સપનાભરી શામે-ગઝલ-જયશ્રી મરચંટ

સપનાભરી શામે-ગઝલ

તા. ૯/૧૮/૨૦૧૫   સ્થળઃ ઈન્ડિયા કમ્યુનીટી સેંટર, મીલપીટસ, કેલિફોર્નિયા

શાયરાઃ શ્રીમતિ સપના વિજાપુરા

શાયરઃ શ્રી મહેશભાઈ રાવલ

સંચાલન અને રજુઆતઃ જયશ્રી મરચંટ

આજની સાંજ ખૂબ જ વિશિષ્ટ છે, મારા માટે. સહુ પ્રથમ તો પ્રજ્ઞાબેનનો આભાર કે આજના ખાસ મહેમાન, મારી ફેસબુક સખી, કવિયત્રી સપનાની ગઝલો અને આદરણીય ડો. મહેશભાઇની ગઝલોની આ મહેફિલનું સંચાલન કરવાનું કામ મને સોંપ્યું.  

ક્યારેક મને થાય છે કે સંચાલકનું કામ મુશાયરામાં કેમ રહ્યું હશે? દરેક ગઝલકાર પોતાની રચનાને સંકલિત કરીને રજુ કરવા સક્ષમ હોય છે. મેં એકવાર આવા જ એક મુશાયરાનું સંચાલન કરવાનું મને જ્યારે સોંપવામાં આવ્યું, ત્યારે મેં ત્યાં હાજિર શાયરોને પૂછ્યું તો એકે કહ્યું “આ વાત જાણે એમ છે કે ઓડિયન્સને ગઝલ ન ગમે તો સંચાલક પણ જો સ્ટેજ ઉપર હોય તો ફેર પડે!” હું થોડીક વધુ મૂંઝાઈ, “કેમ અને કેવી રીતે ફેર પડે?” તો શાયર બોલ્યા, “ઓડિયન્સ જો ટામેટાં કે ઈંડા ફેંકે તો બિચારો ગઝલકાર એકલો સ્ટેજ પર શું કરે? આ તો તમારા જેવા ખમતીધર સંચાલક હોય તો એની પાછળ શાયર સહેલાઈથી સંતાઈ શકે!”

અહીં એવું તો કંઈ નથી થવાનું, કારણ કે, એક તો આપ સહુ જેવું સમજદાર ઓડિયન્સ છે અને બીજું સપનાની ગઝલ હોય અને મહેશભાઈની ગઝલોમાં ન ગમવાનું કોઈ કારણ હોઈ જ ન શકે.

“વાત તો ગઝલની છે, ન ગમવાનુ કારણ જ છે ક્યાં?

વાત તો અફવાની છે, ન શમવાનુ કારણ જ છે ક્યાં?”

સૌ પ્રથમ સપનાને ખૂબ જ વ્હાલભર્યો આવકાર આપતાં અત્યંત આનંદ અનુભવું છું. સપનાની ગઝલો અને કવિતાને એના બ્લોગ પર અને ફેસબુક પર વાંચતી ત્યારે થતું કે એ હ્રદયની સચ્ચાઈની શ્યાહીમાં બોળીને એક એક અક્ષર લખે છે. સપનાની ગઝલની ખૂબી એ છે કે એની ગઝલના પ્રત્યેક શેરમાં આગવા મિજાજને જાળવીને, વાચક/ભાવકના પોતાના ભાવવિશ્વને લાગણીની એકસૂત્રતાથી બાંધે છે. પ્રથમ પંક્તિના ગઝલકાર શ્રી જલન માતરી કહે છે કે “ગઝલના દરેક શેર એક એકમ હોય છે છતાંયે એક સાંગોપાંગ સારી અને સાચી ગઝલ એને જ કહી શકાય કે દરેક એકમ – શેર –ની આગવી ઓળખ જાળવીને, દરેક શેર ગઝલના શરીરને સોષ્ઠવ આપે, નૂર બક્ષે. સારી અને સાચી ગઝલમાં બે લાક્ષણિકતાઓ હોય છે, સંકેત અને સંક્ષેપ. સારો ગઝલકાર સંકેત અને સંક્ષેપને આર્વિભૂત કરવા માટે ભાવપ્રતિકો યોજે છે અને આ ભાવપ્રતિકો જો ભાવક અને વાચકના અંતરમનમાં ઉતરી જાય તો સમજજો કે સારી ગઝલ રચાઈ છે”.

