વધારે ઇશ્વર ક્યારેય કોઇને આપતો નથી. સંબંધો તૂટે છે અને સચવાય છે ૠણાનુબંધથી. સંબંધોની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે લોહીની સગાઇ હોય અને કુટુંબનાં પ્રસંગમાં મૃતાત્માનું આવાહન કરાય અને જીવતી વ્યક્તિને નામશેષ કરાય. કેટલીક સગાઇમાં મૃત્યુ પહેલાં સંબંધો મરી પરવારે છે. આ કરમની કઠિનાઇ નહીં તો બીજુ શું? સંબધોમાંથી પ્રેમની બાદબાકી થઇને પુર્ણવિરામ થાય છે ત્યારે તેનો ભાર અસહ્ય બની જાય છે.

તો ક્યારેક જીવનમાં એવાં સંબંધો પણ બંધાય છે અને સંધાય છે જે જીંદગીભર સંધાયેલા રહે છે. ન ધારેલી વ્યક્તિઓ જીવનમાં પ્રવેશીને તમારા અનેક સારા કાર્યોમાં નિમિત્ત બને છે તેમજ ખરાબ સમયે પડખે ઉભા રહીને પ્રેમ અને હૂંફ આપે છે. આ પણ એક ઋણાનુબંધ છે.

સંબંધો ખૂબ આંટીઘૂંટી વાળી બાબત છે. તે માણસના મન સાથે જોડયેલી છે અને મનને કોબી-કાંદાની જેમ કેટલાંય પડ હોય છે. આ દરેક પડ પોતાની જરૂરીયાત, માન્યતા, ભૂતકાળનાં અનુભવો અને પોતાની સગવડ અને સમજણ મળીને સંબંધની એક વ્યાખ્યા ઉભી કરે છે. મારી બારીમાંથી દેખાતું આકાશ, કદાચ તમારી બારીમાંથી દેખાતા આકાશ સાથે મેળ ખાતું ના હોય એમ બને પણ તેથી મને જે દેખાય છે એ અને એટલુંજ આકાશ અસ્તિત્વ ધરાવે છે એમ માનીને જીવ્યા કરવું એનાથી મોટી બેવકુફી અને અંધાપો બીજો કોઇ નથી.આ જગતમાં કોઇપણ પદ પર, કોઇ પણ વ્યક્તિની સાથે, કોઇપણ પરિસ્થિતિમાં ત્યાં સુધી રહેવું જોઇએ, જ્યાં સુધી આપણી જરૂરત હોય.

“જર્જરીત સંબંધોની યાદોનું પાનું ફાડવું સહેલું નથી. આપણું હોવાપણું ઓગાળવું સહેલું નથી.

મન ભલેને કહે હિમાલય જઇને તું કર સાધના. પણ સ્વજનને છોડીને ભાગવું સહેલું નથી.”

જીંદગીની સફર લાંબી હોય છે અને સફર(પ્રવાસ)નો સોનેરી નિયમ છે “Travel Light” ભાર ઓછો રાખો. એમ કહેવાય છે કે સૂટકેસમાં જેમ ઓછો સામાન તેમ મુસાફરી આસાન. જીવન-યાત્રા દરમ્યાન કંઇક નવા સંબંધો ઉભા થવાનાં, માટે આપણે બાંધેલાં અનેક પ્રકારનાં સંબંધો જે ખોટા વજનદાર અને છોડવા જેવા છે, તેને છોડી દેવાનું, ભૂલી જવાનું શીખવું જોઇએ તો મન ઉપર કોઇ બીનજરૂરી વજન રહેશે નહી. અને આપણે હળવાફૂલ રહીને આપણી જીવનયાત્રા નિર્વિઘ્ને પૂરી કરી શકીશું.

સંબંધોનાં આ તાણાવાણા ઇશ્વરે વણકર બનીને તેની કઇ હાથશાળામાં વણ્યાં હશે તે તો ઇશ્વરજ જાણે. સંબંધો બાંધતાં વર્ષો વીતી જાય છે અને તૂટી જાય છે એકજ ક્ષણમાં. માટે નવા સંબંધો બાંધતા વિચારો કારણકે લોહીનો સંબંધ ઇશ્વરીય દેન છે. પરંતુ અન્ય સંબંધો તમારા સર્જેલા હોય છે અને તે સંબંધો યોગ્યજ હોય તો તેને નિભાવી જાણો. એમાંજ સંબંધની સાર્થકતા હોય છે. આપણી જીંદગીમાં થયેલાં સારા-મીઠાં  બનાવો આપણે ભૂલવા માંગીએ નહીં, તો કદાચ ચાલે. કારણકે તેનું વજન હોતુ નથી. પણ કડવા સંબંધો અને ઘટનાઓની સ્મૃતિ એકદમ વજનદાર હોય છે. એનો બોજ ઉપાડીને જીવતા રહેવાથી પીઠ ઉપર કાપા પડી જાય છે. મતલબ કે શરીર અનેક રોગોનો શિકાર બને છે.

અને છેલ્લે, ઇશ્વર નિર્મિત્ત તમારી દરેક જવાબદારી નિભાવીને તમે જ્યારે જીવન સંધ્યામાં પ્રવેશ કરો છો ત્યારે દરેક વ્યક્તિએ વિચારવુ રહ્યું કે સાચો સંબંધ ક્યો? આ માયાવી સંસારનાં માયાનાં પડળો વટાવીને આત્માને સાધવાનો સમય આવી ચૂક્યો છે. જ્યાં પારકાને પોતાનાં અને પોતાનાંને પારકા બનતાં પળની પણ વાર નથી લાગતી, ત્યાં માત્ર ઇશ્વર સત્ય છે, કહેવાતા સ્વજનો મિથ્યા છે, એ ભૂલવું ના જોઇએ જેની સાથે સંબંધ તૂટે છે તેનો આભાર માનવોજ રહ્યો. તો જ તમે આત્મા સાથે સંબંધ બાંધી, પરમાત્મા તરફ પ્રયાણ કરી શકશો અને બાકીની જીંદગીમાં ક્ષણોને નહીં જીવનને ઉમેરીને જીવન સાર્થક કરી શકશો.

નમઃ શિવાય.

કલ્પના રઘુ

ગુજરાતી વ્યક્તિત્વને જીવંત રાખવા -હું કલ્પના રઘુ-11

સભા ગુર્જરી

મિત્રો, હું કલ્પના રઘુ, સૌ પ્રથમ તો અહીં સભા ગુર્જરીમાં બેઠેલાં તમામ ગુર્જરોને મારા પ્રણામ કરું છું.

સભા ગુર્જરીનો વડલો વિશાળકાય બનતો જાય એ માટે શુભેચ્છા સાથે કહીશ ‘ વટસ્ય પત્રસ્ય પુટે શયાનં, બાલં મુકુન્દં મનસા સ્મરામી’. અને આ સાથે મારું વક્તવ્ય રજુ કરું છું. વડલાનાં વડીલ સમા મુ. મીરાબેન અને મહેન્દ્રભાઇને મારા વંદન.

ગુજરાતી વ્યક્તિત્વને જીવંત રાખવા માટે તેના પાયામાં છે ગુજરાતી ભાષા. ભાષાની વાત આવે ત્યારે રસકવિ શ્રી પ્રેમાનંદને કેમ વિસરાય?

સોળમાં સૈકાનો એ જમાનો હતો, જ્યારે ગુજરાતી ભાષા બાપડી, બિચારી કહેવાતી. એનું ચાર પૈસાનું મૂલ્ય અંકાતું અને લોકો કહેતા, “ અબે ટકે કે સોલાહ આને, અઠે કઠે કે બાર, આઠ હી આને ઇકડં તિકડં, શું શા પૈસા ચાર ”.

