બેઠકનું આયોજન –પ્રજ્ઞા દાદભાવાળા,
સંચાલન:પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.
સેવા અને સહકાર -રમેશભાઈ પટેલ,સતીશ રાવલ ,તસ્વીર –રઘુભાઈ શાહ
સમાચાર પ્રસારણ: રાજેશભાઈ શાહ,રેડિયો પ્રસારણ –જાગૃતિ શાહ,નેહલ રાવલ
ધ્વની પ્રસારણ અને સંચાલન : દિલીપભાઈ શાહ .
“પુસ્તક પરબ” એજ “બેઠક”-
2012 મા પ્રતાપભાઈ પંડ્યા ના સૌજન્ય થી પુસ્તક પરબ શરુ કરેલ પછી “બે એરીયા ગુજરાતી સમાજે” પુસ્તક આપ્યા અને પુસ્તક પરબને નવું સ્વરૂપ આપ્યું” બેઠક” આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો પ્રયાસ રૂપે “બેઠક”ની શરૂઆત થઇ અને બે એરીયામાં રહેતા ગુજરાતી ભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ…જેના.ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું કાર્ય બેઠકમા થયું. હેતુ છે,પુસ્તક દ્વારા નવા વિચારો સમાજને આપવા અને વાંચન ની સંવેદના ખીલવવાનો.અહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે“નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ સર્જકોએ કેળવવી”.., ગુજરાતી ભાષાની લગોલગ ઉભા રહેવાનો અમારો આ નમ્ર પ્રયત્ન છે. ડો.પ્રતાપભાઈ પંડ્યા, કનુભાઈ શાહ,ડો. દિનેશ શાહ, વિજયભાઈ શાહ, જયશ્રીબહેન મર્ચંટ પ્રેરણાનું બળ બન્યા. વિજયભાઈ શાહના સહિયારા સર્જન અને નૂતન વિષય સાથે સર્જન શક્તિ પણ ખીલવા માંડી, મૌલિક વિચારોએ લોકોનું ધ્યાન આપ મેળે ખેચયું, ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા દિનેશભાઈ શાહ ,દેવિકાબેન ધ્રુવ ,મહેશભાઈ રાવલ, કૃષ્ણ દવે ,આદમ ટંકારવી ઉષાબેન ઉપાધ્યાય,અનિલ ચાવડા, બળવંતભાઈ જાની ,ભાગ્યેશભાઈ જહા , જેવા સાહિત્યકારો , લેખકો અને કવિને બેઠકમાં આમંત્રણ આપી સર્જન ને યોગ્ય દિશા આપવાનો મારા પ્રયત્ન હજુ ચાલુ જ છે..
ક્યારેક ગઝલનો વર્કશૉપ રાખ્યો તો ક્યારેક વાર્તા સ્પર્ધા પણ યોજી. બાળકો દ્વારા નરસિંહ મહેતા આદિકવિ નસિહ મહેતાને સંગીત દ્વારા પ્રસ્તુત કરી ગુજરાતી સાહિત્યને જીવત કર્યું તો લેખકો દ્વારા ક્યારેક ઝવેરચંદ મેઘાણી, કલાપી તો ક્યારેક નરસિંહ જેવા કવિ ની કવિતા નો આસ્વાદ કરાવી સાહિત્યના પાના ઉખેડ્યા. “બેઠક”ની માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. જેના ફળ સ્વરૂપે પુસ્તક સર્જાયા,
આપ સર્વે આદર થી તેને વખાણશો – વધાવશો તો લખનાર ને પ્રોત્સાહન મળશે.
“બેઠક” વિષે
દર મહિને મળતી પુસ્તક પરબને મળ્યું નવું સ્વરૂપ… “બેઠક”પરબમાં કાવ્યપઠન,વિચારો અને લખાણો વાંચન પૂરતા માર્યાદિત હતા,તેને મોટો મંચ આપી, કોઈએ વાચ્યું હશે,અનુભવ્યું હશે તે સર્જન દ્વારા રજુ કરશે.