સપનાના ભાવપ્રતિકો લાજવાબ હોય છે કારણ કે એની ગઝલના દરેક શેર, એક સ્વતંત્ર એકમ તરીકે સંકેત અને સંક્ષેપને આગવી રીતે રજુ કરે છે. જેમ કે,

હોય છે જીવ ઈંટ પથ્થરમાં ને માટીમાં,

એમ સમજીને સજાવી હું સદન રાખું!”

પાનું ૧

આ શેર પછી તરત જ બીજો શેર છે તે જુઓ તો આ વાતની પ્રતિતી થશે કે કેટલી સહજતાથી સપના એક જ ગઝલના શેરમાં ભાવપ્રતિકોને પોતાના કરીને, તમારા સુધી, તમારા બની જાય એવી રીતે રમતા મૂકી દે છે,

“આગમન મૃત્યુ તણું નક્કી જ છે એથી,

હું હંમેશાં સાચવી ઘરમાં કફન રાખું!”

આવા સુંદર ભાવપ્રતિકોવાળા બીજા બે શેર ટાંકું છું.

“ચાંદની રોતી રહી છે રાતભર,

એ જ જળ ઝાકળ બની પડતું રહે!”

“વીજના ચમકારથી કંપે છે એ,

આ હ્રદયનું સસલું ફડફડતું રહે!”

તો, આ સપના છે કોણ? શાયરાની જ દિલની વાત, એની ખુદની જુબાની સાંભળોઃ

“સપના હિન્દુ ના મુસલમાન છે
સપના તો દોસ્તો એક ઈન્સાન છે!!!”

એક સ્મિત દુઃખીને આપી તો જુઓ
મફતનું કામ કરવું જોઈએ

આ શાયરા એક ઈન્સાન પહેલાં છે અને તે પણ કેવી ઈન્સાન કે જેને કોઈ દુઃખીને સુખ આપવા માટે મોટી મિરાત નથી જોઈતી, બસ એક લાગણી સભરનું સ્મિત, જે પોતાપણાથી સામેનાને ભીંજવી દે અને એનું દુઃખ ભૂલાવી દે!

સપનાની ગઝલમાં ઈશ્કેમિજાજી અને ઈશ્કેહકીકીનું સંમિશ્રણ સપ્રમાણ થયું છે. એમની ગઝલનો આ શેર એનું પ્રમાણ આપે છે.

“એક સપનું સાચું પડે તો!

આવા મન તારું કરે તો?

ચાંદની ઓઢી આવું છું હું,

આજ મધદરિયે તું મળે તો!

આંખોમાં આંખો, હાથમાં હાથ,

ને ગઝલ મીઠી મધ બને તો!”

આવી પ્રતિભાશાળી શાયરા આજે આપણી વચ્ચે છે તો સપના, આવો અને આજની મહેફિલની રંગત જમાવો.

“ગઝલ છે, આપ છો, ને આ નવોઢા સાંજ છે, લ્યો તો વાર શી?

સમો બાંધે અહીં દરેક શેર, તો, હવે પછી રાત શું કે સવાર શી?”

સપના, આપની ગઝલોની રિમઝિમમાં ભીંજવી દો..

મહેશભાઈ ન તો નવું નામ બે એરીયા માટે છે, ન બેઠક માટે કે ન તો ગુજરાતી ગઝલ માટે. એમનું સર્જન એમની “સ્વ”થી “સર્વ” સુધીની સફરની સાહેદી પૂરે છે. નિજાનંદ માટે લખનારી એક પેઢી હવે તો બે પેઢી પહેલાની થઈ ગઈ છે ત્યારે આ શાયર ખુમારીથી કહે છે કેઃ

“લખું છઉં એ ગમે છે અને ગમે છે એ જ લખું છું”

કોઈનીયે સાડીબાર રાખ્યા વિના આ કાઠિયાડી ભડભાદર કવિ, કડવી વાતોને, અનુભવોને બળવાખોર ગઝલમાં ઢાળે છે પણ સાથે ગઝલના પોતનું રેશમીપણું અને મુલાયમતા સાથે કોઈ સમજોતો આ શાયર થવા દેતા નથી કે નથી ગઝલના છ્ંદમાં કોઈ ખામી આવવા દેતા. એમની શિરમોર સમી ગઝલો મહેશભાઈના સિધ્ધહસ્ત શાયર હોવાની સાહેદી પૂરે છે. મહેશભાઈની ગઝલો હું જ્યારે પણ વાંચું છું ત્યારે મને “જલન” માતરી સાહેબની યાદ આવે છે. જલનસાહેબ એમના બળવાખોર શેર માટે જાણીતા છે પણ એમના જેવા શાયર પાસેથી “આહ” અને ‘વાહ” બેઉ સાથે નીકળી જાય, એવા નજાકત ભરી ગઝલો પણ મળી છે.