એ જમાનામાં પ્રેમાનંદ આવ્યાં અને પ્રતિજ્ઞા કરીકે, જ્યાં સુધી માતૃભાષા ગુજરાતીને બીજી ભાષાની તોલે નહીં મૂકુ, ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરુ. આજીવીકા માટે તેઓ કથા, વાર્તા, આખ્યાનો કહેતાં. તેઓ માણભટ્ટ કહેવાયા. સુદામા ચરિત્ર, નળાખ્યાન, કુંવરબાઇનું મામેરું, દશમસ્કંધ પ્રેમાનંદની ઉત્તમ કૃતિઓ મનાઇ છે.પ્રેમાનંદની લોકપ્રિયતાં તેના સમગ્ર આખ્યાનોમાં ગૂંજતું ગુજરાતી વાતાવરણ છે. નન્દ કે જસોદા, ઓખા અને અભિમન્યુ, કૃષ્ણ કે રામ, સુદામા કે નળ – બધાં જ પાત્રોને તેમણે સમકાલીન ગુજરાતી પાત્રોમાં રમતાં મૂકી દીધાં. ગુજરાતી સમાજનાં વહેવારવટ, ઘરવખરી, વહેમરિવાજ – સૌનું હૂબહૂ નિરૂપણ પ્રેમાનંદે કર્યુ છે.પ્રેમાનંદ, અખો અને શામળે ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરી.પ્રેમાનંદનાં આખ્યાનોમાં કુંવરબાઇનું મામેરુ હું આપને વાંચી સભળાવીશ.

 કુંવરબાઈનું મામેરું – પ્રેમાનં

દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;

અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.

મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત :
‘કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ ? સાસરિયાં કાંઈ રાખે પ્રેમ ?’

જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ,
કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી.

નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.

નિર્ધનનું કહ્યું કો મન નવ ધરે, નિર્ધનનું સહુ કૌતુક કરે,
નિર્ધનને સહુ ઘેલો ગણે, નવ રાખે ઊભો આંગણે.

લોક બોલાવે દુર્બલ કહી, એથી માઠું કાંઈ બીજું નહિ;
તાત, કાંઈ ન કરો ઉદ્યમ તો આ અવસર સચવાશે ક્યમ ?

નથી લાવ્યા તમે નાડાછડી, નથી મોડ ને કુંકુમપડી;
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ ?

કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મૂઈ મરતે માત ?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ?

જે બાળકની માતા ગઈ મરી, બાપસગાઈ સાથે ઊતરી;
જ્યમ આથમતા રવિનું તેજ, મા વિના ત્યમ બાપનું હેજ.

સુરભિ મરતે જેવું વચ્છ, જલ વિના જેમ તલફે મચ્છ;
ટોળાવછોઈ જ્યમ મૃગલી, મા વિના પુત્રી એકલી.

લવણ વિના જ્યમ ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન,
કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન.

શું કરવા આવ્યા ઉપહાસ ? સાથે વેરાગી લાવ્યા પચાસ;
શંખ તાલ ને માળા ચંગ : એ મોસાળું કરવાના ઢંગ ?

નહીં તો પિતાજી, જાઓ ફરી,’ એમ કહી રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ, ‘મોસાળું કરશે વૈકુંઠનાથ !’

મિત્રો, આજે આપણે જ્યારે આ સભા ગુર્જરીના સાગરમાં હિલોળા લઇ રહ્યાં છીએ ત્યારે સાહિત્ય જગતનાં કેટલાંક સારસ્વતોના સર્જનને યાદ કરી લઇએ અને તેમની કૃતિઓનાં અમીછાંટણા લઇને પવિત્ર યાદોને તાજી કરીએ તે આશય સાથે હું આ યાત્રા આરંભુ છું. તેમાં આપ સૌ જોડાઓ – મજા આવશે…..

– ફાધર વાલેસ થી જે યાત્રા પ્રારંભી- અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા. ત્યાં તો દલપતરા મે ઋતુઓનું વર્ણન કર્યુ.- ‘ગની’ દહીંવાલા એ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.- અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.- દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશી એ પરિચય આપ્યો.- મરીઝ એ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.- ‘શૂન્ય’ પાલનપુરી એ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.- ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.- ઝવેરચંદ મેઘાણી એ લગાડ્યો કસુંબીનો રંગ. – હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ.- સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠી એ ધન્ય કર્યા.- રમણલાલ દેસાઈ એ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએકઆજ્ઞાધારી વિમાન બની ગયું!- ખબરદાર એ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.- બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ! – મીઠાં મધુને મીઠાં —- છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.- બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તેસહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”- રાવજી પટેલ એ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ- ઈન્દુલાલ ગાંધી એ આંધળી માનો પત્ર પ્હોચાડયો.- અખો  તમે મૂરખ બન્તાં બચાવ્યા. અખાના પ્રખ્યાત છપ્પામાંનો એક – “એક મૂરખનેએવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ અખાવડુ ઉતપાત ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?”- સુંદરજી બેટાઈ એ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”- રાજેન્દ્ર શુકલ ના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?- નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.- હેમન્ત દેસાઇને મનગમતું ગમયું -“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાંકોઇ પણ મને ગમે.”- માણસમાં રાખ્યા જયંત પાઠક એ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”- બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં- કૃષ્ણલાલ શ્રીધરાણી  સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસરૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછોજા !- “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ” પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રા….મ.- પ્રીતમ નો હરીનો મારગ શૂરાનો છે.- મકરન્દ દવે નો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે નભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”- ચંદ્રકાન્ત બક્ષી નું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવીજોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”- સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે- “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.- ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબરસુધી.”- જયંતિ દલાલ નું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકરલાગતું જ નથી. “- કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.- “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.- પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,” પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”- કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,- કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘ “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”- કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું- મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડો કલમને, ને હાથ આખેઆખો બળે છે?- ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય- નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “- દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!- ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?- “માથું અરીસામાં જ રહ્યું.ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.- તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”- અશોક દવે, તમારે તો “લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”- “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે. ઉલટા ચશ્મા- ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” અને લોકો સુધી પ્હોચાડે છે બ્લોગ દ્વારા.

તો મિત્રો અહીં હું મારા વક્તવ્યને વિરામ આપુ છું.

ધન્યવાદ, સૌ ગુર્જરોનો.

તાઃ Nov 30, 2013           સંકલનઃ કલ્પના રઘુ

સભાગુર્જરી ૧ -કલ્પના શાહ

*************************************************

સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …-10

મિત્રો

આજે આપણા  કલ્પનાબેન એક સુંદર ટુંકી વાર્તા લઈને આવ્યા છે,શબ્દોમાં સરળતા છતાં ખુબ મોટી વાત વાર્તામાં વર્ણવી છે, અંત સુધી જકડી રાખે છે , વાર્તા આપ જ વાંચી આપના અભિપ્રાય જણાવશો.

સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …..

આજથી ૫ વર્ષ પહેલાં સોમવારની સવારે વૃંદાવન સોસાયટીના મહાદેવમાં ચંપાબેન મળી ગયાં. ત્યારે તેમની ઉંમર ૬૫ વર્ષની હતી. મને કહે, “બહેન મેં સાંભળ્યું છે કે તમને બહુ બધાની જિંદગી વાંચવાનો અનુભવ છે. મારે પણ તમને કંઇક કહેવું છે.” આમ તો ઘણાં વર્ષોથી મહાદેવમાં અવારનવાર મળતાં. ક્યારેક સ્મિત તો ક્યારેક વેદના એમનાં ચહેરા પર જોવા મળતી અને મને પણ તેમનાં જીવનમાં ડોકિયું કરવાનો સળવળાટ જાગતો. આજે મને મળતી એ તક હું કેવી રીતે જવા દઉં? મેં કહ્યું, આજની બપોર તમારી સાથે.

અને હું પહોંચી ગઇ તેમનાં ઘરે ….. તેમની આંખોમાં મારા માટેની પ્રતિક્ષા હતી. મને કહે, બહેન, હવે તો મારી આંખોનાં આંસુ પણ સૂકાઇ ગયાં છે. હું થાકી ગઇ છું. મેં થોડું આશ્વાસન આપ્યું. અને, તેઓ જાણે ભૂતકાળમાં સરી પડ્યા.