તેમજ હવે”શબ્દોનાસર્જન”https://shabdonusarjan.wordpress.com/માં લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરશે.’બેઠક’ લખવા માટે લોકોને પ્રેરશે,ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરશે,બે એરિયાના ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને પ્રતિભા ને મંચ આપી લોકો સમક્ષ રજુ કરશે ટુકમાં લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો સેતુ -એટલે ‘બેઠક’
‘બેઠક’માં ઔપચારિકતા કરતા નિકટતા વધુ છે.મારું કામ વાચક સર્જક અને પ્રક્ષકોને મેળવવાનું છે.બેઠકના સર્જકો પાસે વિચારો છે સાથે લખવાનો સંઘર્ષ પણ ,મહત્વની વાત એ છે કે કોઈ પ્રયત્ન છોડતા નથી ,કામ નાના પાયા પર થાય છે, ‘બેઠક’ વાંચનાર ની અનુભૂતિનું સર્જન છે.અહી લખનાર દરેક વ્યક્તિ પહેલા વાંચે છે,અનુભવે છે અને અનુભવ્યા પછી કલમને ઉપાડે છે.
પરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે.પુસ્તકોમાં પાના ફેરવી જતા લોકો વાંચતા થયા છે ત્યારે મને પરદેશમાં ગુજરાતી ભાષા જીવંત છે તેવું લાગે છે,અહી નું આયોજન મુક્ત રહી… કહી પણ પુરવાર કર્યા વગર માત્ર નિજાનંદ માટે છે હું એક ‘બેઠક’ના આયોજક તરીકે માનું છું કે અતિશય બુદ્ધિમતા પ્લાનિંગ અને આયોજન કરી લખનાર વ્યક્તિ સારો સર્જનકાર ન થઇ શકે.’બેઠક’ બોલાવવી,લેખો છાપવા,પુસ્તકો પ્રકાશિત કરવા એ માત્ર પ્રેરણાના બળ છે, કોઈ નામના કે પૈસા કમાવાની કે ફંડ ઉભો કરવાની વૃતિ નથી.લખનાર વ્યક્તિ અત્યારે પોતાના સ્તર મુજબ લખે છે, અત્યારે માત્ર સાહિત્યનો સ્પર્શ માત્ર દેખાશે,હું માનું છું કે આજના હૃદયમાંથી નીકળેલા અનુભૂતિના શબ્દો ભવિષ્યમાં સાહિત્ય જરૂર બનશે…આપણી ભાષાને વાંચન,લેખન અને રજૂઆત દ્વારા જીવંત રાખવાનો ‘બેઠક’નો અમારો નમ્ર પ્રયત્ન છે.વાચકો ,સર્જકો પ્રક્ષકો,જાણતા અજાણતા સાહિત્યના પાના ઉખેડે છે.વડીલો જે પરદેશમાં પોતાની માતૃભાષાને શોધતા હતા તેમના માટે ‘બેઠક’ગોળના લાડવા છે,મારો પ્રયત્ન માત્ર ધરબી રાખેલું બહાર કાઢવાનો છે,બેઠકમાં સંખ્યાનું મહત્વ નથી,હાજરી કે આંકડાની વાત ક્યાંય નથી,જેને મન થાય તે ભાષાને શોધતા આવે છે અને ન આવી શકે તો પોતાનું લખાણ જરૂર મોકલે છે ત્યારે મને ‘બેઠક’બોલાવ્યાની સાર્થકતા લાગે છે.
