કયા સંબંધે? (23)પી. કે. દાવડા

કયા સંબંધે?

છેલ્લા થોડા વર્ષોથી સંબંધો સંકોચાઈ રહ્યા છે. Single Child Norm માં આજે લોકોને મામા છે તો માસી નથી, ફઈ છે તો કાકા નથી, અને ક્યારેક કાકા, મામા, ફઈ કે માસી કોઈપણ નથી. આજે અમેરિકામાં ઉછરતા ભૂલકાઓ પૂછે છે કે મમ્મી કાકા એટલે તારા ભાઈ કે પપ્પાના ભાઈ?

એ સિવાય પણ છૂટાછેડા અને ફરી લગ્ન સામાન્ય થયા છે. આને લીધે નવા સંબંધો ઉમેરાયા છે. એકવાર કનૈયાલાલ મુનશી એ લીલાવતી મુનશીને કહેલું, “જરા જો તો તારા, મારા અને આપણા લડી રહ્યા છે.”

વર્તમાન સમયમાં પ્રવર્તતા સંબંધો વિષે મેં થોડા છપ્પા લખ્યા છે.

“દાવડા”સમાજમાં ફેરફાર થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,

સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,

રોજે  રોજ  સંબંધ  બદલાય, મૂળ  સંબંધમાં  લાગી  લાય.

 

કાકા  મામા અંકલ  થયા, મામી  માસી  આંટીમાં   ગયા,

કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,

દાવડા  સંબંધોની  ચોખવટ, લાગે સૌને  ફાલતુ   ઝંઝટ .

 

દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,

અર્ધા  ભાઈ ને  અર્ધી બહેન, હવે  નથી એ મારો વહેમ,

બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.

 

સંબંધની  વ્યાખ્યા  બદલાઈ, નથી  જરૂરી કોઈ સગાઈ,

સંબંધો  સગવડિયા  થયા, નફા  તોટાના  હિસાબે રહ્યા,

સંબંધોની ન રહી કોઈ જાત, નાત  જાતને  દીધી  માત.

 

ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,

દાવડા સરકારી કાયદો ફરે, પાંચ  વર્ષનો  કરાર જે  કરે,

ઇન્કમ ટેક્ષમા  છૂટ અપાય, જેથી  થોડા સંબંધ સચવાય.

અંતમાં સુરદાસે કહેલું જ માનવું પડે કે, “સબસે ઊંચી પ્રેમ સગાઈ”.

-પી. કે. દાવડા

4 thoughts on “કયા સંબંધે? (23)પી. કે. દાવડા

  1. બેઠકમાં આપને સાંભળવાની મજા આવી.સત્યને ખુબ સુંદર રીતે પ્રકાશમાં લાવ્યા.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.