બહેન, મારી જિંદગી એક બાળકી, દીકરી, બહેન, ભાભી, નણંદ, પ્રેયસી, પત્નિ, માતા, દાદીમા ….. કેટ કેટલાં સંબંધોનાં જાળામાં, એક રસ્તે રઝળતી વાર્તા બની ગઈ છે.

મારી મા પુષ્પાબેન, તેમની કોખે બાળકી અવતરી નામે ચંપા. દિકરો હોત તો પેંડા વહેચાત પરંતુ બાળકી સ્વરૂપે મને કમને સ્વીકારી – સમાજે, કુટુંબે …… અને મારો ઉછેર શરૂ થયો. તેમાં પણ સરખામણી મારા મોટા ભાઇ રમેશ સાથે. રમેશ કંઇ પણ કરી શકે. કોઇ રોકટોક નહીં કારણ કે એ દિકરો હતો, જ્યારે હું દિકરી. અમુક રીતે બેસવું, ઉઠવું, ચલાવી લેતા શીખવું જોઇએ. કારણ? તેને પરણીને સાસરે જવાનું છે.

પિતાના આંગણે ઉછરતી, પાંગરતી, એવી હું જ્યારે યુવાનીમાં પ્રવેશી ત્યારે મારા હૈયામાં ઢબુરાયેલો છાનો  અસંતોષ, એ પારકાપણાંની ભાવના આકૃતિ લે છે ….. યુવાનીનાં ઉમરે સોણલામાં રાચતી એવી આ ચંપાએ તેનું ઘર અને પતિનાં સ્વપ્ના જોવાનાં શરૂ કર્યા.

અને બહેન, જિંદગીનાં જંગલમાં અથડાય છે એક પ્રેમી નામે રમણલાલ. હું શું કહું બહેન, મને લાગ્યું કે મને મારી મંઝિલ મળી ગઇ. તેની સાથેનુ એ મિલન અદ્‍ભૂત, અકલ્પ્ય હતું. પગમાં કાંટો વાગે તો પ્રેમી પગ હાથમાં લઇ, સાચવીને કાંટો કાઢી લઇને પગ ચૂમી લે, અને એ દુઃખ ગાયબ થઇ જાય. પ્રેમમાં કેટલી તાકાત હોય છે? હું તે વખતે સુખનાં સર્વોત્તમ શિખર પર સ્વપ્નામાં રાચતી. ખરેખર બહેન, દુનિયાના તમામ સંબંધોની વ્યાખ્યાઓ તે સમયે મને નામશેષ લાગી. હું કેટલી ભોળી? મને હાશ થઇ અને મારું નસીબ કે એ પ્રેમી સાથે લગ્ન થયા ….. અને હું પ્રેયસીમાંથી પત્નિ બની.

ક્યારેક એમ કહેવાય છે કે લગ્ન એટલે પ્રેમનું પૂર્ણવિરામ અને પતિના અધિકારની ભાવનાની શરૂઆત. સપ્તપદીનાં ફેરામાં બન્ને પક્ષે કંઇક વચનોની આપલે થઇ. પરંતુ મને બિચારીને ખબર ન હતી કે તે વેદીમાં મંત્રોચ્ચાર વખતે ઘી હોમાય છે અને બોલાતાં વચનોનો તે સમયે જ ધૂમાડો થતો જાય છે. હું મારા પતિ અને તેના કુટુંબ સાથે બંધાઇ ગઇ. અને મારા ગૃહપ્રવેશ પછી કંઇ કેટલાંય સંબંધોના સ્વરૂપોથી મને આવકારી. આતો છે માત્ર સ્ત્રીના નસીબમાં મેળવવાનું – અને મારા જીવનમાં શરૂ થઇ જાય છે જવાબદારીઓની ઘટમાળ …..

હનીમુનની રાત્રિએ કંઇક વચનોની આપલે થાય છે. કલાકો, દિવસો, મહિનાઓ પસાર થાય છે. પિયરમાં જે નથી મળ્યું તે મેળવવા અને તેનાથી અનેકગણું ન્યોચ્છાવર કરવાનાં સ્વપ્ના સાથે આવેલી આ ચંપા, આ નવવધુ, પાછી શરૂ થઇ જાય છે સોણલા જોવા …..

હવે આ મારું ઘર છે, મારો વર છે, બધુંજ મારું છે. હવે હું મારું ધાર્યુ કરી શકીશ. બધાને પ્રેમ કરીશ. અને બધા મને પ્રેમ કરશે. એ ભ્રમણાનાં વમળમાં અટવાઇ જાય છે. સમય સરતો જાય છે. જીવનની આ ભાગદોડમાં ક્યારેક પતિ કહે છે આ મારું ઘર છે, હું જે કહીશ તે થશે. આ મારા પૈસા છે, તું કમાવા નથી જતી, તારા બાપાએ બાંધી આપ્યા નથી. સાસુ – સસરા, જેઠ – જેઠાણી, દિયર – દેરાણી, નણંદ – નણદોઇ અને ભત્રીજા – ભાણેજા ….. આ બધાં સંબંધોમાં ફંગોળાતી, ક્યાંક કોઇ મારું લાગે ત્યાં હારી, થાકીને વિસામો લેતી, અને રાત્રે પાછી પતિની સોડમાં હાશ અનુભવતી, નવા દિવસની સવારે તાજી-માજી થઇને મારી ફરજોમાં ફંગોળાતી હું, તમને બહેન પૂછી રહી છું કે આમાં મારું સ્થાન ક્યાં છે? મારું અસ્તિત્વ ક્યાં છે? અને ચંપાબેન ફીક્કા હાસ્ય અને સંતોષની લાગણી સાથે પાણીનો ઘૂંટડો ગળે છે અને ખોવાઇ જાય છે પાછા તેમના અતીતમાં …..

મારા જીવનમાં એક વળાંક આવે છે. મારી કોખે ગર્ભ આકાર લે છે. મારા રોમરોમમાં એક નવી ચમક ફૂટે છે. એ નવ મહીના મારી જિંદગીના સર્વોત્તમ હતાં કારણકે મારું બાળક, મારા પતિ અને આખું કુટુંબ મારી સાથે હતું. અને ….. એ  નવ મહિના ગર્ભાધાન અને પછી પ્રસૂતિની પીડા સહન કરી મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ઘરમાં બધાંનો વ્યવહાર મારા માટે બદલાયો. કારણકે મારા ઘર માટે હું વંશવેલો વધારવાનું સાધન બની ગઇ હતી. અને હું પણ બધાંનો દુર્વ્યવહાર ભૂલી જતી. એ તો ભગવાને મને ભૂલવાની બક્ષિસ આપી હતી.

પાછાં સ્વપ્નાની વણઝાર શરૂ ….. ભલે મારું કોઇ નથી, મારો પતિ પણ પહેલાં તેના કુટુંબનો , તેના મા-બાપનો છે. પણ મારો દિકરો હરેશ તો મારો જ છે ને? તેને ભણાવી – ગણાવી, સારા સંસ્કાર આપીને મોટો માણસ બનાવીશ અને મને હાશ થશે ….. એ દિવસની રાહ જોઇને આ ચંપા તડકા-છાંયડા, વાદળ-વંટોળ, ખાડા-ટેકરામાં અથડાતી, કૂટાતી, તેની જુવાનીને કુટુંબ પાછળ સમર્પિત કરીને, તેની ભાવનાઓને હોમી દઇને, સમયનાં વહેણના આવેગમાં ધસડાય છે.

હું થાકી ગઇતી બહેન, પણ મને માત્ર આશા હતી મારા દિકરાની અને હરેશ મોટો થાય છે. ભણીને સ્થિર થાય છે, ત્યારે તેનાં લગ્નની વાત ચાલે છે. મને હતું કે એવી વહુ લાવીશ કે જે મને હુંફ આપશે. પરંતુ બહેન, આ કંઇ થોડું કોઇના કપાળ પર લખેલું હોય છે? અને વાજા વાગે છે …..