બ્લોગ વાંચીને મિત્રો પ્રતિભાવ આપે તો સારું લાગે છે. એનાથી એ જાણવા મળે છે કે બ્લોગ દ્વારા કેટલા મિત્રો સાહિત્યના સંપર્કમાં છે. બાકી, સર્જન અંગેનો પ્રતિભાવ તો જે તે કૃતિના સર્જકને અર્પણ છે. કારણ કે હું તો માત્ર કૃતિને બ્લોગ પર મૂકી સાહિત્ય રસિકો સુધી પહોંચાડવાનું જ કામ કરું છું. પ્રશંસાના સાચા હકદાર તો મૂળ સર્જકો જ છે.
‘બેઠક’પરદેશમાં ભાષાપ્રેમી ગુજરાતી માટે જીવનને પુષ્ટ કરતુ પરિબળ બને,અને માતૃભાષાના સંવર્ધન અને વિકાસનો એક પ્રયત્ન પણ બની રહે તો મને એક નીમ્મિત થયાનો સંતોષ જરૂર થશે.
પ્રજ્ઞા દાદભાવાળા
નથી રાખ્યો અમે કંઇ ઔપચારિક ભાર બેઠકમાં
બધાનો છે અહીં ખુલ્લા દિલે,આવકાર બેઠકમાં
વધાવી છે અમે ભાષા અહીં, વાંચન ને સર્જનથી
બધાની લાગણીનો છે સહજ, સ્વીકાર બેઠકમાં
વિચારો છે પ્રયત્નો છે અને સંઘર્ષ પાયામાં
કલમ સહુની, કરે છે શબ્દને શણગાર બેઠકમાં
પરબ છે પુસ્તકોનું, ને ભર્યો છે જ્ઞાનનો દરિયો
સતત ઉભરાય છે ઊર્મિ તણો ભંડાર બેઠકમાં
ભરાતી હોય છે જાણે અહીં સાહિત્યની પરિષદ
ગઝલ ને ગીતનો ગુંજી રહ્યો રણકાર બેઠકમાં
લખો,લખતાં રહો કાયમ, લખાવો અન્ય પાસે,બસ
મારો એજ આગ્રહ હોય છે, હર વાર બેઠકમાં
કલમ જો કેળવાશે તો પછી, એ તમને કેળવશે
અને અભિવ્યક્તિમાં પણ આવશે નિખાર, બેઠકમાં
*************************************************************************
ચારણ સાહિત્ય જ રૂડું, શૂરા સંત જ જ્ઞાન
છે પાવન સંભારણું, જાણે જ સુધા પાન
માત સરસ્વતી રીઝે, લોક ઉરે તમ ગાન
પોંખીએ સારસ્વતો, ‘બેઠક’ દે સન્માન
રમેશ પટેલ -આકાશ દીપ
વહાલાં સાહિત્યરસિક મિત્રો,
ગુજરાતી ભાષાનો મધુરો ‘બા ‘ શબ્દ આપણે માની ગોદમાં બોલતા શીખ્યા,હાલરડાં સાંભળી મીઠી નીન્દરમાં પોઢ્યા,બાળવાર્તાઓ,અચકો મચકો કારેલી,આવરે વરસાદને એવા તો અગણિત બાળકાવ્યો અને જોડકણા આપણી ગળથુથીમાંથી લોહીમાં વહેતા રહ્યાં છે.આપણા કાન ગુજરાતી ભજનો,ગરબા ,દુહા ગીતો ગઝલોનું સંગીત સાંભળી ડોલી જાય છે.આવી માતબર માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન ‘બેઠકમાં થાય છે.’બેઠક’ના સૂત્રધાર પ્રજ્ઞાબેન ‘શબ્દોનું સર્જન’ના બ્લોગમાં સૌને ગુજરાતીમાં લખવા માટે સોનેરી તક પૂરી પાડે છે.સુંદર પુસ્તકોનું વાચન થાય અને નવા નવા વિષયો પર સર્જનકર્મ થાય.’બેઠક’ને રસભરી, આકર્ષક જીવંત રાખવાનું શ્રેય મહદ અંશે પ્રજ્ઞાબેન અને સદાય સહકાર આપતા મિત્રોને જાય.