જલનસાહેબ ના એકાદ બે શેર અહીં શેરની નાજુકાઈ માટે ટાંકવાનો લોભ જતો નથી કરી શકતી.

“વાત સાચી હોય તો, કહી દો, રહો ના ભારમાં,

સાંભળ્યું છે કે પડ્યા છો, આપ મારા પ્યારમાં!”

“હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,

મારા મનથી પાપ મારા કોણ જોવાનું હતું?”

મહેશભાઈની બળવાખોર ગઝલ હોય કે પછી જીવનન કડવા સત્યને આલેખતી ગઝલ હોય, એમની ગઝલના શેરની નાજુકાઈ, સરળતા અને સહજતા ઉંચી કક્ષાની છે.

“નથી ભૂલી શકાતા ભૂલવા જેવા ય કિસ્સાઓ,

સ્મરણ સહુ ખૂલતા દેખાય ત્યારે મૌન પાળું છું”

“સૌમ્ય સાલસ સાહજિકતા ભીતરી સૌંદર્ય, ને,

સાદગી શણગાર હો તો બારણાં ખુલ્લા જ છે!”

મહેશભાઈના આ બે ચાર શેર જુઓ તો આ વાત એકદમ આંખે ઊડીને વળગે છે કે શાયરની સંવેદનશીલતા અને ગઝલની સમજણમાં કેટલી સંવાદિતા છે.

“ન બોલે કશું તો આંખ બોલે,

ને આંખ આખો ઈતિહાસ બોલે!”

“ઉઘાડો પડી જાય માણસ પ્રસંગે,

ગમે તે કરો પણ જાત બોલે!”

મહેશભાઈના શેરમાં જે ભાવની ચમત્કૃતિ હોય છે, તેણે મને “નાઝીર” દેખૈયાની ગઝલોની યાદ અપાવી દીધીઃ

“એ અધવચથી જ મારા દ્વાર પર પાછા ફરી આવે!

 જો એવું માર્ગમાં કંઈ અપશુકન થૈ જાય તો સારું!”

અહીં નાઝીરની ખુદ્દારી તો જુઓઃ

“હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઇ દૂર નથી,

હું માગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી!

મહેશભાઈની ગઝલના આ શેર એમની ખુદ્દારીની સાક્ષી પૂરે છે.

“નક્કર ખુમારી કોઈની મોહતાજ હોય નહીં,

તમને અહમ લાગે છે તે સિધ્ધાંતવાદ છે!”

“હોવા છતાં હોવાપણું હોતું નથી અહીં હસ્તગત,

૫હોવાની હર ચક્ચારથી નીકળી જવાનો છું હવે!”

—————————

ગઝાલ માટે ઘણું કહેવાયું છે અને કહેવાતું રહેશે. ગઝલતત્વને અરબીમાં તગઝ્ઝૂલ કહે છે, જે અભિવ્યક્તિનો રંગ છે. અરબીના શાબ્દિક અર્થ પ્રમાણે એ રંગ સ્ત્રીઓ સાથેની વાતચીતનો ભલે હોય પણ એનો અર્થ એવો પણ કરી શકાય કે સંભાળપૂર્વક, નરમાશથી અને નાજુકાઈથી વાત કરવામાં આવે છે,-જો કે એવું દરેક વખતે રોજિંદા જીવનમાં કેટલું  થતું હોય છે એ માટે તો “બાંધી મૂઠ્ઠી લાખની” જ છે – તો, એની સંભાળ ગઝલના શેર લખવામાં લેવાની હોય છે. વાત મુદ્દાસરની તો હોય દરેક શેરમાં, પણ ભાષા કર્ણપ્રિય, સરળ, મધુર અને ભાવગર્ભિત હોવી જોઈએ, એ તકેદારી શાયરે રાખવી જ પડે છે. આ તકેદારી જ ગઝલનો મિજાજ બાંધે છે.

ગઝલમાં જે પણ કહેવાય તે આત્મલક્ષી હોય એવું જરુરી નથી જ પણ સુધી કોઈ ભાવ કે વિચાર શાયર પોતાની જાત સાથે તાણાવાણાની જેમ વણી ન લે ત્યાં સુધી વજનદાર અને અર્થપૂર્ણ શેર લખી શકાય નહીં. સપના અને મહેશભાઈની ગઝલો આ કારણ સર જ સાંભળનારાઓને પોતાની લાગે છે.

તો આજે આટલી સુંદર ગઝલોની મહેફિલ જમાવી દેવા માટે સપનાનો અને મહેશભાઈનો આભાર.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s