દીકરાની સાથે રહીએ છીએ. કંઇક આશાઓ બંધાય છે પરંતુ દીકરો પણ તેની પત્નિ હિરલ, જે તેના મા-બાપના ઘરેથી આવી છે તેને સાચવવા માને હડધૂત કરે છે. મા જૂના વિચારોની છે. તે તેનું મન, વિચારો બદલી નથી શકતી. અને શરુ થાય છે સંઘર્ષ ….. આ મારું ઘર છે, ફાવે તો રહો નહીં તો જાઓ     “ ઘરડા-ઘર “ માં. આ આઘાત મારા માટે અસહ્ય હતો. વર્ષો જાય છે. હવે તો મારા માટે કોઇ રસ્તો જ નહતો. પત્નિ અને માનું મ્હોરું પહેરીને હું હંમેશા ફંગોળાતી. કોઇ મને સમજવા તૈયાર ન હતું. રમણલાલ સાથે નિરાંતની પળોમાં હું ક્યારેક બનતી ઘટનાઓની આપ-લે કરીને વિસામો લેતી. હવે તો એ માત્ર એકજ મારા ઘડપણનાં વડલાનો વિસામો હતાં. બન્ને એક બીજાને હુંફ આપી ને દાં’ડા કાઢતા. એવામાં એમને વિચાર આવ્યો, ચાલને આપણે જાત્રાએ જઇએ. ઇશ્વરનાં સાનિધ્યમાં જીવને હાશ થશે – અને જાત્રાએ જવાનું નક્કી કર્યુ. વહુને હાશ થઇ.

જાત્રાએથી પાછા આવીને જોયું તો ઘરમાં બધું બદલાઇ ગયું હતું. મારી અને એમની તસ્વીર જે દિવાનખાનામાં લટકાવેલી તે ઉતારી લીધી હતી. આમ પુત્રે પહેલાં દિલમાંથી અને પછી દિવાલો ઉપરથી મા-બાપને જાકારો આપ્યો. અહીં રહેવું હોય તો અમારી પધ્ધતિથી, અમે કહીએ તેમ અને અમને ગમે તેવી રીતે તમારે રહેવું પડશે ….. મેં મારા દિકરાને જન્મ આપ્યો, દિકરો માને શિખવાડે છે કે મારે કેવી રીતે રહેવું, ખાવું, ઉઠવું, બેસવું ….. મારું હ્રદય નંદવાય છે ….. ચિત્કાર કરી ઉઠે છે ….. વલોવાય છે. શું મારું, મારું કોઇ નથી?

હે ભગવાન, હું એટલી બધી ખરાબ છું કે તને પણ મારી જરૂર નથી? તો મને પેદાજ શા માટે કરી? મને શા માટે કોઇ પણ જેવી છું તેવી સ્વીકારવા માટે તૈયાર નથી? શા માટે? આનો જવાબ છે કોઇની પાસે? બહેન, કોઇ સમજી શકશે મને? કે જે તેના અસ્તિત્તવની શોધમાં અહીં તહીં ઘડીયાળના લોલક્ની જેમ, સંબંધોનાં ગૂંચવાળામાં ગૂંચવાતી, પોતાનાંજ અસ્તિત્વને સમજી નથી શકતી, તેને કોણ સમજશે?

મને પણ થયું, “हाय! अबला नारी तेरी यही कहनी, होठोंपे मुसकान, आंखोमें पानी.” અને હું ઘરે આવી …..

બીજા દિવસની સવારે ચંપાબેનની પડોશનો છોકરો દોડતો મને બોલાવવા આવ્યો. હું તેમના ઘરે ગઇ. જોયુ તો ….. ચંપાબેન પ્રભુપ્યારા થઇ ગયા હતા.છેવટે ચંપાબેનની પ્રાર્થના પ્રભુએ સાંભળી ખરી. તેમના ચહેરા પર ચિર શાંતિ મેં મહેસુસ કરી. ઘરમાં રૂદનનું વાતવરણ હતુ – સ્વાભાવિક છે. તેમની પુત્રવધૂ હિરલે મને એક પત્ર આપ્યો અને કહ્યું, “રાત્રે માની તબિયત અચાનક બગડી. ઉપરાઉપરી બે એટેક આવ્યા તે પહેલાં આ પત્ર મને તમને આપવા માટે કહ્યું હતું અને પછી તરતજ તેમની આંખો બંધ થઇ ગઇ.”

મેં તેજ વખતે પત્ર વાંચ્યો. તેમા લખ્યુ હતુ, બહેન, મારી માએ મને શિખમણ આપી હતી, “भोज्येषु माता, कार्येषु मंत्री, शयेनेषु रंभा બનીને સાસરીમાં રહેજે. હવે તો તારુ સાસરુજ તારુ અંતિમધામ છે. જ્યાં ડોલી જાય છે ત્યાંથી અર્થી નિકળવી જોઇએ. ઘેર આવે તો તારા વર સાથે આવજે અને પિયરમાં મહેમાનની જેમ રહેજે.” બહેન, મેં મારી માની શિખમણ માની. હવે હું થોડા સમયની મહેમાન છું. મારા પ્રાણ આ ખોળીયું છોડીને ઉડી જશે. અને મારા પતિ જીવે છે માટે આ સુહાગણને સજાવી – શણગારીને સ્મશાનમાં લઇ જશે – અગ્નિદાહ આપવા. બળી જશે આ શબ, ચિતા અને અનેક ચિંતાઓનાં રાફડામાંથી મુક્ત થઇને આખરે રાખ બનીને હાશ અનુભવશે, સ્મશાનમાં …… બહેન, મેં તમને મારી આપવીતી કહીને દુઃખી કર્યા. પણ મારી વાર્તા વાંચીને ઘણી બહેનોને સાંત્વન મળશે ….. કે ભારતીય આર્ય સ્ત્રી આજ હોઇ શકે – અને સાચું કહું બહેન, આજે મને મારું જીવન જીવ્યાનો સંતોષ છે. મેં મારા તમામ સંબંધોનું જતન, પાલન, પોષણ અને સિંચન તન, મન અને ધનથી, મારી તમામ લાગણીઓને પોષીને કર્યુ છે. ફળ ના મળે તેમાં અન્યને હું દોષિત ગણતી નથી. એ તો મારા કર્મનો વાંક છે. હું તમામને માફ કરું છું બહેન, તમે પણ મને માફ કરજો. નમઃ શિવાય.

અને હું મારી આંખોમાં આંસુઓને રોકી ના શકી. મારું મન તેમને નતમસ્તક પ્રણામ કરી રહ્યું. આ ચંપાબેનની કહાણી મને હચમચાવી ગઇ. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.

== કલ્પના રઘુ ==

**********************************************************

N0-9

૨ વર્ષ અમેરીકા રહ્યા બાદ ૨૦ દિવસની અમદાવાદની મારી ટૂંકી મુલાકાતમાં મને અમદાવાદ કેવું લાગ્યું? તે અંગે મારા અનુભવો મેં રજુ કર્યા છે.

“આ છે મારું અમદાવાદ” 

આજના અમદાવાદની સૂરત બદલાઇ છે,

સૂરત સાથે મૂરત પણ બદલાઇ છે,

કહે છે, અમદાવાદ મેટ્રોસીટી બનવા જઇ રહ્યુ છે.

ભડ નરેન્દ્ર મોદીના રાજમાં ફ્લાયઓવરની છે કમાલ,

બી. આર. ટી. એસ.ની સવારીમાં આમ જનતાને છે નિરાંત,

કાંકરીયા તળાવ અને સાબરમતી રીવરફ્ર્ન્ટ જોઇને સહેલાણીઓ કરે છે વાહ! વાહ!

ઉત્સવો અને તહેવારોની બદલાઇ રહી છે સીકલ, આ છે મારું અમદાવાદ.

પરંતુ — પરંતુ નથી બદલાઇ અમદાવાદીની એ સવાર,

જ્યાં મસાલા ચ્હાની ચૂસકી સાથે ગરમાગરમ ફાફડા ચટણી અને જલેબી ખવાય છે,

નથી બદલાયો મંદિરનો એ ઘંટારવ અને આધ્યાત્મિક દોટ,

વહેલી સવારે મોર્નિગ વોક અને કસરત માટે બગીચા ઉભરાય છે,

રંગીન કપડામાં રંગીન મીજાજી અમદાવાદી ઘુમે છે,

ભારતની પચરંગી પ્રજા અમદાવાદમાં સમાય છે, આ છે મારું અમદાવાદ.