‘બેઠક’ના સભ્ય હોવાનું મને ગોરવ છે.’બેઠક’માં ગુજરાતીનું ખમીર છે ,અહી બોલાય ,સંભળાય,ગવાય ,હસાય અને ખવાય ગુજરાતી.અસલી ગુજરાતી ચહેરો સસ્કુતિ અને ભાષા પણ અમેરિકન રંગ વર્તાય.પરદેશમાં વતનનો મહોલ,જ્ઞાન સાથે મનોરંજન,અને માતૃભાષાની માવજત ‘બેઠક’ની સુવાસ છે.બગીચામાં રંગ બેરંગી
ફૂલો પર બેસતી મધમાખી મધપૂડામાં મધ એકઠું કરે તેમ ‘બેઠક’નાં સભ્યો ગુજરાતીમાં નવુંનવું સર્જન કરી ગુજરાતી સાહિત્યમાં મધનું સંવર્ધન કરે છે.બેઠકે વાચકોમાં પોઢેલી સર્જનાત્મક આકાંક્ષાને જગાડી તેમને લખતા કર્યા ,માઈક્રોફિક્શન,અછાન્દસ જેવા નીતનવીન પ્રયોગો કરી નવું સર્જન કરવાની પ્રેરણા આપી છે.વાર્તા હરીફાઈઓ દ્વ્રારા સર્જકોને પ્રોત્સાહન અપાય છે.પ્રજ્ઞાબેન ,વિજયભાઈ,હેમાબેન ,પ્રવિણાબેન સૌની જહેમતથી ગુજરાતી ભાષાના સવર્ધનનો મહાગ્રન્થ પ્રગટ થયો છે.આ મહાગ્રન્થના 12000 હજાર પૃષ્ઠોમાં અમેરિકામાં વસેલા ગુજરાતી નાનામોટા અનેક લેખકોના સહિયારા કાર્યની ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નોધ લેવાય છે.
‘બેઠક’માં સૌ ગુજરાતીપ્રેમીને આવકારો છે.અહી દેશ -પરદેશના કવિઓ ,સાહિત્યકારોની કુશળતાનો લાભ મળે છે.તેમના સન્માન થાય છે,તેમનાં વ્યાખ્યાનો ગુરુની ગરજ સારે છે.પ્રજ્ઞાબેનની નમ્રતા દાવડાસાહેબ ,જયશ્રી બેન અને મને પણ ગુરુ માને છે.મારે મન હું ગુજરાતી ભાષાના વટવૃક્ષને લીલુંછમ રાખતું એક માત્ર લીલું પાન છું.નરસિહ ,મીરાંથી આરંભાયેલી માતૃભાષા ગુજરાતીના
વિકાસ અને સંવર્ધનની જવાબદારી પ્રત્યેક ગુજરાતીની છે,એ આપણા હદયનો અવાજ છે ,આત્માની આરત છે અને વર્તમાનનો પડકાર છે.’બેઠક’ માં આવો ,ગુજરાતીપણું માણો,માતૃભાષાનું સન્માન કરો અને ગોરવથી શિર ઉન્નત રાખો.
તરુલતા મહેતા 14મે 2016
સુંદર બ્લોગ
સાહિત્યની સરસ સેવા કરો છો
અભિનંદન
LikeLike
વિશ્વ ગુજરાતી ભાષા દિને આપની પ્રવૃત્તિઓ વિશે પરિચય થયો. આપ સહુ ગુજરાતી પ્રેમીઓને કોટિ કોટિ વંદન, શુભેચ્છાઓ અને અભિનંદન
LikeLike
વાહ. બેઠક વિશે જાણીને આનંદ થયો. પ્રદેશથી દૂર રહીને મા ની ભાષા માટે મચી પડેલાં સૌને પ્રણામ. સાદ દેજો, અમે સાથે જ છીએ.
LikeLike
I want to join in this group
LikeLike