કલ્પના રઘુ દ્વારા
હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં માનવ જાત ઉપર કહેર કરી રહ્યો છે. સમૂહમાં થતી પ્રાર્થનાની તાકાત વધી જાય છે અને ઈશ્વર સુધી પહોંચે છે, એ આશયથી યુએસએ કેલીફોર્નીયામાં 2012થી ગુજરાતી ભાષાના સંવર્ધન માટે ચાલતી “બેઠક” જેના સંચાલક પ્રજ્ઞા દાદભાવાલા અને સહસંચાલકો રાજેશ શાહ અને કલ્પના રઘુ છે. તેઓના સંચાલન હેઠળ વિશ્વમાં પ્રાર્થના વહેતી કરવા માટે માર્ચ 30, 2020 શુક્રવારની સાંજે જગત કલ્યાણના ભાવ સાથે બેઠકના સભ્યો દ્વારા વર્ચ્યુઅલ બેઠક બોલાવીને વારાફરતી પ્રાર્થના રજૂ કરવામાં આવી. ટેકનોલોજીનો લાભ લઈને સૌ સભ્યો ઓનલાઇન મળ્યાં.
પ્રજ્ઞા દાદભાવાલાએ કહ્યું, બેઠકનો ઉદ્દેશ માળાના 108 મણકાની જેમ 108 પ્રાર્થના સૌના અવાજમાં વિશ્વભરમાંથી સંકલિત કરીને યુ-ટ્યૂબ પર મૂકવાનો છે. આ વર્ચ્યુઅલ બેઠકમાં નાના બાળકોથી માંડીને સિનિયરોએ શ્લોકો, વેદની ઋચા, ગીતાનો 18મો અધ્યાય, સર્વ ધર્મ પ્રાર્થના અને શાંતિ પાઠ રજૂ કર્યા હતા. કેટલીક પ્રાર્થના સ્વરચિત હતી. જેઓ વર્ચ્યુઅલ બેઠકમાં આવી શક્યા ન હતા તેમની રેકોર્ડ કરેલી પ્રાર્થનાઓ રજૂ કરવામાં આવી હતી.
અંતમાં ગુજરાતી સમાજના અગ્રણી શ્રી સુરેશ પટેલ(મામા)એ કહ્યું કે તેમના બે પુત્રો ડોકટર છે અને કોરોનાગ્રસિત લોકોની સેવા કરી રહ્યા છે. તેઓ ઘરમાં ક્વોરન્ટાઇન છે. તેમણે સંદેશો આપ્યો કે, ઘરની બહાર નિકળો તો કોરોના નામનો રાક્ષસ રાહ જોઈને જ ઊભો છે. વળી જયશ્રી મર્ચન્ટે કહ્યું કે સિનિયર લોકોએ ઘરમાં જ રહેવું. ત્યારે જાહેરાત કરવામાં આવી કે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા હવેલી, જૈન દેરાસર, સ્વામીનારાયણ મંદિર તેમજ અનેક સંસ્થાઓ અને લોકો તૈયાર છે. પ્રાર્થનામાં વિવિધતા હતી પરંતુ ભાવ જનકલ્યાણનો અને આવી પડેલી કુદરતી વિપદમાંથી ઉગરવાનો હતો.