અહીં વૈભવી ઇમારતોની ઝાકમઝાળ છે, પણ રાહી ભટકી જાય છે.

માનવ ભાગદોડમાં ભટકાય છે, કોલાહલમાં અથડાય છે.

દિન-રાત ચોરાહે પર ટ્રાફીકજામ દેખાય છે,

સમીસાંજે વાહનોનું કિડિયારૂ ઉભરાય છે,મારામારી ગાળાગાળી હંમેશ જોવા મળે છે,

ચોરી-લૂટ, ખૂન ખરાબાથી ન્યૂઝપેપર ઉભરાય છે,

ક્લબો, હાઇવે, હોટલો, હોસ્પીટલો હકડેઠઠ ઉભરાય છે,

પ્રદુષણનો વરસાદ વરસાવી કુદરત પણ બદલાઇ છે,

સિમેન્ટનાં આ વન-વગડામાં શ્વાસ પણ રૂંધાય છે,

ત્રિસંધ્યા સમયે સ્નાન કરો, તો પણ મેલા થવાય છે, આ છે મારું અમદાવાદ.

પગારધોરણ અને મોંઘવારીની હૂંસાતૂંસીમાં માનવમોલ હારી જાય છે,

મોંઘવારીના ખપ્પરમાં કંઇક ગરીબ હોમાય છે,

મધ્યમવર્ગીય માનવીના બે છેડા માંડ ભેગા થાય છે,

અમીરો પણ મોંઘવારીની જ્વાળામાં લપટાય છે,

આમ સળગતી મોંઘવારીમાં ભડકે બળે છે અમદાવાદ, આ છે મારું અમદાવાદ.

આ જીવન-ચક્કીની ભીંસમાં કંઇક સંબંધો, કંઇક જીવન ભીંસાય છે, ચગદાય છે, મરણને શરણ થાય છે.

ક્યાં છે સમય કોઇની પાસે?

પ્રેમની પરિભાષા પણ બદલાય છે.

નિતનવા ઘરડાઘર ખૂલી રહ્યા છે,

આ છે ઘરેણાં મેટ્રોસીટીના, આ છે મારું અમદાવાદ.

ક્યાં જઇને આ અટકશે?… કોઇ કહેશે?…

હા…આ જીવનચક્ર જરૂર બદલાશે…

ચક્રને બદલાવું જ રહ્યું…

જેમ રાત પછી દિવસ, સંધ્યા પછી પ્રભાત…

એક નવા પ્રભાતની મીટ માંડીને ઉભો છે અમદાવાદી…

ભારતની આ તપોભૂમિને યોગીઓનાં ફળશે આશીર્વાદ…

અંતે તો કહીશ હું અમે અમદાવાદી… અમે અમદાવાદી.

આ છે મારું અમદાવાદ.

કલ્પના રઘુ

************************************************************************************************

N0-8
મિત્રો ,
દિવાળીના દીવડાની જેમ ઝગમગતા બધાજ લખનાર અને વાચનાર, પ્રોત્સાહના આપનાર
અને લખવાનો ઉત્સાહ દેખાડનાર બધા જ અમારા મિત્રોને
દિવાળીના શુભ અવસરે

દિવાળીની મંગળકામના અને નવા વર્ષના અભિનંદન.

નદિવાળી એટલે દીવડાનો તહેવાર ,ઉજાળવાનો ઉત્સવ અને ભક્તિ પૂજા અર્ચના દ્વારા આત્માની જ્યોત પ્રગટવાનો ઉત્તમ અવસર

દીવડા ,મઠીયા ઘુઘરા   ફટાકડાની સાથે

                                                               ‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા’
                                                                             ભાવના ભાવવાનો ઉત્સવ
               આવા નૂતન વર્ષના શુભ અવસરે  સહુ સુખી-સમૃદ્ધ બને. સહુ  શાંતિમય જીવન જીવે એવી ભગવાનને પ્રાર્થના
                        મિત્રો આ સાથે કલ્પનાબેન મોકલાવેલ દિવાળી વિષે નું લખાણ મુકુ છુ જે મીઠાઈ ખાતા જરૂરથી માણજો
                                         અને સાથે રંગોળી  પુરો અને દીવો કરો ત્યારે નવા સંકલ્પ જરૂરથી કરજો

દિવાળી – નવું વર્ષ – નવો સંકલ્પ

પાંચ દિવસોના પાંચ તહેવારોનું ઝૂમખુ એટલેજ દિવાળી. દિવાળીનું બીજુ નામ દિપાવલી છે. દિપાવલી એટલે દિપની હારમાળા. હિન્દુ કેલેન્ડર મુજબ આસોનો અંત અને કારતકની શરૂઆત એટલે દિવાળીના દિવસો. ધનતેરસ, કાળી ચૌદશ, અમાસ એટલેકે દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજ. આ પાંચે દિવસની ઉજવણી પાછળની લોકવાયકા છે….

રામનો રાવણ પરનો વિજ્ય અને વનવાસ પૂરો થવો

ગાય વાછરડાની પૂજા કરવી

કૃષ્ણે ગોવર્ધન ધારણ કર્યો અને અન્નકુટ અર્પણ કરવામાં આવ્યો

વિષ્ણુએ વામન અવતાર ધરીને બલીને હરાવ્યો

પાંડવો વનવાસ અને અજ્ઞાતવાસ પૂરો કરી પાછા આવ્યા

નરકાસુરનો વધ

ધનવંતરી ભગવાનનુ સમુદ્રમંથન દ્વારા પ્રગટ થવું

ખેડુતો પાક લણીને નવા વર્ષ માટે ઇશ્વરને પ્રાર્થના કરે છે

વર્ષની શુભ શરુઆત માટે શ્રીગણેશ પૂજન

વહેપારીઓ ચોપડાપૂજન કરે છે

જ્ઞાનની અધિષ્ઠાત્રી મા સરસ્વતીનું પૂજન થાય છે

સુખ-શાંતિ-સમૃધ્ધિની દાતા મા લક્ષ્મીનું પૂજન કરીને તેનું આવાહન થાય છે

સુવર્ણ, ચાંદીની શુકન માટે ખરીદી થાય છે

યમરાજા અને યમુનાજી – ભાઇ-બહેનનો સાથે ભોજન ભેટ-સોગાદનુ ભાઇબીજનું મહત્વ

આમ ધામધૂમથી પાંચેય તહેવારો ઉજવાય છે

આ માટે હિન્દુઓ

સૂર્યોદય પહેલાં સ્નાન કરી નવા વસ્ત્ર-અલંકાર પહેરે છે

વહેલી પરોઢે સબરસના અવાજથી શેરીઓ ધમધમે છે

ઘર આંગણે સાથિયા, તોરણ, રંગોળી અને રોશની કરવામાં આવે છે

દાન-ધર્માદા કરવામાં આવે છે

મેવા-મીઠાઇથી મિત્રોને સત્કારે છે સુવાળી, મઠીયા, ઘુઘરા અને મીઠાઇ તો ખરીજ

બોણી અને ભેટ-સોગાદો અપાય છે

ફટાકડા ફોડીને અને રોશની કરીને આનંદ કરે છે

આમ આ ઉત્સવોમાં હિન્દુ ધાર્મિક સંસ્કારોનો નિચોડ જોવા મળે છે

માત્ર હિન્દુસ્તાનમાં નહીં, સમગ્ર વિશ્વમાં, માનીલો કે જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં ત્યાં દિવાળી ઉજવાય છે કારણકે વિશ્વ હવે નાનું બનતુ ગયુ છે

તફાવત માત્ર એટલો છે, સમય-સંજોગો પ્રમાણે ઉજવણીનો પ્રકાર બદલાયો છે. આજનો યુવાન જુના ઢાંચામાં બંધયેલો નથી. ઘરડા કહે અને માની લે તે આજની યુવાપેઢી નથી. આ પેઢીને જોઇએ છે ઉજવણી, ધમાલ, બદલાવ અને પૂરાવા….

ઘણા દેશોમાં દિવાળીની સત્તાવાર રજા હોય છે. યુ.એસ.માં પણ દરેક શહેરમાં વસતા હિન્દુઓ ધામધુમથી દિવાળીની ઉજવણી કરે છે. ફટાકડા, રોશની, રંગોળી અને મેળાથી દિવાળી ઉજવાય છે.

જૈન ધર્મમાં મહાવીર ભગવાનને યાદ કરીને દિવાળી ઉજવાય છે

આર્ય સમાજ દયાનંદ સરસ્વતીને યાદ કરે છે.

મારવાડી લોકો પણ નવા વર્ષની ઉજવણી દિવાળીથી કરે છે.

તો મિત્રો, આજથી નવા વર્ષની શરૂઆત થઇ છે.

આવી દિવાળી, લાવી દિવડાની હારમાળા,

જ્યોતથી જ્યોત પ્રગટી, થઇ રોશનીની હારમાળા.

આજે છે બેસતુ વર્ષ, તેને બનાવી દે તુ સરસ.

ઉઠો, જાગો, થયુ પ્રભાત,

પાપણ ખોલો, છોડો પ્રમાદ.

જગતની ઘડીયાળો પોકારે આલબેલ,

હીરા-મોતી કે સોનાથી છે સમય મુલ્યવાન.

આળસુ અજગર જેમ ઉંઘમાં ના કર બરબાદ.

સ્વાર્થ,પ્રમાદ કે સંકુચિતતાને દુર કરી,

સદભાવના અને સદવૃત્તિને પ્રગટાવ.

બીત ગઇ રાત અંધેરી, અબ તો ભોર ભઇ,

ઢંઢોળ તારા આતમને, આત્મપ્રકાશ પ્રગટાવ.

કાળીચૌદશની રાત્રિએ સાધના કરી,

જપ-તપ વડે ઉજાસને પ્રગટાવ.

સત્કર્મમાં ખર્ચીશ પળપળને,

એ સંકલ્પ સાથે આંતરચક્ષુ ઉઘાડ.

મનમંદિર પર આજે ચઢશે સંકલ્પનાં કળશ,

અને દિવાળી ઝળકી ઉઠશે એ સંકલ્પબળથી,

એ રોશનીથી તારું તન મન ઝળહળશે …

જ્યોતથી જ્યોત પ્રગટશે, જગત બનશે ઉજીયારૂ …

ટૂંકમાં દિવાળી એટલે હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા વર્ષમાં પ્રવેશ

મનમંદિરનાં ખૂણેખૂણેથી કચરો સાફ કરીને એટલેકે જૂના વર્ષમાં કરેલી ભૂલો, ખરાબ અને ખોટાં કરેલાં કાર્યો ને યાદ કરીને, અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને ફરી પાછા શુધ્ધતા અને નવા જ્ઞાન સાથે આવનાર ભવિષ્યની જીંદગી માટે સુસજ્જ બનવું. જીવનમાં જે પણ મળ્યું હોય તે બદલ ઇશ્વરનો આભાર માની નવા દિવ્ય ભાવિ માટે ઇશ્વરને પ્રાર્થના કરવી. અને તે માટે શ્રીગણેશ, મા લક્ષ્મી, મા સરસ્વતીની ઉપાસના કરવી. અંતરને ઉજાગર બનાવવું. જીવનની દરેક પ્રકારની કડવાશ દૂર કરીને આવનાર જીવનને મીઠાશથી ભરી દેવું

તો ચાલો આપણે સૌ ઇશ્વરને આ માટે પ્રાર્થના કરીએ.

મારl તમામ વાચકમિત્રોને નવા વર્ષની શુભેચ્છા અને નવા વર્ષનાં અભિનંદન.

———————————————————————--કલ્પના રઘુ-—————————————————-

N0-7

મિત્રો આજે આઠ મી સપ્ટેમ્બર એટલે

“ગ્રાન્ડપેરેન્ટ્સ ડે”રાષ્ટ્રીય દાદા દાદી દિવસ:

પ્રથમ રવિવાર પછી લેબર ડે યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ દાદા દાદી દિવસ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર  રજા માટે આ ઢંઢેરામાં 1978 માં પ્રમુખ જિમી કાર્ટર દ્વારા સહી કરવામાં આવી હતી. સપ્ટેમ્બર તારીખ જીવન ‘પાનખર વર્ષ’ અર્થ માટે પસંદ કરવામાં આવી હતી. આ રજા ત્રણ હેતુઓ ધરાવે છે: દરેક જગ્યાએ દાદા દાદી સન્માન કરવું. દાદા દાદી તેમના બાળકો બાળકો માટે પ્રેમ બતાવવા માટે તક આપી. તો ચાલો  વ્હાલ નો.દિવસ  આપણા  ઘરના વડીલોને માટે ફાળવીએ………આમ જોવા જઈએ તો આપણું સમગ્ર જીવન એમના ચરણો માં જ શોભે  પરંતુ આજના દિવસે એમની મીઠી યાદોને વાગોળી એમના દિવસને લીલો છમ્મ  કરીએ વડીલો માટે સૌથી સરસ સમય એમની પેઠી  સાથે ગાળવાનો હોય છે  લાડલો એમનો ખોળો ખુંદે, પાવન કરે એટલે દાદાનું બોખું મોં આનંદથી હસી ઉઠે ઃબાળકો વૃદ્ધ લોકોને તાકાત આપી શકે તેમ દાદા દાદી તરફથી  ..બાળકોને  હંમેશા લાડ-પ્યાર અને વ્હાલ ઉપરાંત લાગણી ભીની હુંફ મળતી રહી છે અને મળશે અને એટલે જ કહ્યું છે કે વ્યાજ કરતાએ ચક્રવર્તી વ્યાજ વધારે વાહલું લાગે। … તો મિત્રો આજની કલ્પના બેનની કવિતા માણો અને જેમ વાંચશો ને તેમ એવું લાગશે આ તો મારીજ વાત છે……..

 

બા બોલે છે . . .

તુ મારી કોણ છું?

ક્યાંથી આવી મારા ઘરમાં?

અને ક્યાં તુ જવાની છું?

એનાથી અજ્ઞાત છું. પણ . . .

બા–દાદાની નિવૃત્તિની આનંદમયી પ્રવૃત્તિ છું,

જીવનનાં સરવૈયાની ખોટ પૂરવા આવી છું,

એનાથી હું જ્ઞાત છું. તુ મારી કોણ છું? . . .

તારી કાલી ભાષામાં બ્રહ્મનાદ સંભળાય છે,

નિર્મળ પ્રેમ ભરેલા નયનોમાં, ડૂબવાનું મન થાય છે,

તારા નટખટ નખરા જોવા, મનડું અહર્નિશ તરસે છે. તુ મારી કોણ છું? . . .

મા-બાપનો શ્વાસ અને પ્રાણ છું,

આંખોની અમી અને કુળની લક્ષ્મી છું,

દાદાની દુલારી અને બાની બહુ વ્હાલી છું. તુ મારી કોણ છું? . . .

મારા બાળપણને તુ પાછુ લઇ આવી છું,

તારા બાળગીતો મારી નીંદર્યુનાં હાલરડાં બન્યા છે,

આશીર્વાદ સભર હૈયુ, તુજ પર હમેશા વરસે છે,

મારા કુટુંબમાં અવતરી, હું તારી આભારી છું. તુ મારી કોણ છું? . . .

હે મારી સવા વરસની સોનપરી!

હું તને પૂછું છુ, તુ મારી કોણ છું?

તો તુ જવાબ આપે છે, રે . . યા, રે . . યા.

તુ તો મારી રેયા છું.

કલ્પના રઘુ

******************************************************

હરિહરની શરણાગતિ

N0-6

મિત્રો કલ્પના બેનની એક સુંદર કવિતા માણો
 
 મિત્રો કલ્પના બેનની એક સુંદર કવિતા માણો 
કવિતામાં એક સુંદર વાત કરી છે કે …..”પાંચ તત્વોને પાર કરીને, જીવને શીવમાં ભેળવી દે.” તો આ પાંચ તત્વો એટલે શું ?..
આપણુ શરીર પણ આ પાંચ તત્વોનું જ બનેલુ છે. આ પાંચ તત્વો છે.
1. જળ તત્વ 2. અગ્નિ તત્વ 3. પૃથ્વિ તત્વ 4. વાયુ તત્વ અને 5. આકાશ તત્વ
.આ મુળભુત પાંચ તત્વોના મિશ્રણથી જ પૃથ્વિ ઉપર માનવ જીવન શકય છે. દરેક જીવ શિવમાં એકવાર ભળે જ છે.
પરંતુ સામાન્ય માણસ એનો સ્વીકાર નથી કરી શકતો….
જયારે કલ્પનાબેને ખુબ સરસ વાત કરી છે “પ્રભુ તુ કર લે મારો સ્વીકાર, હું તો આવી તારે દ્વાર.”
 અહી જીવન ની વાસ્તવિકતાનો સ્વીકાર છે અને નિર્ભયતા….
“ શિવાનંદમાં હું ભળી જાઉં, એવી કૃપા તુ કરી દે….”
મિત્રો કલ્પનાબેનના મમ્મીની તબિયત સારી નથી તો। ..
તમારા મમ્મીની તબીયતમાં સુધારો હશે. તેઓ જલ્દી સારા થઇ જાય તેવી પ્રભુપ્રાર્થના.
હરિહરની શરણાગતિ-6
 પ્રભુ તુ કર લે મારો સ્વીકાર, હું તો આવી તારે દ્વાર.

જીવન મરણના ફેરામાંથી, મુક્ત થવાને તરસુ છું.

શ્વાસે શ્વાસે હરદમ હું, તારુ નામ રટુ છું.

હરિ તુ હર લે મારા પ્રાણ, હું તો આવી તારે દ્વાર . . . પ્રભુ તુ કર લે.

પાંચ તત્વોને પાર કરીને, જીવને શીવમાં ભેળવી દે.

શિવાનંદમાં હું ભળી જાઉં, એવી કૃપા તુ કરી દે.

હર લે હર હર તુ મહાદેવ, હું તો આવી તારે દ્વાર . . . પ્રભુ તુ કર લે .

કલ્પના રઘુ

 

***************************************************
N0-5
મિત્રો
દાવડા સાહેબ કહે છે ભગવાન શું કામ જન્મ લે તો કલ્પનાબેન પણ સરખો જ સવાલ કરે છે કે પ્રભુ દરવર્ષે તો જન્મ લે છે તો તું છે ક્યા। .?
હું નાની હતી ત્યારે એક ભજન ખુબ ગાતી  હતી। ….
શોધું છું ભગવાન પ્રભુજી શોધું છું  ભગવાન
મારે નથી ધરવું ધ્યાન પ્રભુજી શોધું છું  ભગવાન 
આગળની પંક્તિ ખુબ સરસ છે 
પથ્થર ના મદિર બનાવ્યા 
પથ્થર ના ભગવાન 
બન્યા પુજારી પથ્થર  દિલના 
માટે જડ્યા કદી ન ભગવાન 
કૃષ્ણાવતારને પૂર્ણાવતાર કહે છે, કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે.
કારણ કે જન્મથી માંડીને દેહનો ત્યાગ કરતાં સુધી એમના જીવનમાં જે દિવ્યતા પ્રકાશી ઊઠી છે,
જે પ્રભુત્વ પ્રગટ થયું છે તે બીજા કોઈ માનવ-અવતારમાં થયું નથી
આજ સુધીમાં ભગવાનના જે કોઈ અવતારો થયા છે તેમાં ભગવાન કૃષ્ણનો જન્મ અપૂર્વ છે
 એમના જન્મથી લઈને એમના દેહત્યાગ સુધી, એમના નિર્વાણ સુધી, એક એક પગલે આપણને જીવન જીવવાનો ભવ્ય સંદેશો મળ્યો છે. મિત્રો  તો એ મારો ભજન નો સવાલ હોય,

કે દાવડા સાહેબની ફરિયાદ ,
કે કલ્પના બેનની મુજવણ
એ બધાનો જવાબ કલ્પના બેનની કવિતામાં એક  પંક્તિમાં આવી જાય છે કે
પ્રભુ તું અંદર અને હું શોધુ બહાર !
તો મિત્રો માણો આ કવિતા
અને” બોલો હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી

સરનામુ-5

મને જોઇએ તારું સરનામુ,

આજુ-બાજુ, અંદર-બહાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

સાગર જળમાં ઉંડે ઉંડે,

ક્ષિતિજની પણ પેલે પાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ,

ધરા, કંદરા, ડુંગર ઉપર,

શોધુ સર્વ જગતમાં તુજને . . .

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશે,

મુજમાં, સર્વ જનોના હૈયે,

શોધુ ચારેબાજુ  તુજને . . .

આકાશવાણીથી જાણ્યું મેં,

શ્રાવણ વદ આઠમની મધરાતે,

વાસુદેવ-દેવકીથી જન્મીને,

તુ નંદ-યશોદા ઘેર પહોચે છે,

એ છે, તારું સરનામુ . . .

કાનુડા, એ છે, તારું સરનામુ.

હું પણ કેવી ગાંડી ઘેલી !

કસ્તુરી મૃગલાની જેમ,

તું અંદર અને હું શોધુ બહાર !

મને મળી ગયું તારું સરનામું.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી . . .

હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી . . .

કલ્પના રઘુ

********************************************************************

મારા વીરાને-4

 આજના શુભ દિવસે એક કવિની બે પંક્તિઓ યાદ આવે છે

પવિત્ર સંબંધના પ્રતિક સમો રક્ષાબંધન તહેવાર

“ચોતરફ રંગો ઉમંગો થી ભર્યું વાતાવરણ

લાગણી બસ લાગણી છે કયાં  છે કોઈ આવરણ ..?”

 કોઈ પણ જાતના આવરણ વગરનો ભાઈ બેનનો નિર્મળ પ્રેમ

 મને યાદ છે, ભાઈ  તારી સાથે રમવું ઝગડવું અને રિસાઈ જવું પછી તું મનાવે તો માની જવું ,અને તેમ છતાં બધામાં નર્યો પ્રેમ જ નીતરતો હોય..

ભાઈ બેન એટલે સંવેદના સંવેદના અને  લાગણી.પછી એક નાનો  બાળ હોય કે કૃષ્ણ ભગવાન .આ એક જ બંધન એવું છે જે દરેક ઈચ્છે .આપણા સૌની સંવેદનાઓ કલ્પનાબેને નીચેના કાવ્યમાં   વ્યક્ત કરી  છે તો મિત્રો એને માણો

  આવા શુભ અવસરે ,આજે બધી બહેનોના  ભાઇઓ અને ભાઇઓની  બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! .

મારા ભાઈઓ ને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

મારા વીરાને

હું તો બાંધુ હેતથી રાખી, મારા વીરાને . . .

રંગીન સપનાનો શહજાદો મારો ભઇલો,

તેના સપના કરે સાકાર, મારો શામળીયો. મારા વીરાને . . .

પ્રીતના રંગે રંગાયેલી રાખી,

પ્રેમ નીતરતી બાંધી રાખી,

જેનો ભાઇએ કર્યો સ્વીકાર. મારા વીરાને . . .

સેલુ ફાડીને કાનાને બાંધ્યો ને,

દ્રૌપદીનાં પૂર્યા ચીર કાનાએ,

એ રાખીના ધાગામાં, બંધાય મારો વીરો. મારા વીરાને . . .

આ ભાઇ-બેનની પ્રીતડી સદાય ઘૂંટાતી રહે,

એક-બીજા માટે બંદગી કરતી રહે,

સુખ-શાંતિ, અને રહે સમ્રુધ્ધિ,

દિર્ઘાયુ બનીને રાજ કરે. મારા વીરાને . . .

રક્ષા-કવચ બની રહે, આ અનમોલ રાખી,

એ અરજી, આજના દિને. મારા વીરાને . . .

કલ્પના રઘુ

            *************************************************************

આવન – જાવન     -કલ્પના રઘુ

Aug13                                                                                          NO-3

 મિત્રો

આજે કલ્પના બેનની લખેલી એક સુંદર કવિતા   વિષય કદાચ સામન્ય  લાગે પરંતુ વાંચતા દિલ એક  અલૌકિક પ્રેમ ની લાગણી અનુભવે જે આંખે થી વહી જાય તોય ખબર ના પડે. આપણી ભારતીય સંસ્કૃતિમાં આમ જોવા જઈએ તો કોઈના  …..પ્રેમના પરિમાણને માપવા માટે  જે માપદંડથી મપાય છે તે છે રાધા અને કૃષ્ણ તીવ્ર વિરહમાં મિલન અને તીવ્ર વિરહની ભાવના દર્શાવવી હોય તો ‘રાધા–કૃષ્ણનીસનાતન પ્રેમ કથા જ કહેવી પડે……અહી ,આ માત્ર એક રાધા એક મીરાં ની વાત નથી પરંતુ સમગ્ર સૃષ્ટિની સ્ત્રી ની સંવેદના ની વાત છે અહી દેરક સ્ત્રી કે કલ્પનાબેન એક કાનાની રાધા કે મીરાં  છે। …એમાં વિરહની વ્યથા થી પ્રેમને સર્વોચ્ચ આવિષ્કાર  અને અંતે તો  એ દિવ્યતાની વાત છે . દરેક સ્ત્રી એના કાના વિના અધુરી છે તો ચાલો   પ્રેમ ના સ્વચ્છ અને માર્જિત રૂપ ને આ કવિતા માં માણીએ  .

આવન – જાવન

મારા અંતરના આવાસે હું શ્યામ સાવ એકલી . . .

શાને કરે આવન જાવન? આંખોમાં છે એજ સૂનાપન,

હૈયુ કરે આભાસ, હું શ્યામ સાવ એકલી.

તારા જાવનમાં છે આવનની તડપન,

તડપનમાં મહેસુસ કરુ હું દિલની ધડકન,

ધકધક કરતું દલડું થંભે,

તે પહેલાં તુ આવ, હું શ્યામ સાવ એકલી.

હવે તો સાંભળ, બંધ કર આ સંતાકૂકડી,

તું જીત્યો હું હારી,

મારી હારમાંજ મારી જીત છે,

હવે તો ના તડપાવ, હું શ્યામ સાવ એકલી.

ભલા હું ને તું ક્યા અળગા છીએ?

આતો છે એક અહેસાસ,

મારા અંતરના આવાસે, તારી પધરામણી . . .

મને સંભળાય છે અનાહત નાદ, હવે હું નથી એકલી.

પ્રભુ માનું તારો આભાર,

શ્યામ માનું તારો આભાર, હવે હું નથી એકલી.મારી હારમાંજ મારી જીત છે,

.હવે તો ના તડપાવ, હું શ્યામ સાવ એકલી.

ભલા હું ને તું ક્યા અળગા છીએ?

આતો છે એક અહેસાસ,

મારા અંતરના આવાસે, તારી પધરામણી . . .

મને સંભળાય છે અનાહત નાદ, હવે હું નથી એકલી.

પ્રભુ માનું તારો આભાર,

શ્યામ માનું તારો આભાર, હવે હું નથી એકલી

કલ્પના રઘુ

*******************************************************************
No-2
મિત્રો
કલ્પનાબેન ની કવિતા  મારે 3જી તારીખે રજુ કરવી હતી એમના દીકરાના જન્મદિવસે   પરંતુ મારા કોમ્પ્યુટર ગુરુ રિસાય ગયા હતા , એટલે આજે રજુ કરું છું .અહી કવિતામાં રઘુ એટલે તેમના પતિના નામનો ઉલ્લેખ છે અને આકાર એમના દીકરાનું નામ છે ,લક્ષ એમના દીકરાની વહુનું નામ ,
રઘુની કલમે કલ્પનાના  વિચારને આકાર મળીયો  અને તેઓ લક્ષ થકી પામ્યા   નિત્યાનંદ
 સૌથી વધુ જો મને ગમ્યું હોય તો તે છે
” નિજમાંથી નિકળી નિજને મળવા, નિત્યાનંદ બની ખોવાઇ ગયું ” એટલે શું કદી લોપ ન પામે તેવો શાશ્વત આનંદ,
 બ્રહ્માનંદને  પામવા  આપણે  સહુ એ” હું કંઈ નથી “એ વાત ને પામવાની છે.
દેખાય છે સરળ પરંતુ   છે છે મોટી વાત તો મિત્રો આ વાંચીને તમરા વિચાર જરૂરથી .–

હું તો કંઇજ નથી-2

હું તો કંઇજ નથી . . .2010- KRS kalpana raghu

શરૂ થઇ સપનાની વણઝાર . . .

લક્ષને મળ્યો આકાર, હું તો કંઇજ નથી.

રઘુની કલમે, શબ્દને મળ્યો દેહ, હું તો કંઇજ નથી.

કલ્પનાની પાંખે ઉડવા લાગી, સપનાની વણઝાર, હું તો કંઇજ નથી.

દિવસ પછી રાત અને રાત પછી દિવસ,

સપનાએ સાકાર થવા, ઉંચી ભરી ઉડાન.

અને સાત સમંદર પાર થઇ ઉડવા લાગી, ઉડવા લાગી . . .

સપનું થઇ ગયું ગગનભેદી, ઉડી ગયુ આકાશ, હું તો કંઇજ નથી.

નિજમાંથી નિકળી નિજને મળવા, નિત્યાનંદ બની ખોવાઇ ગયું . . .

અંતે હુંમાં ભળી ગયું . . . હું તો કંઇજ નથી . . .

કલ્પના

**********************************************************************

no-1
મિત્રો આજે મારો પરિચય પસ્તક પરબની બેઠકમાં  કલ્પનાબેન રઘુ શાહ સાથે થયો.
જેની પાસે દ્રષ્ટી,વિચારો અને શબ્દો છે. અને કલમની તાકાત પણ .મિત્રો કલ્પના નામને સાર્થકતા તમે એની દરેક લેખની માં જોશો.એમની પાસે વિચારો છે તો તેમના પતિ રઘુ એમની કલમ.એક જ બેઠકમાં બધાનું ધ્યાન ખેચી જાય તેવી વાણીમાં એવી સુંદર રજૂઆત કરી કે હું તો શું  સહુ એને સાંભળતા જ રહ્યા  તો ચાલો આજે એવી શીધ્ર લેખિકા ને મળીયે। ….
કલ્પના બેન આપનું “શબ્દોનુંસર્જન “પર  સ્વાગત છે .
કલ્પનાની આ કલ્પના છે-1
શબ્દમાં ભાવ પ્રવેશે અને સુવિચાર બની જાય
વિચાર જો  વાણી બને અને સંગીત બની જાય
કલમ અને કાગળ મળે અને લખાણ બની જાય
શબ્દોનું સર્જન સહિયારું સર્જન બની  જાય
તો લેખો લાખાણો જ્ઞાન ની ધારા બની જાય
માં સરસ્વતી અમારા હૃદયે સદાય વસી જાય
પ્રજ્ઞાચક્ષુ  ખુલે ને લેખન કાર્યમાં વિજય મળી જાય
કલ્પનાબેન રઘુ શાહ
Advertisements

6 Responses to કલ્પના રઘુ

 1. Kunta Shah says:

  અતિ સુંદર!

  Like

 2. suresh & Bharati says:

  very good

  Like

 3. Arati and Bhavesh Damania says:

  Your Anahat Chakra is opening.You are listening to your inner voice. Your poetry is replete with spiritual joy!
  Arati and Bhavesh

  Like

 4. Pingback: Happy Birthday કલ્પનાબેન | શબ્દોનુંસર્જન

 5. kunta says:

  Happy birthday!

  Like

 6. Padmaben shah says:

  kalpanaben really i have enjoyed your all the poems and articles from the begining to end today you are very intelligent person to write and speak perfect knowledge of gita and lots of sanskrit shloks. I always anxious to read your articles. …..Padmaben K.Shah
  Sunnyvale.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s